
'દરેક સફળ અભિનેતા અને અભિનેત્રીને અંદરખાને ચોક્કસ પ્રકારની અસલામતીની ભાવના સતાવતી રહે છે,ખાસ કરીને સફળતાને ટકાવી રાખવાની ચિંતા'.....
'મુંબઇ સાગા' દ્વારા તે મસાલા ફિલ્મોમાં કમબેક કરશે.તેને હિન્દી ફિલ્મોદ્યોગમાં સારું એવું કામ મળી રહ્યું હોવા છતાં તે કહે છે કે આ ઇન્ડસ્ટ્રીમાં પુષ્કળ સ્પર્ધા હોવાથી સતત ચેતતા રહેવું પડે છે.
ઇમરાન હાશ્મીનું ૨૦૨૦ ખાસ્સું વ્યસ્ત જવાનું છે. બોલીવૂડનો આ આખાબોલો કલાકાર આ વર્ષે 'ચેહરે'માં મહાનાયક અમિતાભ બચ્ચન સાથે જોવા મળશે. જ્યારે 'મુંબઇ સાગા' દ્વારા તે ઘણાં વર્ષ પછી મસાલા ફિલ્મોમાં કમબેક કરશે. આ સિવાય તેની પાસે હોરર ફિલ્મ 'એઝરા' પણ છે. મઝાની વાત એ છે કે તેને હિન્દી ફિલ્મોદ્યોગમાં સારું એવું કામ મળી રહ્યું હોવા છતાં તે કહે છે કે આ ઇન્ડસ્ટ્રીમાં પુષ્કળ સ્પર્ધા હોવાથી સતત ચેતતા રહેવું પડે છે.
ઇમરાને ઘણાં વર્ષ પછી 'મુંબઇ સાગા' જેવી મસાલા ફિલ્મ સ્વીકારી. આ બાબતે તે કહે છે કે આ બહુ વિશાળ ફિલ્મ છે. અને દિગ્દર્શક સંજય ગુપ્તા આ પ્રકારની ફિલ્મો બનાવવામાં પારંગત છે.તેમનામાં દર્શકોની નાડ પારખવાની ગજબની આવડત છે. વળી મેં ઘણાં સમયથી આ પ્રકારની ફિલ્મ નહોતી કરી તેથી આ ઝોનમાં પરત ફરવા માગતો હતો. આમેય હું સંજય ગુપ્તા સાથે કામ કરવા ઇચ્છુક હતો.
અગાઉ માત્ર મસાલા ફિલ્મો કરનાર કલાકાર ઘણાં વર્ષ સુધી મસાલા સિનેમાને હાથ ન લગાવે ત્યારે સહેજે નવાઇ લાગે. પરંતુ ઇમરાન તેનું કારણ જણાવતાં કહે છે કે એક કલાકાર તરીકે હું વિવિધ પ્રકારની ફિલ્મો કરવા માગતો હતો. હું એક જ પ્રકારની મૂવીઝ કરીને કંટાળી ગયો હતો.તેથી મેં વર્ષ ૨૦૧૬માં 'અઝહર' અને ૨૦૧૯ની સાલમાં 'વાય ચીટ ઇન્ડિયા' જેવી ફિલ્મો કરી. એવું નહોતું કે હું મસાલા ફિલ્મો કરવાનું બંધ કરવાનો હતો. પણ મને સર્જનાત્મક સંતોષ મળે એવી ફિલ્મો પણ કરવી હતી.અને હવે હું મારી મસાલા ફિલ્મો તરફ પાછો ફર્યો છું.
ઇમરાન હંમેશાં પોતાને અકસ્માતે બનેલો કલાકાર ગણાવે છે. તેથી આપણને સહેજે પ્રશ્ન થાય કે જો તે અકસ્માતે આ ક્ષેત્રે આવી ગયો છે તો તેને પોતાનું કામ ગમે છે કે નહીં, તે પોતાના વ્યવસાયથી ખુશ છે કે નહીં. આના જવાબમાં અભિનેતા કહે છે કે જ્યારે તમારા વ્યવસાયમાં તમારો અવાજ સાંભળવામાં આવે, લોકો તમારા શબ્દો-વિચારોને પ્રાધાન્ય આપે ત્યારે તમને ખુશી થવાની જ. કયો કલાકાર કીર્તિ-કલદારની ખેવના ન કરે? પરંતુ આ એક એવું ક્ષેત્ર છે જ્યાં તમને પ્રાઇવસી બિલકુલ ન મળે. વાસ્તવમાં હું એકાંતપ્રિય વ્યક્તિ છું. પરંતુ આ ફિલ્ડમાં તમને સતત લોકોની ચાંપતી નજર હેઠળ રહેવું પડે છે. તમારી કોઇ વાત ખાનગી નથી રહેતી.તેને કારણે કોઇક વખત તમે વિચલિત પણ થઇ જાઓ. પરંતુ કોઇપણ સિક્કાની બે બાજુ હોય તેમ આ ઇન્ડસ્ટ્રીની પણ બે બાજુુ હોય તે સ્વાભાવિક છે. ઇમરાન માને છે કે આ ઉદ્યોગમાં પુષ્કળ હરિફાઇ હોવાથી કલાકારો હંમેશાં માનસિક તાણમાં રહે છે. તે કહે છે કે ભલે ઘણાં કલાકારો આ વાત કબૂલતા નથી.
પરંતુ દરેક સફળ અભિનેતા અને અભિનેત્રીને અંદરખાને ચોક્કસ પ્રકારની અસલામતીની ભાવના સતાવતી રહે છે,ખાસ કરીને સફળતાને ટકાવી રાખવાની ચિંતા. બાકી કોઇપણ ફિલ્મ નિષ્ફળ જાય તેમાં સંખ્યાબંધ તત્વો કામ કરતાં હોય છે. પરંતુ તેની સૌથી વધુ અસર જે તે કલાકારની કારકિર્દી પર પડે છે.જોકે જ્યારે ફિલ્મ સફળ થાય ત્યારે તેનો સઘળો યશ સંબંધિત કલાકારોએ ન લઇ લેવો જોઇએ.જ્યારે આવું બને ત્યારે જે તે કલાકારની પડતી શરૂ થઇ જાય છે. હું માનું છું કે સફળતા તમને બગાડે છે, જ્યારે નિષ્ફળતા તમને નમ્ર રાખે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aPcpQc
ConversionConversion EmoticonEmoticon