જીવનમાં રંગો, મસ્તી અને ઉમંગનો સંચાર કરતો હોળીનો ઉત્સવ પ્રત્યેક જાતિમાં અનોખી રીતે ઉજવવામાં આવે છે. વિવિધ રંગોના છંટકાવ દ્વારા જીવનને રંગીન બનાવવાનો સંદેશ આપતા આ ઉત્સવમાં મસ્ત બનેલો માનવી થોડી ક્ષણો પૂરતો પોતાના જીવનના દુ:ખો અને મુશ્કેલીઓને વિસરી જાય છે. મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ વગેરે પ્રાંતમાં હોળી-ધૂળેટીનું અનોખું મહત્ત્વ જોવા મળે છે.
હોળીનો ઉત્સવ આદિવાસીઓમાં 'ભગૌરિયા' પ્રથા માટે જાણીતો છે. ભગૌરિયા એટલે કે ભગાડીને લઈ જવું. રાજા-મહારાજાના સમયમાં સ્વયંવર પ્રથા હતી. તેની જેવી જ આ આદિવાસી પ્રથા છે. સ્વયંવર અને ભગૌરિયા પ્રથામાં મુખ્ય ફરક એ છે કે, સ્વયંવર પ્રથા રાજમહેલમાં યોજાતી હતી. જ્યારે ભગૌરિયા બાંસવાડા, ઉદયપુર (રાજસ્થાન), ડુંગરપુર, પંચમહાલ (ગુજરાત) અને ધાર, ઝાંબુઆ, રતલામ, નિમાડ (મધ્યપ્રદેશ)ના વનપ્રદેશોમાં હોળી પુર્વે ભરાતી બજારમાં ખુલ્લેઆમ થાય છે.
યૌવનના ઉંબરે ઊભેલા આદિવાસી - ભીલ યુવક-યુવતીઓની વિરહ વેદનાને દૂર કરવાનો આ સુંદર અને સંસ્કારી ઉપાય છે. આદિવાસી પ્રજા માટે ભગૌરિયા મસ્તીભર્યો 'મદનોત્સવ' ગણાય છે. સમગ્ર દેશમાં મધ્યપ્રદેશના જોબટ, અલીરાઝપુર, ઝાંબુઆ, પેટલાદ, થાંદલા જિલ્લા ભગૌરિયા માટે મશહૂર છે. અહીંનો વનપ્રદેશ, પર્વતો પહાડોને સ્પર્શતી ફાગણની હવાઓ અનેક અભાવો અને દુ:ખને ભૂલાવી મસ્તીની મોજ માણવા ઉશ્કેરે છે. ફાગણ મહિનો આવતાં ઠંડી હવાઓ અદ્દશ્ય થઈ જાય છે. અને સૂરજનો તાપ શરૂ થઈ જાય છે. અગનજ્વાળા જેવા દેખાતા પલાશના ફૂલોની અદ્ભૂત લાલાશ સર્વત્ર જોવા મળે છે. મહુડો, ગુલમહોર અને કેરીના વૃક્ષો પર પણ યૌવન ફાટફાટ થતું દેખાય છે. આવા રોમાંચક વાતાવરણમાં માત્ર કોયલ જ નહીં પરંતુ પ્રત્યેકના મનમાં મીઠી કૂક સાંભળવા મળે છે.
ભગૌરિયા પ્રથા પશ્ચિમ મધ્યપ્રદેશની અનોખી ઓળખ બની ગઈ છે. આ પ્રથામાં રંગીનતા લાવતાં આદિવાસીઓને જોવાનો અનુભવ તદ્ન વેગળો જ છે. હોળીના થોડા દિવસ પૂર્વે તેઓ મહુડો, તાડી, ભાત અને ઘઉંમાંથી બનાવવામાં આવેલો દારૂ પીને નશામાં ઝૂમતા જોવા મળે છે. ત્યારે જ તેઓ તેમના ઘર-પરિવાર કે ખેતી માટે જરૂરી વસ્તુઓ, દૂધાળા ઢોર, કપડા વગેરે ખરીદે છે. રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ કુંવારા યુવક-યુવતીઓને નાચતા-ગાતા, ઢોલ-મંજીરા વગાડતા જોવાનો લ્હાવો લેવા જેવો છે.
