સોનાના હાઇલેવલ ઊંચા ભાવોથી બજારમાં સન્નાટો


શેરબજારની સમાંતર કોમોડિટી બજારમાં પણ સુસ્તતા છવાઈ છે. મેટલ, કરંસી, એગ્રો સહિત મોટા ભાગમાં કોમોડિટી સેક્ટર્સમાં કોરોના વાઇરસ તેમજ અન્ય ફેક્ટર્સને લઈને બજારો મંદી તરફ સતત ધકેલાઈ રહ્યા છે.

રોકાણકારો માટે હવે એકમાત્ર ભરોસાપાત્ર ચીજ સોનું રહી છે જેને લીધે સોનાની માંગ રોકાણના હેતુથી ઉછળતાં બજારમાં લાલઘૂમ તેજી છવાઈ છે. સેન્ટ્રલ બેંકો દ્વારા હજુ વ્યાજના દરોમાં ઘટાડો થવાની સંભાવનાઓ તેમજ શેરબજારમાંથી ભરોસો ઉઠી જતાં રોકાણકાર વર્ગ માટે એકમાત્ર ઓપ્શન સોનું રહ્યું છે. છેલ્લા અઠવાડિયામાં સોનામાં અઢી ટકા અને છેલ્લા મહિનામાં ૭.૭૨ ટકા અને છેલ્લા એક વર્ષમાં ૩૬ ટકા વળતર રહ્યું હોવાથી રોકાણકારોનો પ્રવાહ ઝડપથી સોના તરફ ફંટાઈ રહ્યો છે. વૈશ્વિક સ્તરે પણ સોનાના ભાવો ૧૬૭૯ ડોલર પ્રતિ ઔંશની હાઇલેવલે રહ્યા છે.

ડોલરની સાપેક્ષે રૂપિયો સતત નબળો પડી ૭૪ની સપાટીએ નીચે જઈ રહ્યો હોવાથી ભારતીય કરંસી તૂટી રહી છે. છેલ્લા એક અઠવાડિયામાં વિદેશી રોકાણકારોએ ત્રણ બિલીયન ડોલર ખેંચી લેતા લિક્વીડીટી ઉપર ભારે અસર પડી છે. નબળા રૂપિયાની અસર પણ સોના બજાર ઉપર વર્તાઈ રહી છે. સોનાના ભાવો હાઇલેવલ હોવાથી સોના બજારમાં પણ ઘરાકી અપેક્ષિત નહી રહેતાં જ્વેલર્સ વર્ગ માટે હાઇટેન્શન મામલો બન્યો છે. નાણાંકીય વર્ષનો આખરી મહિનો હોવાથી હિસાબો સરભર થઈ રહ્યા હોય ત્યારે બેલેન્સશીટમાં હાઇ કરંટ પ્રાઇસને લીધે ઝવેરી વર્ગને ટેક્સ ભરવાથી લઈને એકાઉન્ટ સેટલ કરવામાં પણ મુંઝવણનો પાર નથી. હાલમાં હોળાષ્ટક ચાલતા હોવાથી શુભ પ્રસંગો નહિ હોવાથી સોના બજારમાં ગ્રાહકો ગુમ છે. સોનાના સતત ઉછળતા ભાવો ઝવેરીઓ તેમજ ગ્રાહકો માટે ચિંતાનું કારણ બની રહ્યા છે.

દરમ્યાન કૃષિ બજારોમાં રવિ પાકનો આવરો સતત વધી રહ્યો છે. રવિ પાકના દોઢા ઉત્પાદનને પગલે તેમજ કોરોના જેવા વાઇરસના ગભરાટને કારણે લોકલ તથા વિદેશી વેપારો નોંધપાત્ર થઈ રહ્યા નથી. સરકાર એક તરફ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તે માટે પ્રયાસો કરે છે પરંતુ કૃષિ બજારોમા મંદીની હવાને કારણે બજારો સરકારે જાહેર કરેલા ટેકાના ભાવો કરતા નીચી ચાલી રહી છે. ખેડૂતોની આવકો ડબલ કરવાના વાયદાઓને ચોથું વર્ષ પૂર્ણ થયું છે. ચાર વર્ષ અગાઉ મોદી સરકારે વર્ષ ૨૦૨૦ સુધીમાં ખેડૂતોની આવકો ડબલ થઈ જશે તેવા વાયદાઓ કર્યા હતા.

