નારીદિને નરમાત્રે સંકલ્પ કરવો : સ્ત્રીને પ્રેમ કરો, કે નફરત કરો... પણ એને સમજવાની વ્યર્થ કસરત ન કરો! આમ પણ દુનિયામાં સ્ત્રીઓની સૌથી વધુ વકીલાત અને બચાવ પણ અમુક પુરુષો જ કરતા આવ્યા છે!
જો સ્ત્રી - પુરૂષ સમાન જ હોત, તો આરંભે સરખી સંખ્યામાં હોવા છતાં ધરતી પર પુરૂષનું વર્ચસ્વ કેમ થયું?
આ સવાલ નર-નારી પર રસાળ ભાષામાં અનેક સાયકોલોજીકલ સાયન્ટીફિક એનાલિસીસનો બુક્સ લખનાર ડો. એલન પીઝે ઉઠાવેલો. અને પછી આખું શાસ્ત્ર એમની કિતાબમાં સમજાવેલું: ફૂડ ચેઝર પુરુષ અને ફૂડ મેકર સ્ત્રીના આદિમ સમાજમાં ઘડાતા ગયેલા અને બદલાતા રહેલા રોલનું. ફૂડ ચેઝર યાને શિકારી, ફૂડ મેકર યાને રાંધનાર. ખોરાક વિના તો માનવજાતનું અસ્તિત્વ ટકે નહિ. અને એ માટેનું શારીરિક બળ પુરુષ પાસે વધારે હતું. જ્યારે માતૃત્વ બાબતે કુદરતે સ્ત્રીની તરફેણ કરી હોઈને સ્ત્રી એટલી ઝડપથી શિકારી રહી શકતી નહોતી. એણે ઘર પસંદ કર્યું અને પુરુષે બાહર પસંદ કર્યું. આ ભૂમિકાઓ પાછળના કારણ દેખીતી રીતે પ્રાકૃતિક ભેદ પર આધારિત હતા. કઠોર વર્સીસ કોમળ.
ભારત યાને પ્રાચીન ભારત રસપ્રદ રીતે એમાં એક તબક્કે એટલું આધુનિક હતું કે વર્તમાન ભારત પછાત લાગે! ભારતે સેક્સ માટેનો સૌથી સુંદર શબ્દ જગતને ભેટ આપ્યો જેની શરમના માર્યા કોકડું વાળીને કોઈ છાતી ઠોકીને જાહેરમાં ચર્યા નથી કરતું. સંભોગ શબ્દ સામાન્ય રીતે વાતોમાં ય બોલવામાં સંસ્કારી ગુજેશકુમારો ય ટાળતા હોય છે. ભણેલા લોકો જરા ઠાવકો શબ્દ સમાગમ વધુ પસંદ કરે છે. પણ સંભોગ એટલે સમ-ભોગ! મતલબ પથારીમાં, દૈહિક આકર્ષણની રતિક્રીડામાં નર અને માદા સમ છે. અર્થાત સમાન છે. જેન્ડર ઇક્વાલિટીની આ પહેલી રોશની હતી! જેમાં સ્ત્રીનો કે પુરુષનો ઉપભોગ નહોતો! સમભોગ હતો. સામે પક્ષે વર્ષો સુધી પશ્ચિમમાં મેલ સુપિરિયર કહેવાતી બેડરૂમ પોઝિશનને 'મિશનરી' કહેવાતી! ચર્ચમાં વર્ચસ્વ 'ફાધર'નું હતું. ગોડનું ફિમેલ વર્ઝન નહોતું. એટલે ઈશ્વરઅલ્લાહના સંબોધનો પુરુષવાચક રહ્યા.
જ્યારે ભારતે પુરુષ પ્રભુ સાથે સ્ત્રી શક્તિને ય ઈશ્વર તરીકે પૂજવાનું શરુ કર્યું. લિંગપૂજા સાથે જ સમાનતાના ધોરણે શક્તિપૂજા જોડી દીધી. આસામમાં કામાખ્યાની શક્તિપીઠમાં ય કોઈ મૂત નથી પણ યોનિના સંકેત આપતા પથ્થર પર પડતું ફર્ટીલિટીના સિમ્બોલ જેવું ઝરણું છે. શિવશક્તિ પરસ્પર વિરોધી ઊર્જાના મિલન કહેવાયા. આજે ભલે ટિપિકલ જાહેરાતો જોવા મળે રવિવારના છાપાઓમાં લગ્નવિષયક જેમાં આજે ય પુરુષનું પલ્લું ભારી રહે છે. પણ આપણે ત્યાં સ્વયંવરની કથાઓ દરેક મુખ્ય ધામક ચરિત્ર સાથે છે. જેમાં સ્ત્રી પોતાની ચોઈસથી એનો પાર્ટનર પસંદ કરે છે. મમ્મીપપ્પાના રિમોટ કંટ્રોલ પર નહિ.
