અર્જુન બીજલાના ટચૂકડા પડદે 16 વર્ષ થયાં


અર્જુન બીજલાનીએ વર્ષ ૨૦૦૪માં 'કાર્તિક' ધારાવાહિક દ્વારા પોતાની અભિનય કારકિર્દી શરૂ કરી હતી. અભિનેતા તેની ૧૬ વર્ષની આ સફરને ઉતારચડાવથી ભરેલી છતાં આનંદદાયક ગણાવતાં કહે છે કે આજે હું જે છું તેનો સઘળો યશ ટચૂકડા પડદાને ફાળે જાય છે. તે વધુમાં કહે છે કે મેં આ વર્ષો દરમિયાન વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી. અને આગામી સમયમાં પણ અનેકવિધ પાત્રો ભજવવાની આશા રાખું છું. અભિનય સાથે મને સંચાલન કરવાની તક મળી તે મારી કારકિર્દીનું  નવું છોગું હતું. દરેક કલાકારની કરીઅરમાં ચડાવઉતાર આવે તેમ મારી કારકિર્દીમાં પણ આવ્યાં હતાં.

પરંતુ 'નાગીન' સિરિયલ પછી મારી કરીઅરમાં ખરો વળાંક આવ્યો. મને એમ લાગે છે કે મારા પુત્ર 'અયાન'ના જન્મ પછી મારી કિસ્મત ચમકવા લાગી. જોકે મેં સારાનરસા, બંને  સમયમાં સંયમ જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે મારી પાસે ઝાઝું કામ નહોતું ત્યારે હું નિરાશ નહોતો થયો. અને સફળતા મળ્યા પછી હું છકી નથી ગયો. મેં ઘણાં સફળ કલાકારોને છકી જતાં, મીડિયાથી દૂર ભાગતાં જોયા છે.પરંતુ મેં દરેક સમયને એકસમાન માન આપ્યું છે. મેં હંમેશાં મારા મનની વાત માની છે. અને તે જ મારી તરફેણમાં પુરવાર થઇ છે. તમારું મગજ ક્યારેક ખોટું બોલી શકે પણ તમારું મન ક્યારેય ખોટું ન પડે.


કલાકારો ઓચિંતા ક્યારે નવરા પડી જાય તે કહેવાય નહીં:

કરણ સિંહ ગ્રોવરગયા વર્ષના જૂન મહિનામાં કરણ ગ્રોવર તેના નવા શોમાં કામ કરવા ઉતાવળો બન્યો હતો. થોડા સમય પછી મળેલા આ શોને પગલે તે બહુ ખુશ હતો. પરંતુ તેની આ ખુશી ઝાઝો સમય ન ટકી. માત્ર નવ મહિનામાં જ તેની સિરિયલનો વીંટો વાળી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો. અભિનેતા કહે છે કે મારા સહિત અમારા બધા માટે આ એક મોટો આઘાત હતો. જે શો માટે અમે અમારું લોહીપાણી એક કર્યું હોય  અને તે  લાંબા સમય સુધી ચાલે એવી ચાહત રાખી હોય તે ધારાવાહિક પર અચાનક પડદો પાડી દેવામાં આવે તો દુ:ખ તો થવાનું જ.

હું માનું છું કે શોને ધાર્યું રેટિંગ નહોતું મળી રહ્યું. તેથી અમને સર્જકોના શો બંધ કરવાનો નિર્ણય આવકારવો જ રહ્યો. આમેય આ ઇન્ડસ્ટ્રીમાં ક્યારે શું થાય તે કહેવાય નહીં.'વો રહેનેવાલી મહલોં કી', 'બહુ હમારી રજની કાંત' જેવી સંખ્યાબંધ ધારાવાહિકો દ્વારા ઘર ઘરમાં જાણીતા બનેલા આ સોહામણા કલાકારે વધુમાં કહ્યું હતું કે અભિનયની દુનિયામાં તમારી  ટેલેન્ટ સાથે તમારા નસીબ પણ મહત્વનો ભાગ ભજવે છે.અને જ્યારે અચાનક જ આવું કાંઇક બને ત્યારે તમારે માનસિક રીતે સ્વસ્થ રહેતાં આવડવું જોઇએ.


