
ટ્રમ્પની વિરુદ્ધમાં પ્રશ્ન પુછતાં જ પત્રકાર જીમ એકોસ્ટાનું વ્હાઈટ હાઉસ કવરેજ કાર્ડ ખોટો આરોપ મુકીને રદ કરાયેલું: CNNએ ટ્રમ્પ તેમજ વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો અને એકોસ્ટાને કાર્ડ પરત આપવું પડયું હતું
દિલ્હીની પ્રેસ કોન્ફરન્સમાં એકોસ્ટાએ ટ્રમ્પને તંગ વાતાવરણ વચ્ચે કહ્યું હતું કે ''મિસ્ટર પ્રેસિડેન્ટ, તમારો જૂઠ્ઠું બોલવાનો રેકોર્ડ શરમજનક રીતે ખરાબ છે.''
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે દિલ્હીની મુલાકાત દરમ્યાન ઉદ્યોગપતિઓ જોડે બેઠક કરી, ૩ અબજ ડોલરના સંરક્ષણ સોદા કર્યા, એક રાત્રિ મૌર્ય હોટલના શાહી સ્વીટ (સ્યુટ)માં અને બીજી સાંજ રાષ્ટ્રપતિ ભવનમાં મઘમઘતા ભોજન સાથે વિતાવી તેના કવરેજથી આપણા મીડીયાએ પાનાઓના પાના ભર્યા અને ન્યુઝ ચેનલોએ ટ્રમ્પના પત્ની મેલાનીયા અને ઇવાન્કાએ કેવી ડીઝાઈનનો અને કિંમતનો વેશ પરિધાન કર્યો છે તેના ૨૦ મીનીટના સ્લોટ પણ ફાળવ્યા હતા. આ બધી ગ્લેમરસ અને હજુ ત્રીજા વિશ્વના દેશની જેમ અંજાઈ જતી 'ઓફ બીટ' 'ટીટસ -બીટ્સ' હેઠળ દિલ્હીમાં બનેલ એક રસપ્રદ પ્રસંગની ખાસ નોંધ ન લેવાઈ. કદાચ ટ્રમ્પના પ્રચાર વિભાગે પણ તેને બહુ ન ઉછાળવાની આપણા મીડિયાને વિનંતી કરી હોય તેવું બને.
ટ્રમ્પે દિલ્હીમાં એક પત્રકાર પરિષદને પણ સંબોધી હતી જેમાં છેક અમેરિકા સહીત વિશ્વના મહત્વના દેશોના પ્રતિનિધીઓએ હાજરી આપી હતી. અમેરિકાના એવા મીડિયા કે જેઓ ટ્રમ્પનાં જુઠાણાંનો પર્દાફાશ કરે કે તેને પડકારે તેઓ જોડે ટ્રમ્પનો વ્યવહાર ઘણો ખરાબ છે. ચાલુ પ્રેસ કોન્ફરન્સ કે ઈન્ટરવ્યુ દરમ્યાન ટ્રમ્પ પત્રકારોનું ખુબ અભદ્ર ભાષા અને બોડી લેંગ્વેજ સાથે અપમાન કરવા માટે કુખ્યાત છે. તેઓ અમેરિકાના પહેલા પ્રમુખ છે જેનું વર્તન પદની ગરીમાને શોભાવે તેવું નથી. અમેરિકામાં મજાકમાં કહેવાય છે કે લાસ વેગાસના કેસીનો હોલમાં કે વર્લ્ડ રેસલિંગ મેનીયાની રિંગમાં ઉગ્રતા સર્જાય ત્યારે જે લોકો જે રીતે દેખાય છે તેવી ટ્રમ્પની ઈમેજ છતી થઈ જતી હોય છે.
