ગળતેશ્વર, તા.11 માર્ચ 2020, બુધવાર
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગળતેશ્વર મહાદેવ ખાતે ફાગણી પૂનમ નિમિત્તે લાખો શ્રદ્ધાળુઓનુ ધોડાપૂર ઉમટયુ હતુ.હોળી-ધુળેટીના પર્વમાં લાખો યાત્રાળુઓએ શંકર ભોળાનાથના દર્શન અને ગળતી નદીમાં ન્હાવાની મજા માણી હતી. આ લોકમેળા દરમ્યાન તંત્ર દ્વારા પૂરતી તકેદારી જાળવવામાં આવી હતી. જેને કારણે દર વર્ષની જેમ કોઇ અનિચ્છનીય ઘટના ઘટી ન હતી.
ગળતેશ્વર મહાદેવ ઐતિહાસીક પર્યટક સ્થળ છે.ગળતી અને મહીસાગર નદીના સંગમ સ્થળે આવેલ મહાદેવના મંદિરના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે. ફાગણી પૂનમ પર ડાકોર આવેલા અનેક યાત્રીકો ડાકોરથી દસ જ કિલોમીટરના અંતરે આવેલા ગળતેશ્વરધામ ખાતે ે પહોંચ્યા હતા.
જ્યાં ભોળાનાથના દર્શન કરી મહીસાગર નદીમાં સ્નાન કરી પુણ્ય કમાયા હતા. ધૂળેટીની જાહેર રજાના કારણે મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડયા હતા. અમદાવાદ, વડોદરા ઉપરાંત મહેસાણા તથા ગોધરા સહિત અન્ય સ્થળોએથી લાખોની સંખ્યામાં મહેરામણ ઉમટયો હતો. જેને કારણે નદીનો પટ ભરચક બનતા લોકમેળાનો માહોલ જામ્યો હતો.
ગળતેશ્વરના પુરાતન અને ઐતિહાસિક મંદિરમાં મહાદેવજીના દર્શનનો શ્રધ્ધાળુઓએ લ્હાવો લીધો હતો. તહેવારો અને રજાના માહોલને પગલે ગળતેશ્વરમાં પ્રવેશદ્વારથી નદીના પટ અને મંદિર પરિસરની આસપાસ ખાણીપીણી સહિત રમકડાં અને બીજી ચીજ-વસ્તુઓની હાટડીઓ ધમધમી રહી હતી. તહેવારોના આ દિવસોમાં વિવિધ ધંધાર્થીઓએ લાખો રૂપિયાનો ધંધો કર્યો હતો. જ્યારે નદીના મસાણીયા ઘાટ જેવી જોખમી જગ્યાએ ન્હાવા પડવાથી કોઈના ડૂબી જવાનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા ચેતવણીના બોર્ડ મૂકવામાં આવ્યા હતા.
ઉપરાંત એસ.ડી.આર.એફ.ની ટીમને પણ તૈનાત કરવામાં આવી હતી. જ્યારે પોલીસ સ્ટાફ તથા હોમગાર્ડઝ વગેરેનો પણ બંદોબસ્ત ગોઠવાયો હતો. લાખોની સંખ્યામાં ઉમટી પડેલા યાત્રાળુઓના કારણે મંદિર આસપાસના રસ્તાઓ પર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા.અંબાવથી ગળતેશ્વર સુધીના રસ્તા પર આશરે બે કલાક સુધી ટ્રાફીક જામ થયો હતો.જેમાં મહીસાગર ઉપરના પુલ દોઢ કિ.મી વડોદરા જિલ્લાના વરસડા સુધીના રસ્તે પણ ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા.
ગળતેશ્વર મહાદેવ ખાતે આવેલ સંત આશ્રમના સેવક ભરતભાઇ દ્વારા ભૂખ્યાને વિના મૂલ્યે ભોજન પૂરુ પાડવામાં આવ્યું હતુ.દુર દુરથી આવતા યાત્રાળુઓએ ભોજનનો લ્હાવો લઇ ધન્યતા અનુભવી હતી.
વાયરસના ભયથી ધાર્મિક સ્થળોએ પાણી વિના રંગોત્સવ મનાવાયો
આ વર્ષે કોરોના વાયરસની અસર જિલ્લામાં ચારેકોર વર્તાઇ હતી. જેને કારણે કેટલાંક સ્થળોએ સ્થાનિકોએ પાણી વગર ધુળેટી રમી હતી. તો આ કોરોના વાયરસની અસર ધાર્મિક સ્થળોએ પણ જોવા મળી હતી. સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ યાત્રાદામ વડતાલ ખાતે કોરોના વાયરસને પગલે હોળી- ધુળેટીના જાહેર કાર્યક્રમો રદ કર્યા હતા અને પાણીની સેર વિનાનો રંગોત્સવ ઉજવાયો હતો. તે જ રીતે સેવાલિયા સ્થિત વડતાલ તાબાના શ્રીસ્વામિનારાયણ મંદિરમાં દર વર્ષે ઉજવાતા ડોલોત્સવ કાર્યક્રમ આ વર્ષે ઉજવાયો ન હતો.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39IQMB5
ConversionConversion EmoticonEmoticon