'જય રણછોડ'ના ઘોરથી મંદિરના ગુંબજો ગુંજી ઊઠયાં


હે રણછોડરાય! હું નવાનગરનો ધણી જામ રાવળ તારી સાક્ષીએ સંકલ્પ કરૂં છું કે... 

'હે ભૂપાળો, ગોમતીને કાંઠે સ્નાન કરવું એટલે એકોતેર પેઢીને તારનારો પાવન પ્રસંગ કહેવાય. હે રાજવીઓ! તમે આ પુનિત પળે સંકલ્પકરો.'

દ્વારકા એટલે દેવભૂમિ, કૃષ્ણ - સુદામાનું સગમસ્થાન રાણી રૂખમણીના રિસામણાને મનામણાની ભોમકા. સ્વયંભૂ ભગવાન શિવનુ પ્રાગટયસ્થાન. આવી ભોમકા માથે ભગવાન રણછોડરાયનો બેસણા. જેના પગ પખાળતી ગોમતીના ખળભળ વહેતા વારિ વહી રહ્યાં છે.

આવી ગોમતીને કાંઠે એક દી કાઠિયાવાડના ત્રણ રાજવીઓનો ત્રગડ રચાઇ ગયો. એક એકને માટે એવા રજાઓ રસાલા પડયા.

તંબૂ તણાયા. પૂરા ઠાઠથી ભગવાન રણછોડરાયના મંદિરના પગથારે પગલાં પડયાં. 'જય રણછોડ'ના ઘોરથી મંદિરના ગુંબજો ગુંજી ઊઠયાં. ત્રણેય રાજવીઓને ગુગળી ગોર ગોમતીને કાંઠે લઇ ગયા. રાજાઓના અંગ માથેથી જરિયાન અચકનો ઉતરી ગયાં. એક વસ્ત્ર અંગે વીંટીને રાજવીઓએ પુનિત પાવની ગોમતીના પાણીમા પગ મૂક્યાને ગોર મહારાજ વેણ વધા :

'હે ભૂપાળો, ગોબ્રાહ્મણ પ્રતિપાળો ! ગોમતીને કાંઠે સ્નાન કરવું એટલે એકોતેર પેઢીને તારનારો પાવન પ્રસંગ કહેવાય. હે રાજવીઓ ! તમે આ પુનિત પળે સંકલ્પકરો.'

ગોરના વચન સાંભળી ત્રણેય ભૂપાળોએ જમણા હાથની હથેળીમાં જળ લીધું. ઊગતા સૂર્યના તેજ કિરણો હથેળીની અંજલિમા ઝળકી રહ્યા સામે ભગવાન રણછોડરાયની ધજા આભમાં ફરકી રહી સમુદ્રના મોજાઓ ઉછળીને પાછા સાગરમાં સમાય રહ્યાં. 

આવા ટાણે નવાનગરના ધણી જામ રાવળે સંકલ્પના શબ્દો ઉચ્ચાર્યા : હે રણછોડરાય ! હું નવાનગરનો ધણી જામ રાવળ તારી સાક્ષીએ સંકલ્પ કરૂં છું કે 'દરરોજ માટે આંગણે ચડતા પહોર સુધીમાં જેટલા માંગણ પગ મૂકશે એને હું મારા પ્રાણ હશે ત્યાં સુધી એક જાતવાન અશ્વ દાનમાં આપીશ. મારો આ સંકલ્પ મરતા સુધી પાળીશ.'

એટલું બોલીને નવાનગરના ધણી જામ રાવળે પાણીની અંજલિ ગોમતીમાં પધરાવી સંકલ્પ કર્યો.

ત્યાર પછી ઝાલાવાડના હૈયાસમમા હળવદના ધણી રાજા માનસિંહ ભગવાન રણછોડરાયની સામે મીટ માડી વેણ વદ્યા :

'હે મોરલીધર મા'રાજ! હું તારી સાખે સંકલ્પ કરૂં છું કે 'જે માગણ નવાગરના ધણી જામરાવળ પાસેથી દાનમા મળેલ ઘોડો લઇને હળવદના મારા દરબારે આવશે તે ઘોડાને જરકસી સાજથી હું સજાવી દઇશ. આ ટેક હું જીવતા સુધી મૂકીશ નહિ.' બોલીને રાજ માનસિંહ જમણા હાથની હથેળીનું પાણી ગોમતીમાં પધરાવી દીધું.

બે અડાબીડ રાજવીઓના સંકલ્પના આ શબ્દો સાંભળી મૂળીના મહારાજા સેંશાજી ઉર્ફે સેંશમલજી મલકાને મોઢે મોરલીધર મહારાજના મંદિર સામે મીટ માંડી બોલ્યા:

'હે દ્વારકાધીશ, હે દ્વારકેશ, હે કેશવ! મારું તો આ મોટા રજવાડાની તૂલ્યે તો વાટકીનું શિરામણ કે'વાય, પણ તારા સામે હું સંકલ્પ કરૂં છું કે,

'જે માંગણ નવાનગરના રાજા જામરાવળ પાસેથી ઘોડો દાનમાં લઇને હળવદના રાજા માનસિંહના દરબારમાંથી જરકસી સાજને સજાવીને મારા મૂળીના દરબારે ડાબા દેશે ઇ ઘોડાને જોગાણ માટે મારા કોઠારમાંથી એક ગાડું બાજરો હું ભરી દઇશ. હે બંસીધર ! હે સારથિ ! પંડયમા પ્રાણ હશે ત્યાં સુધી હું મારી આ પ્રતિજ્ઞાાનું પાલન કરવા તારી સામે વેણે બંધાઉ છું.

મરતા સુધી ત્રણેય રાજાઓએ ગોમતીને કાંઠે લીધેલી પ્રતિજ્ઞાાઓ પાળી હતી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39zf6oG
Previous
Next Post »