GST કાયદા હેઠળ માર્ચ માસની મહત્ત્વની બાબતો

માર્ચ માસ આવી ગયો અને નાણાંકીય વર્ષ ૨૦૧૯- ૨૦ પૂર્ણ થવા આવ્યું GST કાયદા હેઠળ માર્ચ માસમાં અનેક કાર્યો કરવાના થાય અને સરકારના વલણ પ્રમાણે ૧ એપ્રિલ, ૨૦૨૦થી નવો ચીલો ચીતરવામાં આવશે. આજના લેખમાં સપ્લાયર દ્વારા અગત્યના કાર્ય બાબતે ચર્ચા કરવામાં આવી છે.

રીફંડની અરજી

જીએસટી કાયદાની કલમ ૫૪ પ્રમાણે રીફંડ માગવાનું થાય તેવા કિસ્સામાં રીફંડની અરજી કરવા માટેની સમયમર્યાદા બે વર્ષ રાખી છે. કલમ ૫૪ના એક્સપ્લેશન મુજબ 'રીલેવન્ટ તારીખ' બે વર્ષમાં રીફંડ માંગી લેવું પડે. આમ નાણાંકીય વર્ષ ૨૦૧૭- ૧૮ માટે લેવાપાત્ર થતું રીફંડ માંગવાની અરજી વિશિષ્ટ સંજોગોમાં સમયમર્યાદા ૩૧-૩-૨૦૨૦ના રોજ પૂરી થાય. આપણે સૌ વાકેફ છીએ કે રીફંડની પદ્ધતિમાં સરકારશ્રી દ્વારા અવારનવાર સુધારા કરવામાં આવેલ છે. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ની કોઈ રીફંડની અરજી અન્વયે જો આજરોજ રકમ રીક્રેડિટ કરવાની આવે તો તે રકમનું રીફંડ મળવું કલમ ૫૪ની જોગવાઈ મુજબ થઈ નહિ શકે તાજેતરમાં CIF  Import ઉપર ભરવાપાત્ર થતો રીવર્સ ચાર્જ જોગવાઈને માન. ગુજરાત રાજ્યની વડી અદાલતે રદબાતલ ઠરાવી અને તે અન્વયે તમામ સપ્લાયર જેણે વ્યાજ ભર્યું હોય તેનું રીફંડ વેરાની રકમ સહિત માંગી શકે.

ફોર્મ RFD 11 (LUT) 

IGST ભર્યા વગર ઝીરો રેટેડ સપ્લાય કરવા માટે ફોર્મ  RFD 11 માં અરજી કરી અને લેટર ઓફ અન્ડરટેકિંગ પ્રાપ્ત કરવાના થાય. આ અરજી એક નાણાંકીય વર્ષ માટે માન્ય ગણાય. જેથી હવે નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે GST Portal ઉપર અરજી કરવાની થાય.

દસ્તાવેજ પત્રક

જીએસટી પોર્ટલ ઉપર પત્રક ભરતી વખતે એકના એક બિલ નંબર સ્વીકારવામાં આવતા નથી. આથી દરેક નાણાંકીય વર્ષ માટે નવી સિરીઝ ટેક્સ ઇન્વોઇસ, ક્રેડિટ નોટ, ડેબિટ નોટ માટે બનાવવાની આવે. વાયુવેગે સરકાર નવા પત્રકો જીએસટી કાયદા હેઠળ સૂચવવા વધી રહી છે. પત્રકોનું નામકરણ સહજ, સુગમ્ય રાખીને નવા પત્રકો ડૂચો માર્યા વગર ગળે ઉતરે તેવી અપેક્ષાથી ૧ એપ્રિલ, ૨૦૨૦થી અમલમાં આવશે.

