
જ્હોન અબ્રાહમ કહે છે, મેં ઘણી એક્શન ફિલ્મો કરી છે: હવે હું બોલીવુડની એકાદ રૂપકડી હીરોઇન સાથે પડદા પર લીલુંછમ ઇલુ ઇલુ કરવા થનગની રહ્યો છું.
જ્હોન અબ્રાહમ બોલીવુડનો પ્રયોગશીલ અભિનેતા અને નિર્માતા છે.એક વિચારશીલ અને વાંચનપ્રેમી વ્યક્તિ છે.આજના બોલીવુડનો સાચો હી-મેન છે.જ્હોન અબ્રાહમે રોકી હેન્ડસમ,ફોર્સ,ફોર્સ-૨ અને બાટલા હાઉસ વગેરે એક્શન ફિલ્મોમાં અસલી હી-મેન જેવો અભિનય કર્યો છે.બીજીબાજુ આ જ જ્હોન અબ્રાહમે વીકી ડોનર, પરમાણુ : ધ સ્ટોરી ઓફ પોખરણ અને મદ્રાસ કેફે જેવી પ્રયોગશીલ અને સામાજિક સંદેશો આપતી ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે.
હવે જ્હોન અબ્રાહમ વધુ એક પ્રયોગ કરવા ઇચ્છે છે.જ્હોનનો આ નવો પ્રયોગ છે લવ સ્ટોરીનો.જ્હોન અબ્રાહમ ફોડ પાડીને કહે છે,જુઓ,મેં અત્યારસુધી એક અભિનેતા તરીકે ઘણી એક્શન ફિલ્મોમાં વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે.મારી તે એક્શન ફિલ્મોને દર્શકોનો બહોળો આવકાર પણ મળ્યો છે.આમ છતાં હું હવે લીલોછમ પ્રેમ પણ કરવા ઇચ્છું છું.એકાદ રૂપરૂપના અંબાર જેવી હીરોઇન સાથે ઇલુ ઇલુ કરવા ઇચ્છું છું.પ્રેમનાં મીઠાં મધુરાં ગીતો ગાઇને દર્શકોનું ભરપૂર મનોરંજન કરવા ઇચ્છું છું.મારાં મન-હૃદયમાં પ્રેમના રંગો ભરવા ઇચ્છું છું.
બોલીવુડમાં પ્રવેશ કરતાં પહેલાં ભારતનો સૌથી હેન્ડસમ મોડેલ રહી ચૂકેલો જ્હોન અબ્રાહમ કહે છે,હું મજેદાર અને મન-હૃદય ખરેખર તરબતર થઇ જાય તેવી લવ સ્ટોરીની શોધમાં છું.હું તે માટે પ્રયાસ પણ કરી રહ્યો છું પણ હજી સુધી મને આવી કોઇ પ્રેમ કથા નથી મળી.આમ છતાં હું ફૂલગુલાબી લવ સ્ટોરીવાળી ફિલ્મ જરૂર બનાવીશ.
જ્હોન અબ્રાહમ બહુ મજેદાર મુદ્દો રજૂ કરતાં કહે છે,આમ તો મારી દોસ્તાના નામની એક ફિલ્મી લવ સ્ટોરી અભિષેક બચ્ચન સાથે આવી ગઇ છે. અક્ષય કુમાર સાથે ગરમ મસાલા અને વરૂણ ધવન સાથે ઢીશુમ ફિલ્મમાંં પણ લવ સ્ટોરી છે.આમ છતાં મસ્તીસભર બાબત તો એ છે કે મેં આ બધી લવ સ્ટોરી પુરુષ સાથે કરી છે.સૃષ્ટિના નિયમ મુજબ તો પ્રેમનું મીઠું મધુરું ગીત તો કોઇ સ્વરૂપવાન માનુની સાથે ગાવાનું હોય.કહેવાનો અર્થ એ છે કે હવે હું બોલીવુડની એકાદ રૂપકડી હીરોઇન સાથે પડદા પર લીલુંછમ ઇલુ ઇલુ કરવા થનગની રહ્યો છું.
આમ તો ગયા ઓગસ્ટ-૨૦૧૯માં જ્હોન અબ્રાહમની પોતાના નિર્માણની બાટલા હાઉસ અને ગયા નવેમ્બર-૨૦૧૯માં કોમેડી ફિલ્મ પાગલપંતી રજૂ થઇ હતી.આ બંને ફિલ્મોને દર્શકાનો બહોળો આવકાર પણ મળ્યો હોવાના અહેવાલ પ્રસિદ્ધ થયા હતા.હવે જ્હોનની પોતાની ફિલ્મ નિર્માણ કંપની જ્હોન અબ્રાહમ એન્ટરટેઇનમેન્ટ બાઇક રેસ જેવા વિશિષ્ટ વિષય પર ફિલ્મ બનાવે છે.ખુદ જ્હોન અબ્રાહમે પોતે આ નવી ફિલ્મ વિશે જાહેરાત પણ કરી છે.આમ પણ જ્હોનને વિવિધ ટેકનોલોજી અને સુવિધાવાળી બાઇકનો જબરો શોેખ છે.
એક ઇન્ટર્વ્યુમાં જ્હોન અબ્રાહમે બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહ્યું હતું કે મને વાંચનનો જબરો શોખ છે.હું સમય મળે ત્યારે સાહિત્ય, સંગીત, ઇતિહાસ, વૈશ્વિક રાજકીય પ્રવાહોથી લઇને સામાજિક ઘટનાઆ વિશે સતત જાણકારી મેળવું છું.સાથોસાથ હું નવી,વિશિષ્ટ અને પ્રયોગશીલ કહી શકાય તેવી વાર્તા લખવાનો પણ પ્રયાસ કરું છું. આવી મજેદાર કથા શોધું છું.ખરું કહું તો મેં અત્યારસુધી મારી ફિલ્મ નિર્માણ કંપની દ્વારા દર્શકોને નવા અને ઉત્તમ વિષયોવાળી અને ફિલ્મો આપવાનો પ્રયાસ કર્યો છે અને ભવિષ્યમાં પણ કરતો રહીશ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IIueV4
ConversionConversion EmoticonEmoticon