ટેક્સટાઈલ ક્ષેત્રે નાણાંભીડ વધતાં ઉદ્ભવેલા નવા પડકારો


દેશમાં વર્ષો પૂર્વે કાપડ-ટેક્સટાઈલ મિલોનો જાહોજલાલીનો સમય આપણે જોયો છે અને એ ગાળામાં દેશમાં કાપડ મિલો તથા લોખંડ ઉદ્યોગ આ બે ઉદ્યોગો ઔદ્યોગિક ક્રાંતિનું કેન્દ્ર બન્યા હતા. જો કે ત્યાર પછીના ગાળામાં ટેક્સટાઈલ ઉદ્યોગમાં સમીકરણોમાં ખાસ્સો બદલાવ જોવા મળ્યો  છે.  મુંબઈમાં આ પૂર્વે ધમધમતી ટેક્સટાઈલ મિલોમાં યુનિયન બાજીના પગલે ધમધમાટ શાંત પડી ગયો છે. ગુજરાતમાં પણ ટેક્સટાઈલ ક્ષેત્રનો દબદબો તથા ચળકાટ અગાઉની સરખામણીએ નોંપાત્ર ઘટયો છે.  દરમિયાન, આ ક્ષેત્રના જાણકારોના જણાવ્યા મુજબ ભારતમાં ટેક્સટાઈલ ક્ષેત્રે પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે આશરે ૧૦ કરોડ લોકો રોજગારી મેળવે છે. અને આ ક્ષેત્ર હાલ વિવિધ પડકારોનો સામનો કરી રહ્યો છે. આ ક્ષેત્રના દરેક ત્રણ સાહસિકો પૈકી સરેરાશ એક સાહસિક સખત નાણાંકીય ભીડનો સામનો કરી રહ્યાનું અનુમાન બતાવાઈ રહ્યું છે. આ પ્રશ્ને હવે પછી જો સરકાર ગંભીર અને નક્કર પગલાં  નહિં લે તો ઘણા એકમો બંધ પડી જવાની તથા મોટા પાયે રોજગારી ખોરવાઈ જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા છે.

હાલ દેશના ઘણા ટેક્સટાઈલ ઉત્પાદકો વર્કિંગ કેપિટલની ખેંચ અનુભવી રહ્યા છે. આમાં વિવિધ સ્પીનિંગ મિલો તથા વિવિધ ગારમેન્ટ ઉત્પાદકોનો સમાવેશ થાય છે. નેટનફાનું માર્જિન  ખાસ્સું નીચું ઉતર્યું છે.  તાજેતરમાં આ ક્ષેત્રે નફાકારકતા પર દબાણ વધ્યું છે. બ્રિટન તથા યુરોપ વચ્ચે બ્રેકઝીટની સમસ્યા, યુરોઝોન ક્રાઈસીસ, ચીન તથા અમેરિકા વચ્ચે લાંબું આવેલું ટ્રેડવોર, રૂના ભાવમાં મોટી ઉછળકુદ તથા તાજેતરમાં નવી સમસ્યાના સ્વરૂપમાં  વિશ્વમાં  ફેલાઈ રહેલો ચીનનો ઘાતક વાયરસ, આવા વિવિધ પ્રશ્નો ટેક્સટાઈલ ક્ષેત્રે છાશવારે સામે આવતા રહ્યા છે. રૂના ભાવ બે વર્ષના ગાળામાં  ખાંડીના રૂ.૩૮ હજારથી ૪૮ હજાર વચ્ચે અથડાતા જોવા મળ્યા છે. કોટન યાર્ન-સૂતરની નિકાસ  ૨૦૧૯માં ૪૦થી ૫૦ ટકા નીચે  ઉતરી છે તથા ૨૦૨૦ના નવા વર્ષમાં આવી નિકાસને હવે ચીનના ઘાતક વાયરસનો  ઈન્ફેકશન પણ લાગુ પડયો છે. મોટા ખેલાડીઓ હજી પણ ટકી શકવા સમર્થ રહ્યા છે ત્યારે નાના તથા મધ્યમ કદના ખેલાડીઓ માટે તો અસ્તિત્વ  જોખમાઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે.

