અનાવૃત - જય વસાવડા
લૉકડાઉનમાં રૂપથી રૂપિયા, ફૂડથી ફિલ્મ બધું ઘરમેળે રહે તો કોરોના ખાવા બહાર કોણ જાય ? એવું- લડવાનું ય પરસ્પર. ભારત જેવી અનુકૂળતા બીજા દેશોને નહોતી. કોઈ અફાટ રણમાં ગરમીમાં શેકાતા હતા, તો કોઈ આકરા હિમશિયાળાની ઠંડીમાં !
ભારત પર પહેલું નોંધપાત્ર વિદેશી આક્રમણ કયું ? મોહમ્મદ ગઝનવી.
મોહમ્મદ સાથે એ વખતે એક ગણિતજ્ઞા અને ઈતિહાસકાર ભારતમાં આવેલો. એક પરદેશીની આંખે એણે પહેલી વખત હિન્દુઓનું ભારત જોયું. ક્યારેક આપણા માટે રોજીંદુ કોઇને નજરમાંથી સ્વાભાવિક છટકી જાય, એ બહારનાને ઉડીને આંખે વળગે. અલ્બેરૂના પુસ્તક 'અલ્લેરૂનીઝ ઇન્ડિયા'ના નિરીક્ષણો પર તો સરસ લેખ થાય છે. પણ - આપણી ગયા 'સ્પેકટ્રોમીટર'થી 'સ્વદેશી' ઝંડાધારીઓની માંડેલી વાત અધૂરી છે.
અલ્બેરૂનીએ ભારતની જે બે મુખ્ય ખામી નોંધી, એમાં ગઝનવીની લૂંટફાટ જ નહિ - આવનારા - હજાર વર્ષોની ગુલામીનું નિદાન પણ મળી જતું હતું. આજે જોઈએ તો ઇતિહાસકાર ભવિષ્યવેતા થઈ ગયો હતો.
એણે નોંધ્યું 'આ પ્રજા બહુ મિથ્યાભિમાની છે. અમે જ સર્વશ્રેષ્ઠ (વિશ્વગુરૂ એવો પડઘો ક્યાંથી સંભળાયો ?) એવું માની બહારની દુનિયા સાથે સંપર્ક કેળવતી નથી. સાહસિક પ્રવાસો કરતી નથી, ને નવું શીખતી નથી ! એના પુરોહિતો પોતાનું વર્ચસ્વ સ્થાપવા એમના જૂના વારસાના અદ્ભુત ગ્રંથોમાંથી બધી વૈજ્ઞાાનિક આધુનિક ગણાય એવી વાતો બાજુએ રાખીને ઘેનમાં રહેવાય એવી ધાર્મિક બાબતોમાં એને ગૂંચવી નાખે છે. (આ તો આજના રેડિકલ જેહાદી ઇસ્લામ માટે કેટલું ચોટડૂક લાગુ પડે છે !) અને બીજું જાણીતું કારણ : નાત-જાત, છુટા-છુટા રાજ્યો, રહેણી કરણી, ભાષા વગેરેનાં પારાવાર વિભાજન અને આંતરિક ઊંચનીચ, ખટપટ, કજીયાખોરી છે. દાર્શનિક ઉપદેશો કરતા જ્ઞાાતિવાદનું જોર વધુ છે.
ઓકે. અહીં આ વાત પર પડદો પાડીને પૂછીએ કોલંબસ મસાલાની ગંધે ભારત શોધતા અમેરિકા પંહોચ્યો અને વાસ્કો દ ગામા ભારત પહોંચ્યો - પણ આરબ દલાલોને માલ વેંચી સંતોષ પામતા ભારતીયો કદી યુરોપની ખેપ કરવા કૂતુહલથી પણ ગયા નહિ ? ક્યુ એન સાંગ કે ઇવ્ન બતૂતા ભારત પહોંચી જાય, પણ વેપાર સિવાય કોઈ જીજ્ઞાાસુ ભારતીય પ્રવાસી ધરતી ઘમરોળવા નીકળે નહિ ? ભારત કટ ઓફ કેમ રહ્યું હજારો વર્ષો વિશ્વથી ?