સતી અને પાર્વતી શિવની પસંદગી કરે છે. રુક્મિણી કૃષ્ણની. ઈન્દુમતી અજની અને દમયંતી નળની. શકુંતલા દુષ્યંતની અને વાસવદત્તા ઉદયનની. ગંગા અને સત્યવતી ઉર્વશીની પેઠે શાંતનુ સામે શરત મૂકે છે. સીતા અને દ્રૌપદી માટે એમના પક્ષેથી શિવધનુષ અને મત્સ્યવેધ જેવી ચેલેન્જ છે. મતલબ, ફાઈનલ ચોઈસ ફિમેલ કરે છે. એના વાલીઓ નહિ. એ ભારતમાં આજે છોકરી 'જોવા' જવી એ સહજ સામાન્ય શબ્દપ્રયોગ તમામ પરિવારમાં છે. કોઈ શૃંગારિક પોસ્ટથી ઓફેન્ડ થઇ જતી જનતા સ્ત્રીના આ કાયમી 'ઓબ્જેક્ટીફિકેશન' જેવા શબ્દથી ઓફેન્ડ નથી થતી. સ્ત્રી શું કોઈ બાજારુ ચીજ છે? ફનચર છે કે જેને જોવા જવાની હોય? જેવા વર્ષો પહેલા સુરત સમૂહલગ્નમાં કહેલું એમ એ માનસિકતા 'છોકરીને મળવા જવું' છે, એમ કહીને બદલી ન શકાય?
પણ આ દેવતાઈ વૈદિક જમાના બાદ ભારતમાં ય મનુસ્મૃતિના બંધનોવાળો પૌરાણિક યુગ આવ્યો. જ્યાં સુધી સ્ત્રી-પુરુષની બાબતમાં વાસંતી સ્વૈરવિહાર હતો - જેના અઢળક ઉદાહરણો અને રસિક વર્ણનો સંસ્કૃત સાહિત્યમાં ખોબલે ને ટોપલે શણગારાયેલા છે, ત્યાં સુધી ભારતની ક્રિએટીવિટી ટોચ પર હતી. પશ્ચિમમાં એવો સુવર્ણયુગ ગ્રીક કલ્ચરનો હતો, જયારે સાયન્સ, મેથ્સ, જ્યોગ્રાફી, બોટની, બાયોલોજી. ફિલોસોફી, આર્ટસ બધાની કલ્ચરલ બુનિયાદ શરૂ થઇ.
પ્રાચીન ગ્રીસમાં હટીરાની સંસ્થા હતી. હટીરા બેહદ બ્યુટીફૂલ એન્ડ ઈન્ટેલીજન્ટ સ્ત્રીઓ હતી, જે પરણતી નહીં અને જે પુરુષને એસ્કોર્ટની જેમ કંપની આપતી. મહાન પુરૂષ, સેનાપતિ, દાર્શનિક, વિદ્વાન સાથે રહેતી. ડિસ્કશનના સિમ્પોઝિયમમાં એ એના પ્રિયજનને ઓલિવ તેલથી માલિશ કરતી, સહસ્નાન કરતી, ચર્ચામાં ભાગ લેતી, વ્હાલ કરતી. સમ્રાટ પેરીક્લીસથી ફિલસૂફ સોક્રેટીસ સુધી બધાને એમની હટીરાઓ હતી. એ પ્રેમિકાઓની જેમ ઈમોશનલી પાછળ ન પડતી હોઈને પુરુષ એના બળ-બુદ્ધિના પરાક્રમો અને પારિવારિક જીવન માટે ફ્રી રહેતો અને રિચાર્જ થવા એની હટીરાં પાસે જતો! ચંદ્રકાંત બક્ષીએ લખેલું કે, ગ્રીક સંસ્કૃતિ વિશ્વની શ્રેષ્ઠ સંસ્કૃતિ બની એનું એક કારણ આ હટીરા સંસ્થા હતી એવું મનાય છે. પછી રોમનોની પુરુષપ્રધાન સંસ્કૃતિ આવી. રોમનો સ્પષ્ટ માનતા હતા કે ખૂબસૂરત સ્ત્રીનું માથું ખાલી હોય છે!
