ચિંતનાત્મક શિલ્પોમાં પ્રાણપૂર્તિ


શિલ્પના માધ્યમમાં મૌલિક ક્રાંતિ લાવે લલિત કલાવીર

જગતની પ્રાચીનતમ કળાઓમાં શિલ્પ અગ્રસ્થાને આવે. માટી, રેતિયા પથ્થર, પથ્થર, આરસ, ગ્રેનાઈટ, કાષ્ઠ અને વિવિધ ધાતુઓમાંથી બનતાં શિલ્પો, મહેલો, મંદિરો, બાગબગીચાઓ અને ઘરોની શોભા બની રહે છે. મનમા દૃઢ થઈ ગયેલી શિલ્પની કલ્પના કરીએ તો મોટે ભાગે આકૃતિઓનો જ ખ્યાલ આવે. દેવી-દેવતા, માનવ, પશુ, પક્ષી, અવકાશી તત્ત્વો, કુદરતની દેન એવી વનસ્પતિ અને એવું ઘણું ઘણું, દક્ષિણ ભારતના મહાબલિપુરમ, મિનાક્ષી મંદિર, બેલુર હમ્પી, હળેબીડુ, શ્રવણ બેગગોલા, મધ્યપ્રદેશના ખજુરાહો, ઓડીશાના કોણાર્ક મંદિર અને ગુજરાતના મોઢેરા, ચાંપાનેર  કે પોળોના મંદિરના પણ દીવાલો પરની કોતરણીમાં પ્રસંગનિરૂપણમાં કથાઓમાં અને સુશોભન તરીકે શિલ્પોનો દબદબો ભારે છે એ સિવાય ચારે દિશાએથી નિરખી શકાય એવા શિલ્પો કોણાર્ક સહિત અનેક સ્થળોએ મળે.

શિવાલયોનાં નંદીઓ પણ અપ્રીતમ શિલ્પો છે. વહેતા સમય સાથે આ કળામાં પણ ઘણાં નાવીન્યપૂર્ણ ફેરફારો નોંધાયા. માધ્યમ અને વિષયોમાં ક્રાંતિ આવી. યુવાનોમાંય જુનામાંથી પ્રેરણા લઈ નવું કરવાની ધગશ જન્મી અને આ ક્ષેત્રે અગણિત નવા પ્રયોગો થવા માંડયા. શાસ્ત્રોકત રીતે શિલ્પો ઘડનારા, મંદિર શાસ્ત્રને સમજીને મંદિરને કલાત્મક ઓપ આપનારા સુવિખ્યાત સોમપુરા સમાજના આશરે સવા હજાર જેટલા કલાકારો હાલ મંદિરોને પાયાથી વિમાન સુધી સજાવી રહ્યા છે.

શણના બનેલા સિમેન્ટના કોથળામાં આરામ ફરમાવતું બાળક

રાજસ્થાનના ગુલાબી આરસના સળંગ પીસ માંથી આરામ કરતા બુધ્ધના ચહેરાની શાંત સૌમ્ય આભા પ્રભાવી લાગે. 'સહેજ આડો પડીને હમણાં ેઉઠી જઈશ હો' એમ કહીને લંબાવ્યું હોય એવા શાંતિના આ ફરિશ્તાના પ્રલંબ કાન અને ધૂંધરાળા વાળ તેમની ઓળખના જાણે કે દસ્તાવેજ છે. ભગવાન બુદ્ધના અન્ય એક પ્રોટ્રેઈટમાં પણ જમણો હાથ જમણા કાને દઈ કંઈક સાંભળતા હોય પણ કશું જોતા કે બોલતા ન હોય એવા ભાવોનું ઉત્કૃષ્ટ નિરૂપણ છે. રેતિયા પથ્થરમાં કંડારાયેલું આ શિલ્પ અસલ લાગે. ચિંતનને બાળકો માટે વિશેષ  પ્રેમ છે. તે અન્ય કૃતિઓમાં છલકાય છે.

સફેદ આરસમાં બાળકના ઉત્સુક ચહેરાને તેમણે વાચા આપી છે. અરે, એક નવો પ્રયોગ તો જુઓ ! સાવ ફેંકી દેવા જેવા , પસ્તીમાં કાઢવા જેવા સિમેન્ટ ભરવાના શણ કે પ્લાસ્ટિકના કોથળામાં વચ્ચે જગ્યા જાણે સિમેન્ટની ગોળ ગાદી બનાવી એમાં બાળકના ગોળમટોળ ચહેરાને ઘાટ આપ્યો છે. આમ તો શાંત, આંખો બંધ અને બંધ આંખોમાં ભાવિનાં સ્વપ્ન જોતા આ બાળકનું બાળપણ કેવું અનોખું છે ! જુઓ, દુનિયાથી બેખબર અને આવી પરિસ્થિતિમાં પણ ઊંઘી શકે છે ! આવું વરદાન તો ઈશ્વરે માત્ર આવાં ભોળુડાં નિર્દોષ શિશુઓને જ આપ્યું છે. આ પ્રકારના ચારેક શિલ્પોમાં રંગમાં અને તેની છાયામાં તથા બાળકોના ચહેરા-નકશા-સિક્કામાં વૈવિધ્ય જોવા મળે છે. તેમના ભાવ પણ નોખા નોખા છે.

