ખુદ ઇશ્વરે આવી 'જલારામ'ની ટેક- ભક્તિનાં પારખાં લીધાં: ભક્તિમાર્ગે સશક્ત દિવ્ય ચેતના પ્રગટાવવાનો અદ્ભુત પ્રેરણાપ્રસંગ


ભારતીય ભૂમિ અધ્યાત્મભૂમિ છે. ભારતમાં 'ધર્મ' પ્રજાના હૃદયનું મર્મ સ્થાન છે. 'પાયો' છે. ધર્મ- એક જીવન ધ્યેય છે. આપણી ભારતીય સંસ્કૃતિના ચાર આધારસ્તંભ છે. (૧) ત્યાગ (૨) વૈરાગ્ય (૩) નિર્ભયતા (૪) પ્રેમ.  આ ચાર સ્તંભ જીવનસંગ્રામમાં આપણી સંસ્કૃતિને ટકાવી રાખે છે. એવી આપણી શ્રદ્ધા છે.

જગન્નિયતાનું આયોજન પણ એવું છે કે સમયે સમયે, સંતો- મહાત્મા- ભક્તો- અવતાર વિશેષ- અવતરે છે ને, 'કાળચક્રની' અસરથી અધ્યાત્મ જીવનમાં આવેલી શિથીલતાને મૂર્છાને દૂર કરે છે. નવો પ્રાણ પૂરે છે. સંસ્કૃતિની મંદ પડેલી ગતિને વેગવાન બનાવે છે.

સમય સમયે, આવી મળતા સંતો, ભક્તો, અવતાર..'ઇશ્વરપ્રત્યે' શ્રદ્ધા પ્રેરે છે. ધર્મસંસ્કૃતિ જીવનનૌકાને વેગ આપે છે. આવી વિભૂતિઓની વિશેષતા એ છે કે, એ સમયમાં જીવાના જીવનમાં આવી, પોતાના સદ્ચરિત્રથી વિશ્વાસ જમાવી, પથદર્શક બની જાય છે. તેમનું સ્મરણ યાવદ્ચંદ્ર દિવાકરો' રહે છે.

તેમની જન્મજયંતિ- પુણ્યતીથીની ઉજવણીથી સંસારી જન ચેતનાનો પ્રેરણાપ્રસાદ પામે છે. ને ધર્મ-સંસ્કૃતિ-  ઇશ્વર પ્રત્યે ખેંચાય છે.

બસોવર્ષ ઉપર થવા આવ્યાં છતાં 'જલારામ બાપા અને વીરબાઈ આપણને તેમના દિવ્ય જીવન પ્રકાશથી, અધ્યાત્મક્ષેત્રે જાગૃત કરતાં રહ્યાં છે.

જલારામબાપા ગૃહસ્થી હોવા છતાં દિવ્યઅધ્યાત્મ પ્રાપ્ત કરી યોગીઓ માટે પણ મુશ્કેલી એવી અધ્યાત્મ શિખરે પહોંચી ગયા. તેજોમય આદર્શ સાથેનું ભક્તિભાવ સંપન્ન દાંપત્યજીવનનું ઉત્તમ દૃષ્ટાંત તેમણે પૂરું પાડયું.

વંદનીય જલારામ અને વીરબાઈનું ગૃહસ્થ જીવન પ્રભુપરાયણ, સેવાધર્મી, ટેકીલું, ને દૃઢ ભક્તિથી સશક્ત ચેતનાથી ભરેલું હતું. હૃદયની સરળતા, આંતરસૂઝ, સમર્પણ અને એક નિષ્ઠાભરી ઉપાસનાથી તેમને મળ્યા સદ્ગુરુ ' ભોજલ રામ'. દંપતીનું જીવન તીર્થ બની ગયું.

