જૈન શાસનમાં સંયમી શ્રમણ- શ્રમણી ભગવંતોનું સ્થાન કેવું ઉત્તમ- ઉત્કૃષ્ટ છે એની ઝલક એક શાયરીમાં મસ્ત રીતે આમ ઝિલાઈ છે કે: આસમાનમેં યદિ તારે ન હોતે, તો રાત ઇતની સુહાની ન હોતી ;
દુનિયામેં અગર સાધુ-સાધ્વી ન હોતે, તો જિનશાસનકી કહાની ન હોતી.
શ્રમણ- શ્રમણી ભગવંતો તો ખરા અર્થમાં જૈનશાસનનું ઝવેરાત છે. એમની ઉત્તમ આરાધનાઓ જૈનશાસનને ઊર્જાવંત બનાવી આજના વિષમ વિલાસી વાતાવરણમાં ય જૈનશાસનને જયવંતું રાખે છે, તો એમની પ્રભાવક પ્રવચનશક્તિ- પ્રબળ પ્રેરણાશક્તિ અને પ્રખર પુણ્યાઈ જિનશાસનમાં નવાં નવાં ઇતિહાસો સર્જે છે. હજુ એક ડગલું આગળ વિચારીએ તો, સંયમીભગવંતો માત્ર જૈનશાસનની જ નહિ બલ્કે સમગ્ર સૃષ્ટિની વિરાસત સમા છે.
કેમ કે એમની વિચારસૃષ્ટિ- આચારસૃષ્ટિ સકલ વિશ્વનું કલ્યાણ કરનારી છે. એ નિત્ય 'શિવમસ્તુ સર્વજગત :' અર્થાત્ જગતના સર્વ જીવોનું કલ્યાણ થાઓ આવી મૈત્રીભાવમઢી વિચારધારા ધરાવતા હોય છે, તો ગામોગામ પગપાળા વિચારીને વ્યસનમુક્ત- દુરાચારમુક્ત- હિંસામુક્ત સમાજનાં નિર્માણ માટે ઉપદેશધારા વહાવતા હોય છે. આ ઉપરાંત ઉચ્ચતમ આચારમઢી જીવનશૈલી દ્વારા તેઓ નાનામાં નાના જીવોને અભયદાન પણ આપતા હોય છે.
બલિહારી જૈનશાસનની છે કે આજના સુખ-સુવિધાનાં સાધનોની ભરમારભર્યા ભોગપ્રધાન યુગમાં ય પ્રતિવર્ષ સેંકડો નવલોહિયા યુવાનો વગેરે દીક્ષાધર્મ અંગીકાર કરે છે. એટલું જ નહિ, દીક્ષિત થયેલા એ પુણ્યાત્માઓ ઉત્તમ આચાર-તપ- શ્રુતસાધનાદિ દ્વારા આરાધકોને ઉત્તમ આલંબનો પણ અર્પે છે. આવી જ એક ઘટનારૂપે, તા.૭ થી ૧૨ માર્ચ ફાગણશુદિ બારશથી વદિત્રીજ દરમ્યાન મુંબઈ- કાંદિવલી (પૂર્વ)નાં શાંતિનાથ ઝાલાવાડ જૈન સંઘમાં માત્ર પંદરવર્ષીય બાલકુમાર નેમીન શ્રેયાંસભાઈ મહેતાની દીક્ષાનો અને અમારા વિદ્વાન- તપસ્વી શિષ્યરત્નો મુનિવર્ય હિતરત્નવિજ્યજી- મુનિવર્ય