એક્ટિંગ માટે ડાયરેક્ટર અહેમદ ખાને અસંખ્ય વિકલ્પો આપેલા છે. કદાચ તેઓ દર્શકને સૂચના આપી રહ્યાં છે કે મુખ્ય અભિનેતા હાથ અને પગથી જ અભિનય કરશે.
શાહરૂખ ખાનની ફિલ્મોની ખાસિયત વિશે સૌ કોઈને ખ્યાલ છે. શાહરૂખ પોતાનો મનપસંદ પોઝ આપી જનતાને બે ઘડી મનોરંજન પૂર્ણ પાડે. તે રીતે જ ટાઈગર શ્રોફની ફિલ્મમાં પણ બે મોટી ખાસિયત રહેલી છે. તમામ ફિલ્મોમાં ટાઈગર એક સરખો ડાન્સ કરે અને એક સરખી એક્શન કરે. ટાઈગરની ફિલ્મ એ બારેમાસ અનરાધાર વરસતો વરસાદ છે. માત્ર સાઉથની ફિલ્મમાં થોડો ઘણો ફેરફાર કરી અહીંથી ત્યાં સ્ક્રિપ્ટને કરી નાખવામાં આવે, તો એક પડતર બજાર કિંમત જેવી ટાઈગર પ્રોડક્ટ ફિલ્મ બનાવી શકાય. ટાઈગર કૃત ફિલ્મોમાં ઉન્નત શિખરો સર કરી સિનેમાદેવ પાસેથી કંઈક નવા પાઠ ભણીશું તેવી મહેચ્છા ન હોવી જોઈએ.
માત્ર કેટલા ગુંડાઓના હાડકા ભાંગ્યા અને કેટલા વિલનો મૃત્યુ પામ્યા તેનો એક સરવાળો જ માંડવાનો હોય છે. ટાઈગરે પોતાની પહેલી ફિલ્મ હિરોપંતી કરી હતી. એ ફિલ્મ સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જૂનની ૨૦૦૮ની ફિલ્મ પરૂગુની રિમેક હતી. બાગી ૨૦૦૪માં આવેલી પ્રભાસની ફિલ્મ વર્ષમની રિમેક હતી. બાગી-૨ ક્ષણમમાંથી ઉઠાંતરી કરેલી હતી. ટાઈગરના એક્શનની સાથે સસ્પેન્સ અને થ્રીલરનો મસાલો ભભરાવવાથી થોડો તો લોકોને રસ જાગે !
કહાની
રણવીર પ્રતાપ સિંહ શોર્ટ નેમ રોની. એ સ્પેશિયલ ફોર્સનો કેપ્ટન છે. કાશ્મીરમાં તેની પોસ્ટિંગ છે. ચાર વર્ષ બાદ રોનીની પૂર્વ પ્રેમિકા નેહાનો તેને ગોવાથી ફોન આવે છે કે, તેની દિકરી રિયા ગાયબ થઈ ગઈ છે. તેનું અપહરણ કરી લેવામાં આવ્યું છે. રોની ગોવા જાય છે તો ખબર પડે છે કે તેને તો કોઈ પુત્રી જ નથી. થોડીવાર માટે તો રોનીના પણ ગાત્રો શિથીલ થઈ જાય છે. નેહાનો પતિ રોનીને સમગ્ર વિગત કહે છે કે, તેનું એક્સિડન્ટ થયું હતું અને ત્યારથી તે એવું માનવા લાગી છે કે તેને કોઈ દિકરી છે.
હવે પ્રશ્ન એ છે કે નેહા સાચું બોલે છે કે તેનો પતિ સાચું બોલે છે. સત્યને બહાર લાવવા માટે રોની ખૂદ ઈન્વેસ્ટિગેશન કરે છે. જેમાં તેના હાથે એક બાદ એક ક્લૂ આવવા લાગે છે. તેને શોધવાનું છે કે રિયા નામની છોકરીનું અસ્તિત્વ છે કે નહીં ? અને જો અસ્તિત્વ છે તો તેને કિડનેપ કોણે કરી ? કિડનેપ કરનારને પકડી હિરોએ ઢીશૂમ ઢીશૂમ કરવાનું છે. આ થઈ બાગી-૨ની વાર્તા.
ડાયરેક્ટરને બધી ખબર છે
પહેલાંથી જ ડાયરેક્ટર અહેમદ ખાન અને ફિલ્મના લેખકોને ખબર હતી કે ફિલ્મમાં સસ્પેન્સનું પૂંછડુ ઈન્ટરવલ પહેલા જ બતાવી દેવામાં આવશે તો આપણો પત્તાનો મહેલ ટાઈગરના એક પણ સ્ટન્ટ વિના કડડભૂસ થઈ જશે. દિગ્દર્શક બીજો હાફ નજીક આવ્યો તો પણ સસ્પેન્સને ઉંડાણ પૂર્વક લેતા ગયા. દૂધમાં એટલું પાણી નાખ્યું કે દૂધ રહ્યું જ નહીં. ફિલ્મના તમામ કલાકારોના એન્ટ્રી સીનને એવી રીતે દર્શાવવામાં આવ્યા કે આ અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ હોય.
