નુપુર સેનોન: મોટી બહેન ક્રીતિનું નામ મેં છોટી મમ્મી પાડયું છે


હિન્દી ફિલ્મોની  હિરોઈન  બનવા આખા દેશમાંથી  (અને  હવે તો વિદેશમાંથી પણ) સેંકડો યુવતીઓ મુંબઈ આવે છે. એમાંથી ગણીગાંઠી  સફળ  થાય છે અને બાકીની  વિલા મોઢે  ઘરે પાછી ફરે છે. દિલ્હી કી છોરી  નુપુર  સેનોન  આ  બાબતમાં   બહુ  નસીબદાર  છે. કદાચ  એટલા માટે કે નુપુર  બોલીવૂડની જાણીતી અભિનેત્રી ક્રીતિ સેનોનની  નાની બહેન છે. એને વીતેલા વરસમાં  પહેલા જ ધડાકે મ્યુઝિક  વીડિયો  'ફિલ્હાલ'   માં અક્ષય કુમાર જેવા મોટા સ્ટાર સાથે કામ કરવા મળ્યું. એને પગલે નુપુર  આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતી થઈ ગઈ.

સાજિદ નડિયાદવાલાએ  પોતાની આગામી ફિલ્મમાં  મિસ સેનોનને  સુશાંત સિંહ રાજપૂત  સાથે સાઈન કરી છે. અક્ષય  અને  નુપુરના  મ્યુઝિક  વિડિયો  ફિલ્હાલને  અત્યાર સુધીમાં  અઢી કરોડ જેટલા વ્યુઝ   મળી ચૂક્યા  છે. આટલી ઝડપથી  આટલા બધા  વ્યુઝ મેળવનાર એ પહેલું  ભારતીય ગીત   છે.  શું નુપુરે  પહેલા જ બ્રેકમાં  આટલી બધી સફળતા મળશે એવું વિચાર્યું હતું?   મિસ સેનોન ફટાક દઈને  જવાબ આપે છે, ''મૈને  ઈતના જરૂર સોચા થા  કિ   વિડીયો  અચ્છા  કરેગા  લેકિન ઈતના જબર્જસ્ત  રિસ્પોન્સ મિલેગા  એૈસા  મૈને   તો  ક્યા, સર,  કિસીને નહીં સોચા થા.'

 કોઈને  પણ સહેજે  એવો વિચાર  આવે  કે  પહેલાં જ  બ્રેકમાં સફળ થવા  માટે નુપુરે  કોઈ  ખાસ સ્ટ્રેટજી  બનાવી  હશે.  ખાસ કરીને  એટલા  માટે કે નુપુરને  પોતાની મોટી બેન ક્રીતિના  અનુભવનો   લાભ મળ્યો છે.   આમેય  આ  જમાનો  પ્લાનિંગ  અને માર્કેટિંગનો  છે. તો નુપુરે  પોતાની  ફિલ્મી  કરીઅર  માટે શું પ્લાનિંગ  કર્યું હતું?  સાડા પાંચ ફૂટની લેડી થોડું વિચારીને  જવાબ આપે છે, 'અત્યારે  તો બધુ બરાબર  ચાલી રહ્યું છે. 

હું યોગ્ય  જગ્યાએ છું એવું  લાગે છે. પરંતુ સાચું કહું તો મેં સફળતા માટે કોઈ  સ્ટ્રેટેજી નથી બનાવી.  મેં ફક્ત સારી તક માટે રાહ  જોવાનો  એક જ નિયમ રાખ્યો  છે. મને પહેલેથી જ ખબર હતી કે ફિલ્મોમાં  પહેલું પગલું બહુ મહત્ત્વનું ગણાય  છે.  મને  ફિલ્હાલ  પહેલા પણકેટલીક  ઓફરો મળી હતી પણ મારું  મન એ સ્વીકારવા  તૈયાર નહોતું થતું.  ક્રીતિએ  પણ મને  એવી  એડવાઈઝ  આપી હતી કે થોડી  રાહ જો તું આનાથી ચડિયાતી  ઓફરને લાયક છે. મને આજે એ વાતની ખુશી છે કે મેં રાહ જોઈ.  બાકી,  ખરૂં  પૂછો  તો મેં કદી કોઈ સ્ટ્રેટેજી  બનાવી નથી.'