કારણ ? કારણ એ કે ભારત 'આત્મનિર્ભર' હતું ! રાજકીય રીતે તો એક રાષ્ટ્ર હતું નહિ. મજબૂત રાજાઓ વિદાય લે એટલે સામ્રાજ્યો સંકોચાઈ જતા સાંસ્કૃતિક વૈવિધ્ય છતાં એક અદ્રશ્ય અકથ્ય ચેતના ભારતને એક એકમ અનેક રાજા રજવાડા છતાં બનાવતી હતી. એ હતી આસ્થા-ભક્તિ. શિવ, શક્તિ, રામ, કૃષ્ણ વગેરેની આરાધના. મંદિરોની શૈલી બદલાય, ભાવ નહિ. રસિકતા, વીરતા અને માનવતાનું કમાલ કોમ્બિનેશન હતું. બે બાબતો ઉમેરાય : વિસ્મયથી સત્ય શોધવું (ખગોળથી વનસ્પતિ અને કામક્રીડાથી નીતિ ધર્મ સુધી) અને સંતુલિત, પ્રકૃતિ સાથે સહજ રહી થતું અનાસક્ત (ડિટેચ્ડ) કર્મ જ્ઞાાનમાર્ગી બની ચાલુ રાખવું !
આ છ બાબતો જીવનમાં વણાઈ ગયેલી. ત્યારે શિલ્પ, નૃત્ય, સંગીત, સાહિત્ય બધામાં મૌલિક કળાઓ હતી. પંચાંગથી આયુર્વેદ સુધીના સંશોધનો હતા. મૂળ સ્વરૂપ 'ઓપન લર્નિંગ'નું હતું. સંપત્તિ યાને લક્ષ્મી દેવી હતી અને આકર્ષણનો કામ દેવ હતો. જેને વિદ્યાભ્યાસની ભૂખ હોય તે ગુરૂ શોધે. આશ્રમમાં જાય. વર્ણો વિભાજન જે કામ કરતા હોય, જે ટેલન્ટ હોય એ મુજબ. જન્મ મુજબ નહિ, ને વૉટરરાઇટ કમ્પાર્ટમેન્ટ કે અસ્પૃશ્યતા નહિ. સ્વયંવરના સ્નેહલગ્નો ય એકાધિક. (મોર ધેન વન).
પણ બાકીની જનતા શું કરે ? ખેતી, પશુપાલન અને હૂન્નર. સ્કિલ. કોઈ પણ સર્જકતા સ્વતંત્રતા સિવાય ખીલે નહિ. સેન્સરશિપમાં પ્રોડકટિવિટી વિક્સે, ક્રિએટીવિટી નહિ. ભારતમાં બેઉ વિકસી. કારણ કે જગતમાં દુર્લભ કુદરતી અનુકૂળતા હતી.
બરફનો હિમાલય, રાજસ્થાનનું રણ, લાંબો દરિયાકાંઠો, ફળદ્રુપ જમીન. બધે અલગ અલગ જમીનને મોસમ. ટમેટાંથી સ્ટ્રોબેરી વિદેશથી આવેલા વાવેતર અહીં લોકલ થઈ ગયા ! લાકડું ય વિપુલ. જંગલો ને ભરપૂર મીઠાં પાણીની વિરાટ નદીઓ. સોનું, લોખંડ, કોલસો બધા ખનીજો ય નીકળે. રેતી, નમક, કાચ પણ. ગુલાબી પથ્થરથી આરસપહાણ પણ ! જગતની ભાષાઓ ઘડાતી હતી, એ અગાઉ સુવ્યવસ્થિત વ્યાકરણ ધરાવતી ભાષા. એમાં અવનવી ઇમેજીનેશન એન્ડ ફેન્ટેસી ધરાવતું સર્જન. હાથી-ઘોડા-સિંહ-વાઘ- ગાય-બકરી પણ દેશમાં જ. કાપડનો કપાસ અને ગળીના રંજકરંગો ય. ઘડતર કરનાર કારીગરો ને ભણતર આપનાર વિદ્યાપીઠો પણ ! રંગબેરંગી ફુલો અને નર-નારીઓ.
