
દેશમાં ઈન્ફ્રાસ્ટ્રકચરને લગતી તમામ યોજનાઓમાં ક્રાંતિ લાવવા, કાયાપલટ કરવા ધ નેશનલ ઈન્ફ્રાસ્ટ્રકચર પાઈપલાઈન (એનઆઈપી)એ ૧૦૨ ટ્રિલિયન રૂપિયા ખરચવાની યોજના બનાવી છે. આ બ્લૂપ્રિન્ટ પ્રમાણે ૨૦૨૫ સુધીમાં દેશના માર્ગો, રેલવે, વીજળી, પાણી, પરિવહન ઈત્યાદિ માળખાકીય સુવિધાઓની કાયાપલટ થઈ જશે અને અમુક નવી અસ્તિત્વમાં આવશે. યોજના અથવા ઈચ્છા કાગળ પર તો રંગીન છે પણ એને પૂરી કરવા આર્થિક ભંડોળ ક્યાંથી ઊભું કરાશે એ બાબતની ચોખવટ કરવાની ચિંતા પણ કેન્દ્ર સરકારે કરી નથી.
બેન્કોની ધિરાણ ધીરવાની મર્યાદા આસ્તે આસ્તે ઓછી થતી જાય છે, એનપીએનું કદ વિસ્તરતું જાય છે, બોન્ડ માર્કેટમાં અગાઉ જેવો કસ રહ્યો નથી અને નાણાંકીય ખાદ્યનો આંકડો વધતો જાય છે એ સંજોગોમાં ૧૦૦ ટ્રિલીયનથી અધિક રૂપિયા સરકાર પાસે આવશે ક્યાંથી? શેરબજાર તથા કોર્પોરેટ કંપનીઓ અત્યારે અચોક્કસતાના વાતાવરણમાં ગજાવી રહ્યું છે. દેશમાં ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસને લગતો મુદ્દો હાથમાં લેવાની તક ફરી એક વાર બજેટમાં મૂકાઈ ગયો છે. કહો એની અવગણના કરવામાં આવી છે. એનઆઈટીની ગણતરી હતી કે આ પાંચ વરસમાં ખાનગી ક્ષેત્ર એક સાથે ૨૨ ટ્રિલીયન રૂપિયાનું યોગદાન આપશે અને પછી પ્રત્યેક વરસે બેથી ત્રણ ટ્રિલીયન રૂપિયા માળખાકીય યોજનાઓમાં રોકશે. પણ આ ગણતરી ખોટી પુરવાર થઈ છે.
ખાનગી ક્ષેત્ર માળખાકીય ક્ષેત્રોમાં રોકાણ કરે એ માટે બજેટ યોગ્ય પ્લેટફોર્મ હતું. યોજનાઓ રજૂ કરવાનું. હકીકતમાં આર્થિક બાબતોના નિષ્ણાતો માનતા હતા કે નાણાપ્રધાન બજેટમાં આ ક્ષેત્રને ઉત્તેજન મળે એ માટે અનેક ઘોષણાઓ કરશે. પરંતુ એનઆરઆઈને મળતી વ્યાજની આવક પર રાહત ત્રણ વરસ લંબાવવી, કોર્પોરેટ બોન્ડમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટની મર્યાદા નવ ટકાથી વધારી પંદર ટકા કરવી જેવા છૂટાછવાયા પગલાં સિવાય બજેટ ઈન્ફ્રાસ્ટ્રકચરની બાબતે લગભગ મૌન રહ્યું છે. આ ઘોષણાઓ સારી છે અને એનું સ્વાગત છે. પરંતુ આને કારણે માળખાકીય ક્ષેત્રની ગતિ ઝડપી બને એવી અપેક્ષા રાખવી વધુ પડતી ગણાશે.
નિકટના ભૂતકાળમાં પણ કેન્દ્ર સરકારે આવા ગતકડા કર્યા છે. ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, રીયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, ક્રેડિટ વધારવી, પેન્શન ફન્ડ અને ઈન્સ્યોરન્સ કંપનીઓની ભાગીદારી ઈત્યાદિ. આ તમામ નિર્ણયો ખોટા ન'તા સારા હતા. પણ મદદગાર સાબિત થાય એ અપેક્ષા રાખવી એ મૂર્ખતા હતી. હકીકતમાં ભારતમાં કોર્પોરેટ બોન્ડની બજાર થાઈલેન્ડ અને મલેશિયા જેવા નાનકડા દેશો કરતાં પણ નાની છે. યોગ્ય નિર્ણય કરવામાં આવે, નિયંત્રકોની દ્રષ્ટિએ ક્રાંતિકારી કહી શકાય એવા સુધારા કરવામાં આવે, નવા આર્થિક ઈન્સ્ટ્રુમેન્ટ લાવવામાં આવે તો અબજો રૂપિયા માળખાકીય ક્ષેત્ર આકર્ષી શક્વા શક્તિમાન છે. બજેટ ઈન્ફ્રાસ્ટ્રકટચરક્ષેત્રને દિશા-નિર્દેશ કરવા નિષ્ફળ નીવડયું છે. હકીકતમાં માળખાકીય ક્ષેત્ર આર્થિક ભંડોળની કુલ જરૂરિયાતના ૪૦થી ૮૦ ટકા માટે કમર્શિયલ બેન્કો પર આધાર રાખે છે.
