જાહ્નવી કપૂરને લાગ્યો આધ્યાત્મિકતાનો રંગ


હું મારી સ્વર્ગસ્થ માતાના આત્માની શાંતિ માટે ભગવાન બાલાજીનાં દર્શન કરીને પ્રાર્થના કરું છું હું મારી માતાના જન્મદિને તિરુપતિ બાલાજીનાં દર્શને ગઇ હતી.

બોલીવુડમાં નવી અને પ્રતિભાશાળી પેઢીનો ઉદય થઇ રહ્યો છે.આ નવી પ્રતિભામાં આલીયા ભટ્ટ, વરૂણ ધવન,અનન્યા પાંડે અને જાહ્નવી કપૂર તો બોલીવુડનાં જ સંતાનો છે.એટલે કે આ બધાં કલાકારોનાં માતાપિતા હિન્દી ફિલ્મ ઉદ્યોગ સાથે ગાઢ રીતે સંકળાયેલાં રહ્યાં છે. બોલીવુડનાં આ સંતોનોમાં આલીયા ભટ્ટ અને વરૂણ ધવનને તો ઉજળી સફળતા પણ મળી રહી છ.બંનેની ફિલ્મો સુપરહીટ પણ થઇ છે.બીજીબાજુ અનન્યા પાંડેની અને જાહ્નવી કપૂરની પણ એક એક ફિલ્મ રજૂ થઇ ચૂકી છે.

  નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરની ધડક ફિલ્મથી બોલીવુડમાં પા પા પગલી કરનારી જાહ્નવી કપૂર કહે છે,હું છેલ્લા થોડા સમયથી બહુ ધાર્મિક થઇ ગઇ છું.ભગવાનની ભોળી ભક્ત બની ગઇ છું.ખરું કહું તો  બોલીવુડમાં મજેદાર ભૂમિકા મળે તે માટે મેં માંસાહારનો ત્યાગ કરવાની માનતા રાખી હતી.સાથોસાથ મેં ભગવાન બાલાજીનાં દર્શન કરવાની પણ માનતા રાખી હતી. હું નવા જમાનાની અને ભણેલી યુવતી હોવા છતાં ભારોભાર સંસ્કારી પણ છું.મારામાં મારી માતા શ્રીદેવીના ધાર્મિક ગુણોનો વારસો આવ્યો છે.જોકે મને આધ્યાત્મિક બાબતો જાણવા-સમજવાની વધુ ઇચ્છા છે.આમ છતાં હું મારી આ બધી અંગત બાબતોનો જાહેરમાં પ્રચાર નથી કરતી કે આવું બધું મને આવડતું પણ નથી.

   પહેલી ફિલ્મ ધડક માટે હિન્દી ફિલ્મ જગતની ઉગતી પ્રતિભાનો એવોર્ડ મેળવનારી જાહ્નવી કપૂર કહે છે,મને ભારતનાં ધર્મસ્થળોની યાત્રા કરવાનું બહુ ગમે છે.સમય મળે ત્યારે હું મંદિર અને ચર્ચમાં દર્શન કરવા જાઉં છું.અમે ફિલ્મના શૂટિંગ માટે ઇસ્તનબુલ(તુર્કીનું મોટું શહેર) ગયાં હતાં ત્યારે ત્યાંની દરેક મસ્જિદમાં પણ ગયાં હતાં.હું બહુ સ્પષ્ટપણે માનું છું કે લોકો પૂરી શ્રદ્ધાથી આવાં ધાર્મિક સ્થળોએ દર્શન કરવા અને પ્રાર્થના કરવા જાય છ કારણ કે તેઓને ત્યાંમન-હૃદયની ઊંડી શાંતિનો અનુભવ થાય  છે.નવી ઉર્જા અને ચેતનાનો સંચાર થાય છે. 

   બોલીવુડના પ્રતિભાશાળી અને તરવરિયા અદાકાર અનિલ કપૂરની સગી ભત્રીજી અને અર્જુન કપૂરની ઓરમાન બહેન જાહ્નવી કપૂર કહે છે,મને મારી  સ્વર્ગસ્થ માતા શ્રીદેવીની જેમતિરુપતિ બાલાજીમાં પૂરી શ્રદ્ધા છે. હું ૨૦૧૯માં મારી માતાના જન્મદિને  તિરુપતિ બાલાજીનાં દર્શને ગઇ હતી.મને બરાબર યાદ છે કે મારી ફિલ્મોમાં સક્રિય  હતી ત્યારે તેના દરેક જન્મદિવસે તિરુપતિ બાલાજીનાં દર્શને જતી અને તેમના આશીર્વાદ લેતી.જોકે મારી માતા લગ્ન બાદ અમારી બંને બહેનોની પૂરી સારસંભાળ  લેવા બાલાજીનાં દર્શને જઇ શકતી નહોતી.આજે મારી માતા ભગવાનના ધામમાં છે ત્યારે મેં તેના દરેક જન્મદિને બાલાજીનાં  દર્શન કરીને તેના આત્માની પરમ શાંતિ માટે પ્રાર્થના કરવાનો નિર્ણય કર્યો છે.