ટોટલ સેલ્ફ સફિસ્યન્ટ નેશન ! પૂર્ણ આત્મનિર્ભર ભારત. સ્થાનિક જ મોજડીથી પાઘડી સુધીનું બને. સ્વાદથી સૌંદર્ય ઉપલબ્ધ થાય. લૉકડાઉનમાં રૂપથી રૂપિયા, ફૂડથી ફિલ્મ બધું ઘરમેળે રહે તો કોરોના ખાવા બહાર કોણ જાય ? એવું- લડવાનું ય પરસ્પર. ભારત જેવી અનુકૂળતા બીજા દેશોને નહોતી. કોઈ અફાટ રણમાં ગરમીમાં શેકાતા હતા, તો કોઈ આકરા હિમશિયાળાની ઠંડીમાં ! ન બધા પાક થાય, ન બધી ક્રાફ્ટ વિકસે. જંગલીઓની જેમ લડવાનું. ભાષાના ઠેકાણા નહિ ત્યાં રાગ-રાગિણી-નૃત્ય- ચિત્ર- જેવી કળા ક્યાંથી હોય ! બીજા દેશો સ્વનિર્ભર નહોતા. આજે ય ઘણા ટચૂકડા યુરોપ- એશિયા- આફ્રિકાના દેશો નથી. ફ્રુટ એક દેશનું આવે ને ફેશનેબલ કપડાં બીજા દેશના. લોકલ ચોકલેટ મેળવતા દમ નીકળી જાય.
એટલે બીજી પ્રજાઓ બહાર નીકળી. સાહસિક થયા. વખાના માર્યા નવું શોધતા ગયા. આપણે ધરાયેલા પેટે ટોટલ આત્મનિર્ભર થઈ પેટે હાથ ફેરવતા આરામ કરતા ગયા. ડિટ્ટો સસલા-કાચબાની વાર્તા. સસલાને ઘેન ચડયું, કાચબો આગળ નીકળ્યો. અરબી દેશો સાથે ય એ જ થયું. ફાઇનલી, બધા દેખાવ પૂરતી કપડાં-તહેવાર-ગીત- ખાનપાન જેવી અડધીપડધી (હા, પૂરી એમાં ય નહિ) સંસ્કૃતિ સાચવતા 'વેસ્ટર્ન' થતા ગયા. ને વેસ્ટર્નાઈઝડ દેશો ઇનોવેશન પર ઇનોવેશન રેનેસાંની વિજ્ઞાાનક્રાંતિ પછી કરતાં ગયા. હિન્દુ-મુસ્લિમો ફસ્ટ્રેશનમાં ગપ્પાબાજી, પ્રાચીન વારસાનું મિથ્યાભિમાન અને ઝનૂની અહંકારી થઇને મનોમન પશ્ચિમના વિરોધી થવા લાગ્યા.
વાતો કર્યા કરવાથી માણસને જીવવામાં ઉપયોગી થાય એવું કશું શોધાય નહિ. ચશ્મા હોય કે ઘડિયાળ, પેન્ટ હોય કે બ્રા, ટીવી હોય કે મોબાઇલ, ગન હોય કે કાર... ને સ્વદેશી ચહેરો ય ચડાવે રાખવો પડે. જે દંભનો માસ્ક બની જાય. એટલે લાઉડસ્પીકરોમાં અઝાન ગૂંજે, યોગના વિડિયો બને એવું સગવડિયું સમાધાન ચાલ્યા કરે. કુરાન-હદીસ કે મનુસ્મૃતિ-આયુર્વેદના જૂના ગ્રંથોના વાક્યેવાક્ય અત્યારે સતત બદલતી ગતિશીલ પરિવર્તનશીલ દુનિયામાં ચાલે જ નહિ. ને સુધારા કરાય એટલી મોકળાશ કે રિસર્ચ રાખ્યો ન હોય, ઉલટું સવાલો પૂછનારને ગર્વિષ્ઠ ગુમાનથી ને થોડુંક તડજોડિયું સ્યુડોસાયન્સ ભેળવીને ચૂપ કરી દેવાનો કે ઉડાડી દેવાનો હોય. માટે વચ્ચે પ્રગતિની લિન્ક જ ન રહી. મૂળિયામાંથી ડાળી સહજ વિકસવા ન દો, તો પછી કૃત્રિમ પ્લાસ્ટિકના ફુલો લગાડવા પડે !