અક્ષયરત્નવિજ્યજીને ગણિ-પંન્યાસપદ પ્રદાનનો ભવ્ય મહોત્સવ યોજાયો છે. ત્યારે, 'વૈરાગ્ય કલ્પલતા' ગ્રન્થના બે મસ્ત વિશેષણો દ્વારા આપણે અહીં એવી ચિંતનયાત્રા કરીશું કે જેમાં સંયમપંથે ડગ માંડી રહેલ પુણ્યાત્માઓની બાહ્ય- અભ્યંતર સૃષ્ટિની નમસ્કરણીય ઝલકો માણી શકાય. ઉપરાંત એમાં ઉપરોક્ત ત્રણેય પુણ્યાત્માઓના પ્રેરક પ્રસંગોનું પણ ઉદાહરણરૂપ દર્શન કરી શકાય. આવો, આપણે માણીએ એ ચિંતનયાત્રાની શ્રેયસ્કર સફર :
સમર્થ શાસ્ત્રકાર ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય યશોવિજ્યજી ગણિવરે આ 'વૈરાગ્યકલ્પલતા' ગ્રન્થમાં મુમુક્ષુ મહાત્માઓન પરિચય કરાવતા કેટલાક વિશેષણો એવાં અદ્ભુત પ્રસ્તુત કર્યા છે કે જેમાં એ પુણ્યાત્માઓનું વિચારજગત- આચારજગત બહુ સુરેખ પ્રતિબિંબિત થાય. આવા અનેક પૈકી જ બે વિશેષણો પર આપણી ચિંતનયાત્રા થઈ રહી છે તેમાંનું એક વિશેષણ છે. 'દૈન્યોત્સુક્યજુગુપ્સાડરતિચિત્તોદ્વેગતુચ્છતારહિતા :' આ વિશેષણ દ્વારા ગ્રન્થકાર એમ કહે છે કે મુમુક્ષુ સંયમી પુણ્યાત્માનાં જીવનમાં દીનતા ન હોય, અપ્રસન્નતા ન હોય, ચિત્તનો ઉદ્વેગ ન હોય, ઉત્સુક્તા અર્થાત્ બિનજરૂરી કુતૂહલવૃત્તિ ન હોય, જુગુપ્સા- ઘૃણા ન હોય અને સ્વભાવની તુચ્છતા ન હોય. જરા વિસ્તરણ કરીએ ગ્રન્થકારનાં આ વિધાનનું.
શ્રમણનું જીવન સમજણપૂર્વક સ્વેચ્છાએ કરાયેલ સર્વસંગત્યાગનું જીવન છે. સમૃદ્ધિ-સુવિધા- સ્વજન વગેરેનો ત્યાગ કર્યા બાદ એ જીવનમાં આવતી અગવડો - કષ્ટો શ્રમણની સમજમાં હોય છે. એથી એ એને સમતાથી સહન કરવાની કોશિશ કરે. પરંતુ કેટલીક તકલીફો- શારીરિકાદિ કષ્ટો એ જીવનમાં એવા પણ આવે કે જેની કલ્પના ન થઈ હોય. અણધાર્યા આવી પડતા આવા કષ્ટો સાધકને પણ વિચલિત કરી શકે. કેમકે સાધક શ્રમણ પણ આખર તો માનવ છે. એથી એનામાં ય અધીરતા- અસહિષ્ણુતા વગેરે બાબતો જોર કરી શકે.