આ ક્ષેત્રે મૂડીરોકાણ વધુ કરવું પડતું હોવાથી આ ક્ષેત્ર કેપીટલ ઈન્ટેન્સીવ મનાય છે અને આવા માહોલમાં  આ ક્ષેત્રે ઓપરેટીંગ પ્રોફીટ માર્જિન ઓછામાં  ઓછો  ૧૨થી ૧૪ ટકા હોવો જરૂરી હોય છે જે માર્જિન  તાજેતરના ગાળામાં ખાસ્સો ઘટયાની ચર્ચા  કાપડ બજારમાં સંભળાઈ રહી છે. આ વર્ષે આવી ટકાવારી પાંચ ટકા થવાની શક્યતા પણ અમુક વર્ગ બતાવી રહ્યો છે. વર્કિંગ કેપિટલની  અછતના પગલે ઘણા ઉત્પાદકોને પેમેન્ટમાં  સાનુકૂળતા મેળવવા રૂના સરખામણીએ ઉંચા ભાવ  આપવા છતાં  ઘણી વખત આવા ફાઈનાન્શીયલ  નબળા ખેલાડીઓને નબળી ગુણવત્તાવાળું રૂ ખરીદીને  સંતોષ માનવો પડે છે. આના પગલે તેમના ફિનિશ્ડ ઉત્પાદનોની ગુણવત્તા  સાથે પણ તેમણેે બાંધછોડ કરવી પડે છે. ટેક્સટાઈલ  ક્ષેત્રે વર્કિંગ કેપિટલની સમસ્યા ઉકેલાઈ તો આ ક્ષેત્રે ઓપરેટિંગ માર્જિન્સ ઉંચા જઈ શકે તેમ છે. નાણાંભંડોળ વધુ મળે તો પ્રોસેસ કાર્યક્ષમતામાં પણ પોઝીટીવ ફરક પડી શકે તેમ છે.

જો કે બેન્કો તરફથી આ ક્ષેત્રને ધિરાણ પુરતા પ્રમાણમાં મળતું નથી એ વાત ચિંતાજનક રહી છે. ૨૦૧૪-૧૫ પછીથી અત્યાર સુધીના ગાળામાં આ ક્ષેત્રને મળતા બેન્ક ધિરાણના કુલ પ્રમાણમાં કોઈ વિશેષ વૃદ્ધી થઈ નથી અને આવું ધિરાણ વાર્ષિક ધોરણે  આશરે બે લાખ કરોડ આસપાસ અથડાતું રહ્યું છે. આવું ધિરાણ વધારવાના પગલાં આવશ્યક મનાઈ રહ્યા છે.  હાલના ધિરાણોની પરત ફેડની પ્રક્રિયામાં પણ કડકાઈના બદલે રાહત લાવવી જરૂરી છે. હાલની વર્કિંગ કેપિટલના સંદર્ભની લોન્સને  લોન્ગટર્મ લોન્સના સ્વરૂપમાં  બદલવી પણ આવશ્યક છે. આ પ્રશ્ને કેન્દ્રમાં કાપડ મંત્રાલય સુધી વાત પહોંચી છે.  દરમિયાન,  ચીનનો ઘાતક વાયરસ  હવે ચીનની બહાર અન્ય દેશોમાં પણ વધ્યો છે. આવા વાયરસનો કોહરામ વધતાં  દેશના ટેક્સટાઈલ ઉદ્યોગમાં નવા પ્રશ્નો ઊભા થયા છે.  ચીનથી ભારત આવતો ચીનની ટેક્સટાઈલની કાચી સામગ્રીનો પુરવઠો હાલ ખોરવાઈ ગયો છે.

ભારતથી ચીન તરફ રવાના થતું કોટન યાર્ન હવે ચીન તરફ  ઓછું જતાં ઘરઆંગણે કોટન યાર્નની બજારમાં  સપ્લાય સરપ્લસ  જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. અને તેના પગલે તેના ભાવ પર દબાણ વધ્યું છે. સિન્થેટીક યાર્ન, સિન્થેટીક કાપડ, બટન, ઝીપર, હેન્ગર, નીડલ વિ.ની દેશમાં  થતી આયાતને  પણ અસર પડી છે. ઘરઆંગણે આવો પુરવઠો માગ કરતાં ઓછો હોતાં ફિનિશ્ડ ઉત્પાદનોનું કોસ્ટીંગ ઉંચુ જવાની પણ શક્યતા સર્જાઈ છે. ચીનથી આવતો પીટીએનો પુરવઠો પણ રુંધાયો છે. આના પગલે ઉત્પાદકોને સ્થાનિક પુરવઠા પર વધુ આધાર રાખવો જરૂરી બન્યો  છે. આ તરફ ટેક્સટાઈલના અમુક પ્રોસેસ હાઉસો સામે નવી સમસ્યા ઊભી થઈ છે. મુંબઈ નજીકના  ઉપનગરમાં ઘણા ટેક્સટાઈલ પ્રોસેસ હાઉસ આવેલા છે અને આ પૈકી ઘણા હાઉસોને પ્રદૂષણના પ્રશ્ને  કરોડોનો દંડ ફટકારાયો છે.


