ઉપર વાલેને ભેજા તો ભેજા, લેકિન કઈ આદમીઓમાં કે ભેજે મેં ભેજા ક્યું નહિ ભેજા ?
નૈષધ દેરાશ્રી (જામનગર)
ભેજે મેં ભેજા હોતા તો ડબલ ભેજા ન હો જાંતા ? દીમાગ ફૂટ જાતા.
દેવી દેવતાઓ પોતાના વિવિધ વાહનો શા માટે રાખતા હશે ?
શ્રીમતી વર્ષાબેન અંજારિયા (રાજકોટ)
એ વાહનો એમણે નથી રાખ્યા. આપણે એમને બઝાડિયા છે ?
નાગરજ્ઞાાતિમાં બૂચ, બક્ષી, માંકડ, મચ્છર, ઘોડા, હાથી અવાશિયા અંતાણી, રીંડાણી અને પોટા જેવી વિચિત્ર અટક કેમ હોય છે ?
અંબરીશ ડી. મહેતા (અમદાવાદ)
એ નાગરોની મોનોપોલી છે. બીજા કોઈનું ગજુ નથી કે આવી અટક રાખી શકે.
કારમાં રંગીન કાચ રાખવો ગૂનો બને છે તો કંપનીવાળા નવું મોડલ આપે છે તો જાહેરાતમાં રંગીન કાચ બતાવે છે આવું કેમ ?
વંદિત નાણાવટી (રાજકોટ)
કારમાં ગુનાહિત તત્વો અને ગુનાહિત કૃત્ય દેખાય નહિ એ માટે રંગીન કાચનો ઉપયોગ થતો હોવાનું માનીને એને માટે મનાઈ છે. એ દ્રષ્ટિએ રંગીન કાચ કરતાં હેલ્મેટ વધુ ખતરનાક છે. હેલ્મેટવાળો બધાને જોઈ શકે છે, ઓળખી શકે છે, પણ હેલ્મેટવાળો ઓળખાતો નથી. એ આતંકવાદી પણ હોઈ શકે ! યુવતીઓના દુપટ્ટાની બુકાની વિશે પણ પ્રશ્ન ઉઠવો જોઈએ.
મારા બાપદાદાની જમીન કોઈ પચાવી પાડે તો મારી કૂળદેવી ખોડિયારમાં નડે ખરા ?
એમ.એમ. ઝાલા (ત્રાણજા કઠોડા)
કૂળદેવી વચ્ચે આવે તો મિલકત પ્રત્યેની તમારી બેદરકારીની સજા કોણ ભોગવે ?
કર્નલ સાહેબ ! મારે વલ્લભપુરમાં દુકાન છે. ઉધારમાં બે લાખ છે, પણ કોઈ આપતું નથી. તો મારે શું કરવું ?
જામસંગભાઈ બી. સોલંકી (કંથારિયા)
ઉધાર આપતી વખતે અમને પૂછ્યુંતું તમે ?
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દેશી પોટલિયો ક્યારે બંધ થશે ?
મનોજ એમ. ઝાલા (લીંબાસી)
વિલાયતી બાટલીઓ બંધ થશે તો પોટલીઓ પણ બંધ થઈ જાય.
વસ્તી ગણતરી પાછળ તેર હજાર કરોડ રૂપિયા ખર્ચાવાનું નેતાઓ કહે છે. પણ એમાં સવાસો કરોડ પ્રજા હેરાન થશે તેનું શું ?
રસિક પઢિયાર (લાઠી સિટી)
એ તેર હજાર કરોડ રૂપિયા પણ પ્રજાએ જ ચુકવવા પડશે.
ભારતમાં સુખ અને શાંતિથી કેમ જીવવું, એ પારસી સમાજ પાસેથી શીખવું જોઈએ. એમ નથી લાગતું ?
દિવાન ઈબ્રાહીમશા,
ઉસ્માન શાહ (કરજણ)
ભારતમાં સૌથી ઓછી વસ્તી પારસી સમાજની છે. એમની ખામોશીનું રાઝ પણ એ જ છે !
શ્રી કર્નલ આનંદ ! મારે સવાલ નથી પૂછવો. નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. સ્વીકારજો !
મણિલાલ પારેખ (રાજકોટ)
ધન્યવાદ મણિલાલ ભાઈ ! દેશમાં તમારા જેવા સદગૃહસ્થો વસે છે, એ જાણીને આનંદ થયો !
વાણી વિલાસ નેતાઓ માટે આપનો મત જણાવશો.
મુકુન્દરાય વાસાણી
(બાબરા-સૌરાષ્ટ્ર)
એમના માટેનો અભિપ્રાય પણ વાણીવિલાસ જ ગણાશે.
અગાઉ પણ સવાલનો જવાબ નથી આપ્યો. આ વખતનો પ્રશ્ન છે નેકી કર દરિયા મેં ડાલ ! તળાવમાં કે કૂવામાં કેમ નથી નાખતા ?
