
વર્ષ ૨૦૦૩માં સાર્સ ફેલાયો તેની તુલનામાં આ વખતના કોરોના વાઈરસે અત્યંત ઝડપથી માહમારીનું સ્વરૂપ લઈ લીધું છે. તે વખતે સાર્સના ૮,૦૯૮ કેસ નોંધાયા હતાં
ભારતમાં ચામાચીડીયાની 117 જાત છે. પરંતુ વિડંબણા એ છે કે આ ચામાચીડીયાઓમાં પનપતા સુક્ષ્મ વિષાણુઓ તેમ જ તેની રોગકારક ક્ષમતાથી આપણે અજાણ છીએ.
ચીનના વુહાન પ્રાંતમાંથી ઉદ્ભવેલા કોરોના વાઈરસે જગતભરમાં ભયનો માહોલ પેદા કર્યો છે. ડ્રેગનને પણ ગળી જાય એવા આ નાનકડાં વાઈરસને ૨૦૧૯ નોવેલ કોરોના વાઈરસ (2019-nCoV) ના નામે ઓળખવામાં આવે છે. 'વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન' (હુ) એ પણ તેને 'પબ્લિક હેલ્થ ઈમરજન્સી ઓફ ઈન્ટરનેશનલ કન્સર્ન' (પીએચઈઆઈસી) લેખાવ્યું છે.
ગયા વર્ષની ૧૨મી ડિસેમ્બરે નોંધાયેલા (સુનિશ્ચિત થયેલા) કોરોના વાઈરસના સૌપ્રથમ કેસ પછી આ માહમારી ૨૭ દેશોમાં ફેલાઈ છે. ૨૪મી ફેબુ્રઆરીએ આ લખાય છે ત્યારે તેના ૮૪,૪૩૬ કેસ અને ૨૦૦૦મોત નોંધાયા હતા.
ચીનમાં ઉત્પાતની સાથે હવે વિશ્વના અન્ય દેશોમાં પણ ફેલાવવાનું શરૂ કરતાં દુનિયાભરમાં ફફડાટ ફેલાયો છે. ઈટાલીમાં ઘાતક વાયરસથી થયેલા ત્રણ મોતે રીતસર ભય ફેલાવ્યો હતો. અને દસ નગરમાં સાર્વજનિક સ્થળોને બંધ કરવામાં આવ્યાં છે. બીજી તરફ ઈરાનમાં પણ નવા સામે આવેલા કોરોના વાયરસના કેસોમાંથી એકનું મોત થતાં આ વાયરસથી થનારાં મોતની સંખ્યા ૨૮ થઈહતી. દરમિયાન , દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અહીં ચાર દિવસમાં આ વાયરસના સંક્રમણના ૪૩૩ કેસ સામે આવતાં હજારોનું સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે.
૩૦ મી જાન્યુઆરીએ ભારતનાં સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે કહ્યું હતું કે વુહાન યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલો એક વિદ્યાર્થી પણ કોરોના વાયરસનો શિકાર બન્યો હતો. હાલના તબક્કે તે કેરળના ત્રિસુરમાં છે. તેવી જ રીતે કેરળના અલપુઝા અને કાસરગોડમાં પણ વુહાનથી પરત ફરેલા બે વિદ્યાર્થીઓના તબીબી પરીક્ષણમાં તેમને કોરોના વાઈરસ હોવાનું નિદાન થયું હતું. આ સિવાય સમગ્ર રાજ્યમાં ૩,૨૦૦ ને નિરીક્ષણ હેઠળ અને ૩૪ જણને અલાયદા રાખવામાં આવ્યાં છે. વુહાનમાં ફસાયેલા ભારતીયોને એરલિફ્ટ કરીને સ્વદેશ પરત લાવવામાં આવ્યાં છે તેમના તબીબી પરીક્ષણ નેગેટિવ આવ્યા હોવા છતાં તેમને બે અઠવાડિયા માટે અલાયદા રાખવામાં આવ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ જોતાં જણાય છે કે કોરોના વાઈરસો પ્રાણી વાઈરસોનું જૂથ છે. તે કોઈ રાજાના સરતાજ જેવા દેખાય છે. 