મહિલા કિલર ગેંગના સભ્યોએ વધુ 2 ગુનાની કબૂલાત કરતા ચકચાર


આણંદ,  તા. 16 મે 2020, શનિવાર

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના જલુંધ ગામેથી ઝડપાયેલ મહિલા કીલર ગેંગ દ્વારા આચરવામાં આવેલ કરતુતોની ડાયરીમાં વધુ બે ગુનાઓનો ખુલાસો થવા પામ્યો છે. ચાર દિવસના રીમાન્ડ દરમ્યાન પુછપરછમાં ગતરોજ આ ગેંગના સભ્યોએ અપહરણ અને છેતરપીંડીના વધુ બે ગુનાઓની કબુલાત કરતા ખંભાત ગ્રામ્ય પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ગત સપ્ટેમ્બર, ૨૦૧૯માં વિજય ઉર્ફે ચકો જશભાઈ ચાવડા, આરતી વિજયભાઈ ચાવડા અને અન્ય ચારેક શખ્શો પાદરા તાલુકાના ગોરીયાદ ગામે રહેતા મયુરકુમાર સોલંકી નામના યુવાનને પ્રેમજાળમાં ફસાવી જલુંધ ગામે બોલાવી તેનું અપહરણ કર્યું હતું. બાદમાં વહેરાઈમાતા મંદિર પાછળ લઈ જઈ મોટરસાયકલ તેમજ મોબાઈલ ફોનની લૂંટ ચલાવી યુવકને ઢોર માર માર્યા બાદ રૃા.૧ લાખની માંગણી કરી હતી. જેથી યુવકે પોતાના પિતરાઈ ભાઈ સાથે વાત કરી રૃા.૧ લાખ લઈ જલુંધ ગામે બોલાવ્યા હતા. પરંતુ આ વાતની પોલીસને ગંધ આવી જતા વિજય સહિતના તમામ શખ્શો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા અને મયુરકુમાર સોલંકીનો છુટકારો થયો હતો. જે-તે સમયે તેઓએ આ અંગે ફરિયાદ કરી ન હતી. પરંતુ મહિલા કીલર ગેંગ ઝડપાઈ જતા ગતરોજ તેઓએ વિજય ઉર્ફે ચકો અને તેની પત્ની સહિત અન્ય ચાર શખ્શો સામે ફરિયાદ નોંધાવી છે. ઉપરાંત ગત તા.૧૪-૧૨-૨૦૧૭ના રોજ વેજલકા ગામે રહેતા વાલાભાઈ રૃઢાભાઈ ભરવાડના ભાઈ કિશનના લગ્ન કાજલ નામની યુવતી સાથે કરાવી રોકડ, સોના-ચાંદીના દાગીના તેમજ કપડા મળી કુલ્લે રૃા.૨.૭૧ લાખ ઉપરાંતની રકમ વિજય ઉર્ફે ચકા સહિતના શખ્શોએ પડાવી લીધી હતી. લગ્નના બે-ત્રણ દિવસ  બાદ દિલીપ ઉર્ફે ડાહ્યાએ ફોન કરીને કાજલના ઘરે મરણ પ્રસંગ બન્યો હોઈ ઘરે મુકી જવા કહેતા તેઓ કાજલને જલુંધ ગામે મુકી ગયા હતા. બાદમાં દિલીપ ઉર્ફે ડાહ્યો સહિતના શખ્શો ઘરને તાળુ મારીને ફરાર થઈ ગયા હતા. જેથી શંકા જતા વાલાભાઈએ નાણાં તેમજ દાગીના પરત કરવાની માંગણી કરી હતી. જો કે દિલીપ ઉર્ફે ડાહ્યા સહિતના શખ્શોએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે દિલીપ ઉર્ફે ડાહ્યો, તેની પત્ની સુમીબેન, વિજય ઉર્ફે ચકો, ભરતભાઈ ચાવડા, કાજલબેન, લક્ષ્મણ ભરવાડ અને નાનુભાઈ ભરવાડ વિરૃધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WFmrPM
Previous
Next Post »