કોરોના વાઇરસનો હાઉ વકરતા આર્થિક મંદીનો સતત પ્રબળ બનતો ગભરાટ


ચીનમાં ભારે તબાહી મચાવ્યા બાદ કોરોના વાઇરસ વિશ્વના ૧૦૦થી પણ વધુ દેશોમાં પ્રસરતા વૈશ્વિક આરોગ્ય સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોરોનાને મહામારી એટલે કે વૈશ્વિક રોગચાળો જાહેર કરતા વિશ્વના તમામ દેશો આ વાઇરસને અંકુશમાં લેવા શ્રેણીબદ્ધ પગલા ભરી રહ્યા છે. ભારતે પણ કોરોના વાઇરસને અંકુશમાં લેવા માટે શ્રેણીબદ્ધ પગલા ભર્યા છે જેમાં આગામી તા. ૧૫ એપ્રિલ સુધી વિદેશી પ્રવાસીઓની અવરજવર પરના પ્રતિબંધનો પણ સમાવેશ થાય છે.

ચાલુ કેલેન્ડર વર્ષના પ્રારંભથી જ ચીનમાં કોરોનાએ પગદંડો જમાવતા ચીનમાં તમામ સ્તરે ઔદ્યોગિક ઉત્પાદન ઠપ થઈ જતા સમગ્ર વિશ્વના ઉદ્યોગ- ધંધા રોજગાર પર અસર થવા પામી છે. તો બીજી તરફ નિકાસના મોરચે પણ પ્રતિકૂળ માહોલ ઉદ્ભવ્યો છે. આમ, ભારતીય ઉદ્યોગો સાથે પણ કોરોના વાઇરસના કારણે પ્રતિકૂળ માહોલ ઉદ્ભવ્યો છે. તો બીજી તરફ વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિ રૂંધાતા આર્થિક મંદીનો ગભરાટ પણ પ્રબળ બની રહ્યો છે.

આમ, પણ ચાલુ નાણાં વર્ષ દરમિયાન સતત ત્રણ ક્વાર્ટરથી વૃદ્ધિદર ઘટી રહ્યો છે. બજારને ચોથા ક્વાર્ટરથી સ્થાનિક વૃદ્ધિદરમાં સુધારાની અપેક્ષા હતી. તે માની રહ્યું હતું કે, વૈશ્વિક સ્તરે યુ.એસ.- ચીન વચ્ચે ટ્રેડ સમજૂતીને કારણે ચોથા ક્વાર્ટર બાદ સુધારો જોવાશે અને તેની અસરે સ્થાનિક અર્થતંત્ર પણ રિકવરી નોંધાવશે. ઉપરાંત સરકારે આપેલા સ્ટિમ્યુલસની અસર પણ વર્તાશે.

જો કે, કોરોના વાઇરસના આઉટબ્રેકને કારણે હાલમાં વૈશ્વિક અર્થતંત્રમાં એક્ટિવીટી લેવલ ઘટયું છે. વૈશ્વિકીકરણ બાદ પ્રથમવાર સપ્લાય ચેઇનમાં આટલો મોટો અવરોધ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્તરે રાહતની બાબતમાં છેલ્લા ચાર મહિનાથી જીએસટીની માસિક આવક રૂા. એક લાખ કરોડથી ઉપર રહી છે. જ્યારે સરેરાશ આવક રૂા. ૧.૦૬ લાખ કરોડ રહી છે. જે એક વર્ષ અગાઉ સરેરાશ ૯૮ હજાર કરોડ હતી. પરચેઝિંગ મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ જાન્યુઆરી ૨૦૨૦માં ૫૫.૩ના ૮ વર્ષના ટોચના સ્તરે જોવા મળ્યો હતો. જેનું મુખ્ય કારણ નોકરીઓમાં નોંધપાત્ર વૃદ્ધિ અને માંગમાં સુધારો હતો.

જાન્યુઆરી દરમિયાન દેશમાં વીજળીની માગમાં ૩.૫ ટકાની વૃદ્ધિ અને મુખ્ય બંદરો ખાતે કાર્ગો ટ્રાફિકમાં ૨.૨ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. જો કે કોરોના વાઇરસને કારણે આર્થિક ગતિવિધિમાં આપણે ઘટાડો જોઈ રહ્યા છીએ અને તેથી અગાઉ કરવામાં આવેલી ધારણા યથાર્થ ઠરે તેવી શક્યતા નથી જણાતી.

