કેટી પરાજીત ચેમ્પિયન તરફ ઝડપથી ગઈ અને આશ્વાસન આપ્યું. એના ઘા ઉપર મલમપટ્ટી કરી. હોલકોમ્બ ઈર્ષાભાવ વિના પ્રશાંત અને સસ્મિત ચહેરે આ બધું જોતો ત્યાં ઊભો રહ્યો.
ગુજરાતી ભાષામાં પ્રથમ વખત 'વાર્તા'નું સર્જન થયું તેને ગયા વર્ષે ૧૦૦ વર્ષ પૂરા થયા હતા. એ નિમિત્તે 'ગુજરાત સમાચાર'માં ગુજરાતના વિખ્યાત સર્જકોની ક્લાસિક વાર્તાઓ પ્રસિદ્ધ કરીને અનોખી ઉજવણી થઈ હતી. ગુજરાતી વાર્તાઓના એ ખજાનાને વાચકોનો હૂંફાળો પ્રતિસાદ મળ્યો હતો. તે પછી હવે 'ગુજરાત સમાચાર'ના વાચકો માટે પ્રસ્તુત છે-જગતના પહેલી હરોળના વાર્તાકારોની કૃતિઓનો વૈભવ...
''સારી વાર્તા એ
એવી કડવી દવાની ટીકડી છે, જેનું સ્યુગર કોટિંગ ટીકડીની અંદર હોય છે.
ઓ. હેન્રી
(વહી ગયેલી વાર્તા : લોરેન્સ હોલકોમ્બ ૪૦ વર્ષનો દેખાવડો, સાધનસંપન્ન અને પ્રતિષ્ઠિત માણસ છે, જે મહાનગરથી દૂર નવા બનેલા ઉપનગરમાં રહે છે. વાર્તાનું શીર્ષક પણ એ જ છે કે શહેરથી દૂર રહેનારાને પડતી મુશ્કેલીઓ અને એને પહોંચી વળવા એણે કરવી પડતી મહેનત. હોલકોમ્બ રોજ સાંજે ઘર તરફ ટ્રામમાં લાંબી મુસાફરી કરતો હોય છે. કંડકટર એ વાતની નોંધ લે છે કે આજકાલ હોલકોમ્બ એનાં ઘરનાં નિયત સ્ટોપથી ચાર સ્ટોપ પહેલાં જ ઊતરી જતો જોવા મળે છે. હોલકોમ્બ જ્યાં ઉતરે છે એ ગરીબ વિસ્તાર છે. શેરીમાં એક ઘર બહાર એક આધેડ વયની સ્ત્રી કપડાં ધોઈ રહી છે. હોલકોમ્બ એને પૂછે છે કે તમે તમારી દીકરીને મારી સાથે આવવા સમજાવ્યું? માતા કહે છે કે આજકાલની છોકરીઓ અમારું કહ્યું માનતી નથી. તમે જ એને પૂછી જુઓ. માતા એમ પણ કહે છે કે એને તો વાંધો નથી. પણ એક જુવાનિયો નામે ડેની કોલનાન આમાં આડખીલી રૂપ છે. હોલકોમ્બ અંદર જાય છે. એ જુવાન છોકરી નામે કેટી કપડાં ઉપર ઇસ્ત્રી કરતી હોય છે. હોલકોમ્બ નરમ અવાજે એને પૂછે છે કે મારી સાથે આવવા માટે તેં શું વિચાર્યું? કેટી કહે છે કે તમે જ મને સારું ઘરબાર આપી શકો એમ છો પણ આ ડેની છે, તે માનતો નથી. હોલકોમ્બ કહે છે કે એની સાથે ચર્ચા કરીને એને કનવિન્સ કરી શકાય. પણ કેટી કહે છે કે એ મિડલ વેઇટ બોક્સિંગ ચેમ્પિયન છે અને એ જ ભાષા સમજે છે. હોલકોમ્બ કહે છે કે ઓહ, એમ છે... એમ ને? જો હું એનાથી ગભરાતો નથી, કેટી. હકીકતમાં તો હું પણ એને મુક્કાબાજીનાં રાઉન્ડમાં પણ હરાવીને તને ઈનામ તરીકે જીતી શકું તેમ છું. જો કે ઉંમર સાથે મારી મુક્કાબાજીની એ આવડત હવે ઘસાઈ ગઈ છે. ત્યાં જ કેટી હોંઠ ઉપર આંગળી મૂકીને કહે છે કે શિ. સિ.. સ.... એ જ આવી રહ્યો છે. હવે આગળ..)