એરંડા-દિવેલમાં સપ્લાય સરપ્લસ સામે માગ રુંધાતા બજાર ગબડી

દેશમાં વિવિધ તેલિબિંયાની બજારમાં તાજેતરમાં સમીકરણોમાં ખાસ્સો બદલાવ જોવા મલ્યો છે. આવા તેલીબિંયાની બજારમાં તાજેતરમાં એરંડાની બજારમાં વિશેષ ચહલપહલ જોવા મળી છે. વર્ષો જૂની એક કહેવત પ્રચલિત છે કે ઉજ્જડ ગામમાં  એરંડો પ્રધાન... જોકે હકીકતમાં આવા એરંડાની બજાર તાજેતરમાં વિશેષ ધ્યાનમાં રહી છે.  એરંડાના ઉત્પાદનમાં  ભારત વૈશ્વિક સ્તરે  અગ્રક્રમે  રહ્યું છે તથા એરંડાના વેપારમાં  પણ ભારતની  બજારો વૈશ્વિક સ્તરે  ચાવીરૂપ ભૂમિકા ભજવતી જોવા મળી છે.  આવા એરંડામાં  હાજરના વેપારો ઉપરાંત  વાયદાના વેપારો  પણ નોંધપાત્ર થઈ રહ્યા છે. જોકે આ પૂર્વે એરંડા વાયદાના વેપારો દેશમાં  વિવિધ રિજનલ એક્સચેન્જમાં   થઈ રહ્યા હતા પરંતુ તેના બદલે હવે ચિત્ર પલ્ટાયું છે તથા હવે એરંડા વાયદાના વેપારો મુખ્યત્વે  રાષ્ટ્રીય કક્ષાના કોમોડિટીઝ એક્સચેન્જમાં  વિશેષરૂપે થતા જોવા મળ્યા છે.

વર્ષો પૂર્વે ગુજરાતમાં ભાભર ખાતે  એરંડા વાયદાના વેપારો  પુષ્કળ થતા હતા તથા  એ વખતે  દેશભરના  એરંડા તથા દિવેલ બજારના ખેલાડીઓની નજર ભાભર ખાતે ચાલતા ભાવો તથા વધઘટ પર દિવસ દરમિયાન સતત રહેતી હતી. જોકે હવે ચિત્ર બદલાયું છે. એરંડાના પિલાણમાં દિવેલ નિકળે છે  અને આવા દિવેલનો વપરાશ વિવિધ દવાઓ તથા કેમિકલ ક્ષેત્રે વધ્યો છે.  ભારતમાં બનતા આવા દિવેલની માગ દરિયાપારના દેશોમાં પણ વધી છે.આવા માહોલમાં  એરંડા તથા દિવેલની નિકાસ મારફત  દેશમાં  વિદેશી હુંડિયામણની પણ ખાસ્સી આવક થતી હોય છે. આવા માહોલમાં તાજેતરના વર્,ોમાં  ઘરઆંગણે  એરંડા-દિવેલનું મહત્ત્વ ખાસ્સું વધી ગયું છે  તથા એરંડા-દિવેલ બજારના  સમાચારો  છાશવારે  ચમકતા રહે છે.