સી એન એન(કેબલ ન્યુઝ નેટવર્ક) જેવી ન્યુઝ ચેનલ અમેરિકામાં વર્ષોથી આદરણીય મનાય છે. તેઓ ભૂતકાળમાં ડેમોક્રેટ્સના પ્રમુખનો પણ નીતિવિષયક બાબતોમાં ઉધડો લઇ ચુક્યા છે પણ ટ્રમ્પ જરા પણ ટીકા સહન નથી કરી શકતા. સી એન એન અને અન્ય કેટલાક મીડીયાએ ટ્રમ્પના જુઠાણાંઓની એક પછી એક યાદી બનાવી તેનો આંકડો જાહેર કરતા તે બહુ જ ગિન્નાયા હતા. કોઈ રમતના સ્કોર કાર્ડની જેમ આ મીડિયા ટ્રમ્પના ગપગોળાના નંબર અપડેટ કરતા રહે છે. સી એન એન ના વ્હાઈટ હાઉસના ચીફ રિપોર્ટર જીમ એકોસ્ટા અમેરિકામાં તેના નીડર પત્રકારત્વ અને ટીવી શોને કારણે ખુબ જ જાણીતું નામ છે.
જીમ એકોસ્ટા અને ટ્રમ્પની શાબ્દિક સટાસટી અમેરિકાના નાગરિકો માટે રોમાંચક ટસલ પણ છે જયારે ડેમોક્રેટ્સ માટે તે તારણહાર જેવું રિપોર્ટીંગ કરે છે. અમેરિકાએ ૨૦૧૬ની પ્રમુખ બનવા માટેની ચૂંટણીમાં વિદેશી મદદ લીધી હતી તે સ્કૂપ જીમ એકોસ્ટા જ બહાર લાવેલા અને સી એન એન દ્વારા જ તેનું આક્રમક કવરેજ કરવામાં આવ્યું હતું. ટ્રમ્પ પર મહાભિયોગ થયો તેના પાયામાં આ જ આરોપ હતો. તે પછી સી.એન.એન અને કેટલાક મીડિયાએ ગયા અઠવાડિયે ઈન્ટેલિજન્સ સોર્સને ટાંકીને વધુ ચોંકાવનારું રિપોર્ટીંગ કર્યું કે ટ્રમ્પ ૨૦૨૦ની ચુંટણી જીતવા રશિયાની કોઈ એજેન્સીની મદદ લેવાના છે. જો કે સીએનએન દ્વારા આ સનસનાટી મચાવતી શ્રુંખલાની કેટલીક વિગતો તેઓ (જીમ એકોસ્ટા) પુરવાર નહોતા કરી શક્યા અને એટલા રિપોર્ટીંગ પૂરતી સી.એન.એન એ તેમની ચેનલમાં માફી માંગી હતી.
ટ્રમ્પ તેની વિરુદ્ધના સમગ્ર કવરેજને સી એન એન, જીમ એકોસ્ટા અને રિપબ્લીકનોનું ષડયંત્ર જ ગણાવી રહ્યા છે. આટલી ભૂમિકા પછી દિલ્હીમાં યોજાયેલ ટ્રમ્પની પત્રકાર પરિષદની વાત પર આવીએ. ટ્રમ્પના પ્રવાસનું કવરેજ કરવા ૪૯ વર્ષીય જીમ એકોસ્ટા છેક અમેરિકાથી આવ્યા હતા. અમેરિકાનો અધુરો રહેલો બંનેનો ગજગ્રાહ ફરી દિલ્હીમાં જાણે આગળ ધપ્યો હતો. જીમ એકોસ્ટાએ દિલ્હીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ટ્રમ્પને બેધડક સવાલ પૂછયો હતો કે 'શું તમે પ્રતિજ્ઞાા લઇ શકો છો કે ૨૦૨૦ની ચુંટણી જીતવા માટે કોઈપણ પ્રકારની વિદેશી દરમિયાનગીરીને દુર રાખશો.'ટ્રમ્પે ચહેરા પર નારાજગીના ભાવ રાખીને જવાબ આપ્યો હતો કે 'ન તો મેં ક્યારેય આવી મદદ ચુંટણી જીતવા માટે લીધી છે કે નથી હું આવું ક્યારેય કરવાનું વિચારવાનો... અને તમારા સી.એન.એન કે જે એક અદ્ભુત નેટવર્ક છે તેમણે તેમના જુઠાણાં બદલ માફી નથી માંગવી પડી? મને કહો ને કઈ રીતે માફી માંગી' એકોસ્ટાએ માફીની વિગતો આપવાની જગાએ કહ્યું કે 'મિસ્ટર પ્રેસિડેન્ટ, સત્ય કહેવાનો અમારો રેકોર્ડ ઘણી વખત તમારા રેકોર્ડ કરતા સારો છે.