હું અને અમૃતા એકમેક સાથે બહુ ખુશ છીએ: હિમાંશુ મલ્હોત્રા:

'દિલ જૈસે ધડકે ધડકને દો'માં જોવા મળી રહેલા અભિનેતા હિમાંશુ મલ્હોત્રાએ તાજેતરમાં જ કારગિલ ખાતે 'શેરશાહ'નું શૂટિંગ પૂરું કર્યું. આ ફિલ્મમાં તેણે મેજર રાજીવ કપૂરની ભૂમિકા અદા કરી છે. તે કહે છે કે વાસ્તવિક લોકેશન પર આ ફિલ્મનું શુટિંગ ખરેખર લાગણીપ્રદ રહ્યું. કોઇપણ કલાકારની જેમ હિમાંશુના અંગત જીવન માટે પણ ઘણી ધારણાઓ બંધાઇ હતી. એક સમયે એમ કહેવાતું હતું કે તે અને તેની પત્ની અમૃતા વચ્ચે  તિરાડ પડી છે. પરંતુ હિમાંશુ આ વાતથી નારાજ થતાં કહે છે કે અમે જ્યારે નૃત્યને લગતાં એકે રીઆલિટી શોમાં એકસાથે કામ કરી રહ્યાં હતાં ત્યારે શોની જરૂરિયાતને ધ્યાનમાં લઇને ઘણાં ફોટા સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતાં હતાં.

પરંતુ શો પૂરો થયાં પછી હું મોટાભાગે મારા વર્કઆઉટના ફોટા પોસ્ટ કરતો તેથી લોકોએ એવું ધારી લીધું કે અમારી વચ્ચે ખાઇ સર્જાઇ છે. મને નથી  લાગતું કે કોઇએ અમારા અંગત જીવન વિશે સોશ્યલ મીડિયા જોઇને આવી ધારણાઓ બાંધી લેવી જોઇએ. અમારા લગ્નને પાંચ વર્ષ થયાં છે. પરંતુ અમે એકમેકને ૧૬ વર્ષથી ઓળખીએ છીએ. અને એકબીજા  સાથે બહુ ખુશ છીએ. અમૃતા મરાઠી ફિલ્મોની જાણીતી અદાકારા છે. ઘણાં લોકો મને એમ પણ પૂછે છે કે અમૃતા તારા કરતાં વધુ લોકપ્રિય છે તેનાથી તમારા સંબંધોમાં ક્યારેય કોઇ ફરક પડે છે. પરંતુ આવી બધી બાબતો વિશે અમે તો ક્યારેય વિચાર્યું સુધ્ધાં નથી. 


૭ વર્ષ પછી રૂપાલી ગાંગુલીનું કમબેક: 

છેલ્લે ૨૦૧૩ની સાલમાં 'પરવરિશ કુછ ખટ્ટી કુછ મીઠી'માં જોવા મળેલી રૂપાલી ગાંગુલી સિરિયલ સર્જક રાજન સાહીના શો 'અનુપમા' દ્વારા ટચૂકડા પડદે પરત ફરી રહી છે. આ ધારાવાહિકમાં તેની સાથે સુધાંશુ પાંડેને લેવામાં આવ્યો છે. મઝાની વાત એ છે કે આ બંને કલાકારો લગભગ ૨૦૦૦ની સાલ પછી આ ધારાવાહિકના  સર્જક સાથે ફરીથી કામ કરી રહ્યાં છે. રાજન સાહીએ વર્ષ ૨૦૦૦માં રૂપાલીના શો 'દિલ હૈ કી માનતા નહી'નું દિગ્દર્શન કર્યું હતું. તેણે આ અરસામાં જ તેના કેટલાંક શોમાં સુધાંશુને પણ લીધો હતો. તે કહે છે કે મને ખુશી છે કે લગભગ બે દશક પછી અમે ત્રણે ફરીથી એકસાથે કામ કરી રહ્યાં છીએ. મઝાની વાત એ છે કે આટલાં વર્ષ પછી પણ આ બંને કલાકારોની કામ પ્રત્યેની લગન અકબંધ છે.   



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cRxviB
Previous
Next Post »