ભગૌરિયા પ્રથા તેમના પ્રેમને માન્યતા આપતી પ્રથા છે તેથી તેમના ચહેરા પર અદમ્ય આનંદ અને ઉલ્લાસ જોવા મળે છે. સામાન્ય રીતે વસંત ઋતુનો પ્રારંભ થતાં જ આદિવાસી યુવક-યુવતીઓ ભગૌરિયાની તૈયારીઓ શરૂ કરે છે. આ દિવસો દરમ્યાન તેઓ તેમના પ્રણય સંબંધો પરિણામ સુધી પહોંચાડી શકે છે. હોળીના દિવસે ભગૌરિયાની પૂર્ણાહુતિ થાય છે તથા તેના બીજા દિવસે એટલે કે, ધૂળેટી એ તેમની માનતા કરવાની અથવા માનતા પૂરી થતાં 'ગોલિયા' નામનો તહેવાર ઉજવવામાં આવે છે. આમાં જુદા જુદા સંકટોથી મુક્તિ પામવા કે કોઈ કાર્યના હેતુસર તેઓ દેવી-દેવતાઓને જુદી જુદી વસ્તુઓ ધરાવે છે. હોળીના દિવસે યોજાતાં મેળા 'ત્યોંહારિયા' અને હોળી પછીના 'ઉજાડિયા' કહેવાય છે.
આદિવાસી સમાજમાં ઘણું પરિવર્તન આવી ગયું છે. છતાં ઘણા વિસ્તારોમાં ભગૌરિયા મેળાની પરંપરા, તેની પવિત્રતા અને જરૂરત હજી જોવા મળે છે. જ્યારે કોઈ યુવતી તેના પ્રેમીના પાનને જાહેરમાં સ્વીકાર કરે ત્યારે બંને સહુની સામે તન્મયતા તથા અધિકારથી એકબીજાને ગુલાલથી રંગીને બાજુના જંગલમાં ભાગી જાય છે. બીજે દિવસે સવારે તેમના માતા-પિતા, ઘરવાળા તથા સંબંધીઓ તેમને શોધવાનો ઢોંગ કરે છે. અને પકડાઈ ગયા પછી યુવતીને યુવકના કોઈ ભાંજગડિયા (સંબંધી)ના ઘરે લઈ જવામાં આવે છે. આ સંબંધીને બંને પરિવાર મધ્યસ્થીના રૂપમાં સ્વીકારે છે. વાતચીતમાં છોકરાવાળા ઝઘડાને પૂરો કરવાનો આગ્રહ રાખે છે. ત્યારે છોકરીવાળા આ સમજૂતીની સામે વળતર માગે છે. આ એક પ્રકારનું 'દહેજ' છે. સભ્ય જાતિ કરતાં વિપરીત આ દહેજ પ્રથામાં દહેજ લેવાનો હક છોકરીના પિતાનો હોય છે. કારણ કે તેમના પરિવારનો એક સભ્ય કાયમ માટે છોકરાના કુટુંબમાં જાય છે. 'ઝઘડા'ના વળતરરૂપે પહેલાં તો અનાજ, શરાબ, દૂધાળા ઢોર, મિજબાની, થોડી જમીન કે ચાંદીના ઘરેણાં માંગવાનું ચલણ હતું. પરંતુ હવે ટીવી અને મોટરસાયકલની માગ પણ કરવામાં આવે છે. છોકરીની વય, સૌંદર્ય તથા ગુણોને ધ્યાનમાં રાખી આ વળતર માગવામાં આવે છે.
