ધરાર અને ઉલાળ .


જીવનરથને આપણે ગાડું જ કહીએ - એમાં પણ ધરાર ઉલાળના પ્રશ્નો થતા જ રહે છે. સમસ્યાઓ ઊભી થાય છે ત્યારે સમતુલન જોખમાય છે. એ સમતુલા જાળવવા શું થઈ શકે ?

મૂળ 'ધૂરા' શબ્દ ઉપરથી ઉતરી આવેલો 'ધરાર' શબ્દનો અર્થ આજના બાળકોને ખબર નહિ હોય... જેમણે ગાડાં જોયાં છે ગાડાંમાં મુસાફરી કરી છે. ગાડાંમાં ખેતરો ખુંદ્યાં છે. એમને તો ધરાર અને ઉલાળ શબ્દો સમજાવવા જ ન પડે... બળદ ધૂંસરીએ જોડાતો થાય ત્યારથી ગણાતાં વરસને પણ 'ધર' કહેવાય. 'ત્રણ ધરનો કે ચાર ધરનો બળદ થયો' એમ ખેડૂતો બોલે. 'ધરાર' શબ્દનો શબ્દકોશગત અર્થ તો ઉલાળનો વિરોધી છે. ખરેખર તો ગાડાની ધૂંસરી તરફ અને પાછળની બાજુ સરખું વજન ભરાય તો ઊંટડેથી ખબર પડે. એ ઊંટડો ઊંચો કરવાથી સમજી શકાય. બંને તરફ સમતોલ ભાર ભર્યો હોય તો ગાડું સરળતાથી ચાલે. બળદોને ધૂંસરીએ જોડેલા હોય ત્યારે સમતોલ ગાડું ફટાફટ ચાલે... જો ધૂંસરી તરફ વજન વધારે હોય તો બળદોને ખૂબ કષ્ટ પહોંચે... બળદો થાકી જાય. ધૂંસરીનું દબાણ આવે. એ ભારની સ્થિતિને ધરાર કહે છે. જો એવું વજન પાછળની તરફ આવી જાય તો તેને ઉલાળ કહેવાય. અમે નાના હતા ત્યારે ઘણીવાર વાડામાં પડેલા ગાડા ઉપર રમવા જઈએ બધાં છોકરાં છેડે ભેગાં થઈ જાય તો ગાડું ઊંટડેથી ઊંચુ થઈ જાય પછી અમે બધા ટપોટપ નીચે પડીએ ત્યારે ગાડું ઊંટડેથી પટકાય, અવાજ થાય માલિકને ખબર પડે એટલે આવે અમારી પાછળ પડે. કોઈને મારે... ધમકાવે... અને 'ગાડું ઉલાળો છો ખબર નથી પડતી છુંદઈ જશો તો ?' પણ અમને ઉલાળવાનું કામ ગમે. અમે ઉલળીએ તો ભલે પણ ગાડું ઉલળે ને જે પટકાય એમાં રસ પડતો... વાડામાં અમે ચિચૂડાની રમત રમતા... એક લાકડાનો અણીવાળો ભાગ ઉપર રાખી એ લાકડું જમીનમાં ખીલાની જેમ દાટી દઈએ પછી એના ઉપર એક બીજુ લાકડું વચ્ચેથી વીંધ પાડીને ગોઠવીએ... બે બાજુ છોકરા બેસે. સમતોલ હોય ત્યારે ચિચૂડો ચાલે... એક તરફ વજન વધી જાય તો તેને પણ ઉલાળ જ કહીએ... અમારા ચામડાના ત્રાજવાનાં બે પલ્લાં સરખાં કરવાની ક્રિયાને પણ ધરો કર્યો એમ કહીએ.