પછી ભારતમાં અને જગતમાં અંધકારયુગ શરુ થયો. ચર્ચ કે ઇસ્લામમાં સ્ત્રી પર બંધનો આવ્યા. ધર્મોમાં સ્ત્રીને સેકન્ડરી સિટીઝન ગણવાનું વલણ વધતું ચાલ્યું. સ્ત્રી રસોડાં અને ઘરમાં કેદ થઈને હાઉસવાઈફ બની ગઈ. આજે જે સન્માનજનક હોમ મેકર શબ્દ ઘર સંભાળતી સ્ત્રીઓ માટે આવ્યો એ પણ પ્રાચીન ભારતમાં એ જ નામથી સંસ્કૃતમાં હતો : ગૃહિણી! પણ ગુલામડી બની ગયેલી સ્ત્રીઓમાં એ જ થયું , જે કોઈ પણ સમુદાયને તમે સતત હડધૂત કરી દબાવતા જાવ અને એનું શોષણ કરતા જાવ ત્યારે થાય. રિવોલ્ટ! યાને બળવો! વિજ્ઞાાને સ્ત્રી મુક્તિના દ્વાર એક પછી એક શોધો અને બાદમાં ટીવી-સિનેમા-ઈન્ટરનેટ-મોબાઈલ વગેરેથી ખોલી દીધા. એમાંથી વેસ્ટ ટુ ઇસ્ટ આવ્યું મેલ ડોમિનન્ટ સોસાયટીના અત્યાચારો સામે ફેમિનિઝમનું કરેકશન.
શું હતું આ ફેમિનિઝમ? કુન્દનિકા કાપડિયાની 'સાત પગલા આકાશમાં' આટલા વર્ષેય ગુજરાતી વાચિકાઓ માટે નારીમુક્તિનું 'બાઈબલ' ગણાય છે. બાઈબલ વાળો રૂઢિપ્રયોગ જ્યાંથી આવ્યો એ પશ્ચિમમાં 'નારીવાદ'ના નારાના ત્રણ ત્રણ બાઈબલ છે. હેનરિક ઈબ્સનનું નાટક 'ડોલ્સ હાઉસ', જેમાં પત્ની દરવાજો પછાડી ઘર અને પતિને છોડી પોતાનું સ્વતંત્ર 'અસ્તિત્વ' શોધવા નીકળે છે. ૧૯૪૯માં આવેલું ફ્રેન્ચ લેખિકા સિમોન દ બુવ્વાનું 'ધ સેકન્ડ સેક્સ' કે જેણે સિગ્મંડ ફ્રોઈડની સાઈકોલોજીકલ થિયરીના ચીથરાં ઊડાવી દીધેલા.... એ વર્તમાન મહિલા મોરચાઓની ગળથૂંથીમાં છે. સ્ત્રી ને પુરુષ સરખા જ છે, સ્ત્રીને સ્ત્રી બનાવાય છે... એના ઉછેર, ભેદભાવ, રીતરિવાજ, સંસ્કાર વગેરેના ઉપયોગથી એનું બ્રેઈન જ નહિ, બોડીવોશિંગ પણ થાય છે - એવો તર્ક આ પુસ્તકથી પ્રચલિત બન્યો.
પણ ખરા અર્થમાં નારીવાદની પહેલનો પાયો નખાયો અમેરિકન લેખિકા વર્જીનિયા વુલ્ફથી! ૧૯૨૯માં 'એ રૂમ ઓફ વન્સ ઓ(ઉ)ન' (ગુજરાતી અનુવાદ : પોતાનો ઓરડો)માં ફેમિનિસ્ટ રિવોલ્યૂશનના અંકુરનું વાવેતર છે. મૂળ તો વુલ્ફે (આ 'વરૂ' જેવી અટક છે, અને 'વર્જીનિયા' જેવું કૌમાર્યસભર નામ છે... એમાં કોઈ પુરૂષે લાગણી દુભવવી નહિ કે લાળ ટપકાવવી નહિ!) સ્ત્રીઓને પોતાને અભિવ્યક્ત કરવા માટે (એ જમાનાના વિકલ્પો મુજબ) લખવાનો સંદેશો આપ્યો હતો. પણ આખી વાત સ્ત્રીને 'સ્ત્રી' તરીકેનું વ્યક્તિત્વ ઉપસાવવાની હતી.
