આયુર્વેદની અનમોલ ભેટ: સુવર્ણપ્રાશન


''સુવર્ણપ્રાશન'' સંસ્કાર આજનાં જાગૃત માતા-પિતા માટે નવું નામ નથી. આયુર્વેદમાં આ સંસ્કાર 'પુષ્યનક્ષત્ર'નાં દિવસથી શરૂ કરવાનું આચાર્યોનું વિધાન છે. આ સંસ્કાર બુધ્ધિવર્ધક તરીકે સ્થાપિત થયેલો છે. બુધ્ધિશક્તિ માટે તથા રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ સંસ્કાર કરવામાં આવે છે.

આજનાં ટેકનોલોજી અને કોમ્પ્યુટરનાં યુગની બાળકોની જનરેશન તેમની ઉંમરની સરખામણીએ વધુ હોંશિયાર અને બુધ્ધિશાળી જોવા મળે છે, પરંતુ તેની સાથે-સાથે બાળકોમાં જૂની પેઢી કરતા વધારે માનસિક નબળાઇઓ જોવા મળે છે, જેમ કે આજની પેઢીનાં બાળકોમાં જીદ્દીપણું, ચિડીયાપણું, આક્રોશ-ગુસ્સો વગેરે ઉંમરના કરતા ઘણો વધારે જોવા મળે છે. વળી, બાળક સહેજ મોટું થતાં ટેન્શનવાળું અને સ્ટ્રેસફુલ માઈન્ડ વાળું થઇ જાય છે.

સહનશક્તિ અને સમજશક્તિનો તથા ધીરજનો નવી પેઢીનાં બાળકોમાં મોબાઇલ કે કોમ્પ્યુટર ન હોવાથી અમુક પ્રકારનું જ્ઞાાન ભલે બાળકો પાસે નહોતું પરંતુ તેમનાં મગજ તનાવમુક્ત ચોક્કસ હતાં. બાળકોનાં મગજનો વિકાસ સુંદર રીતે થાય તે માટે આયુર્વેદમાં બાળકનાં ગર્ભવિકાસ દરમિયાન જ ગર્ભિણી માતા માટે નવ માસ દરમિયાનનાં આહાર-વિહાર, પરિચર્યા વગેરેની સુંદર સમજ આપેલી છે. જેનું પાલન ગર્ભિણી સ્ત્રી વૈદ્યની સલાહ મુજબ કરેલ છે, નવ માસ પછી શારીરિક અને માનસિક બંને રીતે તંદુરસ્ત બાળક મેળવી શકે છે. આજનાં સમયમાં જ્યારે ઘરમાં એક કે બે જ બાળકો હોય ત્યારે જરૂરી છે કે, માતાને પ્રેગનન્સી રહે કે તુરંત જ વૈદ્યકીય સલાહ લેવી જોઇએ, જેથી શારીરિક અને માનસિક બંને રીતે તંદુરસ્ત બાળક મેળવી શકાય.

પરંતુ જે માતાઓ ગર્ભવસ્થા દરમિયાન આવી કોઇ વિશેષ કાળજી લઇ શકી નથી તેમણે  પણ  ગભરાવાની કે પસ્તાવો કરવાની જરૂર નથી.  આયુર્વેદમાં બાળકનાં જન્મથી લઇ તે ૧૨ વર્ષનું થાય ત્યાં સુધી કરી શકાય તેવો ''સુવર્ણપ્રાશન''નો શ્રેષ્ઠનો સંસ્કાર બતાવેલો છે. જેને બ્રેઇનટોનીક પણ કહી શકાય છે. ''સુવર્ણ'' એટલે ''સોનું'' અને ''પ્રાશન'' એટલે ''ચટાડવું'' સુવર્ણભસ્મની સાથે બ્રાહ્મી, શંખપુષ્પી, વચા જેવી બુધ્ધિશક્તિ વર્ધક ઔષધોને મેળવીને આ પ્રાશન તૈયાર કરવામાં આવે છે. તેનાથી બાળકની બુધ્ધિશક્તિ, યાદશક્તિ તથા રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ સુવર્ણપ્રાશન જન્મથી લઇને ૧૨ વર્ષનાં બાળકો માટે ખૂબ જ લાભદાયક છે. ૧૨ વર્ષ સુધી બાળકોમાં મગજ અને બુધ્ધિશક્તિનો વિકાસ ખૂબ ઝડપથી થતો હોય છે. એટલે તો, કહેવત છે કે, ''બારે બુધ્ધિ, સોળે શાન અને વીસે વાન''.