ગાડું જોડાયેલું હોય ત્યારે તમે નિહાળ્યું છે ? જાણે સીમનો રથ નીકળ્યો ! એમાં બાજરીના, જુવારના, પૂળા હોય, ક્યારેક ઘાસ હોય, મગ, મઠ, ચોળા, મગફળીના ભોરના બંધ બાંધ્યા હોય. ક્યારેક અનાજ ગોઠવ્યું હોય. સ્થળાંતર કરવા માટે ગાડાં જ હતાં. અરે, કોઈ માંદુ પડયું હોય તો દવાખાને લઈ જવા માટે પણ ગાડાં વપરાતાં. વરરાજા ગાડાંમાં જ પરણવા જતાં. ગાડાંનું સ્થાન ઘણું મહત્ત્વનું હતું. એ ગાડું ભરવું કેવી રીતે ? એમાં સામાન ગોઠવવો કેવી રીતે ? બાજરી-જુવારના પૂળા ગોઠવવાના હોય કે મગફળી, મગ-મઠના કલ્લાઓની ભારીઓ ભરી બંધ મારવાના હોય... ગોઠવવાની પણ કારીગરી... ભાર ગાડાની ધૂંસરી ઉપર આવી ના જાય અને ભાર પાછળની તરફ પણ વધી ન જાય એની સરત રાખવાની. સમતુલા જાળવવાની. આ સમતુલા જાળવતાં ખેડૂતને આવડતું હતું. એ અભણ ખેડૂતને ધરાર અને ઉલાળની ખબર પડતી હતી... કેટલું આગળ રખાય ને કેટલું પાછળ રખાય તેની તેને સૂઝ પડતી હતી... એ સૂઝમાંથી જ એ નિરક્ષર ખેડૂતો પોતાના જીવનની સમતુલા જાળવી શકતા હતા. આજે નાનીનાની, અમથી અમથી વાતમાં વર-વહુને વાંકુ પડી જતાં જીવનની સમતુલાઓ જોખમાય છે અને ઘરભંગ થવાના, જીવનભંગ થવાના કિસ્સા વધતા જાય છે. સમતુલન ખૂબ મહત્ત્વનું છે એ ઘટનાને સૌ સમજતાં હતાં.

જીવનરથને આપણે ગાડું જ કહીએ - એમાં પણ ધરાર ઉલાળના પ્રશ્નો થતા જ રહે છે. સમસ્યાઓ ઊભી થાય છે ત્યારે શું થાય છે ? સમતુલન જોખમાય છે. એ સમતુલા જાળવવા શું થઈ શકે ? વરપક્ષ કે કન્યાપક્ષ, પતિ કે પત્ની, એક પક્ષ કે સામેનો પક્ષ... બંનેને સરખો લાભ થાય બંનેને સરખો ફાયદો થાય એવી એક મધ્યસ્થ સ્થિતિએ આવવું પડે... એ મધ્ય સ્થિતિએ જ ઝઘડા-ટંટા નિવારી શકાય. સમતુલન જ સહજતાએ લઈ જઈ શકે.

કૌરવોને પક્ષે અસંખ્ય સૈન્ય હતું. અને એ સ્થિતિએ પાંડવોનો પરાજય નક્કી જ, ગાડુ ઉલળી જાય... એ ઉલળી ન જાય માટે સૈન્ય જેટલું બળ ધરાવતા કૃષ્ણ પાંડવપક્ષે રહ્યા અને સમતુલા નક્કી થઈ... વાત પાટે ચઢી... યુદ્ધ થયું. 

અલબત્ત ધર્મનો વિજય થયો... પણ બંનેનું સામ્ય કૃષ્ણે નક્કી કર્યું... પિયરપક્ષ કે સાસરીપક્ષના પ્રશ્નો-સમસ્યાઓ જીવનને ઘેરી લેતી હોય છે ત્યારે પણ તટસ્થપણે ન્યાય કરવાવાળાને શોધવો પડતો હોય છે... પેલી બે વાંદરા અને બિલાડીની વારતામાં પણ ઉલાળ-ધરારની સ્થિતિ નિવારવા જતાં બિલાડી લાભ લઈ જાય છે.