વુલ્ફની આખી વાતના સારાંશરૂપ સ્ત્રીઓ માટે 'ફોર કમાન્ડમેન્ટસ' જેવી પૂર્વશરતો હતી : (૧) દરેક સ્ત્રી પાસે પોતાનો અલાયદો ઓરડો હોવો જોઈએ. અર્થાત ઘર કે કુટુંબની વચ્ચે પણ સ્ત્રીને પોતાની જ પ્રાઈવસીવાળી એક જગ્યા હોવી જોઈએ. વાત કોઈ રાજકુમારી માટે મહેલ ચણી દેવાની નથી. સવાલ મોટા ખાલી મકાનનો નહીં, પોતાની સ્વતંત્ર જગ્યાનો છે. ખરો મુદ્દો તો જગ્યા (સ્પેસ)નો નથી, માનસિક મોકળાશ (ફ્રીડમ)નો છે. (૨) સ્ત્રીને પોતાની જ સ્વતંત્ર આવક હોવી જોઈએ. આથક આધાર સ્ત્રી લેતી થાય કે એને માનસિક આધારમાં વેંત નીચે ઉતરીને બેસવું જ પડે. સ્ત્રી આથક રીતે પગભર થાય તો અને તેટલી જ મુક્ત થઈ શકે. (૩) 'એન્જલ ઓફ હાઉસ' યાને - 'ગૃહલક્ષ્મી' (ભોજ્યેષુ માતા, કાર્યેષુમંત્રી, શયનનુ રંભા ઈત્યાદિ)ની 'ઈમેજ' સ્ત્રીએ જ તોડી નાખવી પડે. (એકઝેટ શબ્દોમાં 'હત્યા કરવી પડે! સ્ત્રી હોમમેકર બનીને એક અર્થમાં ગુલામ જ બને છે. (૪) પોતાના નારીદેહની અનુભૂતિને કાગળ પર/શબ્દો રજૂ કરવાની સ્ત્રીમાં હિંમત હોવી જોઈએ!'
બસ, આ ચાર પાયા પર નારીવાદનો જયજયકાર થઈ ગયો! જાતભાતની સાહિત્યકૃતિઓ આવી અને આવતી રહી છે. અઢળક સંસ્થાઓ ફૂટી નીકળી. આવી વાતો એવોર્ડ માટેનું પહેલા ભૂષણ અને પછી પ્રદૂષણ થઈ ગઈ. ફેમિનિસ્ટ સ્ત્રીઓના ચહેરા પરથી જ કુમાશ - ચાલી ગઈ અને કરડાકી આવી ગઈ. ઝભ્ભો, ઝીંથારિયા વાળ, ખભે થેલો, વધેલી દાઢી એટલે કવિ એવું ચિત્ર જેમ ઠસી ગયેલું, એવું જ કંઈક નારીવાદી મહિલાઓનું થયું 'રૂપ કી રાની, ચોરો કા રાજા' ફિલ્મમાં આ કોન્સેટની મજેદાર ઠેકડી ઉડાવાઈ છે. ગુજરાતી ગોપી દેસાઈ એમાં એક સિચ્યુએશનમાં શ્રીદેવી... અનિલ કપૂરના રોમેન્ટિક ઝગડામાં પ્રવેશ કરે છે. ચહેરો માસૂમિયત વિનાનો, ચશ્મા, મેકઅપ બિલકુલ નહિ, સફેદ સાડી, કપાળ તંગ, સ્મિતનું નામોનિશાન નહિ ને આંખો તાકીને ઘુત્કારથી પુરૂષ સામે જોઈને બોલવાનું: 'મર્દ કહીં કે!' અને તિરસ્કારથી ચાલવું!
જે પ્રક્રિયા કોમવાદ કે અનામત વગેરેના આંદોલનમાં થઈ, એ જ મહિલામુક્તિની ચળવળમાં થઈ! જેને નફરત કરતા હો એ સિતમગરને પરાજ્ય આપવા પછી અજાણતા જ એના જેવું જ વર્તન કરવું! સ્ત્રી, બાળક, પુરૂષ, કાળા, ગોરા, દલિત, સવર્ણ, હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી વગેરે હોવાની 'સભાનતા' કાઢો, તો જ 'સમાનતા' આવે. સહજ રહેવાથી સમાન રહેવાય... નફરત દ્વેષ કે ભૂતકાળની સ્મૃતિઓમાંથી જન્મતી બદલાની ભાવના તો અસમાનતાની બુનિયાદ છે!