    જાહ્નવી એક યાદગાર કિસ્સાનું વર્ણન કરતાં કહે છે,મારી કારકિર્દીની પહેલી હિન્દી ફિલ્મ ધડક સિનેમાગૃહોમાં રજૂ થઇ તે પહેલાં હું ૩૫૫૦ પગથિયાં ચડીને છેક ટેકરી ઉપર તિરુપતિ બાલાજીનાં દર્શને ગઇ હતી.મારી માતાના અવસાન બાદ હંુ પહેલી જ વખત આવી રીતે પગથિયાં ચડીને બાલાજીને નમન કરવા ગઇ હતી. ૨૦૦-૩૦૦ પગથિયાં બાદ આગળ વધવામાં મુશ્કેલી થઇ હતી.આમ છતાં મારી નજર સામે  અસંખ્ય ભાવિકો પગથિયાં ચડીને ભગવાનનાં દર્શને જતાં હોવાથીમને પણ તેઓમાંથી પ્રેરણા મળી અને હું તે બધાંની સાથોસાથ છેક ઉપર મંદિર સુધી પહોંચી હતી. મંદિરના પૂજારીજીએ દર્શન માટે પડદો હટાવ્યો અને મારી નજર સામે ભગવાન જોયા કે મારી બંને આંખોમાંથી ચોધાર આંસુ વહ્યાં હતાં. મારી માને સંભારીને હું અતિ ભાવુક બની ગઇ હતી. 

    અમેરિકામાં અભિનયની ઉચ્ચ કક્ષાની તાલીમ પામેલી જાહ્નવી કપૂર કહે છે,ખરું કહું તો મને પ્રવાસ-પર્યટનનો અને ખાસ કરીને યાત્રાધામોનાં દર્શન કરવાનો જબરો શોખ છે.હિમાલયનાં યાત્રાધામોમાં ભગવાનનો સાક્ષાત વાસ હોવાની અનુભૂતિ તો જરૂર થાય.સાથોસાથ આ બધાં યાત્રાધામોના માર્ગમાં ખોબલે ખોબલે કુદરતી સૌંદર્ય છલકાયું હોવાથી મને બેહદ આનંદ પણ થાય છે.હું થોડા સમય પહેલાં મારી નવી ફિલ્મ ગુંજન સક્સેના: ધ કારગીલ ગર્લ-ના યુવાન દિગ્દર્શકને પણ બાલાજીનાં દર્શને લઇ ગઇ હતી.અમારા દિગ્દર્શકે પહેલી જ વખત બાલાજીનાં દર્શન કર્યાં અને તે પણ મારા આગ્રહથી ૩૫૫૦ પગથિયાં ચડીને.જોકે મંદિર સુધી પહોંચ્યાં ત્યારે તો તેનો ચહેરો લાલઘુમ થઇ ગયો હતો અને તેના હોઠ સૂકાઇ ગયા હતા.મેં તેની આવી બેહદ થાકેલી હાલતના ફોટોગ્રાફ્સ પણ લીધા છે.

   જાહ્નવી કપૂર બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે,મને ઇતિહાસનાં પુસ્તકો વાંચવાનો બેહદ શોખ છે.આ જ કારણસર મને ધાર્મિક કરતાં આધ્યાત્મિક બાબતોમાં ઊંડો રસ છે.હું બહુ નમ્રપણે માનું છું કે ધર્મનો ઉપયોગ લોકોમાં જબરો વિખવાદ સર્જવામાં થતો હોય છે જ્યારે આધ્યાત્મિકતા તો સમગ્ર માનવજાતને અને વિશાળ સૃષ્ટિને પ્રેમ કરવાનો અદભૂત સંદેશો આપે છે.માનવી પોતાની જાતને સાચી રીતે સમજી શકે છે.આ જ કારણસર હું ભગવાન બુદ્ધના જીવન પરનાં અને તેમના બૌદ્ધ ધર્મ વિશેનાં પુસ્તકો વાંચું છું.અરે,બાળપણમાં તો મેં ઓશો રજનીશનાં પણ પુસ્તકો વાંચ્યાં છે. રજનીશજીએ એક અખબારી ઇન્ટર્વ્યુમાં કહ્યું હતું કે હું તો આધ્યાત્મિક રીતે રંગીન મિજાજનો માણસ છું.હું રજનીશજીના તે શબ્દો સાંભળીને ખરેખર આશ્ચર્યચકિત થઇ ગઇ હતી.જોકે મારી માતાએ રજનીશજીનું તે પુસ્તક મારા હાથમાંથી આંચકી લીધું હતું.ગમે તે કહો પણ મારા જીવનમાં આધ્યાત્મિકતાની ઘણી ઘેરી અસર છે એટલું ચોક્કસ.સાચું કહું  તો મારા આધ્યાત્મિક અભિગમથી જ હું ઘણી જવાબદાર બની છું.વળી,હું પ્રાર્થના પણ ફકત મારા માટે નહીં પણ મારા સમગ્ર પરિવાર માટે કરું છું.સહુનાં સુખ,શાંતિ અને સમૃદ્ધિ માટે ભગવાનની પ્રાર્થના કરું છું.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WaWmbk
Previous
Next Post »