શું સરકાર અને રિઝર્વ બેન્કમાંથી કોઇએ વર્ષના અંતે યસ બેન્કની બેલેન્સશીટ વાંચી નહોતી?


એક બેન્કમાં સેવિંગ એકાઉન્ટ, કરન્ટ એકાઉન્ટ અને ફિક્સડ ડિપોઝીટના રૂપમાં ફંડ આવે છે, અને બેન્ક તેનું વ્યાજ પણ આપે છે. જમા થતા થાપણનો એક ભાગ આરબીઆઇની ગાઇડલાઇન પ્રમાણે અનામત રાખવાનો હોય છે. ત્યારબાદ જે રાશિ વધે છે, બેન્ક માત્ર તેને જ ઉધાર આપી શકે છે અને વ્યાજ લઇ શકે છે. તે રકમને સીઆરએઆર અથવા તો કેપિટલ ટુ રિસ્ક એસેટ રેશિયો તરીકે ઓળખવામાં આવે છે.

વ્યાજની આવક અને ફંડ અથવા તો થાપણની કિંમત વચ્ચેનો તફાવત નેટ ઇન્ટરેસ્ટ માર્જિન (એનઆઇએમ) નો છે, અને તે જ બેન્કનો નફો હોય છે.  જ્યાં સુધી આ એનઆઇએમ પોઝિટિવ એટલે કે પ્લસમાં હોય, ત્યાં સુધી બેન્ક નફો કરે છે. બેન્કોએ ઉધાર પૈસા લીધા હોય તેવા લોકોના એકાઉન્ટ પર નજર રાખવાની હોય છે, કે તેમનું વ્યાજ સમયસર આવે છે? નક્કી થયેલી તારીખ પર હપ્તો જમા થાય છે? નફા અને નુકસાનનું સરવૈયું તેમજ બેલેન્સશીટ વડે ઉધારકર્તાની આર્થિક સ્થિતિ પર નજર રાખવામાં આવે છે કે કેમ?

બેન્કો પર નિરીક્ષણના ઘણા સ્તરો છે. સૌથી પહેલી છે જે તે બેન્કની ફાઇનાન્સ કમિટિ. બીજા ક્રમે બોર્ડ ઓફ ડિરેક્ટર આવે છે. ત્રીજો નંબર આંતરિક ઓડિટર, ચોથા નંબરે બાહ્ય સમવર્તી ઓડિટર, તો પાંચમો નંબર આરબીઆઇ દ્વારા માન્યતા પ્રાપ્ત કાનૂની ઓડિટર. છઠ્ઠા નંબર પર વાર્ષિક શેરહોલ્ડરની મિટીંગ આવે છે. સાતમા સ્થાન પર આરબીઆઇનો ડેવલપમેન્ટ ઓફ બેન્કિંગ ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ વિભાગ આવે છે. તો સૌથી છેલ્લે બાજ નજર રાખીને બેઠેલા વિશ્લેષકો તો ખરા જ. આ બધા સિવાય એક અદ્રશ્ય બજાર પણ છે જ બેન્કના રૂપમાં રહેલી કંપનીને ઇનામ અથવા તો દંડ આપે છે. નાણા મંત્રાલયને આધિન ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસ નામનો એક વિભાગ પણ છે, જે નાની મોટી દરેક પ્રાઇવેટ બેન્ક પર નજર રાખે છે.

આટલા બધા અવલોકન સ્તરો હોવા છતા વેપારમાં થતા નુકસાનના કારણે કેટલીક લોન નોન પરફોર્મિંગ એટલે કે નિષ્ફળ થાય છે, જે પરત આવતી નથી. ઉધારકર્તા નાદારી જાહેર કરે છે. આવી બધી લોનને નોન પરફોર્મિંગ એસેટ (એનપીએ) ગણવામાં આવે છે. આ એનપીએમાં કેવી લોન આવશે તે માટે આરબીઆઇ દ્વારા ધોરણો અને નિયમો બનાવવામાં આવ્યા છે. એક વખત કોઇ લોન એનપીએ જાહેર થઇ તો તે બેન્કે તેના નફામાંથી તેની ભરપાઇ કરવી પડે, જેની અસર બેન્કના રોકાણ અને નફા પર પણ થાય છે.