આત્મનિર્ભરતા, પૂર્ણ સ્વદેશી આત્મનિર્ભરતાનું સ્વપ્ન એ રીતે અભિશ્રાપ બને. નવી ચેલેન્જ કે નવી કલ્ચર સાથેનું કનેકશન કટ થાય, નવું જ્ઞાાન આવે નહિ. કર્મ પછી લીંબાઢાળ થાય, એડજસ્ટમેન્ટ ફાવે નહિ. કારણ કે વર્ષોથી 'એકલશૂરા' રહેવાની ટેવ પડી ગઈ હોય. જેમ પવન કે પ્રકાશ વિના વાઇરસગ્રસ્ત થઇ માંદા પડાય કે ચામડું બગડી જાય, એમ પોતાના ખાબોચિયામાં ગ્લોબલ વિઝન વિના પડયા રહેવાથી સંકુચિતતા આવે. અગાઉ સાત સમંદર પાર જનાર કે અંત્યજને અડનાર નાતબહાર મૂકાતા, હવે લવ મેરેજ કરનાર કે મોબાઇલ વાપરનાર પર હોહા થઇ જાય છે. યાદ રાખો, ઇમિગ્રન્ટસ વિના અમેરિકા ય મહાસત્તા ન હોત !
માટે શુદ્ધ સ્વદેશી આત્મનિર્ભરતા નીંભર બનાવી દે, ને વહેતુ પાણી પકડી ન શકાય મુઠ્ઠીમાં પણ થીજી ગયેલો બરફ તોડી શકાય એમ પરાજીત કરી શકે. આપણે છેલ્લા હજાર વર્ષનો ઇતિહાસ એકલ-દોકલ અપવાદો સિવાય મોટે ભાગે પરાજયનો ઇતિહાસ છે. ભાવથી આપણે હારેલાઓને વીર નાયક- નાયિકા તરીકે પૂજીએ, પણ રાજ વિજેતાઓ જ કરતા હોય છે. વારંવારની હારને ન સ્વીકારતું મન પેરેલલ ફેક ન્યુઝ જેવી અર્ધસત્યોને તોડેલી મરોડેલી હિસ્ટ્રી સર્જવા લાગે ને 'સામેવાળા શત્રુ' ન હોય તો કાલ્પનિક ઉભા કરી, એને ગપ્પાથી હરાવવાનો ઝેરી સંતોષ લે ! પણ જીતવા માટે જરૂરી નિષ્ઠા, પ્રામાણિકતા, સમર્પણ, શીખવાની ને ભૂલ સ્વીકારવાની અને સારું સાચું બધેથી ગ્રહણ કરવાની વૃત્તિ ન કેળવે !
ઇરાન હોય કે ઇન્ડિયા આ જ ચાલુ છે.
સદ્નસીબે વડાપ્રધાને એમના આત્મનિર્ભર ભારતના સ્વપ્નમાં ક્યાંય આવી જૂનવાણી રૂઢિચુસ્ત સ્વદેશીની વાત કરી જ નથી. એમના વિઝન મુજબ ને પેકેજ મુજબ જે ઉત્પાદન વધશે, એના ગ્લોબલ ખરીદારો વધે, તો જ વધુ પૈસો આવે ભારતમાં ! આપણા અર્થતંત્રમાં અત્યારે એટલો પૈસો નથી. બહારથી આવે તો તાકાત આવે ! માટે ૧૦૦ ટકા એફડીઆઈ છે. બે લેખ વચ્ચે રિલાયન્સે વધુ એક અમેરિકન કંપની જનરલ એટલાન્ટિકનું ઈન્વેસ્ટમેન્ટ લીધું ! ચીનમાં જતી બહુરાષ્ટ્રીય કંપનીઓ વાયબ્રન્ટ ગુજરાતની જેમ ભારતમાં બોલાવવી છે. એમાં ફોરેનનું બધું હડે હડે ક્યાંથી પોસાય ? એ મેસેજો પણ અમેરિકન ગૂગલ, યુટયુબ, ટ્વીટર, વોટ્સએપ, ફેસબૂક પર ફેરવવા પડે. આવા પ્લેટફોર્મ આપણે ય બનાવી લઈશું એ સાંભળવામાં સારું લાગે. પણ કોમનમેનને ય ખબર છે, આપણી કથની-કરણીના અંતરની, ગયા રવિવારે લેખ છપાયો, એ સાથે જ સ્વદેશી વેન્ટીલેટર હાઈ એન્ડ દર્દીઓના યુઝમાં બરાબર ન હોવાના સમાચાર પણ છપાયા !
