સરકારી દરમિયાનગીરી અટકશે તો PSU બેંકોનો વહીવટ સુધરશે


ગયા સપ્તાહમાં જાહેર ક્ષેત્રની બેન્કોના વડાઓ સાથે યોજાયેલી બેઠકમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના અધિકારીઓએ દેશમાં ધિરાણ વૃદ્ધિ થાય તેવા પગલાં હાથ ધરવા અનુરોધ કર્યો હતો. આ બેઠક પહેલા બેન્કોના ધિરાણ વૃદ્ધિના જારી થયેલા આંકડાઓમાં  સર્વિસ ક્ષેત્રમાં ધિરાણ ઉપાડ મંદ રહેતા જાન્યુઆરીમાં બેન્કોની ધિરાણ વૃદ્ધિ મંદ પડીને ૮.૫૦ ટકા રહી  હોવાનું દર્શાવાયું  હતું.  ગયા વર્ષના જાન્યુઆરીમાં   ધિરાણ વૃદ્ધિ ૧૩.૫૦ ટકા રહી હતી.

જાન્યુઆરી ૨૦૧૯માં સેવા ક્ષેત્રને ધિરાણમાં ૨૩.૯૦ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી જે વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં ૮.૯૦ ટકા રહી છે. નોન-બેન્કિંગ ફાઈનાન્સિઅલ કંપનીઓને બેન્ક લોનની વૃદ્ધિ મંદ પડીને ૩૨.૨૦ ટકા રહી હતી જે ગયા વર્ષના જાન્યુઆરીમાં ૪૮.૩૦ ટકા રહી હતી.કૃષિ તથા સંલગ્ન ક્ષેત્રોમાં ધિરાણ વૃદ્ધિ ઘટીને ૬.૫૦ ટકા રહી છે જે ગયા વર્ષના જાન્યુઆરીમાં ૭.૬૦ ટકા રહી હતી.

બેન્કોના વડાઓ સાથે યોજાયેલી બેઠકમાં ખાનગી ક્ષેત્રની બેન્કોની ધિરાણ વૃદ્ધિની સરખામણીએ જાહેર ક્ષેત્રની બેન્કોની ધિરાણ વૃદ્ધિ  શા માટે મંદ છે એવો રિઝર્વ બેન્ક વતિ સવાલ કરાયો હતો. જાહેર ક્ષેત્રની બેન્કોએ ધિરાણમાં વધારો થાય તેની ખાતરી રાખવી જોઈએ એવો રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસનો મત રહ્યો હતો.

તાજેતરના ત્રિમાસિક ગાળાઓમાં દેશની જાહેર ક્ષેત્રની બેન્કોની સ્થિતિમાં નોંધપાત્ર સુધાર થયાનું જોવા મળ્યું છે. માર્ચ ૨૦૧૮માં ગ્રોસ નોન- પરફોર્મિંગ એસેટસ (એનપીએ) જે ૧૪.૬૦ ટકા હતી તે ડિસેમ્બર ૨૦૧૯માં ઘટીને ૧૧.૩૦ ટકા પર આવી ગઈ હતી. આરબીઆઈની પ્રોમ્પ્ટ કરેકટિવ એકશન હેઠળની  બેન્કોની સંખ્યા ઘટીને ૪ સુધી આવી ગઈ હતી અને ૧૨ બેન્કોએ વર્તમાન નાણાં વર્ષના પ્રથમ નવ મહિનામાં નફો દર્શાવ્યો હતો. પ્રોવિઝન કવરેજ રેશિયો પણ સુધર્યો છે. આમાંના કેટલાક સંકેતો એમ સૂચવે છે કે દેશની જાહેર ક્ષેત્રની બેન્કોની ખરાબ હાલત હવે પૂરી થવા આવી છે. જો કે દેશના પ્રોડકટિવ ક્ષેત્રને બેન્કો મુકતપણે ધિરાણ કરી શકે તે દિવસો હજુ દૂર છે. 