''તું પાછો મારી છોકરીની પાછળ પડી ગયો, ફરી પાછો?'' ડેની ઘોઘરા અને ધમકી ભર્યા અવાજમાં બબડયો, ''તું મને દીઠો ગમતો નથી, તને ખબર છે? મેં આને પણ કહ્યું છે અને તને પણ કહું છું. આ છોકરી ક્યાંય નહીં જાય. એ અહીંયા જ રહેશે. અને તને માર મારવા માટે કોઈ મને દસ સેન્ટસની સોપારી પણ આપે'ને તો હું તને મારી મારીને ગલીનાં નાકે નાંખી આઉં. સમજ્યો? શું સમજ્યો ?''
''જુઓ મિસ્ટર કોનલાન,'' વાત આડા પાટે ન ચડી જાય તેની કાળજી લેતા હોલકોમ્બે શરૂઆત કરી. ''જો ભાઈ, આપણે કાંઇ વ્યાજબી વાત કરીએ. કેટીએ શું કરવું જોઈએ એ એને જ નક્કી કરવા દઈએ.. તો કેમ? કેટીને પોતાને ગમતી વસ્તુ કરવા દેતા આપણે એને રોકીએ એ કેટલું યોગ્ય છે? ના, ના.. આ તો એક વાત. અને તમારી દખલગીરી ન હોત તો કેટીએ ઘણાં સમય પહેલાં જ હા પાડી દીધી હોત અને એ મારી સાથે મારા ઘરે આવી ગઈ હોત.''
''માત્ર પાંચ સેન્ટ ખાતર...'' મિસ્ટર કોનલાને પોતાની સોપારીની શરતમાં ઘટાડો જાહેર કરતા કહ્યું કે, ''..... મને કોઈ માત્ર પાંચ સેન્ટસ પણ આપેને તો હું તને મારી મારીને ગલીનાં નાકે નાંખી આવીશ''.
હોલકોમ્બની આંખો ચમકી. એણે એક મરણિયો નિર્ણય કર્યો. એને લાગ્યું કે પોતાના રસ્તા વચ્ચેનો પથ્થર તો હઠાવવો જ રહ્યો. અને એને હટાવવાનો આ જ એક માત્ર રસ્તો છે.
''મને કહેવામાં આવ્યું છે કે...'' એણે શાંતિથી પણ મક્કમતાપૂર્વક કહ્યું, ''.... કે તું એક ફાઈટર છે, લડવૈયો છે. તું માને છે કે જીવનમાં ઊભા થતાં દરેક પ્રશ્નોનો હલ બસ હાથો હાથની લડાઈથી જ થઈ શકે. જો કોનલાન, હું કંઈ ફાઈટર નથી, પણ હું તને આગામી ત્રણ જ મિનીટમાં હરાવી દઈશ. ફાઇટ એટલા માટે કે જેથી નક્કી થઈ શકે કે આ છોકરી કોની સાથે જશે. જો હું જીતું તો એ મારી સાથે આવશે. અને જો તું જીતે તો તને ગમે તે કરવાની તને છૂટ છે. તે પછી હું ક્યારેય અહીં નહીં આવું. હવે પછીથી તને ક્યારેય તકલીફ નહીં દઉં. બોલ, તારે આ ખેલ ખેલવો છે?''
ડેની કોનલાનની ભારેખમ ભૂરી આંખોમાં અચાનક પ્રશંસાનાં ભાવ આવી ગયા.
