કાંદામાં હોળી પછી આવકો વધશે ત્યારે નિકાસના દરવાજા પણ ખુલશે


દેશના કોમોડિટીઝ બજારોમાં ૨૦૧૯ના વર્ષમાં કાંદા-ડુંગળીના સમાચારો સતત છવાયેલા રહ્યા પછી ૨૦૨૦ના નવા વર્ષમાં તાજેતરમાં આ દિશામાં ચહલ પહલ ધીમી પડયા પછી હવે નવેસરથી કાંદા બજાર સમાચારોમાં ચમકવા માંડી છે. જોકે ૨૦૧૯ના વર્ષમાં કાંદાના ભાવ સતત વધતા રહી નવી ઉંચી રેકોર્ડ સપાટીએ પહોંચતા ૨૦૧૯ના વર્ષમાં કાંદાના ભાવ સતત વધતા રહી નવી ઉંચી રેકોર્ડ સપાટીએ પહોંચતા ૨૦૧૯ના વર્ષમાં વપરાશકારોમાં ખાસ્સી નારાજગી જોવા મળી હતી.  જોકે ત્યારબાદ વિવિધ સરકારી પગલાં ઝડપભેર લેવાતા થતાં ત્યારબાદના ગાળામાં કાંદાના ભાવ રેકોર્ડ ઉંચી ટોચ પરથી નોંધપાત્ર નીચા આવ્યા છે.

કાંદાના ઉંચા ભાવ નીચા આવતાં એક બાજુ વપરાશકારો ગ્રાહકોમાં રાહત થતા આનંદની લાગણી ફેલાઈ છે ત્યારે બીજી તરફ ભાવ ગબડતાં હવે ખેડૂતોમાં નારાજગી શરૂ થવાના વાવડ મળ્યા છે. ખેડૂતોની નારાજગીને લક્ષમાં રાખી હવે કાંદાના પ્રશ્ને સરકાર નવેસરથી સક્રિય બની રહ્યાના વાવડ વહેતા થયા છે. આ પ્રશ્ને તાજેતરમાં સરકારે દેશમાંથી થતી કાંદાની નિકાસ પરનો પ્રતબિંધ દૂર કરવાનો નિર્ણય કર્યો છે. દેશમાં આગળ ઉપર રવિ પાકની મોસમમાં કાંદાની સ્થાનિક આવકો વેગ પકડશે એવી ગણતરી વચ્ચે સરકારે કાંદાની નિકાસ કરવા ફરીથી છૂટ આપ્યાના નિર્દેશો તાજેતરમાં મળ્યા છે.

દરમિયાન, કાંદાની નિકાસ છૂટનો અમલ હોળી-ધુળેટીના તહેવારો સમાપ્ત થયા પછી ૧૫મી માર્ચથી કરવામાં આવનાર છે. એવું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.  હોળી તથા ધુળેટીના તહેવારો ભારત માટે અગત્યના તહેવારો મનાય છે તથા આખો દેશ આ તહેવારો મનભરીને ઉજવે છે ત્યારે આ તહેવારોમાં બજારોમાં કાંદા-ડુંગળીના ભાવ વધે નહિં તથા વ્યાજબી મથાળે જળવાઈ રહે એ હેતુસર સરકાર કાંદાની નિકાસ કરવાની છૂટ હોળી-ધુળેટીના તહેવારો પછી ૧૫મી માર્ચથી કરવાની છૂટ આપી હોવાની ચર્ચા બજારમાં તાજેતરમાં સંભળાઈ હતી.

કેન્દ્રના કોમર્સ તથા ઉદ્યોગખાતાનાં પ્રધાને  તાજેતરમાં ટવીટ કરીને ૧૫મી માર્ચથી કાંદાની નિકાસ કરી શકાશે એવો સંકેત બજારને તથા નિકાસકારોને આપતાં કાંદાના નિકાસકારો તેમ જ ખેડૂત વર્ગમાં હાશકારો દેખાયો છે. જોકે કાંદાની ફરીથી નિકાસ થશે અને ભાવ ફરી ઉંચા જશે એવી ભીતિ વચ્ચે કાંદાના વપરાશકારો તથા જનતામાં અજંપો પણ  જોવા મળ્યો છે. બજારના જાણકારોના જણાવ્યા મુજબ ૨૦૧૯માં કાંદામાં રેકોર્ડ તેજી આવતાં સપ્ટેમ્બર ૨૦૧૯માં સરકારે કાંદાની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ૨૦૧૯માં કાંદાના વિવિધ ઉત્પાદક વિસ્તારોમાં ભારે વરસાદ તથા પાછોતરા કમોસમી વરસાદના પગલે ઘણા રાજ્યોમાં કાંદાનો પાક બગડી ગયો  હતો  તથા ઉતારાને પણ ફટકો પડ્યો હતો. 

