આણંદ જિલ્લામાં ધો. 10માં ગણિતના પેપરમાં 962 છાત્રો ગેરહાજર રહ્યા


આણંદ, તા.11 માર્ચ 2020, બુધવાર

એસએસસી-એચએસસીની બોર્ડની પરીક્ષાઓમાં બુધવારના રોજ ધો.૧૦માં વિદ્યાર્થીઓની બુધ્ધિ કસોટી કરતા ગણિત વિષયની પરીક્ષા યોજાઈ હતી. ધો.૧૦ની ગણિત વિષયની પરીક્ષામાં આણંદ જિલ્લાના ત્રણ ઝોનમાં મળી કુલ ૯૬૨ વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. જો કે ગણિત વિષયનું પેપર કઠિન રહેતા બાળકોના મુખ ઉપરથી સ્મિત ગાયબ થઈ ગયું હતું. જ્યારે બપોર બાદ ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર વિષયની તેમજ ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહમાં જીવવિજ્ઞાાન વિષયની પરીક્ષા યોજાઈ હતી.

શિક્ષણ બોર્ડ દ્વારા યોજાતી ધો.૧૦-૧૨ની પરીક્ષાઓનો ગત તા.૫મી માર્ચના રોજથી પ્રારંભ થયો હતો. આણંદ જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર પરીક્ષા આપી રહ્યા છે. ધો.૧૦માં બુધવારના રોજ ગણિત વિષય માટે પરીક્ષા યોજાઈ હતી. 

અન્ય વિષયની સરખામણીમાં ધો.૧૦ના વિદ્યાર્થીઓ માટે ગણિતનો વિષય બુધ્ધિ કસોટીનો હોઈ વિદ્યાર્થીઓની સાથે-સાથે વાલીઓના મુખપૃષ્ટ ઉપર પણ ચિંતા જોવા મળી હતી. જો કે એમસીક્યુ સહિતના પ્રશ્નો એકંદરે કઠિન રહેતા પરીક્ષા પત્યા બાદ વિદ્યાર્થીઓના મુખ ઉપર ચિંતા વર્તાઈ રહી હતી. સાથે સાથે એમસીક્યુ તથા સમીકરણ, ઘનફળ સહિતના પ્રશ્નોમાં વિદ્યાર્થીઓની બુધ્ધિ કસોટી કરવામાં આવી હોવાનું શિક્ષણ તજજ્ઞાો જણાવી રહ્યા છે.

ધો.૧૦ની બોર્ડની પરીક્ષામાં ગણિત વિષયની પરીક્ષામાં પેટલાદ ઝોનમાં ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમમાં કુલ ૧૦૯૮૭ વિદ્યાર્થીઓ પૈકી ૧૦૭૧૪ હાજર તથા ૨૭૩ ગેરહાજર તેમજ સંસ્કૃત પ્રથમામાં કુલ ૨૬ વિદ્યાર્થીઓ પૈકી ૨૪ હાજર અને ૨ ગેરહાજર વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

જ્યારે આણંદ ઝોનમાં ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં ૧૩૬૪૮ હાજર અને ૩૭૬ વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. તેમજ આંકલાવ ઝોનમાં ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં મળી કુલ ૧૦૩૭૨ વિદ્યાર્થીઓ પૈકી ૧૦૦૫૯ હાજર અને ૩૧૩ ગેરહાજર વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આમ, જિલ્લાના ત્રણેય ઝોનમાં મળી કુલ ૯૬૨ વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા છે.બપોર બાદ ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર વિષયની જ્યારે વિજ્ઞાાન પ્રવાહમાં જીવવિજ્ઞાાન વિષયની પરીક્ષા યોજાઈ હતી.

આણંદ જિ.માં ધો-12માં ત્રણ કોપી કેસ નોંધાયા

બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા શિક્ષણ વિભાગ દ્વારા બાજ નજર રખાઈ રહી છે. ત્યારે આણંદ જિલ્લાનાં પેટલાદની એન કે હાઈસ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં ધોરણ-૧૨ સાયન્સમાં બાયોલોજીના પેપરમાં ગેરરીતિ આચરતો એક વિદ્યાર્થી પકડાતા તંત્ર દ્વારા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આણઁદની સ.વ. પટેલ હાઇસ્કૂલમાં ધો.૧૨ સા.પ્ર.ની પરીક્ષામાં ગેરરિતી આચરતા બે છાત્રો પકડાયા હતા.

ધો. 12 વિ.પ્ર.માં 41 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા

ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહમાં બપોર બાદ યોજાયેલ જીવવિજ્ઞાાનની પરીક્ષામાં ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં મળી કુલ ૩૬૬૧ વિદ્યાર્થીઓ પૈકી ૩૬૨૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૪૧ વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા યોજાઈ હતી. જેમાં કુલ ૯૮૭૪ વિદ્યાર્થીઓ પૈકી ૯૭૨૮ હાજર અને ૧૪૬ વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aMnzoJ
Previous
Next Post »