જીવનમાં ક્યારેય હતાશ કે, નિરાશ થશો નહીં


એક કહેવત છે કે, 'દોડનારનું નસીબ દોડે છે, ચાલનારનું નસીબ ચાલે છે અને ઊંઘનારનું નસીબ ઊંઘે છે.' જે લોકો નસીબને પકડીને બેસી રહે છે અને કંઈ જ કામ નથી કરતા તે લોકો પોતાનું જીવન બરબાદ કરે છે.

જીવનમાં જો સુખી થવું હોય અને સફળતા પ્રાપ્ત કરવી હોય તો, કયારેય નિરાશ ના થવું જોઈએ. આ દુનિયાની દરેક વ્યકિતને પ્રયત્ન કરવા છતાં પણ નિષ્ફળતાનો સ્વાદ ચાખવો જ પડતો હોય છે. દુનિયામાં કોઈ એવી વ્યકિત નહીં હોય કે તેને ક્યારેય નિરાશ ન થવું પડયું હોય. જીવન છે તો મુશ્કેલીઓ પણ આવવાની. કોઈનું જીવન એકધારું પસાર થતું જ નથી. સપાટ રોડની જેમ સડસટાડ પસાર થઈ જતું નથી. તેમાં મુસીબત રૂપી ખાડા આવવાના જ છે. તમો તમારા ઘરેથી ઓફિસ જવા માટે નિકળ્યા હોય, અને રસ્તામાં મોટો ખાડો આવે ત્યારે શું કરો છો ? ખાડાને જોઈને અફસોસ કરીને વાહન બાજુમાં મૂકીને બેસી જાવ છો ? ના, ખાડાની બાજુમાંથી ધીરેથી સાચવીને નીકળી જાવ છો ને ? બસ, જીવનમાં પણ એમ જ કરવાનું છે. મુશ્કેલી આવે તો નવો રસ્તો શોધો અને આગળ વધો.

પરંતુ એટલું ખાસ યાદ રાખવું કે, રાત્રીના અંધકાર પછી સૂર્યોદય હંમેશા થાય જ છે. ઉનાળાની ગરમી પછી વરસાદ પડે જ છે, તેમ જીવનમાં દુ:ખ પછી સુખ આવે જ છે. હતાશા પછી ઉત્સાહ પ્રાપ્ત થાય જ છે. પરંતુ તેના માટે હિંમત રાખવી અને પુરુષાર્થ કર્યા કરવો.

દુ:ખ કોના જીવનમાં નથી આવતું ? એ એક મોટો પ્રશ્ન છે, બાળક હોય કે કિશોર, યુવાન હોય કે વડીલ, પુરુષ હોય કે સ્ત્રી,  ગૃહસ્થ હોય કે ત્યાગી સૌના જીવનમાં દુ:ખના દિવસો આવે છે. સંઘર્ષ આવે જ છે. જેમણે જીવનમાં કાંઈક દેશ માટે, ધર્મ માટે કાંઈક કરવું છે, તે સૌ કોઈ દુ:ખો સામે લડયા જ છે. પછી તે ગાંધીજી હોય કે, સ્વામી વિવેકાનંદ હોય.

સ્વામી વિવેકાનંદ કહે છે કે, હંમેશા સાહસિક બનો. જે સાહસિક હોય છે તે હરેક પળે કશું ને કશું કરવા તૈયાર રહે છે. જીવનમાં પ્રગતિ સાધવી હશે તો, આપણે આપણા હાથને હલાવવા જ પડશે. મહેનત કરવી જ પડશે. સાહસ ખેડવું જ પડશે.

શ્રી સ્વામિનારાયણ ભગવાન ગઢડા પ્રથમ પ્રકરણના ૧૭મા વચનામૃતમાં કહે છે કે, ક્યારેય હિંમત વિનાની વાત ના કરવી, જે દિવસ હિમત વિનાની વાત થઈ જાય તે દિવસ એક ઉપવાસ કરવો.

આપણે ત્યાં એક કહેવત છે કે, 'દોડનારનું નસીબ દોડે છે, ચાલનારનું નસીબ ચાલે છે અને ઊંઘનારનું નસીબ ઊંઘે છે.' જે લોકો નસીબને પકડીને બેસી રહે છે અને કંઈ જ કામ નથી કરતા તે લોકો પોતાનું જીવન બરબાદ કરે છે.

આમ, જે જે મહાપુરુષો સફળતાના શિખરે પહોંચ્યાં છે, તે બધાનો એક સૂર આવે છે કે, જીવનમાં ક્યારેય હતાશ ના થાવ અને અથાગ પુરુષ પ્રયત્ન કરો. જીંદગીમાં હંમેશા હતાશાનો સામનો કરવો જોઈએ. જીંદગીમાં જે સમસ્યા આવે તેનો ઉકેલ શોધવો જોઈએ. જ્યારે આપણે સમસ્યાઓમાં ગૂંચવાઈ જઈએ છીએ ત્યારે આપણને તેમાંથી બહાર નીકળવાનો ઘણી વખત રસ્તો દેખાતો નથી. તે સમયે આપણે આપણા મગજ ઉપરનો કાબૂ ગુમાવ્યા વગર શાંત ચિત્તે બેસીને વિચાર કરવો જોઈએ, શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, તો અવશ્ય ભગવાન આપણને કોઈક નવો રસ્તો બતાવે જ છે, અથવા તો કોઈ માણસને આપણી મદદ કરવા માટે મોકલી જ આપે છે.

- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vcWHPC
Previous
Next Post »