કોરોનાની સ્થિતિ કેવો આકાર લે છે તેના પર આગામી એક-બે ક્વાર્ટરમાં રિકવરીનો આધાર રહેલો છે. ફેબુ્રઆરીમાં ઇન્ડિયા પીએમઆઇ ઘટીને ૫૪.૫ રહ્યો હતો. જેનું મુખ્ય કારણ નિકાસમાં ઘટાડો અને સપ્લાય ચેઇનમાં અવરોધને કારણે મેન્યુફેક્ચરિંગમાં જોવા મળેલી શિથિલતા હતું. ડિસેમ્બર ક્વાર્ટરમાં પૂરા થતા ત્રીજા ક્વાર્ટરમાં કુલ કોર્પોરેટ વેચાણ ૧ ટકા જેટલું ઘટયું હતું. જે સતત બીજા ક્વાર્ટર દરમિયાન ઘટાડો દર્શાવતું હતું.

અગાઉ સપ્ટેમ્બર ૨૦૧૯ ક્વાર્ટરમાં તે ૩ ટકા જેટલું ઘટયું હતું. સંબંધિત ગાળા દરમ્યાન હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ૧ ટકા આજુબાજુ હતો. જેને ગણનામાં લઈએ તો વાસ્તવિક વૃદ્ધિદર ઓર નેગેટિવ જણાયો હોત. એવું માનવામાં આવે છે કે ઘટાડાની વધુ અસર નોન-ફાઇનાન્સિયલ સેક્ટર પર હતી જેનું કારણ નીચા વોલ્યુમ અને નીચા ભાવ હતું.

આ સ્થિતિ આગળ પર જળવાઈ રહે તેવી શક્યતા છે. ખાસ કરીને એવા બિઝનેસમાં જે ઇન્ટરનેશનલ માર્કેટસ જેવા કે મેટલ્સ, ઓઇલ અને એક્સપોર્ટ તથા ઇમ્પોર્ટ સાથે જોડાયેલા છે. કેટલાક અહેવાલો પ્રમાણે આની અસરે ભારતીય જીડીપીમાં ચોથા ક્વાર્ટર પર ૦.૨ ટકાની અસર જોવા મળી શકે છે. જ્યારે ઇલેક્ટ્રોનિક્સ, ફાર્મા અને ઓટો જેવા ક્ષેત્રો પર ઉંચી અસર જોવા મળે તેવી શક્યતા છે. આઇએમએફે વૈશ્વિક જીડીપીમાં ૦.૧ ટકા ઘટાડાની આગાહી કરી છે. જો કે સ્થિતિમાં ફેરફાર સાથે તેમાં ઓર ઘટાડો સંભવ છે.

આઇએમએફનો આ અંદાજ જાહેર થયો ત્યારે એટલે કે તે વખતે ચીન બહાર કોરોનાની વ્યાપક હાજરી નહોતી જોવા મળી. જો કે હવે સ્થિતિ બદલાઈ છે અને તે વિશ્વના તમામ મહત્ત્વના અર્થતંત્રોમાં પ્રવેશ્યો છે. જેની પાછળ ક્રૂડના ભાવ તૂટયા છે. યુ.એસ. ફેડે કોરોના સામેની લડાઈના ભાગરૂપે રેટમાં ૫૦ બેસિસ પોઇન્ટસનો તત્કાળ ઘટાડો કર્યો છે. જો કે, આમ છતાં વૈશ્વિક બજારોમાં નરમાઈ જોવા મળી હતી. જેમાં ડાઉજોન્સમાં કડાકો બોલ્યો હતો.

હાલમાં જોવા મળતી અસર આગામી ૨- ૩ મહિનામાં નિયંત્રણમાં લાવી શકાય તેમ છે. આ સ્થિતિમાં અર્થતંત્રમાં રિવર્સલ જોવા મળી શકે છે અને તે સામાન્ય સ્થિતિમાં પરત ફરી શકે છે. જો કે, આમ છતાં ય અર્થતંત્રની વૃદ્ધિમાં પીછેહઠની તમામ સ્તરે ગંભીર અસર જોવાશે તેમ કહેવું અસ્થાને નથી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aVurjK
Previous
Next Post »