કેટલીક જૂની માન્યતાઓ પાછળના તર્કવિતર્ક


જે સાવરણીએ બીજી હજાર ગંદી જગ્યાઓ સાફ કરેલી હોય તે સાવરણી જો રસોડામાં વાપરીએ તો રસોડું સાફ થવાને બદલે વધારે ગંદુ જ થાય ને?  

પરાપૂર્વથી ચાલી આવતી પ્રચલિત માન્યતાઓ આજે પણ આપણા જીવનમાં વણાયેલી છે. પરંતુ તેનો હેતુ સમજ્યા વગર ફક્ત માન્યતાને ખાતર અથવા તો ક્યારેક જડતાપૂર્વક પણ આપણે જૂના રિવાજો  પાળ્યા કરીએ છીએ.

એમાંના કેટલાંક આ પ્રમાણે છે.

* રસોડામાં ચંપલ પહેરી શકાય નહિ.

* રસોડામાં રાંધવાની જગ્યાએ સાવરણીથી કચરો વાળી શકાય નહીં.

* રાતના સમયે પૈસાની લેવડદેવડ થઈ શકે નહીં.

* બહારગામ કે શુભકામ કરવા જઈએ ત્યારે દૂધ પીવું તે અપશુકન અને દહીે લેવું તે શુકન છે.

* માસિક ધર્મમાં આવેલી બહેનો જો કોઈ વસ્તુ કે વ્યક્તિને સ્પર્શી લે તો તે અપવિત્ર થઈ જાય.

અમુક માન્યતાઓ છે તો તે શા માટે છે અથવા તો આપણા વડીલોએ આમ કરવાનું શા માટે મુનાસિબ ગણ્યું હશે એ વિશે આપણે કદી વિચારતા જ નથી!

પહેલી વાત તો  છે રસોડામાં ચંપલ ન પહેરવાં અંગેની! પહેલાંના સમયની સગવડો પ્રમાણે તે માન્યતા બિલકુલ બરાબર હતી. ચંપલ પહેરીને બહાર આપણે ગમે ત્યાં ગયા હોઈએ તે રસ્તાની ગંદકી ચંપલમાં ચોંટેલી હોય અને તે રસોડામાં આવે તો અશુદ્ધિ ગંદકી જ આવી કહેવાય ને? એટલે રસોડું સાફ સૂથરું રાખવા માટે આપણા વડીલોએ આરોગ્યની જાળવણી માટે જે નિયમ બનાવ્યો તેને આજે પણ વળગી રહેવું કેટલે અંશે યોગ્ય છે? આજે ઘરમાં લાદી હોય છે જે શિયાળામાં સખત ઠરે છે.

આ ઠંડીથી બચવા જો રબ્બરના સ્લીપર જે માત્ર ઘરમાં જ પહેરતા હોય, તે  પહેરવામાં શો વાંધો હોઈ શકે? રસોડામાં ચંપલ ન પહેરવાના નિયમને જડતાપૂર્વક વળગી રહેવામાં આવે તો ઠંડી લાગવાથી માંદા પણ પડી જવાય અને જે આરોગ્ય જાળવવા માટે નિયમ બનાવાયેલા હોય એ આરોગ્ય જ સમૂળગું કથળી જાય. આમ તમને નથી લાગતું  કે જૂના રિવાજોને હાલના સંદર્ભમાં વિચારવા જોઈએ?

જ્યાં રાંધવામાં આવે છે તે રાંધવાની ખાસ જગ્યાએ સાવરણીનો ઉપયોગ થાય નહિં. શા માટે? સહેલી વાત છે. જે સાવરણીએ બીજી હજાર ગંદી જગ્યાઓ સાફ કરેલી હોય તે સાવરણી જો રસોડામાં વાપરીએ તો રસોડું સાફ થવાને બદલે વધારે ગંદુ જ થાય ને? આમાં પણ આરોગ્યનો જ સાદો સીધો નિયમ આપણા વડીલોએ વણી લીધો છે. વિચાર કરતાં જણાય છે કે જે સાવરણી માત્ર રસોડું જ સાફ કરવા પૂરતી વપરાતી હોય તેનો ઉપયોગ તો રાંધવાની જગ્યા સાફ કરવા માટે પણ થઈ જ શકે! એમાં ગંદકી થવાનો સવાલ ઊભો થતો નથી.