આ સંભાવનાને મીટાવી દેવા માટે પૂર્વોક્ત વિશેષણમાં શ્રમણનું વિચારજગત સ્પષ્ટ કરાયું છે કે અણધારી વિપત્તિઓ આવે તો પણ શ્રમણ એમાં દીનતા-લાચારી ન અનુભવે, બલ્કે એને સત્ત્વશીલતાથી- ખુમારીથી વધાવી લે. આવી મનોવૃત્તિ દાખવવાથી એનાં ચિત્તમાં હર કોઈ પરિસ્થિતિમાં અપ્રસન્નતા ય ન પાંગરે અને ઉદ્વેગ પણ ન પ્રગટે. 'વૈરાગ્ય કલ્પલતા' ગ્રન્થકારે દર્શાવેલ શ્રમણનું આ વિચારવિશ્વ આજના શ્રમણોમાં ય કેવું ઝળહળે છે એ જાણવું છે ? તો વાંચો પૂર્વોક્ત મહોત્સવમાં જેમને ગણિ-પંન્યાસપદપ્રદાન થઈ રહ્યું છે તે અમારા પ્રશિષ્યરત્ન મુનિવર શ્રી હિતરત્નવિજયજીની આ પ્રેરક સત્ય ઘટના :
મુનિવર હિતરત્નવિજ્યજી તપસ્વી શ્રમણ છે. દીક્ષા જીવનમાં સળંગ પાંચસહિત કુલ છ વર્ષીતપ, ૪૫-૩૧-૩૦-૨૭-૧૬ સળંગ ઉપવાસ, બે વાર પાંચસો આયંબિલતપ, વર્ધમાનતપની ચોપન ઓળી, સિદ્ધિતપ, વીશસ્થાનક- નવપદઓળી વગેરે અનેક તપશ્ચર્યાઓ એમણે આજ સુધીમાં કરી છે. તેમાં જ્યારે તેઓ સળંગ ત્રીજો વર્ષીતપ કરતા હતા ત્યારે એક વાર ભારે કસોટી થઈ. એ દિવસોમાં અમે પાલિતાણાથી મુંબઈ તરફ વિહાર કરી રહ્યા હતા. નિત્યના અઢારથી વીશ કિલોમીટરના પગપાળા વિહારો થતા. એ દિવસે બોરસદથી ગંભીરાગામનો એકવીશ કિ.મીનો દીર્ઘ વિહાર હતો. દીર્ઘવિહાર હોવાથી કેટલાક શ્રમણે સાંજે છ- સાત કિ.મી.નો વિહાર કરી વચ્ચેના ગામે રાતવાસો કર્યો. જ્યારે અમે સળંગ એકવીશ કિ.મી.સવારમાં જ એક સાથે ચાલી જવાનો નિર્ધાર કર્યો. હિતરત્નવિજયજીને પૂર્વદિને વર્ષીતપનો ઉપવાસ હતો. છતાં એમણે ભક્તિવશ અમારી સાથે જ ઉપવાસ ઉપર એકવીશ કિ.મી.સળંગ ચાલવાનું મુનાસિબ માન્યું.
પણ રે નસીબ ! અમે વિહાર દરમ્યાન એ દિવસે માર્ગ ચૂકી ગયા અને એક વળાંક પર અન્ય માર્ગે આગળ વધી ગયા. ચાર કિ.મી. ચાલી ગયા બાદ એક ખેડૂતે ધ્યાન દોરતા સમજાયું કે હવે ચાર કિ.મી.વળી પરત જઈ મૂળ માર્ગ અપનાવવા સિવાય વિકલ્પ નથી ! આમ કરવા જતાં કુલ ઓગણત્રીશ કિ.મી.નો પદયાત્રાવિહાર એક સાથે થતો હતો અને હિતરત્નવિજયજીને એ વિહાર ઉપવાસ પર અન્નના એક કણ વિના અને જલના એક બુંદ વિના કરવાનો હતો. કેમકે ત્યાં સાથે એવી કોઈ સુવિધા રખાઈ ન હતી.
અમે એમને માત્ર એટલું જ કહ્યું કે' માર્ગાડચ્યવન- નિર્જરાર્થ પરિષોઢવ્યા પરિષહા : આ શાસ્ત્રવચન એમ કહે છે કે શ્રમણમાર્ગથી ચલિત ન થવાય અને કર્મનિર્જરા થાય તે માટે આવા કષ્ટોને આપણે આવકારવા જોઈએ.' એમણે તહત્તિ કરીને મુખની એક રેખા પણ બદલ્યા વિના પ્રસન્ન ચિત્તે ઉપવાસ પર પચ્ચક્ખાણ પાર્યા વિના સળંગ ઓગણત્રીશ કિ.મી.નો પાદવિહાર અમારી સાથે કર્યો અને ગંભીરા વિલંબથી પહોંચ્યા બાદ જ સમતાથિ બિયાસણું કર્યું ! શ્રમણો દીનતા- અપ્રસન્નતા- ઉદ્વેગથી કેવા રહિત હોય તે આ કસોટીભરી સત્ય ઘટનામાં સરસ પ્રતિબિંબિત થાય છે.
