ઝારખંડ જવા નીકળેલા 20 પરપ્રાંતિયોને પોલીસે આણંદ રેલવે સ્ટેશને અટકાવ્યા


આણંદ, તા.20 મે 2020, બુધવાર

લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે ખેડા નજીકના ગોબલજ ખાતેની એક ફેક્ટરીમાં કામ કરતા આશરે ૨૦ જેટલા પરપ્રાંતીય શ્રમિકો પગપાળા પોતાના વતન ઝારખંડ જવા નીકળી ગયા બાદ આણંદ શહેરના રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચતા પોલીસે આ શ્રમિકોને અટકાવ્યા હતા. 

આ અંગે વહીવટી તંત્રના અધિકારીઓને જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફેક્ટરીના માલિક સાથે વાત કરી આ તમામ શ્રમિકોને વાહન મારફતે પુનઃ ગોબલેજની ફેક્ટરી ખાતે મોકલી આપી અઠવાડિયામાં ઝારખંડ મોકલવાની વ્યવસ્થા કરાશે તેવી હૈયાધારણા આપતા મામલો થાળે પડયો હતો.

લોકડાઉનનો ત્રીજો તબક્કો ગત તા.૧૭ મેના રોજ પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા તા.૩૧મી મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. લોકડાઉનને લઈને વિવિધ ધંધા-રોજગાર ઠપ્પ થઈ જતા પરપ્રાંતીય શ્રમિકોની હાલત કફોડી બની છે. સરકાર દ્વારા સ્પેશ્યલ ટ્રેન મારફતે પરપ્રાંતીય શ્રમિકોને તેઓના વતન મોકલવાની કામગીરી હાથ ધરાઈ હતી. જો કે ઓનલાઈન કામગીરી હોઈ પરપ્રાંતીય શ્રમિકો માટે આ કાર્યવાહી ઘણી કઠિન હોવાથી હજી પણ કેટલાક પરપ્રાંતીય શ્રમિકો જે-તે સ્થળે અટવાયા છે. આવા જ એક કિસ્સામાં ખેડા નજીકના ગોબલજ ખાતેની એક ફેક્ટરીમાં છેલ્લા ઘણાં દિવસથી અટવાઈ પડેલ આશરે ૨૦ જેટલા શ્રમિકો આજે સવારના સુમારે પોતાના વતન ઝારખંડ જવા માટે ચાલતી પકડી હતી. તેઓ ચાલતા-ચાલતા આણંદ શહેરના રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચતા પોલીસે તેઓને અટકાવ્યા હતા. દરમ્યાન પુછપરછ કરતા શ્રમિકોએ ફેક્ટરીના માલિકે કાઢી મુક્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. જેથી વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેઓએ ફેક્ટરીના માલિક સાથે વાતચીત કરતા ફેક્ટરીના માલિકે જણાવ્યું હતું કે કોઈપણ મજૂરને ફેક્ટરીમાંથી કાઢી મુકવામાં આવ્યા નથી. પરંતુ શ્રમિકોએ જ વતન જવાની જીદ પકડી હતી અને પગપાળા નીકળી ગયા હતા. જેને લઈ વહીવટી તંત્ર દ્વારા તમામ શ્રમિકોને સમજાવી એક વાહન મારફતે પરત ફેક્ટરી ખાતે મોકલી અપાયા હતા. સાથે સાથે આગામી એક સપ્તાહમાં વહીવટી તંત્ર દ્વારા આ તમામ શ્રમિકોને વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે તેવી હૈયાધારણા અપાઈ હતી.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Tph6tJ
Previous
Next Post »