ક્વોલિટી ઈન્ટરનેશનલ બનાવો, પછી કોમ્પિટિશન થાય. ત્યાં સુધી થાગડથીગડ સમાધાનો થાય. કેમ અપવાદો બાદ કરતા ક્વોલિટી ઈન્ટરનેશનલ હોતી નથી, કે હોય ત્યાં કોઈક ફોરેન કનેકશન હોય છે. પતંજલિ સ્વદેશીમાં ભારતની ચેમ્પીયન એફએમસીજી બ્રાન્ડ બની. પણ એની પાછળ યુવાન આદિત્ય છે. જે લંડન કિંગ્સ કોલેજમાં ભણ્યો છે ! સ્વંય ગાંધીજી, સરદાર, નેહરૂ, સાવરકર, પણ વિલાયતમાં જ ભણેલા ને ! એવું શું છે 'પશ્ચિમ'ની ધરતીમાં ?
સિમ્પલ ચેઈન છે. પહેલા ક્યા અને શિક્ષણની સંયુક્ત ક્રાંતિ (રેનેસાં), પછી એના નેકસ્ટ નેચરલ સ્ટેપ તરીકે વૈજ્ઞાાનિક ક્રાંતિ - સાયન્સ એન્ડ રિસર્ચ. અને ત્રીજું પગથિયું - એ બેઉ ક્રાંતિમાંથી બ્રાન્ડસ ને સીસ્ટમ બનાવી કાનૂની ક્રાંતિ. સીસ્ટમ સેટઅપ. રૂલ્સ એન્ડ જ્યુડિશ્યરી પછી ઔદ્યોગિક ક્રાંતિ, ઈકોનોમિક રિવોલ્યુશન અને પછી આ બધાની સંયુક્ત અસરમાં થાય સામાજીક ક્રાંતિ !
અસલી વિકાસની, મહાસત્તા નિર્માણની આ અપર અનિવાર્ય ચેઈન છે. આર્ટિસ્ટિક-એકેડેમિક, સાયન્ટિફિક, જ્યુડિશ્યલ, ઈકોનોમિક રિફોર્મ્સથી સોશ્યલ ચેન્જ. આપણે કાયમ જેમ એનું શીર્ષાસન કરીએ છીએ. ઉંધેથી ઈકોનોમિક રિફોર્મ્સ શરૂ કરીએ. પણ શૈક્ષણિક ને ન્યાયતંત્રના સુધારા કરીએ જ નહિ. કરીએ તો ઠાગાઠૈયાવાળા ને કરપ્ટ. સત્તાધીશોના કેસ પણ કોર્ટમાં વર્ષોના વર્ષો ચાલ્યા કરે. હવે તો નામદાર ન્યાયાધીશો નિવૃત્તિ બાદ જાહેરજીવનમાં આવી જાય છે. પણ ઝડપી, પારદર્શક, નિષ્પક્ષ ન્યાય માટેના તળિયાઝાટક સુધારા કોઈ રાજકીય પક્ષને માફક ન આવે. ઈલેકશન પોલિટિક્સ પર પોતું ફરી જાય. ખુદે શહીદ થવું પડે ને આત્મનિર્ભર બનવા માટે પાયો તો આત્મનિર્ભર શિક્ષણ છે.