અમુક વ્યક્તિ જાહેરમાં ધરાર ખોટુ બોલીને ભાગી ગઈ. આ વાક્યમાં 'ધરાર' શબ્દનો અર્થ ભારપૂર્વક થાય છે. કૌરવોએ પાંડવોને ભાઈભાગ આપવાની ધરાર ના પાડી દીધી. આ શબ્દોમાં પણ સ્પષ્ટ - ભારપૂર્વક ના પાડી એવો અર્થ થાય છે... જ્યાં ભારપૂર્વક અન્ય કશી પરવા કર્યા વિના અત્યંત સ્પષ્ટતાથી કહેવાય ત્યારે 'ધરાર' શબ્દનો આપણે પ્રયોગ કરીએ છીએ. 'આજના કેટલાક છોકરા માબાપને પોતાની સાથે રાખવાને બદલે ધરાર ઘરડાઘરમાં મુકી આવે છે...' અહીં ધરાર શબ્દ વપરાય છે ત્યારે પણ જે છોકરા ઘરડાઘરમાં માબાપને લઈ જાય છે તેમની ઉપર વજન છે. એ જવાબદાર છે એટલું સ્પષ્ટ થઈ જાય છે. ટ્રમ્પે પાકિસ્તાનને સહાય કરવાની ધરાર ના પાડી. આ ઉક્તિમાં પણ ટ્રમ્પે ભારપૂર્વક સ્પષ્ટ કહ્યું એવો અર્થ કરવાનો છે. 'ધરાર' એટલે અવશ્ય, અચૂક, અલબત્ત તદ્દન એવો અર્થ થાય છે. 'ધરાર આવવું જોઈએ'માં અવશ્ય અર્થ થાય છે. 'દીકરાએ માબાપને 'ધરાર' બોલાવ્યાં.'માં પણ અવશ્યનો અર્થ થાય છે... ન્હોતો બોલતો પણ તેણે આગળ આવી અવશ્ય બોલાવ્યાં એવો ભાવ એ ઉક્તિમાં રહ્યો છે.

ઉલાળની સ્થિતિમાં પરિસ્થિતિ વણસે છે... ઉલળેલું ગાડું, ઉલળેલું ટ્રેક્ટર, ઉલળેલી રિક્ષા આ બધું તમે જોયું સાંભળ્યું હશે. આ ઉલાળની ઘટના પણ સમતુલન ગુમાવ્યાની ઘટના છે. માથેથી ઉપાડેલું બેડલું ઉલળી જાય ત્યારે ફૂટી જતું હોય છે. ઉલળી જાય છે ત્યારે બધું વેરાઈ-ઢોળાઈ જતું હોય છે... માણસ ઉલળે છે ત્યારે પણ એ સમતુલા જાળવતો નથી. લાકડાનું તાળું તમે જોયું છે ? એનો ઉલાળ એક તરફ નંખાઈ હોય... તેને ખોલવાની કૂંચી હોય. એ પણ એકતરફ વજન નંખાયું હોય ઉલાળની સ્થિતિ છે. ધંધો બંધ કરી દેવાય, મોટું નુકસાન થાય કે પેઢી કાચી પડી જાય ત્યારે પણ 'ઉલાળિયું કર્યું' એવો રૂઢિપ્રયોગ આપણે ત્યાં જાણીતો જ છે. પાછળથી કંઈ મુશ્કેલી આવે ને કામ અટકી પડે ત્યારે કામ 'ઉલાળે પડયું - ચઢ્યું' જેવો પ્રયોગ કરાય છે... જ્યારે લીલીવાડી હોય, દુકાન કે પેઢી ધમધમાટ ચાલતી હોય, વંશ-વારસાગત નામના હોય એવી પેઢી કે દુકાન બંધ પડી જાય ત્યારે 'ઉલાળિયું થયું' એમ કહી સંજોગોને માથે નાખી દેવાય છે.

આમ તો ધરાર અને ઉલાળ બંને સ્થિતિ અસમતુલાની છે. જીવનમાં કે અન્યત્ર સમતુલા જાળવતી જ અનિવાર્ય છે એ જ્યાં જ્યાં નથી જળવાથી ત્યાં ત્યાં સમસ્યાઓ જ સર્જાતી હોય છે. સમતુલન કેળવેલા સંસારીઓને સંસારનો ભાર લાગતો નથી જ્યારે જ્યારે એ ભાર અનુભવાય છે બોઝ અનુભવાય છે ત્યારે તેમાંથી નીકળવાના રસ્તાઓ શોધાય છે. ધરાર કે ઉલાળની એકેય પરિસ્થિતિ લાંબા સમય માટે લાભદાયી હોતી નથી. સમતુલન જ સફળતાની સિધ્ધિ છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vLw5p6
Previous
Next Post »