એન્ડ સિનારિયો ઈઝ ચેન્જ્ડ! માનો યા ન માનો - ફેમિનિઝમની જે વ્યાખ્યાઓ હતી એમાં જબરું કન્ફયુઝન છે. થેન્કસ ટુ કેપિટલિઝમ! નારીવાદની આખી વાતમાં એક પાયાની ભૂલ હતી. રાધર, એક પાયો જ ભૂલાઈ ગયો હતો! ગ્લેમરનો પાયો! ક્રાંતિમાત્રનો એક કાળ હોય છે. ગાંધીજીની જે વાતો અડધી સદી પહેલા આખા દેશને રસિક લાગેલી, એ આજે શુષ્ક લાગે છે! તલત-રફીના જે ગીતો એક વખતે સુમઘુર લાગતા, એ આજે બોરિંગ લાગે છે. નારીને સ્વતંત્ર બનાવવા માટે નારીવાદીઓએ એક આખું 'મિકેનિઝમ' બનાવવું - ગ્લેમરને સ્ત્રીનું શોષણ માનવાનું!
માટે હજુયે જાહેરાતોમાં સ્ત્રીનું 'વસ્તુકરણ' કે સૌદર્યસ્પર્ધાઓમાં સ્ત્રીનું 'ઢીંગલીકરણ' જેવી ચર્ચાઓ ચાલ્યા રાખે છે. જેમાં સાંભળનારા કરતાં બોલનારાઓની સંખ્યા ઝાઝી હોય છે. જેમ ઝૂંપડપટ્ટીમાં રહેનારાઓને પોતાની સમસ્યા પર બનેલી શ્યામ બેનેગલ કે સત્યજીત રાયની ફિલ્મો કરતાં એ ભૂલાવી દેતી મનમોહન દેસાઈ અને ડેવિડ ધવનની ફિલ્મો વઘુ ગમી હતી - એવું જ ફેમિનિઝમના 'ડિગ્લેમરાઈઝેશન'નું થયું. એ વૃત્તિપ્રવૃત્તિ બોજરૂપ બની.
મહિલાઓ માટેના મેગેઝીન્સ આજે ઉપાડો. એ સૌથી વઘુ આકર્ષક દેખાશે! સેક્સને '૭૦ કે ૮૦ ના દાયકામાં સ્ત્રીઓના પગની બેડી માનીને પુરૂષને બેડરૂમની બહાર ફગાવી દેવાની હાકલો થતી હતી. આજે પુરૂષને કેમ રિઝવવો એના માટે 'વુમન સ્પેશ્યલ' બૂક્સ બહાર પડે છે! નારીને સ્વતંત્ર આવક મળ્યા પછી કેવી ફાંકડી બ્રા-પેન્ટીઝ કે સનગ્લાસીસ - શૂઝની જોડીઓ લઈ શકાય એની ટિપ્સ આપવામાં આવે છે!
જે શણગારના ઠઠારામાંથી સ્ત્રીને બહાર નીકળવાનો પોકાર કરવામાં આવેલો, એ પોકાર જ ખોટો હતો. અવાસ્તવિક જ નહિ, અવૈજ્ઞાાનિક હતો. માટે બહુમતી છોકરીઓએ એને જ દરવાજો દેખાડી દીધો! ફેમિનિઝમનો બદલાવ એ આવ્યો કે છોકરીઓ હેરસ્ટાઈલ બદલતી થઈ, જીન્સ - ટી - શર્ટ પહેરતી થઈ... પણ કોઈ ચળવળ માટે નહિ - વઘુ ચામગ અને સ્ટાઈલિશ દેખાવા માટે! સાડી કે કોર્સેટના ત્યાગથી નારીના રૂપનું પ્રદર્શન અટકશે એવું ભોળા નારીવાદીઓ માનતા હતા એ તો ઉલટું વઘ્યું! હોંઠોનો મલકાટ, નિતંબનો પ્રસાર, ઉરોજનો ઉભાર, કમરનો વળાંક... આ બધાની ખુલ્લેઆમ અભિવ્યક્તિને સ્ત્રી સ્વાતંત્ર્યને લીધે મુક્તિ મળી!'
ફેમિનિઝમને ફેશનિઝમે પછાડી દીઘું! સ્ત્રીઓ પરના જ જોક થતા એને બદલે પુરૂષ પરના ટૂચકા વધતા ગયા. નેચરલી, સ્ત્રીઓને બહાર નીકળવાની, કમાવાની, સંબંધો બાંધવા અને કાપવાની તકો મળતી ગઈ. માઈન્ડ વેલ, આ બધી મુક્તિ માટે નારીવાદીઓનો નહિ પણ માર્કેટમય મૂડીવાદીઓને, સંશોધક વિજ્ઞાાનીઓને અને અસરકારક કલાકારોનો ધન્યવાદ ઘટે છે. નારીવાદીનો આ પરિવર્તનનો જશ ખાટી જાય છે, પણ સહકારી ક્ષેત્રે કે સેવાકીય ક્ષેત્રે એમણે કરેલા પ્રદાન સિવાય મૂળભૂત રીતે સ્ત્રીને સ્વતંત્ર કરવામાં નારીવાદી આંદોલનોનો ફાળો કાઠિયાવાડી થાળીમાં પાપડ જેટલો (અને જેવો) જ છે. બાકી, ગુજરાતમાં જ કેટલી છોકરીઓ 'છોકરો જોવા' જાય છે? કે સ્મશાને જઈ શકે છે? કે રજસ્વલા થઈને આરામથી મંદિરે જઈ શકે છે? આટલો ફેરફાર પણ નારીવાદના નિવેદનો છતાં રોજીંદા જીવનમાં નથી! હેડલાઈનો વાંચતા જાવ સમાચારોની.