'વૈરાગ્ય કલ્પલતા' ગ્રન્થકારે એ ગ્રન્થમાં શ્રમણ માટે અન્ય એક મજેદાર વિશેષણ આ પ્રસ્તુત કર્યું છે કે' ગાંભીર્યૌદાર્યઘૃતિસ્મૃતિસહિતા :' ભાવાર્થ કે શ્રમણ ગંભીરતા- ઉદારતા- ધીરતા- સ્મરણશક્તિના ગુણોથી યુક્ત હોવ. આમાંના એકમાત્ર ગંભીરતાગુણનું વિશ્લેષણ કરીએ તો, આ ગુણ ધરાવનાર વ્યકિતનું સાગર સાથે સરખાવી શકાય. સાગરમાં અનેક મૂલ્યવાન રત્નો હોય. કિંતુ તો ય એ એને છલકાવી દઈ દુનિયાને દેખાડવાની બલિશતા નથી કરતો. એ પોતાના મૂલ્યવાન રત્નો પેટાળમાં સમાવી રાખે.
બરાબર એ જ રીતે ગાંભીર્યગુણ ધરાવતી વ્યકિત પોતાના ગુણો- વિશિષ્ટતાઓ દર્શાવવાની કોશિશ ન કરે, કે ન એના આધાર પર પોતાને વિશેષ સ્થાન- માન મળે તેવી ઝંખના રાખે. હા, અન્યો એ ગુણની સ્વયં પરખ કરી અનુમોદના કરે કે એના આધાર પર અધિકૃત વ્યકિત એમને સ્વયં સ્થાન- માન આપે એ અલગ વાત છે. પરંતુ એ પોતે આવી કોઈ કામના રાખે યા દર્શાવે નહિ. ખરો ગાંભીર્યગુણ આ છે. ગ્રન્થકારે શ્રમણ માટે દર્શાવેલ આ ગાંભીર્યગુણની અસર આજના શ્રમણોમાં ય કેવી મસ્ત નિહાળવા મળે છે તે આપણે માણીએ અમારા શિષ્યરત્ન મુનિવર અક્ષયરત્ન વિજયજીની એક જીવનઘટના દ્વારા :
હાલમાં કાંદિવલી- મુંબઈમાં ઉજવાઈ રહેલ દીક્ષા- પદપ્રદાનમહોત્સવ જેમને ગણિ- પંન્યાસપદપ્રદાન થઈ રહ્યું છે તે આ મુનિવરે એમનાં જીવનમાં આચારધર્મની સાથોસાથ તપ અને જ્ઞાાનની પણ ઉત્તમ ઉપાસના કરી છે. બે વાર વર્ષીતપ- પાંચસો આયંબિલ- વર્ધમાનતપની બેંતાળીશઓળી- નવપદ તથા વીશસ્થાનક ઓળી વગેરે અનેક તપશ્ચર્યાઓ કરનારા આ મુનિવરે કર્મગ્રન્થ- તત્વાર્થમહાશાસ્ત્ર- વ્યાકરણ- ન્યાય વગેરેનો સ્ટીક અભ્યાસ પણ કર્યો છે.
ગુજરાતી અને સંસ્કૃતભાષામાં વિવિધ પુસ્તકોનું આલેખન કરનાર આ મુનિવરે પોતાના બન્ને પરમગુરુદેવો આચાર્યપ્રવર ધર્મસૂરીશ્વરજી મ. તથા આચાર્યવર્ય સૂર્યોદયસૂરીશ્વરજી મ.ના બે સંપૂર્ણ સંસ્કૃત પુસ્તકો આલેખ્યાં છે. એમણે જ આઠ માસ પૂર્વે પરમ ગુરુદેવ વિશે 'સૂર્યોદયનું સૌંદર્ય' નામે ગુજરાતી પુસ્તક આલેખ્યું. એનાં લેખકીય નિવેદનમાં તેઓએ આ હૃદયસ્પર્શી પંક્તિઓ લખી કે ' આ પુસ્તકનાં આલેખનની કોઈ વિશેષ ફળશ્રુતિની આકાંક્ષા નથી. બસ, ગુરુ બનાવે તેવા બનીએ અને સાચા શિષ્યત્વની પ્રાપ્તિ કરીએ એ જ એક માત્ર ઝંખના છે.
