ખેડા જિલ્લામાં કોરોનાના વધુ 3 કેસ


નડિયાદ, તા.9 મે 2020, શનિવાર

ખેડા જિલ્લામાં વધુ એક વખત અમદાવાદ જિલ્લાના કોરોના દર્દીઓએ પગપેસારો કર્યો છે અને દવાની ફેક્ટરીમાં કામ કરતા બે વ્યક્તિઓ સહિત આજે કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાયા છે.આ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો ૩૧ પર પહોંચ્યો છે.ગતરોજ એક દિવસમાં સાત કેસ  નોંધાયા હતા.આજરોજ જિલ્લામાં બપોર બાદ વધુ ત્રણ કેસોનો વધારો થયો છે.જેમાં જિલ્લાના ખેડા તાલુકામાં ૨ અને મહેમદાવાદ તાલુકામાં ૧ કેસ જાહેર થયો છે.

રઢુ ગામના સુથાર ફળીયામાં રહેતા યજ્ઞોશભાઇ કાછીયા પણ ધોળકા પાસે આવેલ આ ફાર્માસ્યુટીકલ કંપનીમાં કામ કરે છે.જેમનો આજરોજ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.તેમના પરિવારમાં  માતા,પત્ની,પુત્ર,પુત્રી સાથે રહે છે.આ બાદ આરોગ્ય ટીમ દ્વારા તેઓના ઘરે જઇ આરોગ્ય તપાસ કરી હતી.રઢુ ગામના ત્રણ વ્યક્તિઓના રીપોર્ટ લેવામાં આવ્યા હતા.જેમાં યજ્ઞોશભાઇ કા.પટેલનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.જ્યારે બે વ્યક્તિનો રીપોર્ટ આવવાનો બાકી છે.જેથી તેમને નડિયાદ શહેરની એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ખેડા તાલુકામાં બીજો કોરોના પોઝીટીવ કેસ ખેડાના રસિકપુરામાં નોધાયો છે.ખેડાના રસિકપુરા ગામે થી ૧૪ વ્યક્તિઓ ધોળકા પાસેની કંપનીમાં કામ કરે છે.રસિકપુરામાં રહેતા હિંમતભાઇ પરમારનો આજે કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હિંમતભાઇ પણ ધોળકા પાસે આવેલ એક ફાર્મસ્યુટીકલ કંપનીમાં નોકરી કરતા હતા.હિંમતભાઇ પરિવારમાં માતા-પિતા, પત્ની અને ત્રણ દિકરીઓ સાથે રહે છે.જેમાં એક દિકરી બિમાર છે.જ્યારે હિંમતભાઇને નડિયાદ શહેરની એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

મહેમદાવાદ તાલુકાના મોદજ ગામના દાજીપુરા કેનાલ પાસેના ઘરોમાં રહેતા વિનુભાઇ ગોતાભાઇ ચૌહાણ ઉં.૪૭ આજે કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.વિનુભાઇ રાસ્કા વિયર(પંપ) ખાતે ફરજ બજાવે છે.જેમાં વિનુભાઇ સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ વાગ્યા સુધી ફરજ બજાવે છે.તા.૬-૫-૨૦૨૦ ના રોજ અમદાવાદથી આવેલ હેલ્થની ટીમ દ્વારા ૪૫ વ્યક્તિઓના ટેસ્ટ લેવામાં આવ્યા હતા.જેમાં વિનુભાઇ ચૌહાણનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.વિનુભાઇના પરિવારમાં  ૪ સભ્યો છે.વિનુભાઇની આરોગ્ય ટીમ દ્વારા પૂછપરછ કરતા તેઓ નોકરી સિવાય ક્યાંય ગયા ન હોવાનુ જણાવ્યુ હતુ. વિનુભાઇને ૧૦૮ મારફતે નડિયાદ શહેરની એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જ્યારે પરિવારના સભ્યોને સરકારી હોમક્વોરન્ટાઇન નડિયાદ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ખેડા જિલ્લામાંથી કેડિલા કંપનીમાં 100 કામદારો અપડાઉન કરતા હતા

નડિયાદ, તા.9 મે 2020, શનિવાર

ખેડા જિલ્લામાં અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની કેડિલા ફાર્માસ્યુટીકલ કંપનીના કર્મચારીઓએ કોરોનાનો કાળો કેર વર્તાવ્યો છે. જિલ્લામાંથી આ કંપનીમાં ૧૦૦ જેટલા કામદારો અપડાઉન કરીને નિયમિત રીતે કામ કરવા જતા હતા. જે પૈકી ૫૧ વ્યક્તિઓ ખેડા તાલુકામાંથી અને ૨૪ વ્યક્તિઓ માતર તાલુકામાંથી જતા હતા. તેમાંય ખેડા તાલુકાના નાનકડા રઢુ જેવા એક જ ગામમાંથી ૨૯ વ્યક્તિઓ કેડિલા ફાર્મામાં જતા હતા. તે સૌને તાત્કાલિક અપડાઉન બંધ કરાવવામાં આવ્યું છે. અને આરોગ્ય તપાસણી કરીને શંકાસ્પદ જણાય તેમના કોરોના સેમ્પલ લેવામાં આવે છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bgiPYf
Previous
Next Post »