યશ બેન્કના ટોચના અધિકારીઓ સામે ફોજદારી ધારા હેઠળ પગલાં લો


પ્રજાના પૈસા લૂંટવા માટે નથી, બેન્કના મેનેજમેન્ટની ગેરરીતિને પરિણામે ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયી એસોસિયેશનનો પુણ્યપ્રકોપ

રિઝર્વ બેન્ક મોનિટરિંગ એજન્સી તરીકે નિષ્ફળ જઈ રહી છે. હજી થોડા મહિના પૂર્વે રૂ.૧૨૦૦૦ કરોડની પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટીવ બેન્ક ખાડે ગઈ. તેમાં ઓછામાં ઓછા સાતથી દસ થાપણદારોએ જીવનભરની મૂડી ચાલી જતાં જીવ ગુમાવ્યા. આ ઘટના થાપણદારોના સ્મૃતિપટ પરથી ભૂંસાઈ નથી ત્યારે યશ બેન્ક ખાડે ગઈ છે. આ નિષ્ફળતા કોની છે. વાસ્તવમાં રિઝર્વ બેન્કની આ નિષ્ફળતા છે. કારણ કે બેન્કોનું ઓડિટ રિઝર્વ બેન્કના અધિકારીઓ કરે છે. 

આ અધિકારીઓ હકીકત સામે આંખ આડા કાન કરીને પોતાના ખિસ્સા ગરમ કરી લઈને થાપણદારોને ભગવાન ભરોસે છોડી દે છે. રિઝર્વ બેન્કના ટોચના અધિકારીઓ પણ આ હકીકતથી અજાણ નથી. રિઝર્વ બેન્ક સમયસર પગલાં લેવામાં નિષ્ફળ ગઈ છે. તેનું કારણ પણ રિઝર્વ બેન્કના ભ્રષ્ટ અધિકારીઓ જ છે. ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયી એસોસિયેસન પણ રિઝર્વ બેન્કને જ યશ બેન્ક કાચી પડવા માટે રિઝર્વ બેન્કને જવાબદાર ગણે છે. તેઓ માને છે કે મોનિટરિંગ એજન્સી રિઝર્વ બેન્કની સ્થિતિ સુધારવા માટે જ પગલાં લેવા જરૂરી છે. યશ બેન્કની વાસ્તવિક સ્થિતિ સામે આંખ આડા કાન કરીને ખોટી નીતિરીતિઓને છાવરનાર અધિકારીઓને ફોજદારી ધારાની જોગવાઈ હેઠળ સજા કરવી જોઈએ.

ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયી એસોસિયેશન તો એણ પણ કહે છે યશ બેન્કના ધબકડા માટે રિઝર્વ બેન્ક જવાબદાર છે. બેન્કની નિષ્ફળતા માટે તેને જ દોષિત ઠેરવવી પડે તેવી સ્થિત છે. 

યશ બેન્ક જ નહિ, પરંતુ દરેક ખાનગી બેન્કને જાહેર ક્ષેત્રની બેન્કની દેખરેખ હેઠળ મૂકી દેવી જોઈએ. જોકે તેમની આ માગણી બહુ ગળે ઉતરે તેવી નથી. કારણ કે જાહેર ક્ષેત્રની બેન્કોનું મેનેજમેન્ટ ડાહી માના દીકરા જેવી નથી. કારણ કે પંજાબ નેશનલ બેન્કના ૨૧૦૦૦ કરોડથી વધુ રૂપિયા નિરવ મોદી અને મેહૂલ ચોકસીના કેસમાં ડૂબ્યા છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની એનપીએ-ફસાયેલી મૂડીની વાત કરવામાં આવે તો છેલ્લા સાતથી દસ વર્ષમાં તેની એનપીએ રૂા. ૧.૬૫ લાખ થી ૨.૦ લાખ કરોડથી વધુની થઈ છે. સ્ટેટ બેન્ક હોય કે અન્ય રાષ્ટ્રીયકૃત બેન્ક હોય દરેક બેન્કો થાપણદારોની મૂડીને લૂંટાવી રહ્યા છે. પાંચથી આઠ વર્ષમાં બેન્કની એનપીએ રૂા. ૯.૬૫ લાખ કરોડથી વધુની થઈ ગઈ છે. પ્રજાના પૈસા લૂંટવા માટે નથી, પ્રજાના કલ્યાણ માટે માળખાકીય સુવિધાના વિકાસ માટે અને ધિરાણ રૂપે આપીને તેનાથી અર્થતંત્રને વેગ આપવા માટે છે. 

