
દેશમાં તાજેતરમાં શિયાળાની ઠંડી સમાપ્ત થતાં તથા હવે ઉનાળાની ગરમી શરૂ થતાં ખાંડ બજારમાં માગ ફરી વધી આવ્યાના નિર્દેશો વહેતા થયા છે. જોકે લગ્નસરાની મોસમ હવે પુરી થઈ રહી છે તથા હોળી પૂર્વે કમુરતાનો સમય આવતાં આ દરમિયાન ખાંડમાં બલ્ક વપરાશી માગ ધીમી પડવાની ગણતરી બતાવાઈ રહી છે. જોકે હોળી-ધૂળેટીના તહેવાર પૂર્વે ખાંડ બજારમાં મોસમી માંગ દેખાવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા છે. દરમિયાન, ખાંડમાં જથ્થાબંધ બજારમાં હાલ ભાવ બેતરફી વધઘટ વચ્ચે અથડાતા જોવા મળ્યા છે. નવી મુંબઈ ખાંડ બજારમાં કિવ.દીઠ ખાંડના જથ્થાબંધ ભાવ હાજરમાં એસ ગ્રેડના રૂ.૩૨૫૦થી ૩૨૬૦ તથા મિડિયમ ગ્રેડના રૂ.૩૩૫૦થી કરીને ઊંચામાં રૂ.૩૫૯૦થી ૩૫૯૫ આસપાસ બોલાતા જોવા મળ્યા છે. નાકા ડિલીવરીના ભાવ નીચામાં રૂ.૩૨૦૦થી ૩૨૧૦ તથા ઉંચામાં રૂ.૩૪૭૦થી ૩૪૮૦ વચ્ચે અથડાતા જોવા મળ્યા છે. દરમિયાન દેશમાં ખાંડ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતાં ધી ઈન્ડિયન સુગર મિલ્સ એસોસીએશનના જણાવ્યા મુજબ દેશમાં ચાલુ વર્ષે ૨૦૧૯-૨૦ની ખાંડ મોસમમાં ખાંડનું ઉત્પાદન ૨૬૫ લાખ ટન થવાનો અંદાજ તાજેતરમાં રજૂ કર્યાના વાવડ મળ્યા છે. જોકે આ પૂર્વે આ અંદાજ ૨૬૦ લાખ ટન બતાવાતો હતો તે હવે સહેજ ઉંચો મૂકાતો થયો છે. દેશમાં દર વર્ષે ખાંડની નવી મોસમ ઓકટોબરમાં શરૂ થાય છે તથા ત્યારપછીના વર્ષમાં સપ્ટેમ્બરમાં પૂરી થાય છે.
જોકે ચાલુ વર્ષના ઉત્પાદનનો અંદાજ તાજેતરમાં અગાઉના અંદાજ કરતાં ભલે પાંચ લાખ ટન જેટલો વધારવામાં આવ્યો છે છતાં પાછલા ખાંડ વર્ષ ૨૦૧૮-૧૯ની સરખામણીએ વર્તમાન વર્ષ ૨૦૧૯-૨૦માં દેશમાં ખાંડનું કુલ ઉત્પાદન આશરે ૧૮ ટકા ઓથું થવાની ગણતરી બજારના જાણકારો બતાવી રહ્યા છે. મહારાષ્ટ્ર તથા કર્ણાટકમાં ચોંમાસા દરમિયાન ભારે વરસાદના પગલે શેરડીના ઉભા પાકને નોંધપાત્ર ફટકો પડયો હતો. તથા આ વિસ્તારમાં ઘણી જગાએ તો વ્યાપક પુર પણ આવતા શેરડીનો ઘણો પાક ધોવાઈ ગયો હતો. આના પગલે મહારાષ્ટ્ર તથા કર્ણાટકમાં આ વર્ષે ખાંડના ઉત્પાદન પર પ્રતિકૂળ અસર પડી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. દેશમાં થતાં ખાંડના કુલ ઉત્પાદનમાં મહારાષ્ટ્ર તથા કર્ણાટક મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે.
દરમિયાન, ખાંડ ઉદ્યોગના જાણકારોના જણાવ્યા મુજબ ઈથેનોલના ઉત્પાદન તરફ તાજેતરમાં શેરડીનો વધુ જથ્થો વળતો થતાં તેના પગલે પણ ખાંડ બનાવવા માટે તેટલા પ્રમાણમાં ઓછી શેરડી ઉપલબ્ધ બનતાં તેની અસર પણ ખાંડના ઉત્પાદન પર પડતી જોવા મળી છે. દરમિયાન, દેશમાં ઉત્પાદન ઘટી રહ્યાના એંધાણ વચ્ચે ખાંડ મિલોને શેરડી ઉગાડતા ખેડૂતોને બાકી નિકળતા પેમેન્ટના આંકડા તાજેતરમાં બહાર આવ્યા છે. આ આંકડા મુજબ ખાંડ મિલોએ હજી આવું આશરે રૂ.૨૪૦૦ કરોડ જેટલું પેમેન્ટ શેરડી ઉગાડતા ખેડૂતોને કરવાનું બાકી રહ્યું છે. પાછલી બે ખાંડ મોસમનું આ પેમેન્ટ બાકી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. આ પ્રશ્ને ખાંડ ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા મુજબ ૨૦૧૭-૧૮ની ખાંડ મોસમ તથા ૨૦૧૮-૧૯ની ખાંડ મોસમ દરમિયાન દેશમાં ખાંડનું ઉત્પાદન ઉંચું રહેતાં ખાંડના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા અને તેના પગલે ખાંડ મિલોમાં રોકડ પ્રવાહિતાને પણ તેની અસર પડી હતી.તેના પગલે ખેડૂતોને થતી ચૂકવણીમાં વિલંબ થયાનું જાણકારોએ જણાવ્યું હતું. જોેકે આ દરમિયાન મિલોએ ૨૦૧૭-૧૮ની ખાંડ મોસમનું આવું રૂ.૮૪૯૦૦ કરોડનું પેમેન્ટ ખેડૂતોને ચૂકવ્યું છે ઉપરાંત ૨૦૧૮-૧૯ની ખાંડ મોસમનું આવું આશરે રૂ.૮૪૭૦૦ કરોડનું પેમેન્ટ પણ ખાંડ મિલો દ્વારા ખેડૂતોને કરી દેવામાં આવ્યું છે. આ જોતાં હવે ખેડૂતોને ચૂકવવાની બાકી નિકળતી રકમનો આંકડો ખાસ્સો નીચો ઉતર્યો છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3akANcg
ConversionConversion EmoticonEmoticon