રસપ્રદ છે કે ઘરેલું બેન્કો પાસે ક્ષમતા પણ નથી અને ઈન્ફ્રાસ્ટ્રકચર ધિરાણ માટેનું કોઈ જ્ઞાાન પણ નથી. પ્રાઈવેટ સેક્ટર તો જ ઈન્વેસ્ટ કરશે જો માળખાકીય યોજનાઓ સમયસર પૂરી થશે અને એમાં ઉમેરો થતો રહેશે. ઉલ્લેખનીય છે કે દેશમાં ૩૮૬ મોટા પ્રોજેકટ અટવાઈને પડયા છે. એમાં એકથી અધિક વરસનો વિલંબ થયો છે. ડઝનેક પ્રોજેકટનો છ વરસથી ડબ્બાબંધ છે. નિયમો, નિયમનકારી સંસ્થાઓ, સરકારી નીતિઓ કર્મચારી સાથે કરાર અંગે અવઢવ, મંજૂરીઓમાં વિલંબ ઈત્યાદિને કારણે રોકાણકારોને ચિંતા છે. પ્રોજેકટને લઈને પ્રવર્તતી અચોક્કસતા અન ેજોખમને કારણે તેઓ વધુ રોકાણ કરતાં ડરે છે. નાની ફાઈનાન્સ બેન્કોને મળેલી સફળતા પછી પણ ઈન્ફ્રાસ્ટ્રકચર બેન્ક અંગે નિર્ણય લેવાયો નથી.
છેલ્લાં પાંચ વરસથી બેન્કોની એનપીએના છબરડા બહાર આપતા રહે છે. મોટી મોટી કંપનીઓ દેવાળું ફૂંકે છે અને બેન્કો (પ્રજા)ના નાણા સલવાય જાય છે. વિજય માલ્યા, નિરવ મોદી અને મેહુલ ચોક્સી, પીએમસી બેન્ક, લિસ્ટ લાંબુ છે અને કમનસીબી એ છે કે લાંબુ થતું જાય છે. કમર્શિયલ બેન્કની નિષ્ફળતામાંથી આ સરકારે ઘડો નથી લીધો એવો મત ત્યારે વધુ દ્રઢ બને છે જ્યારે નોન પરફોર્મિંગ અસેટનો ખડકલો સતત મોટો થતો જાય છે. બજેટમાં પાસે આશા હતી કે ડેવલપમેન્ટ ફાઈનાન્સ ઈન્સ્ટિટયુશન (ડીએફઆઈ)ની સ્થાપના થશે જે લાંબા ગાળાનું ધિરાણ લેશે અને પછી આપશે, અલબત્ત, માળખાકીય યોજનાઓમાં રહેલી સંભાવના અને જોખમને તરાશશે પણ એ ફળીભૂત નથી થઈ.
છેલ્લા દાયકામાં ભારતે જેટલી પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (પીપીપી) કાર્યક્રમની જાહેરાત કરી છે એ અદ્રિતીય છે વિશ્વમાં આ આંકડો સૌથી મોટો છે. પરંતુ જમીની સતર પર એનો ફાયદો મળ્યો હોય એવા એંઘાણ દૂરદૂર દેખાતા નથી. જમીન, નાણા અને અન્ય સ્ત્રોતોથી આડેધડ ફાળવણી કરવામાં આવી છે. આ યોજનાઓમાં જે વિવાદો થયા છે એનું નિરાકરણ લાવવા કોઈ યંત્રણા જ નથી. ઈન્ફ્રાસ્ટ્રકચર યોજનાઓ એક પડકાર છે. હકીકતમાં આ વિરાટ કાર્ય માટે સરકારે અલાયદા મંત્રાલયની રચના કરવી જરૂરી છે. બાકી પાંચ ટ્રિલિયનના અર્થતંત્ર બનાવવા માટે ધ નેશનલ ઈન્ફ્રાસ્ટ્રકચર પાઈપલાઈન માત્ર એક આભાસ બની ઊભો રહેશે. પાંચ વરસ પછી એના નક્કર પરિણામો નહિં દેખાય.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39pFSQB
ConversionConversion EmoticonEmoticon