2019-nCoV નો સમાવેશ આ જૂથના સૂક્ષ્મ વિષાણુઓમાં થાય છે. આ જૂથના વાઈરસોમાંના છ વાઈરસમાં વર્ષ ૨૦૦૩ ના 'સીવીયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ' (સાર્સ) અને ૨૦૧૨ની સાલના 'મિડલ ઈસ્ટ રેસ્પિેરેટરી સિન્ડ્રોમ' (મેર્સ)નો સમાવેશ પણ થાય છે. અગાઉ આ સૂક્ષ્મ વિષાણુઓએ માનવીઓમાં રોગચાળો ફેલાવ્યો છે. સાર્સે છેક ૨૦૦૩ ના વર્ષમાં દેખા દીધી હતી. ત્યારબાદ વૈજ્ઞાાનિકોએ શોધી કાઢ્યું હતું કે સાર્સને લગતાં કોરોના વાઈરસ ચામાચીડિયાઓમાં કુદરતી રીતે ફૂલેફાલે છે. અગાઉ કરાયેલા એક અભ્યાસમાં ફલિત થયું હતું કે ચામાચીડિયાઓમાં પનપતા આ કોરોના વાઈરસો માનવીમાં પણ ચેપ ફેલાવી શકે છે. અત્રે એ વાતની પણ નોંધ લેવી ઘટે કે ચીનાઓ ચામાચીડિયાના બચ્ચાંને જીવતાં ખાઈ જાય છે.
વુહાનમાંથી આ રોગચાળો ફેલાયો તેના આરંભના તબક્કામાં જ પાંચ દરદીઓમાં જોવા મળેલા આ વાઈરસના ઉત્પત્તિ ક્રમ પરથી સ્પષ્ટ થયું હતું કે તેમાંના ૭૯.૫ ટકા સાર્સને મળતાં આવતાં હતાં, જ્યારે ૯૬ ટકાથી પણ વધુ ચામાચીડિયામાં પનપતા કોરોના વાઈરસ જેવાં હતાં. અન્ય નવ રોગીઓમાં જોવા મળેલા કોરોના વાઈરસ ચામાચીડિયાઓમાં ફૂલતાફાલતા સાર્સ જેવા સૂક્ષ્મ વિષાણુઓ હતાં. આ વાઈરસો વર્ષ ૨૦૧૮માં પૂર્વ ચીનના ઝોઉશાનમાંથી એકત્રિત કરાયેલા bat-SL-CoVZC45 અને bat-SL-CoVZXC21 નામના સૂક્ષ્મ વિષાણુઓને મળતાં આવતાં હતાં.
આમ ૨૦૧૯-હર્ભફ ચામાચીડિયામાંથી ઉદ્ભવ્યાં હતાં અને તેમાંથી સીધાં કે પછી અન્ય કોઈ માધ્યમથી માનવીઓમાં પ્રવેશીને માહમારી ફેલાવી હતી. ચામાચીડિયાઓમાં મોટા પ્રમાણમાં વિવિધ પ્રકારનાં સૂક્ષ્મ વિષાણુઓ ફૂલેફાલે છે અને તે માનવીઓમાં ચેપીરોગરૂપે પ્રસરે છે. હંટા, હડકવા, નિપા, ઈબોલા અને મારબર્ગ જેવા વાઈરસો તેના સૌથી મોટા ઉદાહરણો છે. આ સૂક્ષ્મ વિષાણુઓએ મનુષ્ય જાતિમાં વિશાળ પાયે બીમારીઓ ફેલાવી છે અને અસંખ્ય લોકોને મોતના મુખમાં ધકેલી દીધાં છે. ભારતમાં ચામાચીડિયાની ૧૧૭ જાત અને ૧૦૦ જેટલી પેટા-જાત મોજૂદ છે. પરંતુ વિડંબણા એ છે કે આ ચામાચીડિયાઓમાં પનપતા સૂક્ષ્મ વિષાણુઓ તેમ જ તેની રોગકારક ક્ષમતાથી આપણે અજાણ છીએ.