' અમે જ્યારે પ્રથમવાર આ પંક્તિઓ વાંચી ત્યારે અમારું અંતર બાગ બાગ થઈ ગયું કે સંસ્કૃત પુસ્તકો લખવા છતાં અને સંપૂર્ણ ક્ષમતા હાંસલ કરવા છતાં ક્યાં ય કશી અપેક્ષા આ શ્રમણે દર્શાવી નથી. મનોમન ત્યારે જ અમે બે નિર્ણયો એમના માટે કરી દીધા કે (૧) એમને આ વર્ષથી સ્વતન્ત્ર ચાતુર્માસો કરાવવા અને (૨) ત્વરિત ભગવતીસૂત્રયોગ કરાવી ગણિ-પંન્યાસપદે આરૂઢ કરવા.
યાદ રહે કે પદપ્રદાન યોગ્યતાના આધાર પર થવું જોઈએ. યોગ્યતાનો પ્રથમ માપદંડ અધ્યાત્મક્ષેત્રે એ છે કે વ્યકિતએ સ્વયં કોઈ પદની અપેક્ષા ન રાખવી જોઈએ. ત્યાં ' માંગે સો ભાગે ત્યાગે સો આગે' ઉક્તિ સાર્થક થવી જોઈએ. મુનિવર અક્ષયરત્ન વિજયજીની બાબતમાં અમને આ યોગ્યતા જણાઈ. એથી તુર્ત એમના માટે ઉપરોક્ત નિર્ણયો અમલી બનાવાયા. આ યોગ્યતા ગાંભીર્યગુણની નીપજ હતી એમ અવશ્ય માની શકાય...
જે પ્રથમ વિશેષણ આપણે નિહાળ્યું તેમાં એક નિર્દેશ એ પણ હતો કે મુમુક્ષુ પુણ્યાત્મા ઉત્સુકતાથી રહિત હોય. પ્રથમ દૃષ્ટિએ વિચારતા આપણને એક વિમાસણ પ્રગટે કે ઉત્સુકતા કોઈ અવગુણ થોડો છે કે સાધકે એનાથી દૂર રહેવું જોઈએ ? ઉત્તર એનો એ છે કે ઉત્સુકતા સાધનામાર્ગમાં વિક્ષેપ કરનાર પરિબળ હોવાથી આર્ષપુરુષો સાધનાની અપેક્ષાએ એને અવગુણરૂપે ઠેરવે છે. આપણે એક ઉદાહરણથી સમજીએ ધર્મચિંતકોનું આ વિધાન.