એ દરમિયાન કાંદાના બજાર ભાવ ઉછળતા રહ્યા હતા તથા એક તબક્કે છૂટક વેચાણ કેન્દ્રોમાં  ભાવ ઉછળતાં રહી કિલોના રૂ.૧૫૦ની ઉપર બોલાતા થતાં કાંદાના વપરાશકારો ઉપરાંત સરકારી તંત્ર પણ સ્તબ્ધ બની હરકતમાં આવ્યું હતું. એ દરમિયાન કાંદાની નિકાસ બંધ કરી દેવામાં આવી હતી. ભારતે નિકાસ બંધ કરતાં વિશ્વ બજારમાં પણ કાંદાના ભાવ ઉંચા ગયા હતા. એક તરફ ભારતે નિકાસ બંધ કરી દીધી હતી તથા બીજી તરફ દરિયાપારથી ઘરઆંગણે કાંદાની આયાત શરૂ કરી દેવામાં આવી હતી. આમ બજારભાવ પર બે તરફી દબાણ આવતાં બજારભાવ ઝડપથી નીચા ઉતર્યા હતા અને તેના પગલે હવે ખેડૂતો રોષે ભરાતાં  સરકારી તંત્ર ફરી દોડતું થયાના વાવડ વહેતા થયા છે. તાજેતરમાં ગુ્રપ ઓફ મિનિસ્ટર્સની મળેલી મિટિંગમાં  કાંદાની નિકાસ પરનો પ્રતિબંધ દૂર કરવા નિર્ણય કરાયો છે.

દેશમાં હોળી-ધુળેટીના તહેવારોની સમાપ્તી પછી  રવિ પાકની મોસમના નવા કાંદાની આવકો વધવાની શક્યતા વચ્ચે આ  નિર્ણય કરવામાં આવ્યો છે. આ વર્ષે માર્ચ મહિનામાં કાંદાનો પુરવઠો વધી સ્થાનિકમાં ઘરઆંગણે આશરે ૪૧ લાખ ટન ઉપલબ્ધ બનવાની શક્યતા છે. જે પાછલા વર્ષે માર્ચ મહિનામાં  ૨૮ લાખ ટન જેટલો ઉપલબ્ધ રહ્યો હતો આજ રીતે આ વર્ષે એપ્રિલ મહિનામાં  આવો પુરવઠો આશરે ૮૬ લાખ ટન ઉપલબ્ધ રહેવાની આશા છે જે પાછલા વર્ષે એપ્રિલ મહિનામાં આશરે ૬૧ લાખ ટનનો રહ્યો હતો.  આમ હવે માર્ચ તથા એપ્રિલમાં ઘરઆંગણે પુરવઠો વધવાના એંધાણ મળી રહ્યા છે ત્યારે  ખેડૂતોના હિતોની રક્ષા કરવા નિકાસ માટે ફરી છૂટ આપવામાં આવ્યાનું જાણકારો જણાવી રહ્યા છે. 

તાજેતરમાં કાંદાના ભાવ વેગથી નીચા ઉતરતાં મહારાષ્ટ્રમાં ઘણ ાવિસ્તારોમાં  કાંંદા ઉગાડતા ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો.  જોકે સરકારે નિકાસની ફરીથી છૂટ આપ્યા પછી  મહારાષ્ટ્રના ઉત્પાદક મથકોએ કાંદાના ભાવ નીચા સ્તરેથી કિવ.દીઠ આશરે રૂ.૩૦૦ જેટલા  ઉંચા ગયાના સમાચાર મળ્યા હતા.  કાંદાની હરાજીમાં ભાવ ઉત્પાદક મથકોએ કિવ.ના નીચામાં  રૂ.૯૦૦થી ૯૫૦ તથા ઉંચામાં રૂ.૧૬૦૦થી ૧૬૫૦ તાજેતરમાં જોવા મળ્યા હતા.  ભાવ અપેક્ષાથી નીચા ઉપજતાં  ઘણા કેન્દ્રોમાં  કાંદાના ઓક્શનો પણ સ્થગીત કરાયાના નિર્દેશો મળ્યા છે. દરમિયાન, સરકારે કાંદાની નિકાસ છૂટ આપી છે  પરંતુ વૈશ્વિક  સ્તરે તાજેતરમાં  ચીનના ઘાતક વાયરસનો ઉપદ્રવ ચીન બહાર વિવિધ દેશોમાં ફેલાયો છે એ જોતાં દેશમાં નિકાસછૂટ છતાં ભારતથી  કાંદાની નિકાસ હવે ૧૫ માર્ચ પછી કેવી અને કેટલી થાય છે એના પર બજારના ખેલાડીઓની નજર મંડાઈ છે.


