આણંદ, તા.6 મે 2020, બુધવાર
લોકડાઉનના ત્રીજા તબક્કામાં સરકાર દ્વારા અન્ય રાજ્યોમાંથી આવેલ પરપ્રાંતીય શ્રમિકોને પોતાને વતન જવા માટે છુટ આપવામાં આવી છે ત્યારે બિહાર ખાતેથી ધંધા-રોજગાર અર્થે આણંદ જિલ્લામાં આવેલ ૧૨૦૦થી વધુ શ્રમિકોને આજે આણંદ રેલ્વે સ્ટેશન ખાતેથી બિહાર ખાતે ટ્રેન દ્વારા મોકલવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં આણંદ શહેરમાં વસતા પરપ્રાંતીય શ્રમિકોની ચકાસણી કરી તેઓને મંગળપુરા ખાતે લઈ જવાયા હતા. જ્યાં શ્રમિકોની આરોગ્ય ચકાસણી કર્યા બાદ તેઓને બિહાર ખાતે મોકલવાની કામગીરી હાથ ધરાઈ હતી.
આણંદ જિલ્લામાં ધંધા-રોજગાર અર્થે અન્ય રાજ્યોમાંથી આવતા પરિવારોની સંખ્યા વધુ છે. તેમાંય ખાસ કરીને બિહાર રાજ્યમાંથી અનેક લોકો ધંધા-રોજગાર અર્થે આણંદ આવીને વસ્યા છે. જો કે કોરોના વાયરસની મહામારી વચ્ચે દેશભરમાં લોકડાઉન જાહેર કરાતા વિવિધ ધંધા-રોજગાર બંધ થવાના કારણે પરપ્રાંતીય આ શ્રમિક પરિવારો માટે જીવન ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હતું. લોકડાઉનના ત્રીજા તબક્કામાં સરકાર દ્વારા પરપ્રાંતીય શ્રમિકોને તેઓના વતન જવાની છુટ આપી વતન પરત મોકલવા માટે જરૃરી કામગીરી હાથ ધરવામાં આવતા આણંદ જિલ્લામાં વસતા પરપ્રાંતીય શ્રમિકો દ્વારા વહીવટી તંત્રને અરજીઓ કરાઈ હતી. જેમાં મંગળવારના રોજ સાંજના સુમારે ઉત્તરપ્રદેશ રાજ્યના આશરે ૧૨૦૦થી વધુ લોકોને લઈ આણંદના રેલ્વે સ્ટેશન ખાતેથી એક ટ્રેન રવાના કરાઈ હતી.
દરમ્યાન આજરોજ બિહાર રાજ્યમાંથી આણંદ ખાતે આવીને વસેલા પરપ્રાંતીય શ્રમિકોને તેઓના વતન મોકલવાની કામગીરી હાથ ધરાઈ હતી. સવારથી જ આણંદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વસતા બિહાર રાજ્યના શ્રમિકોને આણંદ તાલુકાના મંગળપુરા ખાતે લાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. આણંદ શહેર ખાતે આશરે ૨૬ જેટલી એસ.ટી. બસો મારફતે આણંદ શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા બિહાર રાજ્યના શ્રમિકોને મંગળપુરા ખાતે લઈ જવાયા હતા. સમગ્ર જિલ્લામાંથી લવાયેલ પરપ્રાંતીય શ્રમિકોની મંગળપુરા ખાતે આરોગ્ય ચકાસણી કરાઈ હતી. બાદમાં આશરે ૧૨૦૦ જેટલા બિહાર રાજ્યના આ શ્રમિકોને આણંદના રેલ્વે સ્ટેશન ખાતેથી એક વિશેષ ટ્રેન દ્વારા પટના જવા રવાના કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. સાંજના સુમારે આણંદ ખાતેથી શ્રમિકોને લઈ આ વિશેષ ટ્રેન બિહાર જવા રવાના થઈ હતી.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ftuVk2
ConversionConversion EmoticonEmoticon