''તું વાત તો બરાબર કહે છે.'' એણે તોછડી નિખાલસતાથી પડકાર ઝીલી લીધો. ''હું એવું માનતો નહોતો કે તું આ ટાઈપનો છે. પણ તારી વાત બરોબર છે. આ એકદમ ખેલદિલ પડકાર છે અને હું તારી સાથે બથ ભીડવા તૈયાર છું. જે પરિણામ આવે તે, હું એને સ્વીકારી લઈશ. ચાલ આવી જા, હું તને બતાવી દઉં કે હું તને કેવી રીતે પછાડી છું. તારી વાત પણ બરાબ્બર છે.''
કેટીએ વચ્ચે બોલવાની કોશિશ કરી પણ ડેનીએ એને ચૂપ કરી દીધી. એ હોલકોમ્બને ટેકરીની નીચે એક ઊંડી ગલીમાં લઈ ગયો, જેથી તેઓને ત્યાં અન્ય કોઈ જોઈ ન શકે. સમી સાંજ ઢળી ચૂકી હતી અને રાતનું અંધારુ ધીરે ધીરે નીચે ઊતરી રહ્યું હતું. બંને પ્રતિસ્પર્ધીઓ પોતપોતાના કોટ અને ટોપી ઉતારી બાજુ ઉપર મૂક્યા. એક તરફ સમાજમાં મોખરાનું સ્થાન ધરાવતો કે જેને કોઈ ખરાબ આદતો નહોતી એવો, વ્યાપારી વર્ગનો પ્રતિનિધિ, મકાન જમીનનો દલાલ અને શેરબ્રોકર એવા લોરેન્સ હોલકોમ્બ હતો. એનાં નિયમિત અને પદ્ધતિસરનાં અસ્તિત્વમાં આવા પણ સંજોગો પેદા થવાનાં લેખ લખાયા હશે. આજે એક અંધારી ગલીમાં એક ધંધાદારી મુક્કાબાજ સાથે એણે લડવાનું હતું અને તે પણ ઈનામમાં એક આઈરીશ ધોબણની છોકરી માટેનાં ક્ષુલ્લક ઝઘડાની પતાવટ માટે.
હાથો હાથની લડાઈ જો કે ટૂંકી રહી. જો એ લાંબી ચાલી હોત તો હોલકોમ્બ હારી ગયો હોત કારણ કે એણે મુક્કાબાજી કર્યાને તો કેટલાંય વર્ષો વીતી ગયા હતા . એને કોઈ પ્રેકટીસ પણ નહોતી. સમયની સાથે તાલીમનાં અભાવે એનું મુક્કાબાજીનું જ્ઞાાન અને એની તાકાત બન્ને ઓછા થઈ ગયા હતા. અને એટલા જ માટે પહેલો ઘા શૂરાનો એમ કરીને એણે શરૂઆતથી પોતાની સઘળી શક્તિ વાપરી લીધી હતી. પણ સામે એક સમયનાં મીડલ વેઈટ મુક્કાબાજીનાં ચેમ્પીયનને એણે ખરેખર કેવી રીતે હરાવ્યો એનું કોઈ એક સાચું કારણ કહેવું મુશ્કેલ હતું. પણ કદાચ પહેલું કારણ એ હતું કે મિસ્ટર કોનલાનને દારૂની લત લાગી ગઈ હતી અને એ સ્વાભાવિક છે કે એવી સ્થિતિમાં મન કાબૂમાં રહેતું નથી અને તાત્કાલીક નિર્ણય લેવાની ક્ષમતા ક્ષીણ થઈ જતી હોય છે. હોલકોમ્બની જીત પાછળનું બીજું કારણ એ હતું કે જીત પછી પ્રાપ્ત થનાર ઈનામની ઉત્તેજના ઉદ્દીપક તરીકે કામ કરી રહી હતી.