બુધ્ધિશક્તિ ઉપરાંત સુવર્ણ એ સૂક્ષ્મતાનાં ગુણથી બાળકનાં દરેક સ્ત્રોતસમાં ફેલાઇને બાળકની ઈમ્યુનીટી - રોગપ્રતિકારક શક્તિ પણ ખૂબ વધારે છે. જેથી, નાનાં બાળકોને અવાર-નવાર શરદી, ઉધરસ વગેરે થતાં નથી. તથા તે ઓછા બિમાર પડે છે. બાળકોને સુવર્ણપ્રાશન કરાવવાથી તેમની મગજની કાર્યક્ષમતા તથા યાદશક્તિ વધતાં અઘરાં વિષયો જલદી યાદ રહેતાં અને સમજાતાં બાળકને ભણવામાં પણ રસ પડવા લાગે છે. તે કંટાળી જતું નથી કે ચિડીયું બનતું નથી, અને ઉપલા ધોરણોમાં આવતાં અઘરાં વિષયોથી ગભરાતું નથી કે ડિપ્રેશનમાં આવી જતું નથી. નિયમિત પાણી મળવાથી છોડનો વિકાસ જેમ વધુ સારો થાય છે, તેમ નિયમિત સુવર્ણપ્રાશનથી બાળકનાં મગજનો વિકાસ ઝડપી અને વધુ સારો થાય છે.

મોર્ડન સાયન્સમાં જેમ બાળકોને પોલીયો, મેલેરીયા, બી.સી.જી. વગેરેની રસી આપીને જે-તે રોગો સામે લડવાની શક્તિ આપવામાં આવે છે, તેવી જ રીતે આયુર્વેદમાં બુધ્ધિશક્તિવર્ધક ઔષધો અને સુવર્ણથી બાળકનાં મગજનાં કોષોને વધારે કાર્યરત બનાવવા માટે સુવર્ણપ્રાશન સંસ્કાર કરવામાં આવે છે.

આયુર્વેદમાં વિધાન છે કે, યોગ્યવિધિથી નિષ્ણાંત વૈદ્યની સલાહ મુજબ કરવામાં આવેલું સુવર્ણપ્રાશન બાળકને ''શ્રુતધર'' અર્થાત્ સાંભળવા માત્રથી  યાદ રાખી શકે તેવું મેઘાવી  બનાવી શકે છે.

આજનાં સમયમાં જ્યારે ''સુવર્ણ''નાં ભાવ આસમાને છે, ત્યારે ''સુવર્ણપ્રાશન'' સંસ્કારમાં ખરેખર સુવ્રણ પીવડાવવામાં આવે છે કે કેમ તે પણ થોડું શંકાશીલ છે. તેથી બાળકોને સુવર્ણપ્રાશનની પહેલેથી તૈયાર રાખેલી મોંઘી બોટલો જે બહાર મળતી હોય છે, તેનાથી સુવર્ણપ્રાશન ન કરાવતાં શાસ્ત્રોક્તવિધિથી નિષ્ણાંત વૈદ્યની સલાહમાં નજર સમક્ષ જ સુવર્ણભસ્મની સાથે મેધ્ય-ઔષધયુક્ત પ્રાશન બાળકોને અપાવવાનો આગ્રહ રાખવો જોઇએ. પુષ્યનક્ષત્રની ''સુવર્ણધાતુ''  ઉપર અસર ઘણી પ્રભાવશાળી હોય છે, જેથી આ નક્ષત્રમાં સુવર્ણપ્રાશન કરાવવું ઘણું જ લાભદાયક છે. આજનાં યુગમાં જ્યારે દંપતીને શારીરિક અને માનસિક દ્રષ્ટિએ ખૂબ જ મજબૂત બને તે જોવું તે દરેક દંપતીની પ્રથમ ફરજ છે, જે માટે ''સુવર્ણપ્રાશન'' એ શ્રેષ્ઠ સારવાર છે, અને બાળકની ઉંમર ૧૨ વર્ષની થાય તે પહેલાં દરેક માતા-પિતાએ પોતાનાં બાળક માટે નિષ્ણાંત વૈદ્યની સલાહ મુજબ કરાવવા જેવો શ્રેષ્ઠ આયુર્વેદિક બુધ્ધિવર્ધક સંસ્કાર છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Q06dgk
Previous
Next Post »