'ફિલ્હાલ'  માં અક્ષય  અને નુપુરની   કેમિસ્ટ્રી  ઉડીને આંખે વળગે છે. બંનેએ  એવી કેમિસ્ટ્રી  દર્શાવી  છે જાણે  વરસોથી સાથે કામ કરતાં  હોય. એની  પાછળ  શું  રહસ્ય  છે?  મિસ સેનોન   હસવું રોકીનથી શકતી, 'કોઈ   સિક્રેટ નહીં હૈ, ભાઈ,  મારી પહેલેથી એવી આદત રહી  છે કે હું કોઈપણ કામ પૂરેપૂરી  તૈયારી  વિના નથી કરતી.  આંધળુકિયા  કરવાનું મને પસંદ નથી.  કોઈ મને એમ  શા માટે  કહી જાય કે તમારું પરફોર્મન્સ  ઠીક નહોતું.  એક્ટર તરીકે મારા  કામમાં  હથરોટી  મેળવવા  મેં  ઘણા વર્કશીપ અટેન્ડ કર્યા છે. હું કદી એવું માનીને  ચાલી નથી કે એક્ટિંગ  બહુ  સહેલી છે. અભિનય  સખત  મહેનત  માગી લે છે અને મારી જાતને એ જ  રીતે  તૈયાર કરી છે. અભિનયના  તાણાવાણાં  શીખવા મેં દિવસ-રાત  એક  કર્યાં છે. પરંતુ  નુપુરે  એક વાત  તો માનવી જ પડે  કે ક્રીતિની  બહેન હોવાને  કારણે  એનો બોલીવૂડ  પ્રવેશ થોડો આસાન બની ગયો હતો. 

કોઈ સ્ટારના   ફેમિલી  મેમ્બર  હોવું એ એક પ્રકારનો   વિશેષધિકાર  (પ્રિવીલેજ)  જ  છે ને?  શું નુપુર  એ  કબુલે  છે ખરી? સેનોન સિસ્ટરનો  ફેસ થોડો  તંગ થઈ જાય છે, 'હા,  તમને એટલો પ્રિવીલેજ  ચોક્કસ મળે છે કે ઈન્ડસ્ટ્રીમાં  તમને  લોકો  ઓળખતા થઈ  જાય.  લેકિન આગે કા સફર  તો આપકો ખુદકો   હી તય કરના પડતા હૈ.  કોઈ ફિલ્મસ્ટારના સગા હોવાના ફાયદા  અને ગેરફાયદા  બને છે.   મને   સહેલાઈથી  ઓળખ મળી ગઈ પણ એની સાથે 'ક્રીતિની  બહેન' તરીકેની  આઈડેન્ટિટીમાંથી   બહાર આવી પોતાની  અલગ સ્પેસ  બનાવવા મારા પર મેન્ટલ  પ્રેશર પણ આવ્યું.  ઓળખાણથી  તમને કદાચ  પહેલો પ્રોજેક્ટ  મળી જાય પણ પછીનો સંઘર્ષ  તમારે, પોતે  કરવાનો  હોય છે.'

અને  હવે  છેલ્લે  એક અંગત  પ્રશ્ન:  ક્રીતિ સાથે નુપુરનું  સમીકરણ  કેવું છે? નુપુરના  ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા પછી  બંને બહેનોના સંબંધોમાં  બદલાવ  આવ્યો છે ખરો?  નુપુર  એકદમ હળવી થઈને  ઉત્તર  આપે  છે, 'સર, અમારા  ફેમિલીમાં  ક્રીતિ જ  એક માત્ર  વ્યક્તિ  છે જેને ફિલ્મ  ઈન્ડસ્ટ્રીનો  અનુભવ  છે. એટલે  મારા કરીઅર  વિશે કોઈપણ નિર્ણય  લેતા હું એની સલાહ  લઉં  એ બહુ સ્વાભાવિક છે. પરંતુ ક્રીતિ  મને  નાની બહેન તરીકે લાડ નથી લડાવતી. ખરૂં પૂછો  તો એ મારી સૌથી ટીકાકાર  છે. મારી  ભૂલો બતાવવાની  એક પણ તક એજતી નથી  કરતી.  એટલે જ હું ક્રીતિને  પ્રેમથી ક્યારેક  છોટી, મમ્મી કહીને  બોલાવું છું.  



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aPVblD
Previous
Next Post »