આદિવાસી પ્રજામાં શિક્ષણનો પ્રસાર થતાં તથા સરકારી નોકરીમાં આરક્ષણ મળવાથી જે યુવકો સારું કમાવા લાગ્યા હોય તેઓ વધારે નખરાં કરે છે. પહેલાં તો વળતર ન ચૂકવી શકે તેવી સ્થિતિ હોય તો છોકરાઓએ છોકરીના ઘરે નોકર બનીને રહેવાની પ્રથા હતી. પરંતુ હવે તેમાં ઘટાડોે થયો છે. આ દરમ્યાન તેને તેની 'સાયબા' (મંગેતર)ને હાથ લગાડવાની કે સાથે રહેવાની મંજૂરી મળતી નથી. જો યુવક ભગૌરિયાથી ભગાવેલી યુવતી સાથે દેહસંબંધ બાંધી બેસે તથા કોઈક કારણસર તેઓ પતિ-પત્ની ન બની શકે તો છોકરા તથા તેના કુટુંબે 'કૌમાર્યભંગ'ના દંડ સ્વરૂપે આખા ગામને દારૂ અને માંસની મિજબાની આપવી પડે.
'ભૂકલો તો ભૂકલો, સૂકલો તો ખરી' કહેવત આદિવાસીઓની જીવનશૈલી દર્શાવે છે.'' આ કહેવતનો અર્થ એ છે કે ભલે વગર ખાધે સુઈ જવું પડે, ઉઠયા પછી મોડે સુધી ભૂખ સહન કરવી પડે છતાં હું મારી જાતને દુ:ખી નથી માનતો તથા કોઈપણ સ્થિતિમાં મસ્ત બનીને જીવું છું. આજ કારણસર આદિવાસીઓ ભગૌરિયાના મેળામાં પણ ઉમંગ-ઉલ્લાસથી ફરતાં જોવા મળે છે. સામાન્ય રીતે આદિવાસી પુરુષ રંગબેરંગી પાઘડી, લંગોટી તથા ખભા પર ગમછો નાંખેલા જોવા મળે છે. થોડા પૈસાપાત્ર આદિવાસી શર્ટ, જાકીટ તથા હાથ અને કાનમાં ચાંદીના આભૂષણ પહેરે છે. આદિવાસી મહિલાઓની શ્રૂંગારપ્રિયતા પ્રશંસનીય છે. તે કાનમાં મોટી બુટ્ટીઓ, નાકમાં નથણી, ગળામાં ચેન તથા નેકલેસ, હાથમાં ઘણા બધા કડા, આંગળીમાં વીંટી, મુંદડી અને પગમાં વિંછીયા પહેરે છે. તેઓ મોટેભાગે ઘેરા રંગોને જ પસંદ કરે છે. તેમની વેશભૂષામાં રંગોનું અજબ સંયોજન જોવા મળે છે.
એકસમયે ભગૌરિયાના મેળામાં જ જીવનસાથીની શોધ પૂરી થતી હતી. પારંપરિક વેશભૂષામાં સજ્જ થઈ છોકરીઓ તેમના પ્રેમીને રિઝવવાનો પ્રયત્ન કરતી હોય છે. મોરના પીંછા પણ તેમના સૌંદર્યને નિખારવામાં મદદ કરે છે. આદિવાસીઓમાં છુંદણા સૌથી મહત્ત્વનાં અને લોકપ્રિય ગણાય છે. કારણ કે મૃત્યુ પછી અગ્નિસંસ્કાર આપવામાં આવે ત્યાં સુધી માત્ર આ જ તેમની સાથે રહે છે. બાકીની ભૌતિક વસ્તુઓ તો શરીર પરથી ઉતારી લેવામાં આવે છે. મિત્રવૃંદમાં નાચતા આદિવાસી યુવક-યુવતીઓ હિંચકાનો પણ ભરપૂર આનંદ લે છે. તેઓ બરફના ગોળા, કુલ્ફી તથા ગોળની જલેબીની લિજ્જત પણ માણે છે. પગ તથા કમર પર ઘુંઘરું બાંધીને યુવક-યુવતીઓ આખી રાત નાચતાં-ગાતા રહે છે. હોળીના ઘણા દિવસ પૂર્વે અને પછી અહીં મસ્તીનું વાતાવરણ જોવા મળે છે. લોકગીતમાં છોકરીઓ છોકરાઓ ઉપર જોરદાર કટાક્ષ કરે છે. ગુલાલથી રંગાયેલા યુવાનોના તામ્રવર્ણા દેહને જોઈન મન મુગ્ધ બની જાય છે. ડફ અને ઢોલકની થાપમાં દિવસ-રાત ઝડપથી પૂરા થઈ જાય છે.