જો કે, સરકાર વર્ષ ૨૦૨૦ સુધી ખેડૂતોની આવક ડબલ કેવી રીતે કરશે ? હાલમાં ખેડૂતોની સ્થિતિ શું છે ? શું તે સંભવ થઈ શકશે ? તેવા અનેક પ્રશ્નો વચ્ચે સરકાર ખેડૂતોની આવક આગામી બે વર્ષમાં ડબલ કરી લક્ષ્ય હાંસલ કરશે કે કેમ ? તે પણ અનિશ્ચિત જણાઈ રહ્યું છે. સરકારે જાહેર કરેલા ટેકાના ભાવો જેટલી કિંમતો પણ ખેડૂતોને આજની તારીખે મળતા નથી. તજજ્ઞાોના અભ્યાસ પ્રમાણે ઉપરોક્ત મહત્ત્વકાંક્ષી લક્ષ્ય પાર કરવા માટે વાર્ષિક કૃષિ વિકાસદર પાંચથી છ ટકાની આસપાસ છે. તો આગામી બે વર્ષમાં કૃષિવિકાસ દર કેવી રીતે ૧૦ ટકાની પાર જશે તે તપાસનો વિષય બન્યો છે. ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે મોદી સરકારે ત્રણેક મહત્ત્વપૂર્ણ યોજનાઓ બનાવી હતી. ઇ-નામ યોજના હતી જેમાં ઇન્ટરનેટ પ્લેટફોર્મ ઉપર ઓનલાઇન કૃષિ પાકોની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. પરંતુ ટેકનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે ખેડૂતોને પણ ટેકનિકલ શિક્ષણના અભાવે ખાસ કોઈ પ્રતિભાવ નહિ સાંપડતા માત્ર કાગળ ઉપરની યોજના બની રહી છે.

આ ઉપરાંત બીજી યોજના પ્રધાનમંત્રી સિંચાઈ યોજના હતી જેનો સરકારે શુભારંભ ૨૦૧૫માં કર્યો હતો અને પાંચ વર્ષ માટે પચાસ હજાર કરોડની ફાળવણી પણ કરવામાં આવી હતી. પરંતુ આજે પણ ૫૦ ટકા ઉપરાંત ખેતી સિંચાઈ વિહોણી છે. માત્ર ચોમાસા ઉપર આધારિત છે. ત્રીજી ૨૦૧૬માં પ્રધાનમંત્રી પાક વીમા યોજના લોન્ચ કરી હતી જેમાં ભરાતા પ્રિમિયમ સામે ખેડૂતોને થતો ફાયદો નહિ રહેતાં ખેડૂતોનો રસ ઉડી જતા આ યોજનામાંથી ખેડૂતો બહાર નીકળી ગયા અને યોજના ફ્લોપશૉ જેવી બની ગઈ છે. છેલ્લે વર્ષ ૨૦૧૯ના અંતરિમ બજેટમાં સરકારે નાના ખેડૂતો માટે વર્ષે દહાડે છ હજાર રૂપિયા આપવાની હતી સરકારની છેલ્લા પાંચ- છ વર્ષમાં ખેડૂતો માટે કરોડો રૂપિયાની યોજનાઓ છતાં વર્ષ ૨૦૨૨ સુધી ખેડૂતોની આવકો ડબલ થઈ જશે તે હાલમાં અકલ્પનીય લક્ષ્ય જણાઈ રહ્યું છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39yb1RG
Previous
Next Post »