દેશમાં વિયેતનામ પછી હવે બ્રાઝીલના મરી પણ ઠલવાતાં વધેલો અજંપો

ભા રતમાં બનતા મરી-મસાલા તથા વિવિધ તેજાનાઓ તેમની ગુણવત્તા માટે વર્ષોથી વિશ્વ ભરમાં  વિખ્યાત રહ્યા છે. અન્ય દેશોમાં પણ આ કૃષી પેદાશોનું ઉત્પાદન  થાય છે પરંતુ ભારતમાં બનતા આ પદાર્થોની ગુણવત્તા  વિશ્વભરમાં ખાસ્સી ચડીયાતી  મનાય છે  અને ભારતના આ પદાર્થો વિશ્વ બજારમાં   ભાવના સંદર્ભમાં  પ્રીમિયમ પણ મેળવતા રહ્યા છે.  આ પદાર્થોમાં વિશેષરૂપે ભારતના મરીની ખ્યાતિ વિશ્વભરમાં સોડમ ફેલાવતી રહી છે. જોકે દેશમાં આવા ઉત્તમ પ્રકારના મરી ઉગાડતા ખેડૂતો સામે તાજેતરમાં વિવિધ પ્રશ્નોનો પડકાર આવતો રહ્યો છે. દેશમાં મરીનું ઉત્પાદન મુખ્યત્વે  દક્ષિણ ભારતમાં થાય છે તથા ખાસ કરીને કેરળ તથા કર્ણાટકમાં આવા મરીનું ઉત્પાદન વિશેષ જોવા મળે છે.

દરમિયાન, કેરળના મરી બજારના સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં ઘરઆંગણે બ્રાઝીલ નામથી આવતા થયા છે. આ સૂત્રોના જણાવ્યા મુજબ  રાજસ્થાન, ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર વિ.ના બજારોમાં  બ્રાઝીલના મરી રિ-એકસપોર્ટ માટે કિલોના રૂ.૩૪૦  વત્તા જીએસટી પેઈડમાં તથા ફ્રેઈટ ડિલીવર્ડ એટ બાયર્સ ડોરની શરતે આવા મરી આ બજારોમાં આવતા જોવા મળ્યા છે. આના પગલે દક્ષિણ ભારતના મરી ઉગાડતા  ખેડૂતોમાંં તથા મરી બજારના વેપારીઓમાં અજંપો જોવા મળ્યો છે. ભારતમાં પાકતા આવા મરીના ભાવ આશરે રૂ.૩૬૦ આસપાસ રહ્યા છે. બ્રાઝીલથી આવતા આવા મરીમાં બલ્ક ડેન્સીટીનું  પ્રમાણ લીટર દીઠ ૬૦૦ ગ્રામનું અંદાજાય છે.

દરમિયાન, કેરળ બજારના જાણકારોના જણાવ્યા મુજબ વિયેતનામના મરી ભારતના બજારોમાં  આવતા થયા છે.  ત્યારે હવે બ્રાઝીલના મરી પણ બજારમાં આવતાં થતાં  વેપારીઓ તથા ખાસ કરીને મરી ઉગાડતા ખેડૂતો ચિંતીત બન્યા છે.  બ્રાઝીલના મરીના ભાવ વિયેતનામના મરીની સરખામણીએ ઓછા ક્વોેટ થાય છે. વિયેતનામના મરીના ભાવ ટનના આશરે  ૨૦૦૦ ડોલર આસપાસ બોલાઈ રહ્યા છે. ત્યારે બ્રાઝીલના મરીના ભાવ ટનના આશરે ૧૮૦૦થી ૧૯૦૦ ડોલર આસપાસ મૂકાઈ રહ્યા છે.  ૨૦૧૯ના ડિસેમ્બર તથા આ વર્ષના જાન્યુઆરીમાં બે મહિનાના ગાળામાં દેશમાં  બ્રાઝીલના આશરે ૫૦૦થી ૭૦૦ ટન મરી દેશના બજારોમાં  આવ્યાનું અનુમાન બજારના  જાણકારો બતાવી રહ્યા છે.