વર્ષ ૨૦૦૩માં સાર્સ ફેલાયો તેની તુલનામાં આ વખતના કોરોના વાઈરસે અત્યંત ઝડપથી માહમારીનું સ્વરૂપ લઈ લીધું છે. તે વખતે સાર્સના ૮,૦૯૮ કેસ નોંધાયા હતાં. આ કેસ વર્તમાન કોરોના વાઈરસના સકંજામાં જકડાયેલા દરદીઓ કરતાં ઘણાં ઓછા હોવા છતાં એ વાતની નોંધ લેવી રહી કે સાર્સનો ભોગ બનેલા ૯.૫ ટકા રોગીઓ મોતના મુખમાં ધકેલાઈ ગયા હતાં.
મહત્ત્વની વાત એ છે કે ચીનમાં ઉદ્ભવેલા કોરોના વાઈરસના વિશ્વભરમાં ફેલાયેલા હાહાકાર સામે ભારતે બહુ શાંતિથી અને કુશળતાપૂર્વક કામ લીધું છે. આપણા દેશમાં આ જીવલેણ વાઈરસ ફેલાતો અટકાવવા વિમાન મથકે આવતા પ્રવાસીઓ પર જાપ્તો રાખવો, સીમાડાના રાજ્યોમાં જાગૃતિ અભિયાન હાથ ધરવાં, અલાયદા વોર્ડ્સ સાથેની હોસ્પિટલો સુનિશ્ચિત કરવી, સ્વાસ્થ્ય ક્ષેત્રે કામ કરતાં લોકોને આ વાઈરસનો ચેપ ન લાગે તેના માટે સંરક્ષણાત્મક પગલાં લેવા જેવી અનેકવિધ તકેદારી રાખવામાં આવી રહી છે. આ સિવાય પુણે સ્થિત મધ્યવર્તી પરીક્ષણ કેન્દ્ર 'નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ વીરોલોજી' ખાતે સંશયાસ્પદ દરદીઓના રક્તના નમૂના વ્યવસ્થિત રીતે મોકલવાનું આયોજન કરવું, ચોવીસે કલાક ચાલતી હેલ્પલાઈન (૦૧૧-૨૩૯૭૮૦૪૬) શરૂ કરવી જેવી તાકીદની કામગીરી હાથ ધરવામાં આવી છે.
કોરોના વાયરસ ચીનમાં ત્રાટક્યો તેના શરૂઆતના દિવસોથી જ ભારત સરકારના આરોેગ્યખાતાએ ચાંપતા પગલાં લીધાં હતાં. ચીન તથા દૂર પૂર્વના દેશોમાંથી આવનારા પ્લેન પેસેન્જરોની એરપોર્ટ પર જ ચીવટપૂર્વક તબીબી તપાસ કરાતી હતી. ચીનથી આવનારા કેટલાંક યાત્રીઓ તો એટલા ગભરાઈ ગયેલા જણાયા હતા કે તેમને એરપોર્ટ પર જ 'કાઉન્સેલીંગની સેવા અપાતી હતી. જે હાલમાં પણ ચાલુ જ છે.
આરોગ્ય ખાતાના એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારતમાં કોરોનાનો ચેપ ફેલાય નહીં એટલા માટે પરદેશથી આવતા પેસેન્જરોને એવી સલાહ અપાય છે કે તમે સંપૂર્ણ સ્વસ્થ છો તે વાતની ખાતરી તમને થાય નહીં ત્યાં સુધી અલગ ટોઈલેટ વાપરવાની ખાંસી કે છીંક આવે ત્યારે મોં પર રૂમાલ ઢાંકવાની, તેમ જ ભોજન માટે અલગ વાસણ વાપરવાની સલાહ અપાય છે. હાથેથી કોઈપણ વસ્તુનો સંપર્ક ટાળવાની પણ ભલામણ કરાય છે.