આમ કેમ થયું? કારણ કે, જવાબ સાચો હતો પણ દાખલો ગણવાનું સૂત્ર ખોટું હતું. સ્ત્રી અને પુરૂષ દેખાવે અને સ્વભાવે સમાન નથી. જુદા છે. આમ કહેવામાં કોઈનું ય અપમાન નથી. અહીં અપવાદો છે. પણ એ નિયમની સાબિતી પૂરતા જ સ્ત્રીને પુરૂષ સમોવડી બનાવવાની વાતમાં જ પુરૂષ જે કરે, પહેરે, વિહરે એને 'આદર્શ સ્ટાન્ડર્ડ' માનવાની વાત આવી જાય છે. માટે શબ્દ આવ્યો 'સ્ત્રી સમાનતા.' પણ એ ય ખોટો છે માનવસૃષ્ટિ જ નહિ, સમગ્ર પૃથ્વી ગ્રહ પ્રકૃતિને આધીન છે. કુદરતે કોઈ બે જાતિ સમાન બનાવી જ નથી. જુદો હોવો જોઈએ ભિન્નતાના સ્વીકાર અને આદરનો!
સમાનતા એક ભ્રામક સપનું છે. ઝાંઝવાનું જળ છે. હાથી કાબરની પાંખોને એની ખાસિયત તરીકે સ્વીકારે અને કાબર હાથીની સૂંઢને લાક્ષણિક્તા તરીકે સ્વીકારે. એ બદલાવીને 'સમાન' થવાના હવાતિયાં મૂકે, તો બને એકબીજાના અસ્તિત્વને પૂરક ન બનાવે તો પણ સ્વીકારી તો શકે જ! પણ કાબર ચાંચમાં સૂંઢની જેમ પાણી, ભરવા જાય કે હાથી વગર પાંખે ઉડવા જાય તો શું થાય? એ જ જે નારીવાદ સાથે થયું! તકની સમાનતા હોવી જ જોઈએ પણ નારીવાદીઓને 'સમાન અધિકાર' અને 'વિશેષ લાભ' બંને જોઈએ છે!
સ્ત્રી અને પુરૂષ શારીરિક રીતે સરખા નથી. માનસિક રીતે સાવ સમાન પણ નથી. શરીર, મન અને સંવેદનોની રીતે પણ અલગ છે. પણ એટલા અલગ નથી કે એકબીજાને ઓળખી ન શકે, ચાહી ન શકે! નારીવાદીઓનો તર્ક હતો કે છોકરીઓનો ગુલાબી ઢીંગલી અને છોકરાઓને ક્રિકેટનું બેટ રમવા આપી, પહેલેથી જ એ બંનેના કાર્યક્ષેત્રની લક્ષ્મણરેખાઓ દોરવામાં આવે છે. માટે ઉછેરને લીધે સ્ત્રીની ગુલામ માનસિક્તા બને છે. આ વાત સામાજિક રીતે સાચી છે. પણ માનસિક, શારીરિક રીતે નહિ! જંગલજીવનમાં એના મૂળિયા છે. સ્ત્રીએ રક્ષક શોઘ્યો, પુરૂષે સહાયક...ઐસે જમી જોડી નંબર વન! સ્ત્રી ગર્ભધારણ કરે માટે એનામાં સહજપણે શાંતિ, ધીરજ, કૂતુહલ, પ્રેમના તત્વો રહે. પુરૂષ મુકાબલો કરે માટે એનામાં સ્વાભાવિક આક્રમકતા, વિશ્લેષણશક્તિ, ચપળતા, તાકાત હોય.