ભગૌરિયાના મેળામાં યુવાનોના જૂથ તાઝગી બક્ષે છે. આ દિવસોમાં ગુંજતા ડફ, ઢોલક, વાંસળી અને થાળીનો નાદ રાત્રે પણ સુવા દેતો નથી. લોકગીત, વાદ્યોનો અવાજ તથા વચ્ચે વચ્ચે યુવકોની ચીસો વાતાવરણમાં ગુંજે છે. નૃત્ય કરતાં યુવક-યુવતીઓને જોવા પણ એક લ્હાવો છે. તેમના નૃત્યમાં એટલી તીવ્રતા હોય છે કે કોઈ એક પર નજર ઠેરવી શકાતી નથી. તેમના નૃત્યમાં નાના બાળકો તથા વૃધ્ધ સ્ત્રી-પુરુષો પણ સામેલ થઈ જાય છે.
જો કે, આધુનિક જમાના સાથે આદિવાસી પ્રજા પણ તાલ મિલાવવાનો પ્રયાસ કરે છે તેથી હવે ઢોલ તથા ડફના તાલે થિરકતાં યુવક-યુવતીઓના નૃત્યમાં ફિલ્મી વિકૃતી ઘુસી ગઈ છે. વૃક્ષોના મોટા થડને કાપીને પોલા કરીને તેમાંથી ઢોલક બનાવવામાં આવતા હતા. તેની થાપ પર આખું ગામ ગૂંજી ઊઠતું હતું. પરંતુ હવે ઢોલક ચૂપ થઈ ગયા છે અને ફિલ્મનું સંગીત સાંભળવા મળે છે. મહુડો અને તાડના દારૂનું સ્થાન અંગ્રેજી દારૂએ લઈ લીધું છે. તેમના હોઠોની વાંસળી સંપૂર્ણ વાતાવરણને સંગીતમય બનાવતી હતી પણ હવે મોટાભાગના યુવાનો માઉથ ઓર્ગન સાથે જોવા મળે છે. વાંસળી, લાઠી, તીર કે ભાલા લીધેલા આદિવાસીઓ બહુ જોવા મળતા નથી. હવે તો મોટરસાયકલસવાર આદિવાસી યુવાનો પણ ભોળી ગ્રામીણ બાળાને 'પટાવવા' લાગ્યા છે.
પહેલાં ભગૌરિયામાં યુવક-યુવતીઓમાં એકબીજાને આકર્ષિત કરવા માટે નૃત્ય -સંગીત, ગાયનની સ્પર્ધા પણ થતી હતી. પરંતુ હવે તે વિતેલા જમાનાની વાત કહેવાય છે. સરકારી તંત્રના હસ્તક્ષેપ તથા શિક્ષણનો પ્રસાર થવાથી ભગૌરિયાનું રૂપ પણ બદલાઈ ગયું છે છતાં કેટલીક જગ્યાએ તેનો ઉત્સાહ અને ઉમંગ જળવાયેલો જોવા મળે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39EyGjr
ConversionConversion EmoticonEmoticon