મોઈન અસલમભાઈ મેમણ (નડિયાદ)
કૂવા તળાવમાં નાખો, પણ નેકી કરીને ભૂલી જવાનો આદેશ છે. યાદ રાખશો તો કોઈના પર ઉપકાર કર્યાનો ભાવ મનમાં જાગશે. નેકી એ ઉપકાર નથી. કર્તવ્ય છે ?
મા તે મા, બીજા વગડાના વા-તો બાપશું ?
અમૃત સોલંકી (બોટાદ)
ભણાવે, પરણાવે, ડાળે વળગાડી, દુનિયાદારી અને જીવતાં શીખવાડે એ બાપ !
આપણા નેતાઓની બહેરાશ ઇલે. વોટીંગ મશીન પણ દૂર ન થાય તો શું કરવું.
ઘનશ્યામ એમ. આચાર્ય
(ભડલી, તા. જસદણ)
વોટ દ્વારા ખુરશી પર બેસાડી શકાય તો ચળવળ દ્વારા ખુરશી પરથી ઉતારી પણ શકાય ! પ્રજાની આ શક્તિનો પરચો નેતાઓને થઈ જાય તો એમની બહેરાશ સાથે મિથ્યાભિમાન પણ દૂર થઈ જાય !
કહેવત છે કે, 'કાંટો કાઢનારનો ગુણ કદી ન ભૂલવો જોઈએ.' પણ આજે તો કાંટા કાઢનારને જ કાંટા ભોંકવામાં આવે છે. એવું કેમ ?
ડૉ. મિનાક્ષી અ. નાણાવટી (જૂનાગઢ)
મતદારને ભૂલી જવાનું રાજકીય નગુણાપણું સમાજમાં પણ પ્રવેશ્યું છે. એક વાત ચોક્કસ છે કે એને બીજીવાર કાંટો કાઢનાર કોઈ નહિ મળે !
કેમિકલથી પકવતા કેળાં આરોગ્ય માટે હાનિકારક હોવા છતાં સરકાર એ કામ બંધ કેમ કરાવતી નથી ?
નાનુભાઈ મગનભાઈ પટેલ (બીજલપોર, તા. નવસારી)
સરકારે તો ખાદ્યપદાર્થની ચકાસણી માટેનો એક આખો વિભાગ શરૂ કર્યો છે. પણ ચકાસણી કરનાર કર્મચારી લાંચ લેતાં હો તો પકડે કઈ રીતે ?
હું તો મરું પણ તને રંડાવું રાજકીય પક્ષોની આ માન્યતા એમની માનસિકતા સમાજ અને રાષ્ટ્રને ક્યાં લઈ જશે ?
પી.એમ. જોશી (નેત્રભલી-ઈડર)
આ સ્થિતિમાં અસહ્ય અતિરેક આવ્યો છે. હવે ખતમ થઈ જશે. જે બાબતમાં અતિરેક આવે એ બાબત નષ્ટ થયા વગર રહેતી નથી ! અને નષ્ટ થવામાં પહેલો નંબર ધર્મનો છે !
માફી માગે તે મહાન માણસ કે માફી આપે તે મહાન ગણાય ?
પ્રિયા ભરતકુમાર બારોટ (ભાવનગર)
બંને પક્ષે મહાનતા ગણાય !
પ્રાઈવેટ સેક્ટરમાં કર્મચારી, કામદારો અને શિક્ષકોને ફિક્સ પેન્શન ઓછું કેમ અપાય છે ?
શરદ આચાર્ય (કલોલ)
સરકાર ખુદ શોષણખોર હોય તો ફરિયાદ કોને કરવી ?
મહાન કોણ ? માફી માગનાર કે માફી આપનાર ?
ફિઝઝા એમ. આરસીવાલા (મુંબઈ)
અગાઉ પ્રિયા બારોટના પ્રશ્નમાં આનો જવાબ અપાઈ ગયો છે.
દેશની હાલની પરિસ્થિતિ માટે ક્યો રાજકીય પક્ષ જવાબદાર છે ?
સુમન વડુકૂલ (રાજકોટ)
હાલની સ્થિતિ માટે તો હાલનો જ શાસક પક્ષ જવાબદાર ગણાય !
તમે ટી સીરીઝને પસંદ કરો છો કે પ્યુડીપાઈને ?
યશ પરેશભાઈ જેઠવા (પડધરી)
અમે એવી કોઈ સીરીઝના બંધાણી નથી. જ્યારે જે જોવાનું મળે તે જોઈ લેવું !
શાહજહાંએ એની વાઈફ મુમતાજની યાદમાં તાજમહેલ આપ આપની પત્ની માટે શું બનાવો છો ?
પ્રતાપસિંહ બી. સોલંકી (ખેરંટી, જિ. ખેડા)
અમારે એની જરૂર નથી. અમારી પત્ની હયાત છે ને હયાતનાં મજાર-મકબરા ચણવાના ના હોય !
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IFPPxz
ConversionConversion EmoticonEmoticon