કોરોનાવાઈરસ: ઊભી થયેલી તકને ઝડપવામાં કોઈ પણ ઢીલ વિશ્વ બજારમાં ભારતની નબળાઈ ગણાશે


કોરોનાવાઈરસનો હાઉ હવે માત્ર ચીન પૂરતું જ સીમિત નહીં રહીને યુરોપ વિસ્તાર સુધી પણ પ્રસરી રહ્યો છે. કોરોનાવાઈરસે  હાલમાં ચીનના અર્થતંત્રને મંદ પાડી દીધું છે ત્યારે અન્ય દેશો જેમ કે સિંગાપુર, હોંગકોંગ, ઈટાલી, દક્ષિણ કોરિયા સહિતના કેટલાક દેશોની આર્થિક કામગીરી પર પણ આ વાઈરસની પ્રતિકૂળ અસર પડવાનો ભય ઊભો થયો છે. ચીન નજીક હોવા છતાં સદનશીબે ભારત પર વાઈરસનો ખતરો હજુ ઊભો થયો નથી. આવી સ્થિતિમાં ભારત માટે વિવિધ ક્ષેત્રોના વૈશ્વિક પૂરવઠેદાર બનવાની વ્યાપક તક ઊભી થઈ છે. છેલ્લા એક દાયકાથી ચીન વિશ્વના ઝડપથી વિકસતા દેશોમાંનું એક રહ્યું છે.

વૈશ્વિક પૂરવઠાનું તે એક કેન્દ્ર બની રહ્યું છે. જો કે ચીનમાં ફેલાયેલા કોરોનાવાઈરસને કારણે વિશ્વના મોટાભાગના દેશોમાં ઔદ્યોગિક કામગીરી પર અસર પડી રહી છે કારણ કે વિશ્વના અનેક દેશો પોતાની કોઈને કોઈ કાચા માલ અથવા ફિનિશ્ડ પ્રોડકટસની જરૂરિયાત માટે ચીન પર નિર્ભર રહેલા છે. વિશ્વભરમાં પૂરવઠો ખોરવાઈ જવાની આવી ભીતિ પ્રથમ જ વખત ઊભી થઈ છે ત્યારે  માત્ર ચીન પર જ આધાર રાખીને બેઠેલા દેશો માટે હવે પોતાની જરૂરિયાત માટે અન્ય વિકલ્પ શોધવાની આવશ્યકતા ઊભી થઈ છે. 

ચીનમાંથી હાલની પૂરવઠાની ખલેલનો અર્થ  વૈશ્વિક પૂરવઠા સાંકળને નવું રૂપ આપવાનો સમય જે ભારત માટે એક તક ઊભી કરનારો બની ગયો છે. મોટાભાગની વૈશ્વિક કંપનીઓ ચીન ખાતેના તેમના જોખમોને હળવા કરી અન્ય વિકલ્પ શોધવામાં લાગી ગઈ છે. પ્રવાસ પર પ્રતિબંધોને કારણે કંપનીઓ ચીનમાં નવા પ્રોડકટના વિકાસ કરવાથી થોડોક સમય દૂર રહેશે. વિશ્વના વેપાર ગણિતોને ધ્યાનમાં લઈએ તો, વૈશ્વિક કંપનીઓ માટે ચીન બાદ તેમના વેપાર માટે વિયેતનામ અને થાઈલેન્ડ જેવા દેશો સાનુકૂળ મનાય રહ્યા છે ત્યારે ચીનનું સ્થાન ગ્રહણ કરવા ભારત માટે આકર્ષક વૈકલ્પિક   સોર્સિંગ મથક બનવાની તક ઊભી થઈ છે. 

