અષ્ટછાપ કવિ શ્રી ચતુર્ભુજદાસજીની સખ્ય ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યક્ષ દર્શન આપી એમની સાથે ખેલતા હતા !


મારો સૌથી નાનો પુત્ર ચતુર્ભુજદાસએ પૂરો દીકરો છે અને કૃષ્ણદાસએ અડધો દીકરો છે. શ્રીમહાપ્રભુજીએ જે પુષ્ટિમાર્ગ પ્રગટ કર્યો છે તે વ્રજભક્તોની સેવા અને પ્રીતિની રીત સમાન છે. 

શ્રી નાથજીની સેવામાં સતત નિરત રહેનારા પુષ્ટિમાર્ગના મહાન ભગવદ્ભક્ત, શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના અગ્રણ્ય સેવક શ્રી કુંભનદાસજીના સૌથી નાના પુત્ર ભક્ત શ્રી ચતુર્ભુજદાસજી એમના પિતાની સાથે જ અષ્ટછાપ કવિઓમાં સમાવિષ્ટ હતા. એમનો જન્મ વિ.સં.૧૫૭૫માં જમુનાવતો ગામમાં થયો હતો. પિતા કુંભનદાસજીએ ચતુર્ભુજદાસ બાળક હતા ત્યારથી જ એમને પુષ્ટિભક્તોના સંગમાં રાખવા માંડયા હતા. ગુસાંઈજી શ્રી વિઠ્ઠલનાથજીએ એમના પિતાજીની વિનંતીથી ચતુર્ભુજદાસની ઉંમર માત્ર એકતાલીસ દિવસની હતી ત્યારે જ એમને બ્રહ્મસંબંધની દીક્ષા આપી દીધી હતી. શ્રીચતુર્ભુજદાસજી બાળપણથી એમના પિતાની સાથે શ્રીનાથજીના મંદિરમાં દર્શન કરવા જતા હતા. પિતાજીના ગુણ-સંસ્કાર-કલાના વારસાનું સંવહન કરી તથા એમના થકી પ્રશિક્ષિત થઈને શ્રીચતુર્ભુજદાસજી બાલ્યાવસ્થાથી જ પદોની રચના કરવા ભગવાન શ્રીકૃષ્ણની અંતરંગ લીલાઓની એમને અનુભૂતિ થતી હતી અને એને આધારે જ એને અનુરૂપ તે પદોની રચના કરતા. શ્રીચતુર્ભુજદાસજીની કાવ્ય અને સંગીતની કલાના કૌશલ્યથી પ્રસન્ન અને સંતુષ્ટ થઈ ગુસાંઈજી- શ્રી વિઠ્ઠલનાથજીએ એમને અષ્ટ છાપ કવિઓમાં સંમીલિત કર્યા હતા.

એકવાર શ્રીગુસાઈજીની પાસે શ્રીકુંભનદાસજી બેઠા હતા અને આજુબાજુમાં બીજા ઘણા વૈષ્ણવો પણ હતા. તે વખતે શ્રીગુસાંઈજીએ શ્રીકુંભનદાસજીને પૂછયું- 'કુંભનદાસજી ! તમારે કેટલા દીકરાઓ છે ?' એનો જવાબ આપતા શ્રીકુંભનદાસજીએ કહ્યું-' મહારાજ ! મારે દોઢ દીકરાઓ છે.' આ સાંભળી શ્રી ગુંસાઈજી અને અન્ય વૈષ્ણવો વિસ્મય પામ્યા. શ્રીગુસાંઈજીએ એમને કહ્યું-' મેં તો એવું સાંભળ્યું હતું કે તમારે સાત દીકરાઓ છે. તમે તો એવું કહ્યું કે મારે દોઢ દીકરા છે. એવું કેવી રીતે બને ? તમે એનું કારણ સમજાવો. શ્રીકુંભનદાસજીએ એનું તાત્પર્ય સમજાવતા કહ્યું - 'મહારાજ ! આમ તો મારે સાત દીકરાઓ જ છે. તેમાં પાંચ તો ભગવદ્ ભક્તિ વિનાના, માત્ર લૌકિકમાં આસક્ત છે. એમનો ભૌતિક રીતે જન્મ થયો છે પણ હજુ આધ્યાત્મિક જન્મ થયો નથી. એ પ્રભુ પ્રત્યે ભક્તિભાવવાળા બની ભગવદીય થયા નથી એટલે હું એમને ગણતરીમાં લેતો નથી.

