એક સમયે પ્રેમની ચિઠ્ઠીનાં સંદેશવાહક તરીકે કબૂતરની મહત્તા હતી જ. આજકાલ એ કામ મોબાઈલફોનથી થાય છે.
તે ક્ષણે ખૂલી જવા ખુદ પિંજરું તત્પર થશે,
જે ક્ષણે સંપૂર્ણ રીતે સ્વસ્થ પારેવું થશે.
-ડો. મુકુલ ચોક્સી
ઇં ગ્લિશ શબ્દ ગો એટલે જા. કબૂતર જા જા જા, કબૂતર જા જા જા ગીત એક સમયે ભારે જાણીતું બન્યું હતું. આજે ફરીથી એ એટલે યાદ આવ્યું કારણ કે અમદાવાદ જયપુરની 'ગો એર'ની ફ્લાઇટમાં વિમાનની અંદર બે કબૂતરો ઊડતાં જોવા મળ્યા. લો બોલો! કોઈ પેસેન્જરે એમને પકડવાની કોશિશ કરી તો બાકી બધા એમની ઝપાટથી બચવાની કોશિશ કરતાં રહ્યા. પારેવાં સ્વસ્થ થયા કે નહીં એ તો ખબર નથી પણ આખરે વિમાનનાં બારણાં ખોલીને એમને વિમાન પિંજરમાંથી આઝાદ કરવામાં આવ્યા. કોઇકે આખી ઘટનાનો વીડિયો ઉતાર્યો અને વાઇરલ કર્યો.
આમ તો ઓનલાઈન ટ્વીટરિયાંની સેન્સ ઓફ હ્યુમર લાજવાબ હોય છે. કોઇકે કહ્યું કે આ કબૂતરને કોઈ બોડગ કાર્ડ ઇસ્યુ કરો. કોઇકે આ ઘટનાને કોમેડિયન કુણાલ કામરા સાથે જોડીને લખ્યું કે આ તો એની ભટકતી આત્મા છે. અર્નબ ગોસ્વામી સાથે એક ફ્લાઇટમાં બોલાચાલી થઈ એટલે વિમાની કંપનીઓએ એમનાં ઊડવા ઉપર પ્રતિબંધ લગાડયાનો રેફરન્સ હતો. કોઇકે એમ પણ લખ્યું કે હવે કબૂતરનાં મુક્ત ગગનમાં ઊડવા પર પણ પ્રતિબંધ લાગશે. એ જે હોય તે પણ એક મોટા પક્ષીની અંદર એક નાનું પક્ષીનું ઊડવું કૌતુકભરી ઘટના તો હતી.
કૌતુક તો કવિને થાય જ્યારે એ આકાશમાં પક્ષીઓને ઊડતાં નિહાળે. કવિ મણિલાલ દેસાઈનાં પ્રકૃતિનાં લયને સાકાર કરતા એક ગીતકાવ્યનો ઉઘાડ છે : આભમાં કોયલ કીર કબૂતર ઊડે, ઝાડ જમીને નભના નીલા રંગમાં ઘડીક તરતાં ઘડીક બૂડે. કીર એટલે પોપટ કે સૂડો. કોયલ અને કબૂતર તો આપણે જાણીએ છીએ. આકાશની ભૂરી પૃષ્ઠભૂમિમાં કોઈ વૃક્ષ તરતું બૂડતું હોય એવી બર્ડ્સ પોઈન્ટ ઓફ વ્યૂ બનતી ઘટના વિષે તો કોઈ કવિ જ વિચારી શકે.
કવિ સુરેશ જોશી 'સવાર (પંતુજીની દ્રષ્ટિએ)'માં શાળામાં હારબંધ ગોઠવાયેલાં બાળકોને કબૂતર કહે છે જેમને કુદરતની મધુર સવારનાં સૌંદર્યનો આનંદ લેવાનો સમય નથી. તેઓ તો શાળાનાં બંધ ઓરડામાં ગઈકાલનો પાઠ ગોખી રહયા છે. અને હા, કબૂતર હારબંધ જ હોય એવું જરૂરી નથી. એ એકલું ય હોઈ શકે. કવિ નયન દેસાઇ સૂરતનાં વરસાદની વાત કરતાં લખે કે સૂની હવેલીનાં ગોખમાં ચોમાસું માણે છે એકલું પારેવું. કવિ સુરેશ દલાલ પ્રેમનાં વલોપાતને વિષે વાત કરતાં લખે છે કે આટલું બધુ વ્હાલ તે કદી હોતું હશે , કોઈ પારેવું વાદળ ભરી રોતું હશે.
કબૂતર સંદેશવાહક પણ છે. યુદ્ધ કે રમતગમતનાં ખાસ સંદેશ પહોંચાડવા માટે એમનો ઉપયોગ થતો. પ્રેમ સંદેશ માટે એની મહત્તા જબરી છે. સોળમી સદીનાં યૂરોપમાં કબૂતરની ચરક ખેડૂતો માટે એમનાં પાકનું એક આદર્શ ખાતર ગણાતું એટલે કોઈ ચોરી ન જાય એ માટે સિક્યુરિટી રાખવામાં આવતી હતી. દરેક ધર્મમાં પણ કબૂતરનું મહાત્મ્ય છે. શીખ ધર્મમાં તો કબૂતરને ચણ નાખવાનું અનેરું મહત્વ છે. રાજસ્થાનનાં શ્રીગંગાનગર જિલ્લામાં તો કબૂતર સાહેબનું ગુરુદ્વારા છે જે શીખ ગુરુ ગોવિંદસાહેબની કથા સાથે સંકળાયેલું છે. કબૂતર શાંતિદૂત છે. શાંતિનો સંદેશો લઈને આવે છે. ઈસાઈ ધર્મનાં કથાનક અનુસાર પૃથ્વી ઉપર પ્રલય થયો ત્યારે નોવા પોતાનાં આર્કમાં વિવિધ પ્રાણી પક્ષીની જોડી લઈને નીકળી ગયા હતા. પ્રલય પછી નવજીવન છે કે કેમ? એ ત્યારે ખબર પડી જ્યારે એમણે છોડેલું કબૂતર એની ચાંચમાં ઓલિવની ડાળી લઈને પાછું ફર્યું.
કબૂતરને જોડીમાં રહેવાની આદત છે. 'પ્રેમીપંખીડા' એવા અખબારી શબ્દમાં ગૂટર ગૂ ગૂટર ગૂ કરતાં પંખીઓ કબૂતર છે. એક સમયે પ્રેમની ચિઠ્ઠીનાં સંદેશવાહક તરીકે કબૂતરની મહત્તા હતી જ. આજકાલ એ કામ મોબાઈલફોનથી થાય છે. અને છેલ્લે વાત કબૂતરની ચરકની. એ ખબર નથી કે ગો એરનાં કબૂતરો કોઈ પેસેન્જર્સ ઉપર ચરક્યા હતા કે કેમ? પણ માન્યતા એવી છે કે કબૂતરની ચરક ગૂડ લક લાવે છે. સાચું ખોટું ખબર નથી પણ કહે છે કે જિંદગી એ જ છે. આપણે કોઈ દિવસ સ્ટેચ્યૂ હોઈએ છીએ તો કોઈ દિવસ કબૂતર. કોઈ દિવસ કોઈ આપણી ઉપર ચરકી જાય છે. પણ કોઈ દિવસ આપણે એની પર ચરકી શકીએ છીએ. હવે એ એને માટે ગુડ લક લાવે તો લાવે. હેં ને?
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32XV70o
ConversionConversion EmoticonEmoticon