ધ બોડી: ખૂન કર્યું ને જીવતી થઈ ગઈ, લાશ હરતી ફરતી થઈ ગઈ


ગીતો સાંભળવા લાયક ન હોવા છતાં પરાણે જોવાની હિંમત કેળવવી પડે છે. ઉપરથી કુલ સાત ગીતો છે. માની લો સાતે સાત ગીતો ડાયરેક્ટરે ફિલ્મમાં ઘુસાડયા હોત તો શું હાલત થાત ? 

ઉઠાંતરી કરેલી ફિલ્મ હંમેશાં હિટના માળખામાં ફિટ નથી બેસી શકતી. આવું જ ઈમરાન હાશ્મી અને રિષી કપૂરની ફિલ્મ બોડી સાથે થયું. ૨૦૧૨માં સ્પેનિશ ફિલ્મ એલ ક્યૂરેપો આવી હતી. જેનું અંગ્રેજી ધ બોડી થાય. તેમાંથી કન્નડમાં વર્ષ ૨૦૧૬માં ગેમ નામની ફિલ્મ બની. મુખ્યત્વે સ્પેનિશ ફિલ્મો જેવી જ ડુપ્લિકેટ થ્રીલર ફિલ્મો બનાવવા માટે પંકાયેલી કોરિયન ઈન્ડસ્ટ્રી પણ આ પ્લોટની ચકમકથી હિપ્નોટાઈઝ થઈ ગઈ. ધ વેનિશ્ડ નામે તેમણે પણ સ્પેનિશ ફિલ્મની કોપી મારી નાખી. જો બધા સફળ ગયા તો આપણે પણ સફળ જઈશું !! આ આશાએ હિન્દીમાં પણ ધ બોડી ફિલ્મ બની. ફિલ્મમાં હત્યા કોણે કરી તેના કરતાં વધારે મહત્વનું લાશ કોણે સંતાડી તે છે. ડાયરેક્ટર જીતુ જોસેફ ક્રાઈમ-થ્રીલર બનાવવા માટેના ઉત્સાદ છે, તેવું હેશટેગ દ્રશ્યમ બાદ તેમના લલાટે લગાડી દેવામાં આવ્યું છે. આ જીતુ જોસેફે જ ધ બોડીનું ડાયરેક્શન કર્યું છે. અત્યાર સુધીમાં કુલ ૨૦ ફિલ્મો ડાયરેક્ટ કરી ચૂકેલા જીતુજી એક જ વર્ષમાં ત્રણ ફિલ્મો ડાયરેક્ટ કરવાની પણ ક્ષમતા ધરાવે છે. જીતુ મૂળ મોહનલાલની ઓરિજનલ દ્રશ્યમથી ચર્ચામાં આવ્યા હતા. પછી તમિલમાં કમલ હસન સાથે એ જ ફિલ્મની રિમેક પાપનાશમ બનાવી અને જીતુનો જોટો જડે તેમ નથી આવું તેમની જ ફિલ્મ દ્રશ્યમની રિમેક હિન્દીમાં પ્રસિદ્ધ થતા ઘણા દર્શકોને લાગ્યું. ધ બોડીની ચાર વખત રિમેક બની ચૂકી છે. ચોથી ખૂદ ડાયરેક્ટર જીતુ જોસેફે બનાવી. ખૂદની દ્રશ્યમની તેઓ પોતે જ ત્રણ વખત રિમેક બનાવી ચૂક્યા છે. સરવાળો ચોખ્ખો છે કે ખૂદની સફળ રિમેક બનાવવા કૂવામાં અચૂક કૂદવું, પણ બીજાએ બનાવેલો લાડવો આપણને પણ પચશે તેવું બિલ્કુલ માનવું નહીં.