આપણી રાજકારણથી ખદબદતી અને આયન રેન્ડની ભાષામાં સેકન્ડ રેટર્સ ફર્સ્ટ ગ્રેડર્સ પર જોહૂકમી કરી એવી શિક્ષણ સંસ્થાઓમાંથી દુનિયામાં ડંકો વગાડે એવી છે જ નહિ. દર વર્ષે લાખો સ્ટુડન્ટસ બહાર ભણવા માઈગ્રેશન કરી જાય છે. પછી બહુ ઓછા પાછા આવે છે ! રટ્ટામાર પરીક્ષાઓ, માર્કસનું (અને પ્રોફિટનું ય) માસ પ્રોડકશન. સ્વતંત્ર વિચારના ઈમેજીનેશન કે પ્રેક્ટિકલ નોલેજ સીડિંગની તાલીમ નહિ. ગાંધીજીની આત્મનિર્ભરતાનું મોડલ જૂનવાણી લાગે. કોરોનાએ ગાંધીયન લાઇફસ્ટાઇલ સાચી ને સાત્ત્વિક છે, એની યાદ અપાવી. પણ ગાંધીજીનો કોર કોન્સેપ્ટ આત્મનિર્ભરતાનો કેવળ આર્થિક નહોતો. બુનિયાદી તાલીમથી વસ્તુના ઉત્પાદન પહેલા વ્યક્તિના ઘડતરનો હતો ! એમણે સ્વદેશી વિતરણ (ડિસ્ટ્રિબ્યુશન)ની ચેઈનનો વિચાર પહેલા કરેલો. એ કાળ ફરી ગયો તો અપગ્રેડ થાય, પણ આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગામડાં જોઈએ. એ માટે ઈન્ફ્રાસ્ટ્રકચર જોઈએ. આપણે ત્યાં વર્ષો સુધી અમદાવાદની મેટ્રો ય લટકેલી છે. કારણ કે, આપણું તંત્ર પેરેલિસીસના દર્દી જેવું છે. મગજ-માથું સાબૂત છે. બોલે છે, વિચારે છે ટોચ પરથી. પણ હાથપગ લકવાગ્રસ્ત છે. જે છીંડા કે સેવિંગથી ચાલે છે. કોઈ વધુ એગ્રેસીવ એમાં આવી જાય, તો ન્યુરોક્રેસ્ક ને પોલિટિકલ સેટઅપ સામસમા આવે. અશોક ખેનકા, ખૈરનાર, વિજય નહેરા વગેરે માફક - તો એની ત્રણ વર્ષની ટર્મ પણ પૂરી ન થાય !
મૂળ આપણી સ્વભાવગત નબળાઈ આપણો ઈગો છે. સીધા વિશ્વગુરૂ ન બની શકાય, પહેલાં વિશ્વશિષ્ય થવાની ઓપનનેસ કેળવવી પડે. ભારતમાં ઉપરના આયોજનો ફાકડા હોવા છતાં કામગીરીમાં કેમ રાંકડા હોય છે ? કારણ કે, આપણને માઠું બહુ લાગી જાય ! ફેમિલી કે ફ્રેન્ડશિપમાં ય, જરાક અમથી વાતનું જતું કરવાને બદલે એને વળ ચડાવવામાં આવે, જૂઠ-સાચની એવી ભેળસેળ થાય કે ટીમવર્કની એનર્જી ટાંટિયાખેંચમાં જ વપરાઈ જાય ! ઈગો માટે શેઢે તકરાર થાય, ઢીમ ઢાળી દેવામાં આવે. બહારથી આપણે આફ્રિકા બોલીએ, પણ અંદર ઘણા એકબીજાથી અલગ ને આથડતા નાના-નાના દેશો હોય, એવું આપણું છે. પોતાનાઓ વધુ ઝેર રાખે. પ્રગતિ કોઈની જોઈ ઈર્ષાનું લીલું ઝેર આંખમાં આવી જાય, લોકપ્રિયતા કે કાર્યનિષ્ઠા તો સહન જ ન થાય.