સુધારા સંદર્ભમાં સ્પષ્ટ માર્ગદર્શિકાનો અભાવ આપણી જાહેર ક્ષેત્રની બેન્કો સામે એક મોટી સમશ્યા છે.  રિઝર્વ બેન્ક અને બેન્કોના વડાઓની બેઠકના કેટલાક દિવસ  પહેલા કેન્દ્રના નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ટેકનોલોજી આધારિત બેન્કિંગ માટે આગામી નાણાં વર્ષના સુધારા કાર્યક્રમ જાહેર કર્યા હતા. આ કાર્યક્રમોમાં  ડિજિટલ માધ્યમ મારફત રિટેલ અને એમએસએમઈ લોન્સની વ્યવસ્થા કરવાની બાબતનો પણ સમાવેશ થાય છે. આ સાથોસાથ નાણાં મંત્રાલય દ્વારા બેન્કોને ધિરાણમાં વધારો કરવા સૂચના અપાઈ છે     અને તે પણ એવા સમયે જ્યારે દેશનું અર્થતંત્ર મંદ  સ્થિતિમાં છે. આવા પ્રકારના ધિરાણથી ભવિષ્યમાં એસેટ કવોલિટીનો મુદ્દો ઊભો થઈ શકે છે એ નાણાં મંત્રાલય સારી પેઠે જાણે છે. આમ આવી સૂચનાઓ બેન્કોના કામકાજમાં સરકાર હજુ પણ દરમિયાનગીરી કરતી હોવાના સંકેત મળે છે.  

સામાન્ય રીતે બેન્કો તથા સરકાર બન્નેના હેતુઓ અલગઅલગ રહેતા હોય છે. સરકાર ધિરાણ વધારીને અર્થતંત્રને વેગ આપવાની નીતિ ધરાવતી હોય છે જ્યારે બેન્કો મંદ આર્થિક વાતાવરણમાં ખોટા ધિરાણ ન થઈ જાય તેની તકેદારી રાખતી હોય છે અને તે પણ જંગી એનપીએના થયેલા અનુભવ બાદ બેન્કો ધિરાણ મોરચે એકદમ સાવધાન બની ગઈ છે. વૈશ્વિક નાણાંકીય કટોકટી બાદ પૂરતી તપાસ કર્યા વગર જાહેર ક્ષેત્રની બેન્કો દ્વારા થયેલા વધુ પડતા ધિરાણને કારણે એનપીએમાં જંગી વધારો થવા પામ્યો છે એ આપણી સરકારો અને રિઝર્વ બેન્ક સારી પેઠે જાણે છે, તેમ છતાં બેન્કોને નિર્દેશ આપતા રહેવાની સરકારની નીતિ દૂર્ભાગ્યપૂર્ણ છે એમ કહીશું તો ખોટું નહીં ગણાય. બેન્કો વધુને વધુ ધિરાણ પૂરા પાડે તેવા નિર્દેશ આપવા કરતા સરકારે અને રિઝર્વ બેન્કે સારી રિસ્ક-એસેસમેન્ટ ક્ષમતાઓ ઊભી કરવાની આવશ્યકતા છે. આમ કરવાથી ક્રેડિટ રેટિંગ એજન્સીઓના  રિપોર્ટસ પર બેન્કોની નિર્ભરતામાં પણ ઘટાડો થઈ શકશે. 

હકીકતમાં તો જાહેર ક્ષેત્રની બેન્કોમાં કામકાજ તથા વહીવટી સુધારાઓની આવશ્યકતા છે. કેટલાક કાર્યકારી સંકેતો સુધરી રહ્યા હોવાના સંકેત મળી રહ્યા છે, પરંતુ જાહેર ક્ષેત્રની બેન્કોમાં પાયાની નબળાઈઓ  તાજેતરના વર્ષોમાં એકદમ સપાટી પર આવી છે, જેને કારણે બેન્કિંગ વેપાર ઝડપથી ખાનગી બેન્કો તરફ વળી રહ્યો છે. રિઝર્વ બેન્કના તાજેતરના એક અહેવાલમાં ટર્મ ટિપોઝિટમાં થતી વૃદ્ધિમાં જાહેર ક્ષેત્રની બેન્કોનો હિસ્સો જે ૨૦૧૧થી ૧૫ના ગાળામાં સરેરાશ ૭૭ ટકા રહ્યો હતો તે ૨૦૧૬-૧૯માં ઘટીને ૧૩ ટકા પર આવી ગયો હતો. આજ રીતે વધતા ધિરાણમાં પણ જાહેર ક્ષેત્રની બેન્કોનો હિસ્સો ઘટી રહ્યો છે. 