કહાની

ફિલ્મની કહાની શરૂ થાય છે એક અકસ્માતથી. કેમેરાની નજર રસ્તા પર છે અને કાર પૂરપાટ વેગે ચાલી રહી છે. ઓડિયન્સ તરીકે મનમાં પણ એમ જ થાય કે હમણાં ગોઝારો અકસ્માત સર્જાશે અને સર્જાય જાય છે. કટ ટુ ત્યાંથી સીન સીધો જાય છે એક ઘરમાં, જ્યાં પોલીસ ઓફિસર જયરાજ રાવલ ઘોડા વેચીને ઉંઘી રહ્યા છે. ઈન્સપેક્ટર પવનનો તેમને ફોન આવે છે કે, એક લાશ ગાયબ થઈ ચૂકી છે. હક્કાબક્કા થઈ તેઓ હોસ્પિટલ આવે છે. બહાર વરસાદી વાતાવરણ છે. સિક્યુરીટીને પૂછતા તે કહે છે, ભૂત હતું. પોલીસને વિશ્વાસ નથી આવતો. શોધતા શોધતા પગેરૂ અજય પૂરી સુધી નીકળે છે. આ અજયની પત્ની માયા હોય છે. જેની ડેડબોડી ગાયબ થઈ હોય છે. અજયને પોલીસનું તેડુ આવે છે. તે જાય છે પણ સ્થિતિ એવી ઉભી થાય છે કે પોતે જ ખોટું બોલીને ફસાય જાય છે. અજયના લગ્નેતર સંબંધો પણ તેને બચાવી નથી શકતા. છેલ્લે ઈમરાન હાશ્મીની દરેક ફિલ્મોમાં થાય છે તે રીતે જ મુખ્ય હિરોનું મૃત્યુ થાય છે. પણ કેવી રીતે ? એ જાણવું રસપ્રદ છે ! પણ જાણ્યા બાદ દોઢ કલાક આ માટે બગાડી તે વિચારથી દાંત ખાટા થઈ જાય છે. થોડું મગજ દોડાવવાની તસ્દી લીધી હોત તો હત્યાનું પગેરૂ આપણે શરૂઆતની વીસ મિનિટમાં પણ કાઢી શકતા હતા. 

ઘણાં થીંગડા મારવા પડે

સસ્પેન્સ થ્રીલર ફિલ્મોનું ઘડતર સિચ્યુએશનથી થાય છે. કેવી સ્થિતિ છે ? કોણે હત્યા કરી ? હત્યારો ક્યાં છે ? તેને શોધવો ક્યાં ? હત્યા શા માટે કરાઈ ? હત્યા કરવા પાછળનું કારણ શું ? આવી નાની નાની કડીઓ જોડીને સાઉથની રસાટન જેવી અદભૂત ફિલ્મ બનાવી શકાય. પણ ધ બોડી ફિલ્મ ખૂબ નાની હોવા છતાં ખેંચાયા રાખે છે. ફિલ્મની વચ્ચે વચ્ચે ઈમરાન હાશ્મીને પોતાની પૂર્વ વારદાતો યાદ આવ્યા કરે છે, જે ફિલ્મ નાની હોવા છતાં તેની લંબાઈમાં ખાસ્સો વધારો કરે છે. ફિલ્મના કેટલાક સીન્સ તેને ક્રાઈમ-થ્રીલર-રિવેન્જ ડ્રામા કરતાં સુપરનેચરલ હોરરમાં વધારે ખપાવી દે છે. કેટલાક સીન્સ તો એવા છે, જેમાં કાણું ન હોવા છતાં ડાયરેક્ટર પરાણે સોઈ પોરવવાના એડીચોટ પ્રયત્નોમાં લાગ્યા છે. એક સીન થકી વરસાદી વાતાવરણ ધરાવતી આ ફિલ્મમાં થોડો ઉઘાડ લાવીએ. ફિલ્મમાં અજયની પત્ની માયા ભૂત બની ટોયલેટની સામેથી નીકળે છે. આ કેમ બન્યું તે વિશે ડાયરેક્ટરે કશું કહ્યું નથી. શું પ્રોજેક્ટર ગોઠવ્યું હતું ? ગોઠવ્યું હોય તો પણ પતિને કંઈક તો યાદ હોયને ? જેવી રીતે ફિલ્મમાં તેને ઘણું બધું યાદ આવે છે. બાકીની તમામ વસ્તુઓ અંતમાં સમજાવી દે છે, પણ અકસ્માતથી શરૂ થયેલી આ ફિલ્મમાં આટલો મોટો અકસ્માત કેવી રીતે સર્જાયો તેના વિશે ડાયરેક્ટર મગનું નામ મરી પાડતા નથી.

