આણંદ, તા.11 માર્ચ 2020, બુધવાર
માર્ચ માસની શરૂઆત સાથે જ સમગ્ર આણંદ જિલ્લામાં ધીમે ડગલે ઉનાળાની ઋતુનો પ્રારંભ થયો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. જો કે છેલ્લા બે દિવસથી આણંદ જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ રહેતા ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. આગામી બે દિવસ દરમ્યાન જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. સાથે સાથે કમોસમી વરસાદની સંભાવના ન હોવાનું હવામાન વિભાગ સૂત્રોએ જણાવ્યું છે.
અફઘાનિસ્તાન તેમજ આસપાસના વિસ્તારમાં લો પ્રેશર સીસ્ટમ સક્રિય થતા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્પન્ન થવાના કારણે સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આણંદ જિલ્લાના વાતાવરણમાં બુધવારના રોજ અચાનક પલ્ટો આવ્યો હતો. વહેલી સવારથી જ આકાશમાં વાદળો છવાઈ ગયા હતા અને વાદળો તેમજ સૂર્યદેવતા વચ્ચે સંતાકૂકડીનો ખેલ ચાલતો હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ફેબુ્રઆરીના અંતિમ સપ્તાહથી ધીમે-ધીમે તાપમાનનો પારો ઉંચે ગયો હતો અને માર્ચ માસના પ્રારંભ સાથે જ ઉનાળાની ગરમીનો પ્રારંભ થયો હોય તેવો અનુભવ જિલ્લાવાસીઓએ કર્યો હતો. પરંતુ છેલ્લા બે દિવસથી સમગ્ર જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ રહેતા ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. સાથે સાથે પવનની ગતિ પણ સામાન્ય કરતા વધુ રહેતા મોડી રાત્રિના સુમારે આંશિક ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગરમી અને ઠંડીની બેવડી ઋતુને લઈને જિલ્લામાં શરદી, તાવ, ઉધરસ તથા વાયરસ ઈન્ફેક્શનના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.
બુધવારના રોજ જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ રહેતા ખેડૂતોમાં ચિંતાની લાગણી વ્યાપી જવા પામી છે. નોંધનીય છે કે ગત સપ્તાહ દરમ્યાન પણ આણંદ જિલ્લાના કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ પણ વરસ્યો હતો.આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા મુજબ બુધવારના રોજ જિલ્લાનું મહત્તમ તાપમાન ૩૧.૦ ડિ.સે., લઘુત્તમ તાપમાન ૧૯.૦ ડિ.સે. અને સરેરાશ તાપમાન ૨૫.૦ ડિ.સે. નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૮૬%, પવનની ઝડપ ૫.૮ કિ.મી./કલાક અને સૂર્યપ્રકાશ ૯.૭ નોંધાયો હતો. અફઘાનિસ્તાન તેમજ આસપાસના વિસ્તારમાં લો પ્રેશર સર્જાવાના કારણે અરબ સાગરમાંથી ઉત્તર પશ્ચિમ ભારત તરફ ભેજવાળા પવન ફુંકાવાના કારણે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે.
આગામી બે થી ત્રણ દિવસ દરમ્યાન જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ રહેશે પરંતુ આણંદ જિલ્લામાં કમોસમી વરસાદ વરસવાની સંભાવના ન હોવાનું હવામાન વિભાગ સૂત્રોએ જણાવ્યું હતું.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Qnwa9V
ConversionConversion EmoticonEmoticon