પ્રેમીએ પ્રેમનું નાટક કરીને તેને યૌન તસ્કરીના ષડયંત્રમાં ફસાવી હતી
લૉસ એજેલિસમાં ઉછરેલી સુજન મનસી મોજભર્યું જીવન જીવતી હતી. કિશોરવયની સુજન ઉંમરના નાજુક મોડ પર આવી ચૂકી હતી. અમેરિકાના મુક્ત અને સ્વતંત્ર વાતાવરણમાં પંદર વર્ષ સુધીમાં તો યુવક-યુવતીઓને સામાજિક બંધનમાંથી મુક્તિ મળી જતી હોય છે. ઉંમરના આ તબક્કે સુજને જોયું તો એના બધા મિત્રો ગર્લફ્રેન્ડ નથી. આવી માનસિક પરિસ્થિતિમાં એની ઓળખાણ એનાથી વયમાં નવ વર્ષ મોટા યુવક સાથે થઈ. વધતી મુલાકાતોએ એનામાં એવો વિશ્વાસ જગાડયો કે તે એક આગવી છટા ધરાવતી ખાસ યુવતી છે. આ યુવક તેને વારંવાર હોટલમાં જમવા લઇ જતો હતો અને કિંમતી ભેટ પણ આપતો હતો. સુજન હંમેશા એનો સાથ ઝંખતી હતી.
સુજન મનસીનો આ આનંદ લાંબો ટક્યો નહીં. તેને ખ્યાલ આવી ગયો કે જેને એ પોતાનો પ્રેમી માનતી હતી, તે ખરેખર એને પ્રેમ નહોતો કરતો, પરંતુ યૌન તસ્કરીના ભાગરૂપે તેને પ્રેમ બતાવી ષડયંત્રમાં ફસાવવામાં આવી હતી. તે એને શારીરિક ત્રાસ આપવા લાગ્યો તેમજ તે ઇચ્છતો હતો કે સુજન માનસિક રીતે પણ ભાંગી પડે. એક દિવસ સવારે સુજને આંખ ખોલી, ત્યારે એના હાથ હથકડીથી બાંધેલા હતા અને કેટલાય મહિનાઓ સુધી તેના શરીરનો સોદો થતો રહ્યો. છેવટે એક દિવસ પોલીસ આ પ્રકારનો ધંધો કરવાના આરોપસર એને પકડીને લઇ ગઈ. હવે પોતાના પિતાને બોલાવ્યા સિવાય એની પાસે અન્ય કોઈ વિકલ્પ નહોતો. એના પિતા સત્તર વર્ષની સુજનને પોલીસ સ્ટેશનેથી છોડાવીને લઇ ગયા, પરંતુ તે અત્યંત નિરાશ અને હતાશ થઇ ગઈ હતી. એ એટલી હદે હતાશ થઇને ભાંગી પડી હતી કે ત્રીસ વર્ષ સુધી પોતાના થેરાપીસ્ટ સિવાય પોતાના દર્દની વાત કોઇને કરી નહીં. તે ખૂબ ડરી ગઈ હતી. તેને ભય હતો કે જો આવી કોઈ વાત કરીશ તો લોકો મારા વિશે શું વિચારશે ? અને કાયમ માટે કુદ્રષ્ટિથી મને જોશે.
ધીરે ધીરે કાઉન્સેલિંગ અને થેરાપીથી એના સ્વાસ્થ્યમાં સુધારો થયો. તે અભ્યાસ કરવા લાગી અને સ્મિથ કૉલેજમાંથી સોશિયલ વર્કમાં અનુસ્નાતકની ડિગ્રી હાંસલ કરી. ક્લિનિકલ સોશયલ વર્કર તરીકે વર્ષો સુધી કામ કર્યા બાદ સુજને પોતાના જીવનમાં બનેલી દર્દનાક ઘટનાની વાત ચર્ચ-મેન્ટોરને કરી. જોગાનુજોગ તેઓ પણ સેન ડિયોગોમાં ચાલતી યૌન-તસ્કરીની સમસ્યા માટે કંઇક કામ કરવા માગતા હતા. અમેરિકામાં સૌથી વધારે યૌન-તસ્કરીના અપરાધ થતા હોય તેવા શહેરોમાં સેન ડિયાગોની ગણના થાય છે. ત્યાં વર્ષે એંશી કરોડ ડોલરનો યૌન-તસ્કરીનો વ્યવસાય થાય છે. અફસોસની વાત એ છે કે આમાં સ્કૂલે જતી કિશોરીઓને જ ફસાવવામાં આવે છે. યૌન-તસ્કરીનો ભોગ બનેલી કિશોરીઓ, યુવતીઓ અને સ્ત્રીઓને એક સુરક્ષિત જગ્યા મળે તેવા હેતુથી ૨૦૦૯માં એણે 'જનરેટ હોપ' નામની એક સંસ્થા શરૂ કરી. અહીં લાંબા સમય સુધી પીડિતાઓને રાખીને તેનું કાઉન્સેલિંગ કરવાની સાથે એને શિક્ષણ અને સારવારની સુવિધા આપવામાં આવે છે, જેથી એની હતાશ વિષાદભરી જિંદગીને એક નવી આશાભરી દિશા મળે. આ ઉપરાંત સુજન પોલીસ વિભાગ અને અન્ય સંસ્થાઓના સંપર્કમાં રહેવા લાગી.