પરંતુ દરેક બેન્કના ટોચના અધિકારીઓ ભ્રષ્ટ રાજકારણીઓમાંથી પ્રેરણાં લઈને બેન્ક પાસે બેન્કો પાસે ખોટી બેલેન્સશીટ પર ધિરાણ લઈને બેન્કોના પૈસા ડૂબાડીને રાતોરાત અબજપતિ બનવાનો જ ખેલ કરી રહ્યા છે. ખાનગી બેન્ક હોય કે પછી જાહેર ક્ષેત્રની બેન્ક હોય તેના સ્થાપિત હિતો થાપણદારોના પૈસા સાથે રમત કરીને તેમની જીવનભરની મૂડી  ડૂબાડવાનું કામ વધુ કરી રહ્યા છે.

યશ બેન્કની ઘટના થાપણદારોના વિશ્વાસને ડગમગાવી દેનારી બહુ જ મોટી ઘટના છે. ખાનગી બેન્કમાં મૂકેલા પૈસા ડૂબતા નથી. તેના પર ૯.૬ ટકાની સરેરાશ આવક થાય છે. તેમ જ જાહેર ક્ષેત્રની બેન્કોમાં કરવામાં આવેલા સો રૂપિયામાંથી ૨૩ રૂપિાયની નુકસાની થાય છે. બજેટની પૂર્વ સંધ્યાએ રજૂ કરવામાં આવેલા આથક સર્વેક્ષણમાં આ વિગતો આપવામાં આવી છે. પરંતુ યશ બેન્કની ઘટના પછી આ હકીકતને સહજ સ્વીકારી શકાય તેવી જમાતી નથી. ખાનગી બેન્કો વધુ કાર્યક્ષમ છે તેવો પરપોટો યશ બેન્કની ઘટના પછી ફૂટી ગયો છે.

બેન્કની એનપીએ વધી રહી છે. તેથી તેની મૂડી ઘટી રહી છે. હવે બેન્ક તેની મૂડીમાં વધારો કરી શકે તેમ નથી. તેથી પ્રજાના હિતમાં સરકારે સ્ટેટ બેન્કને રૂા.૧૨૦૦૦ કરોડ યશ બેન્કમાં નાખીને તેને ઉગારી લેવાની જવાબદારી સોંપી છે. આ રીતે બેન્કને બચાવીને થાપણદારોને તો બચાવી લેવાશે. પરંતુ બેન્કના ગેરરીતિ આચરનારા અધિકારીઓ અને મેનેજમેન્ટનો હોંસલો વધતો જ જશે. વાસ્તવમાં સરકારે દાખલો બેસાડવો હોય તો યશ બેન્કના સ્થાપક રાણા કપૂર અને તેમના નિકટના સ્વજનોની તમામ મિલકતો જપ્ત કરી લઈને તેની હરાજી કરી દઈને થાપણદારોને તેમના પૈસા પહેલા ચૂકવી દેવાની વ્યવસ્થા કરવી જોઈએ. તેમ જ તેના સ્થાપકનો આકરામાં આકરી સજા કરીને એક દાખલો પણ બેસાડવો જોઈએ. તેમ નહિ થાય તો તેવા સંજોગોમાં બેન્કના પૈસા સાથેની લૂંટ કાયમી ધોરણે ચાલતી જ રહેશે. થાપણદારો રડતાં જ રહેશે. ખોટું કરનારાઓને ડર લાગશે નહિ. આ પરિસ્થિતિ બદલવા માટે પણ આકરાં દંડાત્મક કે શિક્ષાત્મક પગલાં લેવા જરૂરી છે. લોકોનો વિશ્વાસ ટકી રહે તે માટે પણ આ પગલાં લેવા જરૂરી છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TwI1nP
Previous
Next Post »