માલસામાનની નિકાસ સંદર્ભમાં થોડાઘણા અપવાદને બાદ કરતા ભારતની સ્થિતિ ખાસ પ્રોત્સાહક નથી. સ્થાનિક ઉત્પાદનોના સ્થાનિક સ્તરે જ વપરાશકાર દેશ તરીકે ભારતની ગણતરી થઈ રહી છે. ચીનનું માથાદીઠ જીડીપી ભારત કરતા પાંચ ગણું છે અને તેના ઉત્પાદન ક્ષેત્રનું કદ ભારતની સરખામણીએ દસ ગણું મોટું છે. સસ્તા લેબર સાથે જંગી ઉત્પાદન વોલ્યુમને કારણે ચીનના માલસામાન વૈશ્વિક સ્તરે ભાવની દ્રષ્ટિએ ઘણાં જ સ્પર્ધાત્મક રહ્યા છે. આ ઉપરાંત ચીને નિકાસ માટે વધુ પડતી ક્ષમતા ઊભી કરી છે. સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન્સ અને ઔદ્યોગિક વસાહતોએ ચીનને નિકાસ ક્ષેત્રે પાવરધુ બનવામાં મદદ કરી છે. ચીનની જેમ ભારત પણ પોતાના માલસામાન માટે ઘરઆંગણે તથા નિકાસ બજારમાં તાકાતવાર બની શકે છે. જો કે આ માટે સ્થાનિક ઉદ્યોગોને વેરા રાહતો ઉપરાંત અન્ય પ્રોત્સાહનો મળી રહે તે જરૂરી છે, જેથી ભારતના ઉદ્યોગો ક્ષમતા વધારવાનું જોખમ ખેડી શકે. 

કોરોનાવાઈરસના ફેલાવાને પગલે ઊભી થયેલી સ્થિતિને તક સમજીને ભારત સરકારે નિકાસ વધારતા પગલાં તાત્કાલિક લેવાનો આ એક ઉત્તમ સમય છે. સસ્તા દરે જમીનની ઉપલબ્ધતા, સસ્તા દરે મૂડી પ્રવાહ, ટેકનોલોજી, મજબૂત લોજિસ્ટિક માળખાકીય સુવિધાઓ પૂરી પાડીને ભારત સરકારે આપણા ઉત્પાદનોને ઘરઆંગણે તથા વિશ્વ બજારમાં સ્પર્ધાત્મક દરે પૂરા પાડવા સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા રહ્યા. 

દેશના ગારમેન્ટ સહિત અન્ય કેટલાક ઉત્પાદકોને નિકાસ પૂછપરછ આવે છે પરંતુ માળખાકીય સુવિધાના અભાવ અને પ્રાઈસિંગમાં  બિનસ્પર્ધાત્મકતાને કારણે નિકાસકારો ઊભા થયેલા અવકાશનો લાભ લઈ શકતા નથી.  આગામી મોસમ માટે વિશ્વના ટેકસટાઈલના આયાતકારો આ સમયે ચીનની મુલાકાતે જતા હોય છે અને આગામી મોસમ માટેના ઓર્ડરો લખાવતા હોય છે. પરંતુ આ વર્ષે વાઈરસને કારણે આયાતકારોએ ચીનની મુલાકાત રદ કરી છે અને તેઓ ભારત  તથા અન્ય દેશોના ટેકસટાઈલ નિકાસકારો સાથે ડીલિંગ કરવા તરફ વળ્યા છે.  ભારત માટે આ એક સારી તક છે પરંતુ આવી રહેલી પૂછપરછને ઓર્ડરમાં રૂપાંતર કરવા માટે પોતે શક્તિમાન નહીં હોવાનું ભારતના નિકાસકારો જણાવી રહ્યા છે. આ પાછળનું કારણ ટેકસટાઈલની કિંમતો રહેલું છે.સ્પર્ધક દેશોની સરખામણીએ ભારતના ગારમેન્ટસ આજે ૧૦થી ૧૨ ટક મોંઘા પડે છે. 

