૨૦૨૦ના નવા વર્ષના આરંભમાં જ વિશ્વ સમક્ષ વિવિધ પડકારો ઉભા થયા છે. ચીનમાં કોરોના વાયરસનો ઉપદ્રવ શરૂ થયા પછી ચીનની બહાર વિશ્વના વિવિધ સંખ્યાબંધ દેશોમાં આ ઘાતક વાયરસનો ઉપદ્રવ ફેલાયો છે. આની અસર વિશ્વના વિવિધ બજારો પર પડતી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે તાજેતરમાં જે આંકડા બહાર આવ્યા છે એ મુજબ ફુડ પ્રાઈસીસ ખાસ્સા નીચા ઉતર્યા છે. આ આંકડા ફેબુ્રઆરી મહિનાના આવ્યા છે અને માર્ચમાં પરિસ્થિતિ વધુ વકરી હોવાની ચર્ચા વિશ્વબજારમાં સંભળાઈ રહી છે. વિશ્વબજારમાં ફૂડના ભાવ છેલ્લા ચાર મહિનામાં પ્રથમવાર ફેબુ્રઆરીમાં ઘટતા જોવા મળ્યા છે. આ પૂર્વે નવેમ્બર, ડિસેમ્બર તથા જાન્યુઆરીમાં વિશ્વબજારમાં ફુડના ભાવ ઉંચા ગયા હતા, એવું ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનને જણાવ્યું હતું.
વિશ્વના ફુડ બજારમાં તાજેતરમાં ચીનની નવી માગ ઘટી છે. વર્લ્ડ ફુડ પ્રાઈસ ઈન્ડેક્સ ફેબુ્રઆરીમાં ઘટી ૧૮૦.૫૦ પોઈન્ટ નોંધાયો છે. વેજીટેબલ ઓઈલના ભાવનો વૈશ્વિક ઈન્ડેક્સ ફેબુ્રઆરીમાં ૧૦.૩૦ ટકા ઘટયો છે. વિશ્વબજારમાં ઘઉંના ભાવ નીચા ઉતરતાં સીરીયલ પ્રાઈસ ઈન્ડેક્સમાં પીછેહટ જોવા મળી છે. મકાઈના ભાવ પણ નીચા ઉતર્યા છે. જોકે આ ગાળામાં વૈશ્વિક સ્તરે ચોખાના ભાવ વધ્યાના વાવડ મળ્યા છે. ચીનની માગ રુંધાતાં દૂધના વૈશ્વિક ભાવમાં પણ તાજેતરમાં પીછેહટ જોવા મળી છે. જોકે ચીઝના ભાવ વધ્યા છે. ખાંડમાં ભારત તથા થાઈલેન્ડમાં ઉત્પાદન ઘટતાં વૈશ્વિક સ્તરે ખાંડ બજારનો ઈન્ડેક્સ ઉંચો ગયો છે. મકાઈનું ઉત્પાદન યુક્રેન તથા વેસ્ટ આફ્રીકામાં વધ્યું છે.
દરમિયાન, ભારતમાં અનાજ બજારમાંથી તાજેતરમાં મળેલા સમાચાર મુજબ દેશમાં ઘઉંની નવી મોસમ શરૂ થઈ ગઈ છે. અનાજ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર તથા મધ્ય- પ્રદેશના વિવિધ ઉત્પાદક મથકોએ નવા ઘઉંની આવકો તાજેતરમાં વધ્યાના વાવડ મળ્યા છે. જૂના ઘઉંમાં વેપારો ઘટયા છે તથા હવે નવા ઘઉંમાં વેપારો કેન્દ્ર સ્થાને આવ્યા છે. ગુજરાત- સૌરાષ્ટ્રના મળતા સમાચાર મુજબ રાજકોટ, કોડીનાર, કેશોદ, ગોંડલ, જુનાગઢ વિ. વિસ્તારોમાં નવા ઘઉંની આવકો તાજેતરમાં વધી છે. મધ્ય- પ્રદેશમાં નાની મંડીઓ તેમજ મોટી મંડીઓ આમ બધી મંડીઓમાં ઘઉંની નવી આવકો તાજેતરમાં ઉંચી ગયાના નિર્દેશો અનાજ બજારમાંથી મળ્યા છે.
મધ્ય- પ્રદેશના વિવિધ ઉત્પાદક મથકોએ તાજેતરમાં નવા ઘઉંના ભાવ ખાસ કરીને લોકવાન પ્રકારના તથા ક્રોસ પ્રકારના કિવ.ના રૂ.૧૮૦૦થી ૨૩૦૦ની રેન્જમાં ટ્રેડ થતા જોવા મળ્યા છે. મુંબઈ જેવા વપરાશી મથકોએ આવા ભાવ જાતવાર રૂ.૨૪૦૦થી ૨૭૦૦ વચ્ચે બોલાઈ રહ્યા હતા. ગુજરાતમાં સૌરાષ્ટ્ર બાજુથી મળેલા સમાચાર મુજબ ત્યાંના મથકોએ નવા ઘઉંમાં લોકવાન પ્રકારના તથા ૪૯૬ જાતના ભાવ તૂટી મિલ કવોલીટીના રૂ.૧૭૦૦થી ૧૯૦૦ રહ્યા હતા જ્યારે સારા માલોના ભાવ રૂ.૨૦૦૦થી ૨૧૦૦ રહ્યા હતા. જ્યારે આવા નવા ઘઉંના બજાર ભાવ વપરાશી મથકોએ રૂ.૨૩૦૦થી ૨૪૦૦ રહ્યા છે.
જ્યારે ચડીયાતા માલોના ભાવ રૂ.૨૫૦૦થી ૨૭૦૦ની રેન્જમાં રહ્યાના વાવડ મળ્યા હતા. અનાજ બજારના જાણકારોના જણાવ્યા મુજબ હોળી પછી વિવિધ બજારોમાં નવા ઘઉંની આવકો વધુ વધવાની શક્યતા બતાવાઈ રહી છે. જોકે મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં તાજેતરમા ંહવામાન પલ્ટાતાં તથા અમુક વિસ્તારમાં માવઠાના તથા કમોસમી વરસાદના સમાચાર વહેતા થતા અનાજ બજારમાં આ પ્રશ્ને અજંપો પણ દેખાયો છે. જોકે હવે પછી હવામાન સાનુકૂળ રહેશે તો ઘઉંનો પાક પ્રોત્સાહક આવવાની આશા જાણકારો બતાવી રહ્યા હતા. હળવો વરસાદ થશે તો ઘઉંના પાકને લાભ થશે અને જો વરસાદ ભારે થશે તથા પવન ફૂંકાશે તો પાક પર વિપરીત અસર થવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aPtR7l
ConversionConversion EmoticonEmoticon