સ્ત્રી વઘુ કોમ્યુનિકેશન કરે, પુરૂષ વઘુ એટેન્શન આપે... એ જીવનપદ્ધતિ મુજબ જીન્સ અને હોર્મોન બન્યા છે. એ ધરમૂળથી બદલાતા પણ લાખો વર્ષ તો લાગે! નિર્જન ટાપુ પર જંગલમાં સ્ત્રી અને પુરૂષને જન્મથી એકલા મૂકે તો પણ મોટા થયા પછી, નોર્મલ સ્ત્રીમાં સ્ત્રીત્વનો અને પુરૂષમાં પૌરૂષનો અભિગમ આવે જ! અલબત્ત, પુરૂષ માટે સ્ત્રીઓ વિનાની દુનિયા જબ્બરજસ્ત કંટાળાજનક હશે, એકલા રહેવાની પુરુષની શક્તિ મર્યાદિત છે. બાળઉછેરની ય. એટલે એનાથી સ્ત્રી જેવું હોમ મેનેજમેન્ટ પણ નહિ થાય અને નવ બાળકો પેદા ય નહી થાય. અને એ રીતે પુરૂષથી સ્ત્રી તો સમોવડી નહિ પણ ચડિયાતી છે.
ફેમિનિઝમ બેશક એક જરૂરી ફોર્સ છે. પછાત પુરુષોની થપ્પડ જેવા જંગલી અત્યાચારો સામે લડવાનો. પણ બે નાવની સવારીમાં એ જરા ફાર્સ જેવું થઇ ગયું છે. ફાર્સ ફ્રેન્ચ શબ્દ છે. પ્રહસન કે તમાશા માટે વપરાતો!
વેલ, રાષ્ટ્રપતિએ વચ્ચે ટવીટ કરી જાણ કરેલી કે ભારતમાં ફિમેલ સ્ટુડન્ટસ મેલ કરતા વધી ગઈ છે. આ ગર્લ પાવર દેખીતો છે. મહિલા ક્રિકેટ ટીમ જેવા સ્પોર્ટ્સ કે જોબમાં ય. છોકરીઓ ભણાવો છે, એ સારી વાત છે, પણ હે જડસુ વડીલો પછી આપણા જૂનવાણી આગ્રહો છોડીને એ ભણેલી છોકરી વહુ તરીકે આવશે ત્યારે સાવ સેવિકા નહિ થાય પણ ઈન્ડીપેન્ડન્ટ રહેશે એ ય સ્વીકારો. પછી એની માથે તમારા ઓર્થોડોક્સ ચોકઠાં ન નાખો.
અને ઓ માનુનીઓ, આજે જરાક જેટલું અંગપ્રદર્શન પણ મસ્તીંમાં ખુદની મરજીથી પણ કોઈ કરે તો અમુક નકચઢી ટાઈપ સ્ત્રીઓને ઓફેન્સીવ લાગે છે. પુરુષના સિક્સ પેક બોડી બતાવતા હોડગ નોર્મલ લાગે પણ સ્ત્રીને ચડ્ડીમાં બતાવતી જીમની જાહેરાત અશ્લીલ લાગે! કાયદાઓ તો જગતમાં દરેક લોકશાહીમાં એટલા સ્ત્રીતરફી થયા છે કે શરમેધરમે ઠોકશાહી દેશોએ જરાતરા બદલવાનો એટલીસ્ટ દેખાવ કરવો પડયો છે. એક બાજુ એ ય હકીકત છે કે સ્ત્રીઓને આપણા સમાજમાં જે ગંદી માનસિકતા અને પરંપરાના નામે સહન કરવું પડે છે, એ અત્યંત દુખદ અને પીડાદાયક છે. અણછાજતા સ્પર્શ કે ચેનચાળા કે નોકરી-વર્ક પ્લેસમાં કારકિર્દી ખાતર યૌન શોષણ વગેરે. સ્ત્રી શારીરિક રીતે પુરુષ કરતા દુર્બળ છે, અને સમાન નથી એનો અર્થ એના પર બળજબરી કે બળાત્કાર કરવાનું લાયસન્સ મળી ગયું એવું નથી. આપણે ત્યાં છોકરાઓને છોકરીઓ સાથે વર્તવામાં રિસ્પેકટ કે કંટ્રોલ ઘણા કુટુંબોમાં શીખવાડવામાં જ નથી આવતા.