આ એક એવું પ્રેરક બળ હતું, જે કોઈ જાંબાજ રોમન યોદ્ધાની સાહજિક વીરતાથી ય વિશેષ હતું. બહાદૂરીનાં તમામ કારણો પૈકી આ કારણ સૌથી વધુ ગહન હતું અને ખરેખરો પ્રેમ હોય એની શક્તિશાળી અસરથી પણ આ કારણ વધારે અસરકારક હતું. અને ત્રીજું કારણ બેશક આકસ્મિક હતું. હાથને વીંઝતા હોલકોમ્બનો પહેલો મુક્કો અનાયાસે જ આ મિડલવેઈટ ચેમ્પીયનની બહાર નીકળેલી હડપચી ઉપર પડયો અને એના ભાર નીચે એ અંધારી ગલીમાં એવો તો ચિત થઈ ગયો કે પછી એ ઊભો જ થઈ શક્યો નહીં. અને પછી તો હોલકોમ્બ એની ઉપર ચડી બેઠો. અને એણે શાંતિથી એકથી દસની ગણતરી કરી એનાં યુવાન પ્રતિસ્પર્ધી કોનલાનને મુક્કાબાજીની રમતમાં હારેલો જાહેર કરી દીધો.
થોડી વાર પછી ડેની કોનલાન પોતાના ડગમગ ડગમગ થતાં પગ સાથે ઊભો થયો. એ સાચો ખેલદીલ પુરવાર થયો.
''તું જીત્યો,'' એણે કહ્યું, ''પણ જો મુક્કાબાજીનો બીજો રાઉન્ડ હોત તો પરિણામ કંઈક જુદું જ આવ્યું હોત. એ છોકરી... તારી સાથે જશે સમજયો?''
તેઓ ફરીથી રસ્તા ઉપર ચઢીને છોકરીનાં ઘર પાસે આવ્યા.
''... તો એ નક્કી,'' હોલકોમ્બે જાહેરાત કરતા કહ્યું, ''હવે, મિસ્ટર કોનલાનને કોઈ વાંધો નથી''.
''હા, એ નક્કી થયું,'' ડેનીએ કહ્યું, ''આ કહે છે તે બરાબર છે.''
હોલકોમ્બને એની થોડીક લાલ થયેલી હડપચી ઉપર એક મામુલી ઘસરકો હતો જે ડેનીનાં ડાબા હાથનાં મુક્કાનાં કારણે પડયો હતો. એની સાપેક્ષ ડેનીને પડેલો માર તો સારી દેખાઇ રહ્યો હતો. એની એક આંખ લગભગ બંધ હતી. એના હોંઠમાંથી લોહી નીકળી રહ્યું હતું.
કેટી એક સાચૂકલી સ્ત્રી હતી. આવી સ્ત્રીઓની ખાસિયત એ હોય છે કે લાભ મેળવવા માટે વિજેતાને વધાવવા તરત જ તેની તરફ દોટ મૂકતી નથી. એનાં દિલમાં દયાનો ભાવ સૌ પ્રથમ જાગે છે. વિજેતાએ પોતાની જીતનાં વધામણાં માટે રાહ જોવી જ રહી. કેટી પરાજીત ચેમ્પિયન તરફ ઝડપથી ગઈ અને એને આશ્વાસન આપ્યું. એના ઘા ઉપર મલમપટ્ટી કરી. હોલકોમ્બ કોઈ પણ પ્રકારનાં ઈર્ષાભાવ વિના પ્રશાંત અને સસ્મિત ચહેરે આ બધું જોતો ત્યાં ઊભો રહ્યો.
''તો કાલે'' ચહેરો ટટાર રાખીને અને આંખમાં ચમક લાવતા એણે કેટીને કહ્યું.
''હા કાલે, જેવી તમારી મરજી,'' કેટીએ હકારમાં જવાબ આપ્યો.