આવા એરંડાની બજારમાં  વિતેલા ૨૦૧૯ના વર્ષમાં  ખાસ કરીને  ઉત્તરાર્ધમાં   ભાવ પર મંદીનું  દબાણ જોવા મળ્યું  હતું.   આ ગાળામાં  એરંડા વાયદાની બજારમાં એક તબક્કો તો એવો પણ જોવા મળ્યો હતો જ્યારે  મંદીવાળાઓ પ્રભાવી બન્યા હતા.  અને વાયદામાં  સતત વેચવાલી વચ્ચે  રોજે રોજ  મંદીની સર્કિટો અમલી બનતી દેખાઈ હતી. આવી એકધારી નીચલી સર્કિટોએ નવો રેકોર્ડ પણ સજર્યો હતો અને તેજીવાળો વર્ગ એ ગાળામાં  જાણે હેબતાઈ ગયો હોય એવી  સ્થિતિ દેખાઈ હતી. એરંડામાં   સપ્લાય સરપ્લસની સ્થિતિ દેખાઈ હતી. ૨૦૧૯માં  વૈશ્વિકસ્તરે ચીન તથા અમેરિકા  વચ્ચે વેપાર યુદ્ધ સતત ચાલ્યું હતું અને તેના પગલે ભારતથી થતી દિવેલની નિકાસને અસર પડી હતી. યુરોપ તથા બ્રિટન વચ્ચે  પણ બ્રેકઝીટ  પ્રશ્ને એ ગાળામાં  મતભેદો  વધ્યા હતા.  આ બધા કારણોએ એ વખતે  મંદીનો માહોલ જોવા મળ્યો હતો.

જોકે ૨૦૧૯ના અંતભાગમાં  ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર સમજૂતી થતાં તથા  બ્રિટન-યુરોપના  મતભેદો  પણ હળવા થતાં ઘરઆંગણે  એરંડા  બજારમાં  ફરી આશાવાદ જનમ્યો હતો. મંદીના  આંચકા પચાવી  બજાર ઊંચી  જવા પ્રયત્નો કરતી જોવા મળી હતી. જોકે ૨૦૨૦ના નવા વર્ષના આરંભમાં  દેખાયેલો  આશાવાદ  ત્યારપછી  અલ્પજીવી નિવડયો છે.  ચીનમાં કોરોના નામના ઘાતક વાયરસનો  ઉપદ્રવ ઝડપથી વધી જતાં તથા આવો ઉપદ્રવ ચીન ઉપરાંત અન્ય દેશોમાં  પણ ફેલાતાં  એરંડા બજારના   ખેલાડીઓમાં ફરી અજંપો ઊભો  થયો છે. આ દરમિયાન દેશમાં એરંડાનો પુરવઠો  વધી રહ્યાના વાવડ વહેતા થતાં એરંડા ,તથા દિવેલની બજારમાં ફરી મંદીનું દબાણ સર્જાયું છે. તાજેતરમાં હાજર તથા વાયદાના ભાવ ટૂંકાગાળામાં નોંધપાત્ર નીચા ઉતર્યા  છે. આ વર્ષે એરંડાનો પાક મોટો આવવાની શક્યતા  બતાવતા આંકડા બહાર આવ્યા છે. 

એરંડાનો પાક વધી ૨૦.૩૫થી ૨૦.૪૦ લાખ ટન આવવાનો  અંદાજ વહેતો થયો છે. પાછલા વર્ષે આવો પાક ૧૦.૮૦થી ૧૦.૮૫ લાખ ટન આવ્યો હતો.  આમ આ  વર્ષે  પાક મોટો આવવાનો  આશાવાદ  સર્જાતાં  તથા ચીનના વાયરસે માગ અપેક્ષાથી  ધીમી પડતાં  બજાર ફરી દબાણ હેઠળ આવી છે. ગુજરાતમાં  એરંડાનો પાક  ૮.૮૫થી ૮.૯૦ લાખ ટનથી વધી  ૧૭.૪૦થી  ૧૭.૪૫  લાખ ટન અંદાજાઈ  રહ્યો છે.  દેશવ્યાપી ધોરણે આ વર્ષે એરંડાના  વાવેતરનો વિસ્તાર  ૨૫થી ૩૦ ટકા વધી  આશરે ૯.૯૦થી ૯.૯૫ લાખ  હેકટર્સમાં  નોંધાયો છે. દેશમાં ગુજરાત ઉપરાંત  આંધ્રપ્રદેશ, રાજસ્થાન, તેલંગણા વિ.રાજ્યોમાં  એરંડાનો પાક વિશેષ લેવાય છે. આ વર્ષે હેકટરદીઠ એરંડાની પેદાશ પણ ઉંચી ગઈ છે. આવા  માહોલમાં  ઘરઆંગણે  એરંડાનો પુરવઠો વધી રહ્યાના એંધાણ મળ્યા છે. ત્યારે સામે દરિયાપારની માગ આગળ ઉપર કેવી રહે છે તથા ચીનના ઘાતક  વાયરસનો ઉપદ્રવ હવે પછી ક્યારે કન્ટ્રોલમાં આવે છે તેના પર બજારના ખેલાડીઓની નજર રહી છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2woxphB
Previous
Next Post »