૨૦૧૮-૧૯ GSTR 9, GSTR 9C 

નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે વાર્ષિક પત્રક તથા ઓડિટ રીકન્સીલીએશન ભરવાની આખર તારીખ ૩૧-૩-૨૦૨૦ છે. જે સપ્લાયરનુ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં વાર્ષિક પત્રક તથા ઓડીટ રિપોર્ટ ભરવાની જરૂર ન હતી અને વૈકલ્પિક રીતે સરકારમાં જાહેરનામા પ્રમાણે ભરેલ ન હોય અને નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ભરવાના થતા હોય તેવા તમામ સપ્લાયરને આજરોજ જીએસટી પોર્ટલ લેટ ફી ભરાયા વગર ૨૦૧૭-૧૮ના પત્રકો ભરવાની ફરજ પાડે છે અને ત્યારબાદ જ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯નું વાર્ષિક પત્રક ભરવાનો વિકલ્પ દેખાય છે. જીએસટી કાઉન્સિલની ૧૪મી માર્ચ, ૨૦૨૦ના રોજ સભા ભરાવવાની છે જેમાં કદાચ કંઈક રાહત મળી શકે છે. GSTR 9 નો જે નમૂનો છે તેમાં કાયદાની જોગવાઈ જોતાં માસિક, ત્રિમાસિક GSTR 1 ભરેલ હોય તે મુજબ બાહ્ય સપ્લાયની વિગત દર્શાવવાની થાય. દયાળુ સરકારે વિવિધ ચોખવટો કરીને ચોપડા પ્રમાણે તરી આવતી વિગત બાહ્ય સપ્લાયની GSTR 9 માં બતાવવાની છૂટ આપી. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના પત્રકમાં અગાઉના નાણાંકીય વર્ષ માટે રકમ ભરેલ હોય તેને વાર્ષિક પત્રકમાં અલગ બતાવવાની કોઈ જોગવાઈ છે નહિ.

કોમ્પોઝીશન

જે સપ્લાયર નાણાંકીય વર્ષ ૨૦૨૦ કોમ્પોઝીશન લેવી પ્રમાણે જીએસટીની જવાબદારી અદા કરવા ઇચ્છતા હોય તેઓએ ૩૧-૩-૨૦૨૦ પહેલા નિયમ ૩ (૩) મુજબ GST પોર્ટલ ઉપર ફોર્મ GST CMP-02 ભરવાનું રહેશે. વધુમાં વર્ષના અંતે વણવેચાયેલ આખર માલ ફીનીશ્ડ ગુડ્સમાં સમાવેલ ઇનપુટની વેરાશાખ સરકારને પરત કરવાની થાય જેના માટે તા.૩૦- ૦૫- ૨૦૨૦ સુધી ફોર્મ GSTI-03 ભરવાનું રહેશે.

પત્રકમાં સુધારા

આજરોજ GSTR-1 અને GSTR-1-B ભરવામાં આવે છે. નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ના વ્યવહાર માટે જો કોઈ સુધારા કરવાના હોય તો તેને સપ્ટેમ્બર, ૨૦૨૦ સુધીના પત્રકમાં કરી શકાશે. પરંતુ તા. ૧લી એપ્રિલ, ૨૦૨૦થી નવા પત્રકો ભરવાનું માળખું આવી જશે જેના લીધે આ વ્યવહારો માટે સુધારા કરવામાં આફત થશે.

માર્ચ માસની ખરીદી

જીએસટી કાયદાની કલમ ૧૬ પ્રમાણે વેરાશાખ માગવામાં અનેક જોગવાઈ છે. જેમાંની માલ પ્રાપ્ત થયો હોવો જરૂરી છે વેરાશાખ લેવા માટે આથી માર્ચ ૨૦૨૦ના માસની ખરીદી જે વેપારીને ૧લી એપ્રિલ ૨૦૨૦ અથવા તે પછી જો માલ પ્રાપ્ત થવાનો હોય તો તેવા બિલની વેરાશાખ નવા નાણાંકીય વર્ષમાં લેવાની થાય. નવા પત્રકોના ફર્મામાં આવા વ્યવહાર દર્શાવવા માટે અલગ ખાનું આપ્યું છે. જેથી ખૂબ કાળજી લઈ અને વ્યવહાર કરવાના રહેશે. ખરેખર, ધંધો કરવામાં સરળતાના બદલે લોઢાના ચણા ચાવવા જેવી પરિસ્થિતિ તરી આવે છે. આમ, માર્ચ ૨૦૨૦માં ખૂબ જ સાવચેતી રાખીને કાર્ય કરવાનું રહેશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2W2iIvL
Previous
Next Post »