હોલકોમ્બ નકામા પડેલા પતરાંનાં ઢગલા વચ્ચે ઘેરાયેલી ચીંથરેહાલ ટેકરી ચઢીને ધીમેકથી બહાર આવ્યો. મુસાફરોથી ખચાખચ ભરેલી અને ઇલેક્ટ્રિક લાઈટથી ચમકતી એની ટ્રામ કાર જ્યારે આવી ત્યારે એનાં છેલ્લાં ડબ્બામાં એ ચઢયો અને ત્યાં જ ઊભો રહી ગયો. ત્યાં એને વેધરલી નામનો એનો જૂનો મિત્ર અને પાડોશી મળી ગયો. એણે પણ આ જ ઉપનગરમાં પોતાનું ઘર બનાવ્યું હતું, જે હોલકોમ્બનાં ઘરથી થોડુંક જ દૂર હતું.
''હેલ્લો, હોલકોમ્બ..'' વેધરલીએ ટ્રામના ખખડાટને વીંધતા ઊંચા અવાજે કહ્યું. ''શું છે? અહીં કંઈ જમીનનાં સોદા માટે આવ્યો હતો કે શું? કેમ છે શ્રીમતી હોલકોમ્બ અને બાળકો?''
''એકદમ સરસ,'' હોલકોમ્બે પણ એવા જ ઊંચા અવાજમાં લગભગ બૂમ પાડતા કહ્યું, ''તારા ઘરમાં બધા કેમ છે?''
''ઓહ, ઠીક ઠાક છે. બહુ સારું છે તેવું તો નહીં કહી શકાય. શહેરથી દૂર રહેવામાં કેટલીક મુશ્કેલીઓ તો નડે જ. નોકર ચાકરો આટલે દૂર સુધી આવવાની ના પાડે, વેપારી ત્યાં સુધી માલ પહોંચાડવાની ના પાડે, કાર બગડે તો રીપેર કરનાર ન મળે વિગેરે વિગેરે. પણ તું આજે આટલો બધો આનંદમાં કેમ છે? કોઈ મોટો સોદો પાર પડયો લાગે છે કે શું ?''
હોલકોમ્બનો ચહેરો આનંદવિભોર હતો. મુક્કાબાજીની મેચમાં એની હડપચી ઉપર પડેલા એ નાનકડા ઘસરકાને એ મમળાવી રહ્યો હતો. એણે વેધરલીનાં કાન પાસે પોતાનું માથું ઝૂકાવ્યું.
''બોબ, તને યાદ છે પેલી આઈરીશ છોકરી, કેટી ફલાયન, જે સ્ટેફોર્ડ સાથે ઘણા લાંબા સમયથી હતી?''
''મેં પણ એના વિષે સાંભળ્યું છે.'' વેધરલીએ કહ્યું.
''લોકો કહે છે કે એ તેમની સાથે એક વર્ષ જેટલું રહી. અને એ પણ એકેય દિવસનો ખાડો પાડયા વગર. પણ હું આવી પરીકથામાં વિશ્વાસ કરતો નથી.''
''એ હકીકત છે. મેં એને રાખી લીધી છે, રસોઈયણ તરીકે. એ કાલથી જ ઘરે આવી જશે.''
''નસીબનો બળિયો છે તું...'' વેધરલીએ પોતાના અવાજમાં અને પોતાના હૃદયમાં, સ્પષ્ટપણે તરી આવેલા ઇર્ષાનાં ભાવ સાથે કહ્યું, ''.... અને તું તો મારાથી ય ચાર શેરી દૂર રહે છે.'' (સમાપ્ત)
સર્જકનો પરિચય
ઓ. હેન્રી
જન્મ : ૧૧ સપ્ટેમ્બર, ૧૮૬૨
મૃત્યુ : ૫ જુન, ૧૯૧૦
મૂળ નામ વિલિયમ સિડની પોર્ટર, તખલ્લુસ ઓ. હેન્રીનો જન્મ તા. ૧૧ સપ્ટેમ્બર, ૧૮૬૨માં અમેરિકાનાં નોર્થ કેરોલીના રાજ્યનાં ગ્રીન્સબોરો નગરમાં થયો હતો. પિતા તબીબ હતા. વિલિયમ ત્રણ વર્ષનાં હતા ત્યારે એમનાં માતાનું મૃત્યુ થયું. એમનાં ફોઈ કે જેઓ શિક્ષિકા હતા એમણે ભણાવ્યા. વાંચવાનો શોખ એમને બાળપણથી હતો. યુવાનીમાં તેઓ ટેક્સાસ રાજ્યમાં ગયા, વિવિધ નોકરીઓ કરી. અનેક લોકોને મળ્યા. આ બધા લોકો ભવિષ્યમાં એમની વાર્તાઓનાં પાત્ર બન્યા. એમણે એથેલ સાથે લગ્ન કર્યા.લગ્નજીવન ઘણું સુખી રહ્યું. પરંતુ એથેલ ઝાઝું જીવી ન શકી. ઓ. હેન્રી બેંકમાં કામ કરતા હતા ત્યારે નાણાંકીય ઉચાપતનાં ગુનાસર પર કેસ થયો. એવો ગુનો જે એમણે કર્યો નહોતો. તેઓ જેલમાં ગયા ત્યારે પોતાનાં મોસાળમાં રહીને ઊછરતી દિકરીને આથક મદદ કરવા એમણે વાર્તાઓ લખવા માંડી.