રિષી કપૂર ખૂબ વૃદ્ધ લાગે છે. એટલા વૃદ્ધ કે હવે એસ.પી તરીકેના તેમના નિવૃતિકાળમાં માત્ર ૬ મહિના જ બાકી બચ્યા હોય. છતાં દસ વર્ષ પહેલાં તેમની અને શ્રીમાન અજય પૂરી ઉર્ફ ઈમરાન હાશ્મીની મુલાકાત કેવી રીતે થઈ હશે ? ઈમરાન જુવાનજોધ લાગે છે. તેની ઉંમર સુરેશ જોષીની થીંગડુ વાર્તાના નાયકની ઉંમર ન વધે તેમ ચીરાયું બની ગઈ છે. ઈમરાનની પત્ની માયા તો માત્ર બાવીસ વર્ષની જ લાગે છે. એ હિસાબે અજય પંદર અને માયા દસ વર્ષના હશે ત્યારે બાળ લગ્ન કર્યા હશે ?? ડાયરેક્ટરે પાત્રની પસંદગીમાં મોટો ગોટો વાળી દીધો છે.

રિષી કપૂર ધ બેસ્ટ પણ સામે ઈમરાન હાશ્મી નબળો પૂરવાર થાય છે. એક્ટિંગથી પણ અને રિષીજીને ટક્કર આપવાથી પણ. દરેક સીનની શરૂઆતથી જ રિષી કપૂર તમામ પાત્રો પર પોતાના અભિનયથી રીતસરના તૂટી પડે છે. જ્યારે એક સિંગલ સીનમાં પણ કોઈનો વારો ન આવવા દેવો હોય. માયાના રોલમાં શોભિતાએ એક પણ એક્સપ્રેશન નથી આપ્યા. તે ખોટું વારંવાર બોલે છે અને હા, મેં જ ખોટું બોલ્યું શું કરી લેશો ? આવું પોતાના પતિને પણ પૂછે છે. તેમાં એક ખોટું વાસ્તવમાં સાચું છે તેને ઓડિયન્સે પકડવાનું છે. સંતાકૂકડીની રમતની માફક.

ફિલ્મના ગીતો કાચબાદોડ સમાન છે. એ આવી જાય તો પૂર્ણ થવાનું નામ જ નથી લેતા. એક ગીતમાં લગ્ન થાય તો અજય અને માયા વચ્ચે કેવો પ્રેમ રહ્યો તે માટે ફરજીયાત જોવાનું. અજય પૂરીના લગ્નેતર સંબંધોનો કેવી રીતે વિકાસ થયો તે માટે પણ એક ગીત પરાણે જોવાનું. આમ ગીતો સાંભળવા લાયક ન હોવા છતાં પરાણે જોવાની હિંમત કેળવવી પડે છે. ઉપરથી કુલ સાત ગીતો છે. માની લો સાતે સાત ગીતો ડાયરેક્ટરે ફિલ્મમાં ઘુસાડયા હોત તો શું હાલત થાત ? ઈમરાનના ગીતો હવે પહેલાંની માફક હિટ નથી જતા તે હવે ફિલ્મના મેકર્સે પણ સ્વીકારી લેવું પડશે.

- મયૂર ખાવડુ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aArZyP
Previous
Next Post »