આણંદ, તા. 16 મે 2020, શનિવાર
આણંદ શહેર સહિત જિલ્લાભરમાં છેલ્લા ત્રણ દિવસથી મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિ.સે.થી ઉપર રહેતા જિલ્લાવાસીઓ કાળઝાળ ગરમીથી શેકાયા છે. આજે પણ મહત્તમ તાપમાનનો પારો ૪૧ ડિ.સે. સુધી પહોંચી જતા જિલ્લાવાસીઓએ આકરી ગરમીનો અનુભવ કર્યો હતો. લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે સવારના સુમારે બજારમાં ખરીદી કરવા નીકળતા લોકોને આકરા તાપનો સામનો કરવો પડયો હતો. આગામી દિવસોમાં ધીમે-ધીમે મહત્તમ તાપમાનનો પારો હજી ઉંચે જશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ત્રણ દિવસ પૂર્વે મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયા બાદ ધીમે-ધીમે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. તેમાંય છેલ્લા ત્રણ દિવસથી મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિ.સે.થી ઉપર રહેતા જિલ્લાવાસીઓ આકરા ઉનાળાનો અહેસાસ કરી રહ્યા છે. બપોરના ૧૨.૦૦ વાગતા જ સૂર્યદેવતા આકાશમાંથી અગનગોળા વરસાવી રહ્યા હોય તેવો અનુભવ જિલ્લાવાસીઓને થઈ રહ્યો છે. હાલ લોકડાઉનની પરિસ્થિતિ છે ત્યારે આણંદ જિલ્લામાં સવારના સુમારે જીવન જરૃરીયાતની ચીજવસ્તુઓની ખરીદી અર્થે નીકળતા લોકો આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. આજે પણ મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિ.સે.થી ઉપર રહેતા જિલ્લાવાસીઓ ગરમીથી અકળાઈ ઉઠયા હતા. ખાસ કરીને લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે બપોર બાદ ઘરમાં જ રહેતા લોકોને ગરમી સામે રક્ષણ મેળવવા માટે ફરજીયાત એ.સી., પંખાનો સહારો લેવાનો વારો આવ્યો છે. ગરમીના કારણે વૃધ્ધો તેમજ નાના બાળકોની હાલત કફોડી બની છે. બીજી તરફ પશુ-પંખીઓ પણ કાળઝાળ ગરમીથી ત્રસ્ત બન્યા છે અને ગરમી સામે રક્ષણ મેળવવા તેઓ વૃક્ષનો છાંયડો કે ઠંડકવાળી જગ્યાનો સહારો લઈ રહ્યા છે.
આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા મુજબ શનિવારના રોજ જિલ્લાનું મહત્તમ તાપમાન ૪૧ ડિ.સે., લઘુત્તમ તાપમાન ૨૯.૫ ડિ.સે. અને સરેરાશ તાપમાન ૩૫.૨ ડિ.સે. નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૬૦ ટકા, પવનની ઝડપ ૭.૨ કિ.મી./કલાક અને સૂર્યપ્રકાશ ૧૧.૨ નોંધાયો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેતા અને ગરમ પવનો ફૂંકાવાના કારણે ગરમીનો અનુભવ વધુ થઈ રહ્યો છે. જે આગામી દિવસોમાં પણ જારી રહેશે અને ગરમીનું પ્રમાણ હજી પણ વધશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Zcbdno
ConversionConversion EmoticonEmoticon