ધારો કે એક મુમુક્ષુ અભ્યાસ કરવા બેસેલ છે. એનું વાંચન- મુખપાઠ સ્થિરતાથી થઈ રહ્યા છે. ત્યાં એકાએક રાજમાર્ગ પર બેન્ડ-વાજાંનો કોલાહલ સર્જાય છે. હવે જો એ મુમુક્ષુ ઉત્સુકતાવૃત્તિ- કુતૂહલવૃત્તિ ધરાવતો હશે તો એમ વિચારશે કે 'શેના બેન્ડવાજાં બજે છે ? શેનું જુલુસ છે. જરા નજર તો કરું.' અને એ અભ્યાસ પડતો મૂકી જુલુસ નિહાળવા ખડો થઈ જશે. આ મુમુક્ષુની શાસ્ત્રાભ્યાસરૂપ સાધનામાં જે વિક્ષેપ સર્જાયો એમાં જવાબદાર પરિબળ કોણ ? કહેવું જ જોઈશે કે પેલી ઉત્સુકતા. ઉત્સુકતા આ રીતે ચંચલતાસર્જીને સાધનાવિક્ષેપ કરતી હોવાથી જ એનો નિષેધ કરવાપૂર્વક દશવૈકાલિક આગમગ્રન્થ કહે છે કે 'અકોઉહલ્લે ઉસયા સ પૂજ્જો.' ભાવાર્થ કે જે સાધક કુતૂહલવૃત્તિથી દૂર રહે એ પૂજ્ય પ્રશસ્ય બની શકે છે. શાસ્ત્રના આવા નિર્દેશ ઝીલીને ગુરુપરંપરાના સંસ્કરણથી સીંચાયેલ મુમુક્ષુઓ આ કાળમાં ય કેવા ઉત્સુકતારહિત હોય એની ઝલક નિહાળીશું આપણે પૂર્વોક્ત મહોત્સવમાં જ અમારા હસ્તે દીક્ષિત થઈ રહેલ બાલમુમુક્ષુ નેમીનકુમારની એક તાજેતરની ઘટના દ્વારા :
અમારી સાથે પચીસસો કિલોમીટરનો પદયાત્રાવિહાર, ઉપધાનતપ, ત્રણવાર ચોસઠ પ્રહરી પૌષધ, વર્ધમાનતપ- નવપદઓળી આદિ તપસ્યા અને બે હજાર શ્લોક કંઠસ્થ કરનાર આ બાલમુમુક્ષુમાં વિનીતતા- નમ્રતા- શાંત પ્રકૃતિ અને ગુરુસમર્પણ આદિગુણો એવા છે કે જે પ્રથમ પરિચયે જ સામી વ્યકિતને સ્પર્શી જાય. દીક્ષા નિશ્ચિત થયા બાદ એ એના સાંસારિક સ્વજન સાધ્વીજીને વન્દનાર્થે
બેંગલોર ગયો. એ પરિવારના વડીલ સા.વીરેશપદ્માશ્રીજીએ એને પ્રશ્ન કર્યો કે 'તારા ગુરુમહારાજ કોણ બનશે ?'મુમુક્ષુએ નિર્લેપ ઉત્તર આપ્યો : 'અમારા મુનિવૃંદમાં મોટા સાહેબજી જેમના શિષ્ય થવાનું કહે તેમના શિષ્ય થવાના સંસ્કાર છે. મેં કે મારા પરિવારે એમાં કોઈ પસંદગી કરી નથી.' જેમના ચરણે જીવનસમર્પણ કરવાનું છે તે ગુરુ નક્કી કરવાની બાબતમાં ય આ હદની અનુત્સુકતા સાંભળીને સાધ્વીજી દંગ થઈ ગયા. એમણે શ્રમણજીવનોપયોગી કેટલીક ચીજો મુમુક્ષુ નેમીનને આપવા માંડી તો એણે જરાય કુતૂહલ દાખવ્યા વિના પૂર્ણ વિવેકથી કહ્યું :' હમણાં આ ચીજો આપની પાસે રાખો. અમારા મોટા સાહેબજીને રૂબરૂ પૂછીશ. એમની રજા હશે તો આપની પાસેથી મંગાવીશ.' પ્રભાવિક થઈ ગયેલ સાધ્વીજીએ આ બન્ને પ્રસંગો અમને પત્રમાં લખી મુમુક્ષુની અનુત્સુકતાને અંતરથી બિરદાવી..
છેલ્લે સંયમધર્મને બિરદાવતી એક શાયરી દ્વારા આ લેખનું સમાપન કરીએ કે :
યે સંયમ તો સાધના હૈ, મદારીકા ખેલ નહિ,
વીરોંકા યહ કામ હૈ, કાયરોકા યહાં મેલ નહિ...
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Wc9fBM
ConversionConversion EmoticonEmoticon