પોતાના અનુભવે એને સમજાયું કે જે છોકરીઓને પ્રેમની તરસ હોય, પ્રેમીની ઝંખના હોય કે ઝડપથી ચમકદમકથી ભરેલી જિંદગી જીવવા ચાહતી હોય, તેને શોધીને ફસાવવામાં આવે છે. આ માટે તેઓ બસસ્ટોપ કે મોલમાં ફરતા હોય છે અને આવી એકલદોકલ છોકરીને જોઇને એને લલચાવવાનો પ્રયત્ન કરે છે. સુજન એને 'લવ બોમ્બિંગ' કહે છે. દલાલો છોકરીનો વિશ્વાસ સંપાદન કરે છે. તેને ખાવા-પીવાની વસ્તુઓ આપે, તેની ભાવનાત્મક સ્તરે સંભાળ લે છે અને મનગમતી ભેટો આપે છે, જેથી છોકરીને એના પ્રેમનો સંકેત મળે. આજે જીવનના છ દાયકા વટાવી ચૂકેલી સુજન યૌન-તસ્કરીનો ભોગ બનેલી એક સૌથી વધુ છોકરીઓની જિંદગીમાં આશાનું કિરણ બનીને આવી છે. તે કહે છે કે ઇશ્વરે જ એને એના જીવનમાં થયેલા ત્રાસદાયક અનુભવનો સકારાત્મક ઉપયોગ કરવાનો રસ્તો દર્શાવ્યો છે.
વતનની ખુશ્બૂ અને ખમીર
ઉમેશ ગોપીનાથ જાધવે સીઆરપીએફના જવાનોને સૌથી અનોખી શ્રદ્ધાંજલિ આપી
ભારતમાં પુલવામા હુમલાની પ્રથમ વરસીએ માતૃભૂમિ અને દેશની અખંડિતતા માટે સર્વસ્વ ન્યોછાવર કરનાર સીઆરપીએફના એ ચાલીસ બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ બધામાં સૌથી અનોખી અને અદ્ભુત અંજલિ આપી ઉમેશ ગોપીનાથ જાધવે. બેંગાલુરુના ઉમેશ જાધવે ફાર્મસીમાં અનુસ્નાતકની ડિગ્રી હાંસલ કરી છે. ઘણી કંપનીઓમાં નોકરી કર્યા પછી એમના સંગીતના શોખને કારણે નોકરી છોડીને તેઓ સંગીતકાર બન્યા. કર્ણાટકી અને હિંદુસ્તાની સંગીતના જાણકાર એમણે મ્યુઝીકોઝ બૅન્ડની રચના કરી છે. બેગાલુરુમાં તેઓ મ્યુઝીક સ્કૂલ અને મૅનેજમેન્ટ કંપની ચલાવે છે.
૨૦૧૯ની ૧૪મી ફેબુ્રઆરીએ તેઓ પોતાની સંગીત કોન્સર્ટ અર્થે અજમેર ગયા હતા. તેઓ બેગાલુરુ જવા માટે અજમેર વિમાનમથકે આવ્યા, ત્યારે ટેલિવિઝન પર પુલવામામાં આતંકી હુમલામાં સીઆરપીએફના ચાલીસ જવાનો શહીદ થયા છે, તેવા સમાચાર જોયા. આ સમાચાર જોઇને તેઓ દિગ્મૂઢ બની ગયા. આવી પરિસ્થિતિમાં બેગાલુરુ ઘરે પરત તો ફર્યા, પરંતુ આ સમગ્ર ઘટનાથી એટલા બધા વિચલિત થઇ ગયા હતા કે ત્રણ રાત સુધી તેઓ ઊંઘી શક્યા નહીં. સતત એ ચાલીસ પરિવારો વિશે વિચારતા રહ્યા. એમણે નક્કી કર્યું કે આ શહીદ થયેલા ચાલીસ જવાનોના નિવાસસ્થાને જવું અને એમના કુટુંબીજનોને મળવું. તેઓ કહે છે કે એમણે સોશિયલ મીડિયામાં ક્યારેય એમના માટે 'રેસ્ટ ઈન પીસ' એવું લખ્યું નહીં. તેઓ કુટુંબીજનોને મળ્યા અને કહ્યું કે અમે તમારી સાથે છીએ.
