વહાલી છતાં વસમી લાગે... જિંદગી...


જિંદગી એ માનવીને જન્મજાત મળેલી મોંઘી મિલ્કત છે. જેની કિંમતતો તેને ક્યારેક સમજાય છે, પણ સાચા અર્થમાં તે તેનું મૂલ્ય કરી શક્તો નથી. જન્મતો આપણા હાથની વાત નથી, પણ મૃત્યુ તો આપણી સમજની બહાર છે. આ બંન્નેના કોરા પાના પરમેશ્વરે પોતાની પાસે રાખ્યા છે, જેમાં તે પોતાની મરજીથી અક્ષરો પાડે છે. જિંદગી નામનું એક કોરું પાનું આપણને આપીને આ સંસારમાં મોકલ્યા છે.

પરંતુ જિંદગીનો સ્વભાવ છે, અનિશ્ચિતતા અને પરિવર્તન. આના વિષે કહેવાય છે કે, અહીં આવતીકાલે  શુ થશે, એ કહેવું મુશ્કેલ ! માત્ર એવી આશા રાખી શકાય. ' જે કંઈ થશે, એ સારા માટે થશે. આવી આ જિંદગીનો માત્ર એક રંગ નથી, તે બહુરંગી છે. દિવસનાં દરેક પ્રભાતે એક નવીનતાનો સંચાર થાય છે. દરેક સમાચાર કે ઘટના વખતે જિંદગી નીત-નવા વેશ ધારણ કરી સામે આવતી હોય છે. ક્યારેક તો જિંદગી એટલી ઝડપથી પોતાનું રૂપ બદલે છે કે આપણે હતભ્રત થઈ જઈએ. ક્યારેક સોળે કળાએ ખીલેલી જિંદગી એટલી જ જલદી કરમાવા લાગે છે, ત્યારે આપણને સમજમાં નથી કે આ બધું શું થઈ રહ્યું છે ? ત્યારે સંજોગો હાથ બહાર જતા લાગે. એ વખતે માણસ કોશિષ કરતો રહે છે, કે પરિસ્થિતિ એની કાબુમાં રહે.

જો કે અનિશ્ચિતતા એ જિંદગીમાં ઉત્તેજના જગાવે છે. આવનારી દરેક ક્ષણ એક નવો ચહેરો લઈને રજુ થાય છે. એને આવકારવા સિવાય આપણી પાસે બીજો કોઈ સારો વિકલ્પ નથી. એટલે જ તો જિંદગી સારા-નરસા બનાવોનો સરવાળો છે. રોજને રોજ કંઈને કંઈ અવનવું બનતું રહે છે. કયારેક સારૂં તો ક્યારેક નરસું. થોડુંક ધારેલું, પણ મોટાભાગે અણધાર્યું ! એમાં જ તો જિંદગીની ખરી મજા છે ને !

જિંદગી દરરોજ આપણને કંઈને કંઈ શિક્ષા આપતી રહે છે. જો કે તેના એવા પાઠો હોતા નથી કે ટૂંકા સમયમાં શીખી જવાય. એને તો તુરન્ત શીખવાને બદલે, તેમાં ઉભા થતા સવાલોનો સીધે સીધે સામનો કરી તેના ઉકેલ શોધવા પડે. ક્યારેક ઉપેક્ષિત રહેવાની મોટી કિંમત ચુકવી પડે છે. કેટલાક ચિંતકોનું માનવું છે કે જિંદગી આપણને મળેલા એવા કોરા કાગળ સમાન છે કે એમાં આપણે જેવું ચિત્ર દોરીએ, જેવાં તેમાં રંગો પૂરીએ છીએ, તેવી પ્રતિકૃતિ તૈયાર થાય છે. હવે એ આપણા સ્વભાવ પર આધાર રાખે છે કે આપણને મળેલી જિંદગી પ્રત્યે કેવોક 'દ્રષ્ટિકોણ રાખીએ છીએ, કેવોક વ્યવહાર કરીએ છીએ. મોટે ભાગે તો આપણે વિપરિત પરિસ્થિતિ માટે જિંદગીને દોષ દેવાની આદત હોય છે. આપણાં પર આવી પડતા દુ:ખ પીડા, વેદના, નિરાશા, નારાજગી, નિષ્ફળતાઓ માટેનો વાંક નશીબ પર ઢોળી દેતા હોઈએ છીએ. એ વખતે આપણે કરેલી ભૂલો, ખોટા વર્તનો દેખાતા નથી.

આવા આ જિંદગીની પોતાની રીત-રસમ છે. પોતાની ખાસિયતો છે. પોતાની આગવી ભાષામાં એ આપણી ભૂલો વિષે ઘણીવાર શાનમાં સમજાવે છે કે આગળનો રસ્તો સારો નથી, રોકાઈ જાવ, પાછા ફરો, પણ એનો તે ઇશારો જો આપણે ન સમજ્યા તો તેનાં પરિણામો ભોગવવા પડે છે. ક્યારેક મુશ્કેલીઓમાં તાત્કાલિક નિર્ણય ન લેવામાં આવે તો પાછળથી મોટી તકલીફો ઉભી થાય છે. એ ખરૂં કે ઘણીવાર સંજોગો આપણા હાથમાં હોતા નથી, પણ તેના તરફ કેવી સમજણ કેળવવી, કેવાક પ્રત્યાઘાત આપવા એતો આપણા હાથમાં જ છે ને ?

સામાન્ય પરિસ્થિતિમાંયે, સવાલ એ છે કે વર્તમાનક્ષણોની જિંદગીને માણવાની તકોને શુંં આપણે ઝડપી શક્યા છીએ ખરા ? આજનાં દિવસનાં કાર્યો તથા સંપત્તિને શું આનંદથી ઉપભોગ કરી શક્યા છીએ ખરા ? પરિવાર જનો તથા સ્નેહીજનો સાથે પ્રેમભાવ, સંપ, સુમેળથી રહી શક્યા છીએ ખરા ? આ બધામાં જિંદગીની સાર્થકતાનો ક્યારેય અનુભવ થયો છે ખરો ?

જિંદગીનું સાચું મૂલ્ય જાણ્યા વિના, છેલ્લાશ્વાસ સુધી પદ પ્રતિષ્ઠા અને પૈસા પાછળ દોટ મૂકતા લોકો એક અભિશાપ લઈને જન્મેલા હોય છે અને ખરેખર તો આવી વ્યકિત દયાને પાત્ર છે.

- પરેશ અંતાણી



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IE1w7F
Previous
Next Post »