ને પેકેજમાં લીકેજ આવે છે, કારણ કે તંત્ર એક અનુશાસનથી ટેવાયેલું નથી ને ભ્રષ્ટ છે. આપણે ત્યાં સીધું જે ખિસ્સામાં આવે, એ જ રાહત ગણાય. લોનની રકમ મોટી હોતી નતી, ચૂકવણામાં ધપલા થાય, ને મળે નહિ લાયકને ઘણી વાર ! ગોલમાલ ! સીસ્ટમ કે પોલિટિક્સમાં માણસો પ્રજામાંથી જ આવે છે. પ્રજા આળસુ, બહાનાબાજ, કામચોર ને નિયમોના પાલનમાં સતત બેદરકાર રહે ને હેલ્મેટ કે તમાકુ માટે ધમાલ કરી મૂકે ત્યાં વર્ક ડિસિપ્લીનનું ધોરણ સમજી શકાય. એટલે ભ્રષ્ટાચારનો શોષણને છેતરપિંડી સાથે પગપેસારો થાય. પશ્ચિમના પેલા પાંચ સ્ટેપ્સની રાહે સિંગાપોર, જાપાન, દક્ષિણ કોરિયા, તાઈવાન, ચીન - હોંગકોંગ (અને મૂળ યુરોપવાસીઓ આવી વસ્યા એ ઈઝરાએલ) વગેરે દેશોમાં મોંગોલીયન બ્રીડની જનતા છે. ચીંધ્યુ કામ કર્યા જ કરે. પૂરી નિષ્ઠાથી. ચીન એટલે દુનિયાની ફેક્ટરી બની શક્યું !
દેખીતી રીતે અકોણી ને 'પેક' સરમુખત્યારશાહી છતાં મૂડીવાદી દેશો કેમ ચીનમાં જવા લાગ્યા ? ત્યાં કામની સ્પીડ ટકોરાબંધ છે. આપણે જેની વાતો કરીએ છીએ પણ મોટા ઉદ્યોગપતિઓ ય હેરાન થાય છે, એ 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ' છે. ચૂંટણીઓ ને ઈમોશનલ પ્રેશર નીચે નીતિઓ ફરતી નથી. દરેક લેવલે કટકી-કમિશન- ભાઈબાપાનો રિવાજ નથી. ધાર્મિક નેક્સસનો ચંચૂપાત છે જ નહિ કે કેપિટલ ધર્મસ્થળોમાં રહે ને પ્રજા એના ઉત્સવોમાં !
આપણા ગમારગડબા જેવા મફત ઈન્ટરનેટિયા (રોકડા કાડવા પડે મેસેજ માટે તો તરત દેશપ્રેમનું બાષ્પીભવન થઈ જાય !) સ્વદેશીપૂજકો ટિકટોક અનઈન્સ્ટોલ કરવાનાં કાગારોળે ચડયા છે. એમની ટૂંકી નજરમાં ફટાકડા ને ટિકટોક જ દેખાય છે. પૈસો ચીન જતો રોકવો હોય તો પહેલા જેની આદત જ નથી આત્મનિર્ભર બનીને કરવાની - એ અભ્યાસ કરી લો. એક ડોલરના ૭૬ (હા, ડોલર, યુરો, પાઉન્ડ પહેલેથી આત્મનિર્ભર છે !) રૂપિયા લેખે ગુણાકાર કરજો.
પહેલી વાત. ચીન ભારતનું મસમોટું જાયન્ટ ટ્રેડિંગ પાર્ટનર ખાટાં સંબંધો છતાં છે. નંબર વન ! ૯૦ અબજ ડોલર આસપાસ ભારત-ચીન વચ્ચેનો વેપાર બાકાયદા સરકારી મંજૂરીથી ચોપડે ચડેલો છે ! આ વર્ષના જાન્યુઆરીમાં જ આપણે ૪૨૯.૫૫ અબજ રૂપિયાની આયાત ચીનતી કરી ! (બીજા નંબરે યુએઈ, ને પછી અમેરિકા છે નેકસ્ટ ઈરાક, સાઉદી અરેબિયા) ભારતની કુલ આયાતનો ઓલમોસ્ટ ૧૫ ટકા હિસ્સો ચીનનો છે. ભારતની કુલ નિકાસમાં એનો હિસ્સો ૫ ટકા છે. માછલાં, કપાસ, પ્લાસ્ટિક, રત્નો, તાંબુ વગેરે આપણે એને આપીએ. પણ ઈલેક્ટ્રોનિક ગેજેટસ ભારતમાં અડધોઅડધ (૪૫ ટકા) ચીનમાંથી આવે છે. અમુક મોબાઈલ તો લેબલ જુદું હોય તો ય ચીનના જ હોય. ઓયે પાર્ટસ ને ખાતરની ૨૫ ટકા ઈમ્પોર્ટ ને મશીનરીમાં ૩૩ ટકા સામગ્રી ચીનમાંથી આવે છે. દવાઓનો કાચો માલ ને કેમિકલનો ૭૦ ટકા ! જે હાઈડ્રોકિસકલોક્વીન આપણે અમેરિકાને મોકલી મોરસાયા એ પેટન્ટ તો મૂળ અમેરિકન હતી જ, પણ એ મોકલવા માટે કોરોનાની વચ્ચે એરલિફ્ટ કરવા સુધીના પ્લાન કરવા પડયા ચીન સાથે કારણ કે એ બનાવવાના 'એપીઆઈ' (એક્ટીવ ફાર્માસ્યુટિકલ ઈન્ગ્રેડિયન્ટસ) ચીનથી આપણે મંગાવીએ છીએ ! સમજાય છે ? ટિકટોકથી શું પૈસા ચીન જાય - કાનખજૂરાનો ટાંગો ય ન ભાંગે. ચીન સત્તાવાર રીતે જ અબજો લઈ જાય છે. ને એ જનતા નહિ, સરકાર રોકી શકે ! બાલમંદિરથી થિયેટર સુધી ચીન છવાયેલું છે આપણે ત્યાં !