પોતાની મારુતિ સુઝુકી ૮૦૦ કારના બોનેટ પર મિલિટરી ફોન લગાડયો. કેરિયરમાં યુદ્ધની સામગ્રી ભરેલું બોક્સ મૂક્યું. બે ઓલિવ ગ્રીન કલરના ડબ્બા અને પાણી માટેની બોટલ લીધી. 'ઇન્ડીપેન્ડન્સ ઇઝ નોટ ફ્રી, ઇટ કોસ્ટ અસ સોલ્જર્સ' એવું સ્ટીકર ગાડી પર લગાડયું. ૨૦૨૦ની ૧૪ ફેબુ્રઆરીએ પુલવામા પહોંચવાના નિર્ધાર સાથે ૨૦૧૯ની નવમી એપ્રિલે બેગાલુરુથી એમણે આ યાત્રાનો પ્રારંભ કર્યો. સૌ પ્રથમ તેઓ બેગાલુરુના યેલાહંકા ગયા, ત્યાંથી કર્ણાટકના માંડયા, કેરાલાના વાયનાડ, કન્યાકુમારી થઇને તામિલનાડુના તૂતીકોરિનમાં પહોંચ્યા. ત્યાં તેઓ શહીદ સી. સિવાચંદ્રનના પિતાને મળ્યા, ત્યારે એમણે ઉમેશ જાધવને જણાવ્યું કે તેમને એમના પુત્ર પર ગર્વ છે અને તેઓ એના પૌત્રને પણ દેશની સેવા અર્થે સેનામાં મોકલવા માગે છે.
ઉમેશ જાધવ કહે છે કે જ્યારે આ સમાચાર સાંભળ્યા, ત્યારે એમને જવાનો પ્રત્યે સન્માનની લાગણી વ્યક્ત કરવી હતી, પરંતુ કઇ રીતે કરવી તેની કશી સૂઝ પડતી નહોતી. તેમાંથી એમને શહીદોના કુટુંબીજનોને મળવાનો વિચાર આવ્યો. તેમણે નક્કી કર્યું કે તેઓ દરેકના ઘરે જશે અને તેમના વતનની માટી એકત્રિત કરશે. તેઓ જ્યાં ગયા ત્યાંથી જવાનોએ પહેલો પગ મૂક્યો હોય, તે ઘરની માટી લીધી અને છેલ્લે એ જવાનોને અંતિમ વિદાય આપવામાં આવી હતી તે સ્મશાનની માટીને અસ્થિ કળશમાં ભેગી કરી. આ માટીથી તેઓ ભારતનો નકશો બનાવવા માંગે છે. આપણે બધા ભલે જુદા જુદા ભાગમાં જન્મ્યા છીએ, પરંતુ તે બધા ભાગ છે તો એક જ રાષ્ટ્રના. એમણે દસ મહિનામાં ભારતના ૨૯ રાજ્યો અને સાત કેન્દ્રશાસિત પ્રદેશો મળીને કુલ એકસઠ હજાર કિમી.નો પ્રવાસ કર્યો.
સમગ્ર યાત્રા દરમિયાન ઘણા લોકોએ એમને ભોજન આપ્યું, તો ઘણાએ પેટ્રોલ પૂરાવી આપ્યું. પ્રત્યેક જવાનના પરિવારને પચાસ હજાર રૂપિયા આપવાની તેમની ઇચ્છા છે, જે તેઓ સંગીતના કાર્યક્રમ દ્વારા એકત્ર કરશે. ઉમેશ જાધવને આનંદ અને ગર્વ એ વાતનો છે કે તેઓ પુલવામાના બધા શહીદોના કુટુંબીજનોને મળી શક્યા અને આશીર્વાદ લીધા. તાજેતરમાં શહીદોની પ્રથમ વરસીએ શ્રીનગરમાં સીઆરપીએફના લેથુપરા કૅમ્પમાં પુલવામા શહીદોનું સ્મારક બનાવવામાં આવ્યું. તેઓ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં એમને ખાસ મહેમાન તરીકે નિમંત્રણ આપવામાં આવ્યું હતું. ૩૯ વર્ષના ઉમેશ જાધવને આશા છે કે કોઇક દિવસ એના બાળકો મારાં આ કાર્યથી સેનામાં જવા માટે પ્રેરિત થશે અને એ જ એમનું સાચું સન્માન હશે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39zSMv4
ConversionConversion EmoticonEmoticon