સ્ત્રીને હક છે, પ્રેમપ્રસ્તાવની ના પાડવાનો. સમજણપૂર્વક બ્રેક અપ કરવાનો કે ડિવોર્સ માંગવાનો. એની મરજી એ જે પહેરે તે. બિન્દાસ જેણે ગમે એની સાથે ફરે તે. લગ્ન કરીને કે કર્યા વગર જેમ જીવે તે. પણ અત્યારે વિચિત્ર ભેળપુરી અધકચરા ફેમિનિઝમની આપણા અધૂરા પરિવર્તન પામેલા સામાજિક ઢાંચામાં બની ગઈ છે. જેમ કે, મેરેજ પછી ી જ ઘરના કામ નહિ કરે. પરફેક્ટ. પણ તો કોણ કરશે? પુરુષ? તો કમાવા સ્ત્રી જશે ને પછી થાક કે બીજીત્રીજી ફરિયાદો કરશે ત્યારે? બાળકને નેચરલી માની જરૂર પડશે ત્યારે? સ્ત્રી જો પુરુષની કમાણી પર લહેર કરીને શોપિંગ કરે, ઘરમાં રહે, ટીવી જુએ ને એસીમાં જીવે - તો પછી માનો કે એ જોબ કરવા ન જાય તો ઘર સંભાળવું એ જ એક રીતની ઇક્વાલિટી છે. જેમાં બેઉ એક ઘર માટે પોતપોતાનો શેર આપે છે. બહાર જઈને કમાય એને સ્ટ્રેસ છે, ઘર સંભાળે એને સ્ટ્રેસ છે. બેઉ જોબ કરે તો પછી ઘર પણ બેઉએ સંભાળવું પડે, જે પાછું પ્રેક્ટિકલી આ લખવા જેટલું સરળ નથી. હા, એમાં ગુલામીનો ભાવ ન જોઈએ. જરૂર પડે એકબીજાની જવાબદારીઓ શેર કરવાની લાગણી જોઈએ.
મોરઓવર, અમુક બાબતે સમજદાર ને ખરેખર કળાસાહિત્યની રસિકતા પચાવી ગયેલી કેટલીક ીઓ સિવાય આજની આધુનિકા વિચિત્ર રીતે વર્તે છે. વચ્ચે બોલ્ડ એન્ડ બ્રાઈટ એવી એક્ટ્રેસ રિચા ચઢ્ઢાએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો મુકેલો. જેમાં સીડી પરથી એની ટોપ એંગલ સેલ્ફી હતા. જેમાં ચહેરાથી વધુ એનો ક્લીવેજ હાઈલાઈટ થઇ ઉડીને આંખે વળગતો હતો. પછી એણે પૂછેલું કે તમે શું જોઈ રહ્યા છો? ને ચાંપલા એવા તમારી આંખો ટાઈપના જવાબોને લાઈક કર્યું ને કોઈકે છાતીની ગંદી કોમેન્ટ વિના સ્માઈલી સાથે વાત કરી તો એને વિકૃત નજરના કહી ઝાટકી નાખ્યા. આ સેમ્પલ છે. આવા ઉદાહરણો અનેક છે.
તમે ચોક્કસ એન્ગલથી મસ્ત મજાના ફોટા પડાવો, કે શરીર દેખાડી મોડેલિંગ/ડાન્સ કરો કે એની કમાણી કરો. ને આગ્રહ એવો રાખો કે કોઈ પુરુષે એને જોવું પણ નહિ તો બરાબર કે એ તમારી સાથે ગંદુ વર્તન ન કરે કે બળજબરી ન કરે કે કામુક ચેનચાળા સાથે ભૂખી નજરે ઘૂરી ઘૂરી ન જુએ. પણ ધ્યાન તો પ્રકૃતિસહજ એનું જાય જ ને. નહિ તો પછી સાવ બુરખો જ પહેરવો પડે! સુંદર દેહ દર્શાવવા તો શણગાર કર્યો કે ફેશન કરી. તો મસ્તી કમ સે કામ થવાની. ત્યારે ફેમીનિસ્ટ ન થવાય. અને અભિવ્યક્તિસ્વાતંર્ત્ય પણ સ્ત્રી સ્વાતંર્ત્ય જેટલું જ મહત્વનું છે, એ સમજીને ભેદ પરખાય કે કોઈ રૂપનું ટીખળ કે કાવ્યમય વર્ણન કરે એ એપ્રિસિએશન છે, હેરેસમેન્ટ નથી.
આમ પણ પુરુષને સ્ત્રી જેવા દેખાવાનું આકર્ષણ હશે જ. નહિ તો હજામતનો અસ્ત્રો ઉર્ફે રેઝર શોધ્યું જ ન હોત !
ફાસ્ટ ફોરવર્ડ
'મા ને કહા પરાયે ઘર કી હો, સાસ ને કહા પરાયે ઘર સે આયી હો...જસ્ટ ચિલ યાર, અપના ઘર હોગા તબ સફાઈ કરેંગે!'
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TM08oJ
ConversionConversion EmoticonEmoticon