 ભારતના ઉત્પાદનો પર પશ્ચિમી દેશોમાં ૯.૬૦ ટકા જેટલી ડયૂટી વસૂલવામાં આવે છે આની સામે શ્રીલંકા, કમ્બોડિયા, વિયેતનામ તથા બંગલાદેશના નિકાસકારો શૂન્ય ડયૂટીનો લાભ મળી રહ્યો છે. ટેકસટાઈલ ઉદ્યોગ માટેના મરચંડાઈઝ એકસપોર્ટસ ફ્રોમ ઈન્ડિયા સ્કીમ હેઠળના લાભો ૧લી ઓગસ્ટ ૨૦૧૯થી પાછા ખેંચી લેવાયા છે. આ સ્કીમ હેઠળ ભારતના ગારમેન્ટસના નિકાસકારોને નિકાસ પર ૪ ટકા રાહત અપાતી હતી. આ ઉપરાંત જીએસટી હેઠળના અટકી પડેલા રિફન્ડસ પણ દેશના ટેકસટાઈલ્સ સહિત અન્ય ક્ષેત્રના નિકાસકારો માટે પડકારરૂપ બની રહ્યા છે. દેશમાંથી નિકાસ વધારવી હશે તો, યુરોપ તથા યુકે સાથે મુકત વેપાર કરારમાં ભારતે ઝડપ કરવી જોઈએ જેથી ભારતના નિકાસકારો ડયૂટી ફ્રીનો લાભ ઉઠાવી શકે.

આ અગાઉ પણ ચીનમાં ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને પરિણામે ચીને તેની પાંચ ટકા વૈશ્વિક બજાર ગુમાવી દીધી હતી. પરંતુ ચીનના ટેકસટાઈલ ઉત્પાદકોએ સ્થિતિનો તાગ મેળવીને પોતાની ઉત્પાદન પ્રવૃત્તિઓ નીચા ખર્ચ સાથેના દેશો જેમ કે બંગલાદેશ, વિયેતનામ તથા શ્રીલંકા તરફ વાળી દઈને ધંધાકીય શાણપણ કર્યું હતું અને વિશ્વ બજાર પર પોતાની પક્કડ જમાવી રાખવામાં સફળ રહ્યું હતું. આમ ચીને અન્ય દેશોને પોતાનો  બજાર હિસ્સો ઝડપવા દીધો નહતો. 

કોરોનાવાઈરસને કારણે ચીનમાં બંધ પડી ગયેલા ઉદ્યોગધંધાને કારણે ભારતે તેના કાચા માલની આવશ્યકતા માટે પણ અન્ય દેશો તરફ નજર દોડાવવાનો વારો આવ્યો છે. જો કે અન્ય દેશો પાસેથી ટૂંકા ગાળામાં જ આવશ્યક માલ મેળવવાનું સરળ નહીં રહે. ભારતની હાલની સરકારે પોતાની અગાઉની મુદતમાં મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમની ઘોષણા કરી હતી. આ ઘોષણા માત્ર કાગળ પર જ હોય તેવું જણાય છે. કારણ કે આમ ન હોત તો ભારતના ટેકસટાઈલ સહિતના અનેક ક્ષેત્રોએ પોતાના કાચા માલ માટે ચીન પર સંપૂર્ણ રીતે નિર્ભર રહેવું પડતું ન હોત. મેક ઈન ઈન્ડિયા   હેઠળ ભારત ચીનની જેમ પોતે પણ વૈશ્વિક વિકાસનું એન્જિન બનવા માગતુ હશે તો તેણે એકદમ સજ્જડ અને ઝડપી નિર્ણયો લેવાનું શરૂ કરવું પડશે   અને તો જ ચીનને કારણે ઊભા થયેલા અવકાશને તે પૂરી શકશે. આવી તકો જવલ્લે જ મળતી હોય છે જે જતી કરવાની આપણા નીતિવિષયકો ભૂલ નહીં કરે તેવી આશા રાખીએ. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VBsRis
Previous
Next Post »