આત્મનિર્ભર બનવા ઉત્પાદન વદારીએ તો ય પરદેશી માંગ વધારવા માટે વાતાવરણ જોઈએ જેમાં લિન્ચિંગ, કોમી રમખાણો, પ્રાંતવાદ, દુભાતી લાગણીઓના વિઘ્નો બહારથી આવનારને નડે નહિ. આંકડાઓની હેરાફેરી અને જાદુગરી કરવાની કુટેવો સુધારી પારદર્શક બનવું પડે. ફ્રાન્સમાં કોરોનાના પેકેજમાં સીધી સેલેરી, ભાડા ચૂકવાયા. લાઈટબિલ - ટેક્સ માફ થયા. પચાસ લાખ કરોડના પેકેજ વગર ધામધૂમે અપાયા ને એમાંથી ૫ લાખ કરોડ કેશ જમા થઈ ગયા ! આપણે ત્યાં હાથમાં રૂપિયા તૂટે એમાં અંદાજપત્ર જેવું પેકેજ આજના ભૂખ્યાને છ મહિના પછીની બર્થ ડે પાર્ટીની કેક યાદ દેવડાવવા જેવું થાય ! ભરતી જ કેટલીયે સરકારની બાકી છે હજુ તો !
પણ જે કેળવાતો નથી એ નિખાલસ થઈ જો આવા આત્મપરીક્ષણ કરીએ તો ચાન્સ છે, નવી પહેલનો. આપણી એક નબળાઈ લડયા વિના જ હાર સ્વીકારીવાની 'લોઅર' (નીચા) - કોન્ફિડન્સની છે ! આપણી પાસે ટેલન્ટ બેસુમાર છે. આપણા મિકેનિક ઈન્ટરનેશનલ એન્જીનીઅરને ટક્કર મારે ! પણ માર્કેટિંગ, પેકેજીંગનું શેવિંગ અપ કંગાળ છે. દુનિયા સામે ઘૂરકિયા કરવાને બદલે એમને ગમે એવું પ્રેઝન્ટેશન શીખવું પડે ! ને એ માટે નરેન્દ્ર મોદીએ ટાંકેલો એ આખો શ્લોક યાદ કરવો મહાઉપનિષદનો : અયં નિજઃ પરો વેતિ ગણના લઘુચેતસામ, ઉદારચરિતાનાં તુ વસુધૈવ કુટુંબકમ ! અર્થાત્ આ આપણાવાળા ને આ પારકા એવા ભેદ તો સંકુચિત ચિત્તના લોકો કરે, ઉદાર હૃદયના લોકો માટે તો સમગ્ર પૃથ્વી એક પરિવાર છે !
ઝિંગ થિંગ
સમજાવવામાં સૌથી કઠિન શું ? જે નજર સામે દેખાતું હોય છતાં કોઈ જોવા તૈયાર ન હોય તે ! (આયનરેન્ડ)
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XckTM9
ConversionConversion EmoticonEmoticon