મનોજ બાજપેયી, રણદીપ હુડ્ડા, પ્રતીક બબ્બર.... પણ આ તમામ કલાકારોને દર્શાવવામાં એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું કે વિલન પ્રતીક બબ્બર જ છે. તમે માની જ જાઓ આ જ છે વિલન, પણ ફિલ્મ જોતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે, ''વિલન બતાતે હૈ, પર માનને કા બિલ્કુલ નહીં...'' સસ્પેન્સ ફિલ્મોના શાસ્ત્રોમાં એવું લખવામાં આવ્યું છે કે નબળો એ જ છેલ્લે સબળો પૂરવાર થાય ? લખવામાં તો નથી આવ્યું પણ આગે સે ચલતી આતી ગાડી હૈ, જેનું સ્ટેશન પહેલાંથી જ નક્કી કરવામાં આવ્યું છે. ૧૯૮૬ની વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ ખામોશની વાત કરીએ. જેમાં અમોલ પાલેકર જેવા અભિનેતાને વિલન બતાવવામાં આવ્યો હતો. જે બિચારા પર કોઈ દિવસ શંકાની આંગળી ઉઠે જ નહીં.
બાગી-૨ વર્તમાનના એક પણ દ્રશ્યને ટ્રૂ ઈન્સિડન્ટ કહેતા ચૂકવા નથી માગતી. આર્મી ઓફિસર નીતિન ગોગોઈએ કાશ્મીરના ફારૂક દારને જે રીતે ગાડીના બોનેટ પર ચઢાવી રસ્તો કર્યો હતો, બિલ્કુલ એ જ અંદાજમાં રોન્ની પણ એક વ્યક્તિને બોનેટ પર ચઢાવી ઘુમાવે છે. સાફ વાત છે કે ફિલ્મ વિવાદથી કલેક્શન કરવા માગતી હતી. પોલીસ સ્ટેશનમાં આવતી ફાઈટમાં ટાઈગર શ્રોફ ત્રણ કામ કરે છે. તે તિરંગાને પડવા નથી દેતો, તે પોલીસની ટોપીને પણ પડવા નથી દેતો, તે પોલીસ ઓફિસરના બેચ પર પ્રહાર પણ નથી કરતો. આ ત્રણે સીન દર્શાવતી વખતે કેમેરો એટલો ક્લોઝ અપ કરી દર્શાવવામાં આવ્યો કે દર્શકને મહેસૂસ થાય, ફિલ્મમાં માત્ર રોમાન્સ અને એક્શન જ નહીં દેશભક્તિ પણ ભરેલી છે.
ફિલ્મના ક્લાઈમેક્સમાં એક દ્રશ્ય છે જ્યાં ટાઈગર શ્રોફ એકલે હાથે બઘડાટી બોલાવે છે. આ દ્રશ્ય વારંવાર અમેરિકન ફિલ્મોના મનપસંદ પ્લોટ વિયેટનામ વોરની યાદ અપાવ્યા કરે છે. થોડીવાર માટે તો લોકેશન જ વિયેટનામનું હોય તેવું લાગી જાય. ફિલ્મમાં એવું કંઈ ખાસ નથી જે લાંબા સમય સુધી યાદ રહે.
ટાઈગર શ્રોફ ખૂદ જ એક થા ટાઈગર બની ગયો છે. એક સાથે ૧૦૦ લોકોને મારતો હિરો એ સાબિત કરે છે કે આ મસાલા ફિલ્મ છે. તેમાં ગોળી વાગે અને હિરો મરી જ જાય એ વ્યાખ્યા સાથે કોઈને પણ સ્નાનસૂતકનો સંબંધ નથી.
અભિનય
એક્ટિંગ માટે ડાયરેક્ટર અહેમદ ખાને અસંખ્ય વિકલ્પો આપેલા છે. કદાચ તેઓ દર્શકને સૂચના આપી રહ્યાં છે કે મુખ્ય અભિનેતા હાથ અને પગથી જ અભિનય કરશે. જો અભિનય જોવો હોય તો આ માટે મનોજ બાજપેયી ઉપલબ્ધ છે. જો મનોજ બાજપેયી પસંદ ન આવે તો રણદીપ હુડ્ડા છે અને તેમાં પણ મજા ન આવે તો જાને તુ યા જાને નામાં જેનેલિયાના ભાઈ તરીકે સરસ અભિનય કરનાર અને છેલ્લે એક દિવાના થામાં પાગલ પ્રેમી બનનાર પ્રતીક બબ્બર તો છે જ. આમ છતાં અભિનય જોવો હોય તો દર્શન કુમાર અને દિપક ડોબરિયાલ પણ છે.
માત્ર ટાઈગર શ્રોફ પાસેથી અભિનયની અપેક્ષા ન રાખતા. તે જેટલા પગ અને હાથ ચલાવે છે તેટલો ચહેરો નથી ચલાવતો. સ્થિતપ્રજ્ઞા અવસ્થાનું ઉત્તમ ઉદાહરણ ટાઈગર છે. વાત રહી દિશા પાટનીની, તો દિશાએ તેનામાં રહેલી અભિનય ક્ષમતા એમ એસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીમાં બતાવી દીધી છે. તે એક પ્રેમિકા તરીકે સુંદર અને પત્ની તરીકે સુશીલ લાગે છે.
- મયૂર ખાવડુ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2W87MfW
ConversionConversion EmoticonEmoticon