કેરળ રાજ્યએ તો ફેબુ્રઆરીના પહેલા જ સપ્તાહથી રાજ્યમાં 'મેડિકલ ઈમરજન્સી ' જાહેર કરી દીધી હતી. કેરળની ત્રણ વ્યક્તિને નોવેલ કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાનું જણાતા તેમને તત્કાળ 'ક્વૉરન્ટાઈન્ડ' કરીને યોગ્ય તબીબી સારવાર અપાઈ હતી.
એટલું જ નહીં, બીજા ૩૪૨૦ શકમંદ કેસોમાં તમામ વ્યક્તિને ઘરમાં જ અલાયદા રાખવાની વ્યવસ્થા થઈ હતી.
કેરળ સરકારે આટલી સાવધાની દાખવી તેનું એક કારણ એ હતું કે ૨૦૧૮માં નીપા વાઈરસ ત્રાટક્યો ત્યારે રાજ્યની ૧૭ વ્યક્તિ તેનો શિકાર બની હતી. આ પેશન્ટોની સારવાર કરનારી નર્સ પણ આવાઈરસની ચપેટમાં મૃત્યુ પામી હતી. તેથી આ વખતે ચીનમાં 'ચાઈનીઝ ન્યુ યર' ની રજાઓમાં સ્વદેશ પાછા ફરેલા કેરળના યુવાનોની સંખ્યા ધ્યાનમાં લઈ પહેલેથી જ સરકાર સતર્ક બની ગઈ હતી.
હિન્દુસ્તાનમાં કોરોના વાઈરસનો ઉપદ્રવ ફેલાતો અટકાવવા જરૂરી પગલાં લેવામાં આવ્યાં છે તેની પ્રશંસા કરવી રહી. આમ છતાં ચિંતાના કેટલાંક મુદ્દાઓ પ્રત્યે ધ્યાન આપવું પણ એટલું જ જરૂરી છે. સૌથી પહેલી ચિંતાનો વિષય છે કોરોના વાઈરસને મારી હટાવવા કરાતો 'આયુષ' ઉત્પાદનોનો પ્રચાર. વાસ્તવમાં આ ઉત્પાદનો કોરોના વાઈરસ જેવી વ્યાધિ માટે કેટલાં કારગર નિવડશે તેનું કોઈ પરીક્ષણ નથી થયું. આ સિવાય આપણા દેશ પર દાયકાઓથી પ્રાણીઓમાંથી ઉત્પન્ન થતાં વિવિધ પ્રકારના રોગકારોનું જોખમ ઝળુંબી રહ્યું છે.
આમ છતાં આપણે તેના પ્રત્યે જાગૃત થવાને બદલે બેદરકાર બનતાં જઈએ છીએ. તાજેતરમાં જ 'ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ' (આઈસીએમઆર)એ 'મણીપાલ સેંટર ફોર વાઈરસ રીસર્ચ' માં થઈ રહેલા સર્વિલન્સ રીસર્ચને બંધ કરાવવો પડયો તેમ જ ભારતીય ચામાચીડિયાઓ પર થઈ રહેલા સૌપ્રથમ સર્વિલન્સ અભ્યાસ સામે પ્રશ્નો ખડાં કરવામાં આવ્યાં એ ચિંતાના વિષયો છે. જ્યારે ચીનમાં જાહેર સ્વાસ્થ્ય માટે સંશોધન અને વિકાસ કાર્યને પુષ્કળ પ્રોત્સાહન આપવામાં આવે છે. આ સામ્યવાદી દેશ નવા વાયરસોના પરીક્ષણ, નિદાન, રસીકરણ તેમ જ ઔષધીય સંશોધન ક્ષેત્રે અગ્રેસર રહે છે. આપણે પણ આપણા ભાવિ માટે આવી જ કામગીરી કરવાની તાતી આવશ્યક્તા છે.