જો આ એનપીએમાં સતત વધારો થતો હોય તો, તે બેન્ક માટે ખતરાની ઘંટડી સમાન છે. યસ બેન્ક નિરીક્ષણના તમામ સ્તરોમાંથી છટકી ગઇ હોય તેમ લાગે છે, અને દરેક ત્રિમાસિક ગાળામાં તેણે નફો જાહેર કર્યો. તેણે જાન્યુઆરી-માર્ચ ૨૦૨૦ના ત્રિમાસિક ગાળામાં પ્રથમ વખત નુકસાન થયાનું સ્વીકાર્યુ. એપ્રિલ ૨૦૧૪થી યસ બેન્ક જાણે કે લોન આપવાની સ્પર્ધા કરી રહી હતી. અહીં યસ બેન્કની બેલેન્સ શીટના કેટલાક આંકડાઓ આપવામાં આવ્યા છે રૂ

નાણાકિય વર્ષની ઉધાર 

સમાપ્તિ (રૂ. કરોડમાં)

માર્ચ ૨૦૧૪ ૫૫,૬૩૩

માર્ચ ૨૦૧૫ ૭૫,૫૫૦

માર્ચ ૨૦૧૬ ૯૮,૨૧૦

માર્ચ ૨૦૧૭ ૧,૩૨,૨૬૩

માર્ચ ૨૦૧૮ ૨,૦૩,૫૩૪

માર્ચ ૨૦૧૯ ૨,૪૧,૪૪૯

 માર્ચ ૨૦૧૪થી ૨૦૧૯ના વર્ષ સુધીમાં લોનની બાકી રકમમાં આવેલો ઉછાળો નોંધપાત્ર છે. લોનબૂકમાં વાર્ષિક ૩૫ ટકાના દરે વધારો થયો છે. નોટબંધીના તરત બાદ ૨૦૧૬-૧૭ અને ૨૦૧૮-૧૯માં થયેલો વધારો પણ ધ્યાને લીધા જેવો છે. આ પરથી કેટલાક પ્રશ્નો ઉદ્ભવે છે, માર્ચ ૨૦૧૪ બાદ કઇ કમિટિ અથવા તો કઇ વ્યક્તિએ નવી લોન આપી? શું સરકાર અને આરબી આઇને ખબર નહોતી કે યસ બેન્ક લોન આપવાની રેસમાં પડી છે? શું સરકાર અને આરબીઆઇમાંથી કોઇ પણ વ્યક્તિએ વર્ષના અંતે યસ બેન્કની બેલેન્સશીટ વાંચી નહોતી? જાન્યુઆરી ૨૦૧૯માં આરબીઆઇએ સીઇઓ બદલ્યા બાદ પણ કંઇ બદલાવ કેમ ના થયો? મે ૨૦૧૯માં આરબીઆઇના પૂર્વ ડેપ્યુટી ગવર્નરને યસ બેન્કના બોર્ડમાં સામેલ કર્યા બાદ પણ કંઇ ફેરફાર કેમ ના કરાયા? 

૭  માર્ચ, ૨૦૨૦ બાદથી આ બધા સવાલ પુછવામાં આવી રહ્યા છે, પરંતુ સરકાર કે આરબીઆઇ કોઇએ તેનો જવાબ નથી આપ્યો. એવું લાગે છે કે જાણે સરકાર ઇચ્છે છે કે યસ બેન્કનું આ કારનામું લોકો ભુલી જાય. જો કે તેવું કોઇ કાળે શક્ય નથી. તેના માટે સોશિયલ મીડિયાનો આભાર માનવો રહ્યો. તો પ્રિન્ટ અને ટીવી મીડિયા પાસે પણ આ કારનામાની વાત કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. આરબીઆઇ આ સમગ્ર કૌભાંડ બદલ યસ બેન્ક અને ડીબીઓડીમાં કોણ જવાબદાર છે તે નક્કી કરે તે પહેલા જ સીબીઆઇ અને ઇડી તપાસમાં કુદી પડયા છે. જે કદાચ ખોટું છે, કેમકે હવે તપાસ પુરી નહીં થાય ત્યાં સુધી કોઇની જવાબદારી નક્કી નહીં થાય. લોકો અને સંસદે એવી માંગ કરવી જોઇએ કે લોન લેનારા લોકો અને તેને મંજુર કરનાર કમિટી અને લોકોના નામ જાહેર કરવામાં આવે. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UcBWMF
Previous
Next Post »