દીકરીને બચાવો, દીકરી સાચવો, ખાલીપાને ભાવથી ભીંજવો

માના ગર્ભાશયમાં પોઢેલી ભૂ્રણહત્યાના તોળાતા ભય સામે ઝઝુમતી , ગભરાતી બાળકીને આ કલાકારે ખૂબ લાગણીભીના બની જઈને દર્શાવી છે. પ્રતીકાત્મક દોરડાથી એને બાંધી દીધી છે જે એના જીવનનો ગ્રે શેઈડ બતાવે છે. વાહ ! જીવનના મૂલ્યોને ઉજાગર કરવા માટે કળા જેવુ અન્ય કયું સાધન હોઈ શકે ? હવે એક નવું માધ્યમ. સૂતળીમાંથી બનેલા જટાળા જોગી 'અઘોરી'ની રચના જોઈ તેની જટાના બનેલા અંબોડાને છોડવાનું મન થાય. વિસ્ફારિત નેત્રમાં પણ સૂતળીની કીકીઓ, મૂંછો, દાઢી, અને ડોક સુધી લંબાયેલી લટો-બધું જ કથ્થઈ સૂતળીમાંથી ગૂંથાયેલું. 'અલખ નિરંજન...' ની ગર્જના જ સંભળાય વળી. અરે હા. આટલી બધી કઠોરતા ઉપર શીતળ વર્ષા કરતી એક સન્નારીનું પથ્થર વડે સુંદર સર્જન આ યુવા કલાકારે કર્યું છે. દરિયાના મોજાની છાલકથી હો ! તન, મન ને રૂદિયામાં કેવા ચીરા પડયા છે ! છતાંય, ડાબા હાથમાં ગુલાબ લઈને એ રમણી સૌને સત્કારવા ઊભી છે. પાણીની શક્તિશાળી થપાટો ભલભલા પથ્થરના કદ અને આકારને શુદ્ધાં બદલી નાખવા સક્ષમ હોય છે એ ગહન ફિલસૂફી યુવા ટેરવાઓ માંથી પ્રગટે એ આનંદ અને ગૌરવની ક્ષણ છે.

લસરકો :

છીણી,હથોડી ને ટાંકણું

કહી દે થોડામાં ઘણું.

ચિંતન મનનના 

પરિપાકરૂપે શિલ્પોમાં લાગણીશીલ અભિવ્યક્તિ

'પાષાણનગરી' ધ્રાંગધ્રાના પ્રયોગશીલ યુવા કલાકાર ચિંતન સોમપુરાની જનીનતત્ત્વોનાં જ શિલ્પસર્જન છે જેમાં તેમણે આમૂલ પરિવર્તન આણવાની કોશિશ કરી છે. કળાનાં ઊંડા મૂળિયાં તેમના કળાદેહ પર ડાળ, પાન, કળી, ફૂલ, ફળ લાવવા થનગની રહ્યા છે. કળાના અભ્યાસ, એને લગતા પ્રવાસ, સર્જનમાં સમય સાથે થતી પ્રગતિ કલાકારને આગે કદમ બઢાવવામાં ઘણું પીઠબળ પુરૂં પાડે એ હકીકત. વળી , અન્ય સર્જકો અને પરદેશમાં વસતા કલાકારોની ગતિવિધિનું પણ આજકાલના યુવા કલાકારો નિરીક્ષણ કરે  છે જે પ્રત્યેક્ષ પણ કરી શકાય અને ગુગલદાદા તો છે જ. આમ, ચિંતન જેવા સાંપ્રત સમયના વહેણ સાથે સંબંધ અને સંપર્ક સાચવતા કલાકારોને માટે મેદાન મોકળું અવશ્ય થઈ જાય. ભારતીય પરંપરાગત શિલ્પ ઉપરાંત તેઓ કન્ટેપરરી (વર્તમાન) કળા સાથે પણ નાતો ધરાવે છે. જુદી જુદી થીમ અને પ્રકલ્પો પર કામ કરતા ચિંતનના પ્રયોગો ભાવકોને અવશ્ય વિચાર કરતાં કરી દે. શિલ્પોના માધ્યમમાં આવેલા આમૂલ ફેરફારોમાં કાગળ કાપડ અને થર્મોકોલ પણ છે જે ચિંતનના એક રૂપચિત્ર સમાન શિલ્પમાં જણાય છે. શ્વેત થર્મોકો ને 'વુડટચ' કથ્થઈ રંગે રંગી, એને કોતરી, અત્યંત ગંભીર ચહેરાવાળા પાત્રને એમણે ઉપસાવ્યું છે. બંધ આંખો, ગહન વિચારશીલ મુદ્રા, તેનું માથાબંધણું એક નવી ભાત ઉપસાવે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TzlJSC
Previous
Next Post »