જેલનાં સાથી કેદીઓનો સ્વભાવ, એમની રીતભાત પણ એમની વાર્તાઓનો હિસ્સો બન્યા. જેલમાંથી છૂટયા બાદ તેઓ ન્યૂયોર્ક સ્થાયી થયા. વીસમી સદીનો શરૂઆતનો સમય ઓ. હેન્રીનો લેખનનો સુવર્ણકાળ હતો. પોતે ઘણું સહન કર્યુ. પરંતુ એનાં દુ:ખની જરા સરખી છાયા પણ એમની વાર્તાઓમાં નથી. એમની વાર્તાઓ સામાન્ય વ્યક્તિઓની વાર્તાઓ છે. એવી વ્યક્તિઓ જે મહેનતથી આગળ વધવાની સદા કોશિશ કરતા રહે છે.
રમૂજ, શબ્દરમત, શબ્દશ્લેષથી લસલસતી ઓ. હેન્રીની વાર્તાઓની ગૂંથણી ગજબની છે. વાર્તાઓનાં અંત ચોક્કસપણે ચમત્કારિક હોય છે. ઈટૅીબા ારી ેંહીટૅીબાીગ. અને એ જ એની મઝા છે. આપણે અંત વાંચીએ પછી એની સાપેક્ષમાં વાર્તા ફરી પાછી વાંચવી પડે. વાર્તાનું અણધાર્યાપણું જ રસપ્રદ હોય છે. વિખ્યાત એનીમેશન પાત્રો 'ટોમ એન્ડ જેરી'નાં સર્જક ચક જોન્સ કહે છે કે 'અણધાર્યાપણાનું મૂલ્ય મને ઓ. હેન્રીએ સમજાવ્યુ હતુ. ઓ. હેન્રીએ એક વાર પક્ષીની સુવાસ અને ફૂલોનાં અવાજની વાત કરી હતી. એવંં શી રીતે બને? વેલ, પક્ષીઓ રાંધેલા મરઘાં હતા, જેની સોડમ આવી રહી હતી અને પતરાની દીવાલ પર સૂકવેલા સૂરજમુખીનાં સુક્કા ફુલો પવનમાં હાલતા હતા, જેનો અવાજ આવી રહ્યો હતો!''
ઘણાં સાહિત્યકારો કહે છે કે ઓ. હેન્રીની વાર્તા એ વાર્તા નથી પણ કોઈ રમૂજી ટૂંચકો છે, જે લંબાવીને કહેવાયો છે. ઓ. હેન્રીની વાર્તાને તેઓ ક્લાસિક સાહિત્ય ગણતા જ નથી.(સારું છે નથી ગણતા કારણ કે ક્લાસિક સાહિત્ય એટલે એવું સાહિત્ય કે જે બધ્ધા જ વખાણે પણ કોઇ વાંચે નહીં ! -માર્ક ટ્વેઇન).
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aBgiYL
ConversionConversion EmoticonEmoticon