મારો સૌથી નાનો પુત્ર ચતુર્ભુજદાસએ પૂરો દીકરો છે અને કૃષ્ણદાસએ અડધો દીકરો છે. શ્રીમહાપ્રભુજીએ જે પુષ્ટિમાર્ગ પ્રગટ કર્યો છે તે વ્રજભક્તોની સેવા અને પ્રીતિની રીત સમાન છે. (સેવા રીતિ પ્રીતિ વ્રજ્જન કી જનહિત જગ પ્રગટાઈ). એમાં શ્રીઠાકોરજીના સાંનિધ્યમાં સેવા કરી, સ્વરૂપાનંદની અનુભૂતિ કરી સંયોગ રસમાં મગ્નતા રાખવાની હોય અને એમનું પ્રત્યક્ષ સાંનિધ્ય ન હોય ત્યારે વિરહ (વિપ્રયોગ) રસનો અનુભવ કરી પ્રભુ સ્મરણ અને ભગવદ્ગુણગાન યુક્ત સંકીર્તન કરવાનું હોય. જે આ બન્ને કરે તે પૂરો વૈષ્ણવ કહેવાય. આવા ભક્તનું જીવન પૂર્ણ કહેવાય અને જન્મ સાર્થક થયો ગણાય. ચતુર્ભુજદાસ સંપ્રયોગ અને વિપ્રયોગ (સંયોગ અને વિયોગ) બન્ને રસનો અનુભવ કરી સેવા અને સ્મરણ સાથે ભગવદ્ લીલા સંબંધી કીર્તનનું ગાન કરે છે એટલે એને મેં પૂરો દીકરો કહ્યો.

મારો એનાથી મોટો એવો બીજો એક દીકરો કૃષ્ણદાસ શ્રીગોવર્ધનનાથજીની ગાયોની સેવા કરે છે અને શ્રીગોવર્ધનનાથજીનાં સ્વરૂપના દર્શન પણ કરે છે. પરંતુ તેને વ્રજભક્તોની રહસ્યલીલાની અનુભૂતિ નથી અને તેના જીવનમાં ભગવાનનું સ્મરણ અને લીલાનું સંકીર્તન નથી એટલે તેની ભક્તિ અડધી અને અધૂરી છે. સંપ્રયોગ રસ સાથે વિપ્રયોગ રસની અનુભૂતિ પણ જરૂરી છે. એનામાં વિપ્રયોગ આર્તિ નથી એટલે મેં એને અડધો પુત્ર કહ્યો.' આ સાંભળી ગુસાંઈજી પ્રસન્ન થયા હતા અને એમની વાતની પરિપુષ્ટિ કરી હતી.

શ્રી ચતુર્ભુજદાસજીની ભક્તિ સખાભાવની હતી. ભગવાન શ્રીકૃષ્ણ એમને પ્રત્યક્ષ દર્શન આપી એમની સાથે ખેલતા પણ હતા. ગુસાંઈજી શ્રી વિઠ્ઠલનાથજીની કૃપાથી ચતુર્ભુજદાસને ભગવાન શ્રીકૃષ્ણની વિવિધ પ્રગટ અને અપ્રગટ લીલાઓના પ્રત્યક્ષ દર્શન થતા હતા જે તે તેમના પદોમાં અભિવ્યક્ત કરતા હતા.' સુભગ સિંગાર નિરખિ મોહન કો, લે દર્પન કર પિયહિ દિખાવૈ ।।, માઈ રી આજ ઔર, કાલ ઔર, છિન છિન પ્રતિ ઔર ઔર, અદ્ભુત નટ વેષ ઘરૈ જમુના તટ । શ્યામ સુંદર ગુનનિધાન ।। ગિરિવરધરન રાસ રંગ નાચે ।, શ્રીગોવર્ધનવાસી સાંવરે લાલ, તુમ બિન રહ્યો ન જાય હો । જેવા શ્રી ચતુર્ભુજદાસજીના અનેક પદો વ્રજસાહિત્યમાં પ્રસિધ્ધ છે. વિ.સં. ૧૬૪૨માં શ્રી ચતુર્ભુજદાસ રુદ્રકુણ્ડ પર એક વૃક્ષ નીચે બિરાજમાન હતા ત્યારે ભગવદ્ લીલા ગુણગાન કરતાં કરતાં આ લોક છોડી નિત્યલીલામાં પ્રવેશ કર્યો હતો.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cMYcFn
Previous
Next Post »