આવાં ચારિત્ર્યવાન, શુદ્ધભક્તિવાન જલારામ અને વીરબાઈનાં ભગવાને અગ્નિ પરીક્ષામાં પારખાં લીધા. તેમાં પણ આ દંપતી સફળ બન્યા. આ ઘટના વીરપુર ગામમાં સંવત ૧૮૮૬ (ઇ.સ.૧૮૩૦)માં બનેલી આ ઘટનાને વર્ષો વીત્યા તોયે આ અપૂર્વ ઘટનાને ભાવિકો યાદ કરી ધન્ય બને છે.  જલારામને મળેલાં ઝોળી-ડંગોમાનાં દર્શન આપણને થાય છે.

ને...પછી તો, વીરપુર ગામમાં જલારામ બાપા અને વીરબાઈનાં સેવાયજ્ઞા દુનિયા માટે પ્રેરણાપથ બન્યો.ભૂખ્યાંને ભોજન, જ્યાં રોટલો... ત્યાં પ્રભુ ઢૂકડો એવો 'સેવાયજ્ઞા' અજવાળાં પાથરતો રહ્યો છે. સેવાધર્મથી વિશ્વચેતના સાથે જોડાયેલ જલારામને બાપા તરીકે ને વીરબાઈ સૌના બા બની ગયા છે.

ભક્તિપંથ 'અગ્નિપરીક્ષા'નાં દૃષ્ટાંતો આપણી ધર્મસંસ્કૃતિમાં છે. હરિશ્ચંદ- તારામતી , નરસિંહ, મીરાં, શ્રીરામ, શ્રીકૃષ્ણ- અનેક દૃષ્ટાંતો અધ્યાત્મની સશક્ત ચેતનાથી ભરેલાં છે ને પ્રેરણા આપે છે.

સાંપ્રત સમયમાં કથાઓ, પ્રવચનો, ભક્તિમેળા, સત્સંગો, જાતજાતની ઉજવણીઓ, શિબિરો યોજાતાં રહે છે. પણ આયોજન કરનારાઓમાં, પ્રેરણા આપનારાઓમાં લાભ લેનારાઓમાં, વક્તાઓમાં, આધ્યાત્મિક 'સશક્ત દિવ્ય ચેતનાનાં દર્શન કેમ જોવા મળતાં નથી ? આપણે ઉપર ઉપરથી જ સૌ છબછબિયાં કરી લેવામાં જ શું સંતોષ માનીએ છીએ ? તે માટે ભક્તિમાર્ગે જનાર પ્રત્યેક આત્મનિરીક્ષણ કરવા જેવું છે. ધર્મ પ્રમાણે વર્તવાની પહેલાં ક્યારેય ન હતી એવી જરૂર આજે ઉભી થઈ છે. માણસે પોતાની જાતને જ તૈયાર કરવી પડશે. 'સ્ટ્વહજ સ્ટ્વૈહ ંટ્વજા ૈજ ંર્ ખ્તૈદૃી હ્વૈિંર ંર્ રૈદ્બજીઙ્મક.'

- આંખમાં 'અમી' હશે તો જીવનમાં પરમાર્થનું કાર્ય અને સેવા દીપી ઊઠશે.

- શિર સાટે નટવરને વરીએ રે..

- સુત-વિત- દ્વારા- શિશ સમર્પે, તે પામે રસ પીવા જોને.. હરિનો માર્ગ છે શૂરાનો

- આંગણું પ્રેમથી આવકારતું હોય, 'પધારો' એમ તેનાં દ્રાર બોલતાં હોય, લાગણીની ફોરમ સ્પર્શતી હોય, હાશકારાની ઠંડક હોય, તીર્થ જેવી શાંતિ હોય..

એવું માનવધર્મના ધબકારાથી ધબકતું જીવન ઘર બને તો કેવું સારું ?

- જીવન અંજલિ થાજો. ભૂખ્યાં કાજે ભોજન બનજો. તરસ્યાનું જળ થાજો. દીન દુઃખિયાના આંસુ લ્હોતા અંતર ના ધરાજો. મારું જીવન અંજલિ થાજો.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/339HnQt
Previous
Next Post »