તમારા રેકોર્ડ વિષે મને કહેવા દો, તમારો જુઠ્ઠું બોલવાનો રેકોર્ડ એ હદે ખરાબ છે કે તમને તમારી જાત જોડે શરમ આવી જોઈએ.' હવે જવાબ આપવાનો વારો ટ્રમ્પનો હતો. એકોસ્ટાને રોકડું પરખાવ્યું કે '..અને તમારો રેકોર્ડ તો પ્રસારણની દુનિયામાં સૌથી નિમ્ન સ્તરે છે.' એકોસ્ટાએ તરત જ જવાબ આપ્યો કે 'મંે કે અમારી સંસ્થાએ કઈ શરમાવા જેવું નથી કર્યું.' આવી ગરમાગરમ ધડબડાટી દિલ્હીમાં જામી હતી ત્યારે આપણા પત્રકારો તો ડઘાઈ જ ગયા હતા કે વિદેશની ભૂમિ પર તેમના જ દેશનો પત્રકાર છેક અહીં સુધી આવીને અમેરિકા જેવા દેશના પ્રમુખને 'તમારે તો જુઠાણાં બદલ શરમાવવું જોઈએ.
' તેમ વિશ્વના પત્રકારોની હાજરીમાં કહી શકે તેવી અભિવ્યક્તિની નિર્ભય સ્વતંત્રતા ભારતમાં શક્ય બને ખરી? અમેરિકાનો વ્હાઈટ હાઉસ સ્ટાફ તો જાણતો જ હતો કે જીમ એકોસ્ટા ટ્રમ્પના કપડા ઉતારવાનું જ બાકી રાખશે તો પણ તેને પ્રશ્ન પુછવા માટે માઈક્રોફોન આપવામાં આવ્યું હતું. ટ્રમ્પ કે તેના એડમિનીસ્ટ્રેશન તરફથી એવી સુચના નથી અપાઈ કે તેને પ્રશ્ન પૂછવાની તક જ ન આપવી. હા, ટ્રમ્પ સીએન.એન કે એકોસ્ટા સહિત તેના કોઈ પત્રકારને અલાયદો વન ટુ વન ઈન્ટરવ્યુ નથી આપતા પણ પ્રેસ કોન્ફરન્સના નીતિ નિયમો પાળે છે.
ટ્રમ્પ અને એકોસ્ટા વચ્ચેના વણસેલા સંબંધોના પણ રોચક પ્રસંગો છે. અન્ય ચેનલો ઉંચા પગાર સાથે જોડાવામાં માટે એકોસ્ટાને ઓફર કરે છે તો પણ ૨૦૦૪થી તે સીએન.એન.ને વફાદાર રહ્યા છે. વાચકોને કદાચ ખબર ન હોય પણ અમેરિકા જેવા દેશમાં રાજકીય કે કોર્પોરેટ લોબીને તેની વિરુદ્ધમાં કોઈ પત્રકાર છે તેમ લાગે તો તેના સમર્થક મીડિયાના માલિકોને ઈશારો કરે કે ફલાણા પત્રકાર કે લેખકને ઉંચો પગાર ઓફર કરીને ખેંચી લો. એકોસ્ટા આવા પ્રલોભનમાંથી પસાર થયા જ હોય. એકોસ્ટા સી.એન.એન.ના દર શનિવારે રાત્રે અને રોજના 'અમેરિકન મોનગ'થી ઘેર ઘેર જાણીતા બન્યા. ૨૦૦૮ની ચુંટણીમાં ડેમોક્રેટ્સના ઉમેદવાર ઓબામાના પ્રચારની અને ૨૦૧૨માં રિપબ્લીકન ઉમેદવાર મીટ્ટ રોમનીના પ્રચારનું કવરેજ કરવાની જવાબદારી સી.એન.એન.એ તેમને સોંપી હતી.
