આજે ધૂળેટી નિમિત્તે રણછોડજીના મંદિરે દોલોત્સવની ભાવપૂર્ણ ઉજવણી થશે


નડિયાદ, તા.09 માર્ચ 2020, સોમવાર

શ્રીરણછોડરાયજી મંદિર, ડાકોર ખાતે તા. ૧૦ માર્ચને મંગળવારના રોજ ફૂલડોળ એટલે કે ડોલોત્સવના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે શ્રીજીને સવારે ૯.૦૦ થી બપોરે ૧ વાગ્યા સુધી હિંડોળામાં ઝૂલાવવામાં આવશે, તેમજ સોનાની પિચકારીથી કેસૂડાના જળ તથા અબીલ-ગુલાલ સાથે વિવિધ રંગોનો છંટકાવ કરી  જય રણછોડ , માખણચોરના નાદ સાથે રંગોત્સવ ઉજવાશે.  શ્રીજીને હિંડોળા પર બિરાજમાન કરાવ્યા બાદ બપોર સુધીમાં પાંચ ખેલ ખેલાશે, જેમાં દરેક ખેલ બાદ મોટા ટોપલામાં શ્રીજીને ધાણી, ચણા,ગોળ અને ખજૂર ધરાવાશે. 

ફાગણીના પૂનમ બાદ ડાકોર શ્રીરણછોડરાયજી મંદિરમાં ઉજવાતા ડોલોત્સવના પ્રસંગનો અનેરો મહિમા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ ઉત્સવની પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવશે.બાળ સ્વરૂપ શ્રીગોપાલલાલજી મહારાજને મંદિરમાં કીર્તનની જાળીમાં સુશોભિત કરાયેલા હિંડોળા પર બિરાજમાન કરી ઝૂલાવવામાં આવશે. આ પ્રસંગે કીર્તન કરવા સાથે રંગોત્સવ પણ ઉજવવામાં આવશે. શ્રીજીના દર્શન કરતા  રંગોના આ ઉત્સવમાં ભક્તિના રંગમાં રંગાવવાનો અનેરો આનંદ લઈ ભાવિકો ભાવવિભોર થશે. 

આ પ્રસંગે જય રણછોડ, માખણચોરના નાદ સાથે મંદિર પરિસર ગૂંજી ઉઠશે. ભગવાન શ્રીકૃષ્ણ વ્રજધામમાં  પોતાના  સખાઓની સાથે ધૂળેટી રમ્યા હતા. ઉપરાંત અધર્મ ઉપર ધર્મના વિજય સમાન  હોલિકા દહન બાદ બીજા દિવસે ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવે છે.ડોલોત્સવ પ્રસંગે સવારે શ્રીજીને હિંડોળા પર બિરાજમાન કરાયા બાદ પાંચ ખેલ કરવામાં આવશે. દરેક ખેલ પછી શ્રીજીને ધાણી, ચણા, ગોળ અને ખજૂર ધરાવવામાં આવશે. જેમાં અંદાજે ૧૦ કિલો ઉપરાંત સામગ્રી ધરાવવાશે. ઉપરાંત દરેક ખેલ બાદ આરતી કરાશે. બપોરે ફુલડોળ પરથી ઉતરતી વખતે ચાંદીના ટાટમાં કપૂરની આરતી કરાશે. આ સમગ્ર પ્રસંગે શ્રધ્ધાળુઓનો મહેરામણ  દર્શનનો લ્હાવો લેવા માટે  ઉમટી પડશે.    

અમદાવાદ, વડોદરા સહિત અન્ય સ્થળોએથી ડાકોર ખાતે સંઘમાં આવેલા યાત્રાળુઓ  દર્શનનો લ્હાવો લેવા માટે આવી પહોંચ્યા છે. જેઓ મંગળવારે ફૂલડોળ પ્રસંગે શ્રીજીના દર્શન કરવા સાથે રંગોત્સવનું પર્વ  મનાવશે, અને ભક્તિરસમાં તરબોળ બની ધન્યતાનો અનુભવ કરશે. ફુલડોળના પ્રસંગે દર્શનનો અનેરો મહિમા છે. કાલે બપોરે ફુલડોળ બાદ ડાકોર મંદિરમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા ફાગણી પૂનમના પ્રસંગનું સમાપન થશે. 



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VZNVzG
Previous
Next Post »