દેશની બેન્કિંગ વ્યવસ્થામાં જાહેર ક્ષેત્રની બેન્કોની હજુપણ મજબૂત પક્કડ હોવાનું ધ્યાનમાં રાખતા નબળી બેલેન્સ શીટસ અને ધિરાણ પૂરું પાડવાની અક્ષમતા આર્થિક પ્રવૃત્તિ પર સીધી અસર કરે છે. જાહેર ક્ષેત્રની બેન્કોના મર્જરમાં સરકાર આગળ વધી રહી છે ત્યારે અગાઉના અનુભવો જણાવે છે કે, મર્જરથી બેન્કોના વેપારમાં ખાસ સુધારો થયો નથી. આ પાછળનું એક કારણ બેન્કોની કામગીરીમાં ચાલુ રહેતી સરકારની દરમિયાનગીરી  ઉપરાંત દેશના કેટલાક ક્ષેત્રો ખાસ કરીને ટેલિકોમ, પાવર, રિઅલ એસ્ટેટ તથા સ્ટીલ ક્ષેત્રમાં નબળાઈ રહેલું છે.  છેલ્લા કેટલાક વર્ષથી આ ક્ષેત્રો પર આવેલા દબાણની સીધી અસર બેન્કોની બેલેન્સશીટસ પર જોવા મળી છે.  ઈન્સોલવેન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઈબીસી) જેવા કાયદા લાગુ કરવાથી ડિફોલ્ટરો પાસેથી નાણાં વસૂલવામાં મદદ મળી છે ખરી પરંતુ નાણાંની વસૂલી પૂરતા પ્રમાણમાં થતી નથી અને બેન્કોએ જંગી હેરકટ ભોગવવા પડે છે. 

દેશ વિદેશમાં બેન્કિંગ અને ફાઈનાન્સ ક્ષેત્રમાં ટેકનોલોજીની ભૂમિકા ઝડપથી વધી રહી છે પરંતુ નબળી બેલેન્સ શીટસ સાથેની આપણી જાહેર ક્ષેત્રની બેન્કોએ  આ મોરચે હજુ ઘણું કરવાનું બાકી છે. જાહેર ક્ષેત્રની બેન્કોમાં રહેલી  વ્યવસાયીક મર્યાદાઓને કારણે સ્વાભાવિક રીતે જ વેપાર ખાનગી બેન્કો તરફ વળી રહ્યો છે. 

હાલના માળખા હેઠળની જાહેર ક્ષેત્રની બેન્કોમાં વહીવટી સુધારા હાથ ધરવાનું કઠીન છે.જાહેર ક્ષેત્રની બેન્કોને જો ખરા અર્થમાં કામ કરતી બેન્ક બનાવવી હોય તો સરકારની દરમિયાનગીરી તેમાંથી ઘટવી રહી. બેન્કોના કામકાજમાં સરકારની દરમિયાનગીરી ઘટાડવા તેના શેરહોલ્ડિંગમાં વેળાસર ઘટાડો થાય તે જરૂરી છે. સરકારી હિસ્સાનો ઘટાડો થશે તો તેનાથી બેન્કો સ્વતંત્ર રીતે કામ કરી શકશે. ટેલિકોમ ક્ષેત્રની હાલની સ્થિતિએ  દેશની  જાહેર ક્ષેત્રની બેન્કોમાં  એનપીએનું  પ્રમાણ વધારવાનું જોખમ  ઊભુ કર્યું છે, જે  બેન્કોમાં  જૈસે થે સ્થિતિ ચાલુ રહ્યાના સંકેત આપે છે. ખાનગી  બેન્કોમાં આ સ્થિતિ પ્રમાણમાં ઓછી જોવા મળે છે જે પાછળનું કારણ સરકારી દરમિયાનગીરીને સ્થાન અપાતું નથી. સમય પાકી ગયો છે કે જાહેર ક્ષેત્રની બેન્કોમાં પણ સરકાર માથું મારવાનું છોડે અને બેન્કોને સંપૂર્ણ રીતે વ્યવસાયીક ધોરણે ચાલવાનો માર્ગ વેળાસર મોકળો કરે. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aAIBqr
Previous
Next Post »