૨૦૧૫માં રાષ્ટ્રવ્યાપી પ્રસારિત પ્રેસ કોન્ફરન્સમાં એકોસ્ટાએ પ્રમુખ ઓબામા પાસેથી આ જ શબ્દોમાં જવાબ માંગ્યો હતો કે 'આઈ. એસ. આઈ. એસ.ના બદમાશોનો ખાત્મો બોલાવવાની તમારી પાસે કોઈ રણનીતિ છે ખરી?' ઓબામાને તેઓ રાષ્ટ્રહિતમાં કડવા પ્રશ્નો પુછતા તો પણ ઓબામા તેમને વિદેશ પ્રવાસે લઇ જતા હતા. તેમનું નામ યાદીમાંથી કાપતા નહોતા. આવી જ રીતે ક્યુબામા ઓબામા અને ક્યુબાના પ્રમુખ રલ કાસ્ટ્રોને ભરચક વિશ્વ મીડિયાની હાજરીમાં ક્યુબામાં માનવ અધિકાર ભંગના આંકડા -ઉદાહરણો આપીને જવાબ માંગતા કાસ્ટ્રો છોભીલા અને ખુલ્લા પડી ગયા હતા.
ટ્રમ્પ ૨૦૧૬માં પ્રમુખપદ માટેની ચુંટણીનો પ્રચાર કરતા હતા ત્યાર પહેલેથી જ એકોસ્ટા તેને પડકારશે તે પામી ગયા હતા. મે,૨૦૧૬માં પ્રચાર દરમ્યાન ટ્રમ્પે ટેલીવિઝન પત્રકારો માટે પરિષદ યોજી ત્યારે એકોસ્ટા તેજાબી પ્રશ્ન પુછતા હતા ત્યાં જ તેમને વચ્ચેથી અટકાવી ટ્રમ્પે તેમને કટાક્ષમય રીતે બિરદાવતા કહ્યું હતુ કે 'એક્સ્ક્યુઝ મી ..એક્સક્યુઝ મી ..મેં તમને ટીવી પર જોયા છે. યુ આર રીયલ બ્યુટી.'
ટ્રમ્પ પ્રમુખ બન્યા તે પછી ૧૧ જાન્યુઆરી,૨૦૧૭ની તેમની પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં એકોસ્ટા રશિયા અંગેનો પ્રશ્ન પુછવા જતા હતા ત્યારે જ ટ્રમ્પે તેમનું અપમાન કરતા બીજા રિપોર્ટર તરફ આંગળી ચીંધતા એકોસ્ટાને ઉદ્ધાતાઈથી કહ્યું કે 'તું અને તારી સી.એન.એન. ફેક ન્યુઝ ચેનલ છે.' ટ્રમ્પ લગભગ મોટાભાગના મીડિયાની ફેક કહીને મજાક ઉડાવતા ત્યારે એકોસ્ટાએ હવે વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી સરાહ સેન્ડર્સને ટ્રમ્પ જે આરોપ મુકે છે તેને સત્તાવાર લેખિતમાં ઓન રેકોર્ડ લાવવા દબાણ કર્યું હતું.
ટ્રમ્પના અમેરિકામાં ફ્રી પ્રેસનો મહીમા નથી તેવું ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે તેવી હવા જામી.
૭ નવેમ્બર,૨૦૧૮ની વ્હાઈટ હાઉસની પ્રેસ કોન્ફરન્સ કે જેનું વિડીયો રેકોર્ડીંગ પણ થતું હતું ત્યાં મીડિયા જગતની અને અમેરિકાના ઇતિહાસની પહેલી વહેલી ઉલ્લેખનીય ઘટના જોવા મળી. એકોસ્ટાએ ટ્રમ્પની ઈમિગ્રેશન પોલીસી અને તેની એક વિવાદાસ્પદ ટીવી એડ વિશે પૂછયું ત્યાં જ ટ્રમ્પ તાડૂક્યા કે 'તું તો ભારે ઉધ્ધત પ્રકારનો અને ભયજનક વ્યક્તિ છે. તારે સી.એન.એન.માં ના હોવું જોઈએ.' હજુ એકોસ્ટા કઈ આગળ બોલવા જાય ત્યાં જ પ્રેસ સેક્રેટરીની સુચનાથી તેના હાથમાંનું માઈક્રોફોન ઝડપથી ખેંચી લેવા હાથ લંબાવતા એક ઇન્ટર્ન મહિલા આગળ આવી. તેના હાથને હડસેલી એકોસ્ટા તેનો પ્રશ્ન પૂરો કરવા જતા હતા ત્યારે સહેજ ખેંચતાણ થઈ. બસ,તે સાથે જ ટ્રમ્પની નજર સામે જ એકોસ્ટાના ગળા ફરતે પહેરેલું માન્ય વ્હાઈટ હાઉસ પત્રકાર કાર્ડ કાઢી લેવાયું અને અને તેને બહાર ધકેલી દેવામાં આવ્યા. કોઈ પત્રકારોએ બહિષ્કાર કે યુનિટી નહોતી બતાવી.