રાતના સમયે કચરો વાળી શકાય નહિ કે રાતના સમયે પૈસાની લેવડ દેવડ થઈ શકે નહીં. આ રિવાજ પણ જૂના જમાનાથી સગવડોને અનુલક્ષીને જ પડયો હોવો જોઈએ. સીધી સાદી વાત છે કે જે જમાનામાં વીજળી નહોતી તે સમયે રાતના પૂરું દેખાય ખરું? દીવાના કે ફાનસના અજવાળે પૈસા  ગણવામાં ભૂલ પણ થઈ શકે. કિંમતી દાગીના લે*મૂક કરવામાં કંઈ ચૂક થાય તો? વળી રાતના કચરો વાળતાં જો ઓછા અજવાળે બરાબર સૂઝે નહિં તો કોઈ કિંમતી ચીજ પણ કચરામાં સાફ થઈને ફેંકાઈ જાય અને ખબર પણ ન પડે!  હવે આજના નીઓન લાઈટ, સોડિયમ લાઈટને ફ્લોરેસન્ટ લાઈટના જમાનામાં આ બ ધા રિવાજોને વગર વિચાર્યે વળગી રહેવું કેટલે અંશે યોગ્ય છે!

માસિક ધર્મમાં આવેલી બહેનો અપવિત્ર ગણાય છે. તે કોઈ વસ્તુ કે વ્યક્તિને સ્પર્શી જાય તો ઘોર પાપ થયું હોય એમ કેટલીક જૂના વિચારો ધરાવતી વ્યક્તિઓ વર્તવા લાગે છે! હવે આપણે વિચાર કરીએ કે માસિકધર્મમાં આવેલી બહેનો  માટે ક્યાંય  પણ અડી શકાય નહીં એવો નિયમ કેમ બનાવવામાં આવ્યો? દરેક બહેનનો અનુભવ છે કે એ દિવસોમાં સામાન્ય કરતાં વધુ આરામની જરૂર પડે છે. આ સ્થિતિ વિચારીને જૂના લોકોએ નિયમ જ બનાવી દીધો કે એ બહેને ક્યાંય અડવું જ નહિ.

પછી કામ કરવાનો પ્રશ્ન જ ન રહે.  અને એવી રીતે આપોઆપ તેને આરામ મળી જાય. પણ આપણે તો આજે પણ તેનો મૂળ હેતુ ભૂલી જઈને ચુસ્તપણે જ વર્ષોથી મનાતું આવ્યું છે તે વળગીને જ બેઠેલા છીએ! આપણા પૂર્વજો રજસ્વલા સ્ત્રી પર કોઈ સાસુ સસરા ઘરકામની ફરજ લાદે નહી, તેને પજવે નહીં તેથી આ ત્રણ ચાર દહાડા તેને છેટે બેસવાનું ધાર્મિક બહાનું હાથવગું કરી ગયા છે!

આવી જ વાત છે દહીંના શુકનની. ને દૂધના અપશુકનની. દહીંમાં આમ્લરસ છે. પાચક છે એટલે તે સ્વાભાવિક રીતે જ મુસાફરી કરનારને તકલીફ ન આપે જ્યારે દૂધમાં  આ તત્ત્વ નથી એટલે મુસાફરીમાં તે પચે નહિ અને તકલીફકર્તા બને એવું થાય ખરું! તે પરથી કદાચ આ રિવાજ પડયો હોવો જોઈએ. પણ  હવે જૂની માન્યતાઓને નવા વાતાવરણમાં નવેસરથી વિચારવાનો સમય પાકી ગયો છે. દૂધથી ઘણી વ્યક્તિને ગેસ થાય, પિત્ત પ્રકોપ વધે એટલે મુસાફરી પૂર્વે દૂધ ન પીવાની સલાહ અપાય છે.

આમ જૂની માન્યતાઓ સાવ ખોટી નથી. પરંતુ તેને ભારપૂર્વક અનુસરતા પહેલાં તેની વૈજ્ઞાાનિક તર્કબધ્ધતા ચકાસી લેવી જોઈએ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aCvMf2
Previous
Next Post »