ચીને કોરોના વાઈરસને ફેલાતો ખાળવા તેના સંખ્યાબંધ શહેરો લોક કરી દીધાં છે, પરિણામે ત્યાંથી નિકાસ થતી કંઈકેટલીય જરૂરી સામગ્રીનો પૂરવઠો ખોરવાઈ ગયો છે.
નિષ્ણાતો એવી ચિંતા વ્યક્ત કરે છે કે ચીનમાં ફેલાયેલો કોરોનાવાયરસ નિયંત્રિત ન થયો અને બીજા દેશોમાં પણ ફેલાયો તો તેનાથી વૈશ્વિક અર્થવ્યવસ્થાને રૂા. ૭૮ લાખ કરોડનું નુકસાન થઈ શકે છે. ઓક્સફોર્ડ ઈકોનોમિક્સે આ અંદાજ વ્યક્ત કર્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, ચીનમાંથી શરૂ થયેલા કોરોનાવાયરસના ચેપની અસર જૂન બાદ પણ રહી તો વૈશ્વિક આર્થિક વૃદ્ધિ આશરે ૧ ટકા સુધી ઘટી જશે. ચીનમાં આશરે ૨.૨ કરોડ કંપનીઓ અર્થાત ચીનની ૯૦ ટકા આર્થિક ગતિવિધિઓ અટકી પડી છે. કોરોનાવાયરસના રોગચાળાથી અર્થવ્યવસ્થાની સાથે મોટી કંપનીઓને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે.
કોરોના વાયરસને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા અને ચીનને કેવી રીતે અને કેટલી અસર થઈ રહી છે જે ૨૦૦૩માં ચીનમાં ફેલાયેલા સાર્સ વાયરસ સાથે સરખામણી કરી સમજી શકાશે. સત્તાવાર આંકડાઓ અનુસાર , સાર્સ વાયરસથી આશરે ૮૦૦૦ લોકો ભોગ બન્યા હતા. અને ૮૦૦ થી વધુ લોકો વિશ્વભરમાં મૃત્યુ પામ્યા હતા.
નિષ્ણાતો અનુસાર, કોરોના વાયરસને લીધે ચીનમાં જ કંપનીઓનું શટડાઉન ટૂંકસમયમાં દૂર થયું તો ભારતને વધુ નુકસાન નહીં થાય. પરંતુ જો શટડાઉન લાંબો સમય ચાલ્યું તો ભારતીય ુઉદ્યોગજગતને પણ ઘણું નુકસાન થશે.
ભારત માટે પણ આ ચિંતાની વાત છે. ખાસ કરીને ઔષધ નિર્માણ ક્ષેત્રે. આપણો ઔષધ ઉત્પાદન ઉદ્યોગ દવાઓ બનાવવા માટેના ૮૫ ટકા જેટલા સક્રિય ઘટકો ચીનથી આયાત કરે છે. આ પૂરવઠામાં પડનારો વિક્ષેપ આપણે ત્યાં બનતી (મળતી) દવાઓને અસર કરી શકે છે અને દવાઓની અછત અન્ય કોઈ રોગચાળાનું કારણ બને તેનાથી પહેલા ભારતે આ દિશામાં તાત્કાલીક પગલાં ભરવાની જરૂર છે.
નિષ્ણાતો માને છે કે આગામી ત્રણ માસમાં આ માહમારી વધી શકે. વિશ્વભરમાં કે ભારતમાં તેની કેટલી અસર થશે તે ચોક્કસપણે ન કહી શકાય. આમ છતાં તેના જોખમ પ્રત્યે આંખ આડા કાન ન કરી શકાય. જે રીતે વર્ષ ૨૦૦૩માં ભારત સાર્સથી અને ૨૦૧૨ની સાલમાં મેર્સથી બચી શક્યું હતું તે રીતે વર્તમાન કોરોના વાઈરસના આક્રમણથી પણ બચી જાય તોય આપણે આ કે આવા કોઈપણ રોગચાળા સામે લડવાની ક્ષમતા કેળવવી રહી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32DMFDn
ConversionConversion EmoticonEmoticon