મોડી સાંજે સી.એન.એન ઓફિસને જણાવાયુ કે એકોસ્ટાએ મહિલા ઇન્ટર્ન જોડે વ્હાઈટ હાઉસમાં ઝપાઝપી કરી એટલું જ નહીં તે દરમ્યાન મહિલાને ક્ષોભમાં મૂકી જવું પડે ત્યાં તે હાથ મુકી ધક્કો મારતો હોઈ વ્હાઈટ હાઉસના પ્રેસ વિભાગે તેને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે અને તેનું કાર્ડ રદ થાય છે. એકોસ્ટાએ સી.એન.એન. ને વિશ્વાસમાં લઇ સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો. સી.એન.એન.એ કોલોમ્બીયાની કોર્ટમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ,વ્હાઉટ હાઉસ ચીફ ઓફ ધ સ્ટાફ જોહન કેલી, પ્રેસ સેક્રેટરી સેન્ડર્સ સામે કેસ કર્યો. ટ્રમ્પની ટીમે કોર્ટને એક ૧૫ સેકન્ડનો વિડીયો આપ્યો જેમાં તેઓ એ પુરવાર કરવા માંગતા હતા કે એકોસ્ટાએ મહિલા ઇન્ટર્નની અભદ્ર છેડછાડ કરી હતી.
એકોસ્ટાએ કોર્ટને જણાવ્યું કે આ વિડીયો ખોટી રીતે ફાસ્ટ ફોરવર્ડ સાથે એવી રીતે એડિટ કરાયો છે કે મેં અશોભનીય કૃત્ય કર્યું હોય તેવું લાગે. કોર્ટે વિડીયો ફોરેન્સિક અને ટેકનોલોજીના જાણકારને આપીને રીપોર્ટ આપવા જણાવ્યું. અમેરિકાની મજા એ છે કે ટ્રમ્પ સામે કેસ હતો તો પણ ટ્રમ્પની ટીમની હિંમત ન ચાલી કે આ રીપોર્ટ તેઓની તરફેણમાં આવે તેમ ફોરેન્સિક નિષ્ણાતો પર દબાણ લાવીએ. કેસ ચાલતો હતો ત્યાં જ ફ્રીડમ ઓફ પ્રેસના નિષ્ણાતોના મંતવ્યો અને મીડિયાના હક્કો તેમજ નાગરિકો દ્વારા ચૂંટાયેલા નેતાઓની જવાબદારી જેવા વિષયો પર ચેનલો અને અખબારોમાં ડીબેટ ચાલી. વ્હાઈટ હાઉસે સમાધાન કરીને જીમી એકોસ્ટાને કવરેજના હક્ક અને વ્હાઈટ હાઉસમાં પ્રવેશ આપતું કાર્ડ ફરી આપ્યું.
આવા પત્રકાર જીમ એકોસ્ટા હજુ પણ ટ્રમ્પને તેના નિર્ણયો અને નીતિ બાબતના પ્રશ્નો પુછે છે અને તે પણ છેક ભારતમાં આવીને ! એકોસ્ટાએ એક બહુચચત પુસ્તક પણ લખ્યું છે જેનું નામ છે 'ધ એનીમી ઓફ ધ પીપલ: અ ડેન્જરસ ટાઈમ ટુ ટેલ ધ ટથ ઇન અમેરિકા.'
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cmwejd
ConversionConversion EmoticonEmoticon