આ પૂર્વે વિયેતનામના મરી બજારમાં આવતા રહ્યા છે.  વિયેતનામના બોલ્ડર પ્રકારના મરી દેશના બજારોમાં આવતાં થતાં ઘરઆંગણાના મરી બજારમાં કરેળ તથા કર્ણાટકમાં ઉગતા મરીનો હિસ્સો ઘટયો છે સામે વિયેતનામના મરીનો હિસ્સો વધ્યો છ.ે આવા માહોલમાં  હવે બ્રાઝીલના મરી પણ દરિયાપારથી  ઘરઆંગણે આવતા થતા ખેડૂતો સ્તબ્ધ બન્યાનું   બજારના  સૂત્રો જણાવી રહ્યા હતા.  કેરળ બજારમાં  મરીના ભાવ પણ તાજેતરમાં આના પગલે નીચા ઉતર્યા છે. અનગાર્બલ્ડ પ્રકારના  મરીના ભાવ  કિલોના રૂ.૩૧૦ની અંદર તથા ગાર્બલ્ડ પ્રકારના મરીના ભાવ તાજેતરમાં  રૂ.૩૩૦ની અંદર ટ્રેડ થતા જોવા મળ્યા છે. નવા મરીના ભાવ કિલોદીઠ રૂ.૩૦૦ની અંદર ક્વોટ થતા દેખાયા છે.

દરમિયાન ઘરઆંગણે આગળ ઉપર કેરળ તથા કર્ણાટકના મરીની આવકો  વધવાની શક્યતા બતાવાઈ રહી છે. આ ઉપરાંત ત્યાર પછી તામિળનાડુના મરીની આવકો પણ આવવાની ગણતરી બજારમાં  બતાવાઈ રહી છે. દરમિયાન, ચીનનો ઘાતક વાયરસ ચીન બહાર વિવિધ દેશોમાં ફેલાતાં કોચીમાં માર્ચમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય સ્પાઈસીસ કોન્ફરન્સ મુલત્વી રાખવાનું નક્કી થયાના સમાચાર પણ મળ્યા છે.  ઈટાલી, યુરોપ તથા વેસ્ટ એશિયાના દેશોમાંથી  ઘણા પ્રતિનિધિઓ આ પરિષદમાં ભાગ લેવા આવવાના હતા તે હવે  આવવાના નતી, દરમિયાન, વિશ્વ બજારના  સમાચાર  મુજબ વિયેતનામમાં મરીનો પાક ઉંચો  આવવાનો અંદાજો  વહેતો થયો છે.

ત્યાં ૨૦૧૯ના પાછલા વર્ષમાં આવો પાક ૨ લાખ ૮૦ હજાર ટન જેટલો નોંધાયો હતો તે હવે  ૨૦૨૦ના નવા વર્ષમાં  આશરે ૨૦થી  ૨૫ ટકા વધુ આવવાની શક્યતા વિશ્વ બજારના જાણકારો બતાવી રહ્યા છે. ચીનની નવી માગ રુંઝાઈ છે. વિયેતનામમાં  મરીના ભાવ નીચા ઉતર્યા છે.  શ્રીલંકામાં પણ મરી બજારમાં  ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા છે. ભારતમાં  મરીનું ઉત્પાદન  આ વર્ષે  પાછલા વર્ષ કરતાં  આશરે  ૩૦ ટકા વધી ૬૧થી ૬૨ હજાર ટન જેટલું  થવાની આશા છે. જો કે બજારનો અમુક આશાવાદી વર્ગ આ પાકનો આંકડો ૬૪થી ૬૫ હજાર ટનનો પણ બતાવી રહ્યો છે. ચાલુ વર્ષના આરંભમાં  પાછલા વર્ષનો સિલ્લક સ્ટોક આશરે ૧૦થી ૧૧ હજાર  ટન જેટલો હતો. વૈશ્વિક સ્તરે મરીનો કુલ પાક ૫ લાખ ૫૫થી ૬૦ હજાર ટનનો બતાવાઈ રહ્યો છે. આની સામે કુલ વૈશ્વિક માગ આશરે ૪ લાખ ૯૫ હજારથી  પાંચ લાખ ટન જેટલી રહેવાની  શક્યતા બતાવાઈ રહી છે. આ જોતાં ભવા પર દબાણ જળવાઈ રહેવાની ભીતિ જાણકારો દર્શાવી રહ્યા છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TzVwTZ
Previous
Next Post »