ટેલીકોમ ક્ષેત્ર અને નવી દિલ્હી વચ્ચેની અંટસ યથાવત છે. કોઈક બોલીવૂડની ફિલ્મમાં હોય એવું હાઈ-વોલ્ટેજ વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. અત્યાર સુધીના સંકેત એવા છે કે કેન્દ્ર સરકાર એક સમયની ટેલીકોમ જાયન્ટ કંપનીને રાહત આપવાના મૂડમાં નથી. યાગ્ય રાહત નહીં મળે તો કંપની બંધ કરી દેવાની પણ શકયતા ઉચ્ચારવામાં આવી છે. આ એક એવી પરિસ્થિતિ સર્જાશે જેમાં વિજેતા કોઈ ના હોય. ટેલીકોમ ક્ષેત્રની કંપનીઓ અને સરકાર બેમાંથી કોઈને જીતવું કે હારવું નથી. વિધિની વક્રતા છે કે એક તરફ દેશમાં ટેલીકોમ ક્ષેત્ર કૂદકે ને ભૂસકે વિકસી રહ્યું છે તો બીજી તરફ છેલ્લા બે-ત્રણ વરસમાં ટેલીકોમ ક્ષેત્ર અને તેમાં પ્રવૃત્ત કંપનીઓની હાલત એકદમ કથળી ગઈ છે.
ભારત વિશ્વનું બીજા નંબરનું ંમોબાઈલ માર્કેટ છે. ઓલરેડી ૧.૨ અબજ સીમ કાર્ડ હોલ્ડર છે અને આ આંકડો ઝડપથી વધી રહ્યો છે. ડેટાની વાત કરીએ તો ભારતના નાગરિકો જેટલો ડેટા વિશ્વના કોઈ દેશનાં નાગરિકો નથી વાપરતા. કશુંક આઉટ ઓફ બોક્સ વિચારતી મોબાઈલ કંપનીઓ માટે અહીં આજે પણ ભારે તક રહેલી છે જે નવી આવેલી જાણીતી કંપનીએ પૂરવાર કર્યું છે અને હાલમાં રહેલી પરિસ્થિતિનો આ કંપની ફાયદો પણ ઉઠાવી રહી છે. આમ હોવા છતાં ટેલીકોમ ક્ષેત્રે અગાઉથી કાર્યરત કંપનીઓ જેમની પાસે ગ્રાહકોની સંખ્યા કરોડોમાં છે છતાં તેઓ ભારતમાં ટકવામાં સંઘર્ષ શા માટે કરી રહી છે એ એક કોયડો છે. અને એ પણ અઘરો.
છેલ્લા દાયકામાં ભારતે જેટલી પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (પીપીપી) કાર્યક્રમની જાહેરાત કરી છે એ અદ્વિતીય છે વિશ્વમાં આ આંકડો સૌથી મોટો છે. પરંતુ જમીની સ્તર પર એનો ફાયદો મળ્યો હોય એવા એંઘાણ દૂરદૂર દેખાતા નથી. જમીન, નાણા અને અન્ય સ્ત્રોતોથી આડેધડ ફાળવણી કરવામાં આવી છે. આ યોજનાઓમાં જે વિવાદો થયા છે એનું નિરાકરણ લાવવા કોઈ યંત્રણા જ નથી. ઈન્ફ્રાસ્ટ્રકચર યોજનાઓ એક પડકાર છે. હકીકતમાં આ વિરાટ કાર્ય માટે સરકારે અલાયદા મંત્રાલયની રચના કરવી જરૂરી છે. બાકી પાંચ ટ્રિલિયનના અર્થતંત્ર બનાવવા માટે ધ નેશનલ ઈન્ફ્રાસ્ટ્રકચર પાઈપલાઈન માત્ર એક આભાસ બની ઊભો રહેશે. પાંચ વરસ પછી એના નક્કર પરિણામો નહિં દેખાય.
કેટલી ક ટેલીકોમ કંપનીઓ પોતાની વર્તમાન સ્થિતિ માટે સરકારી નીતિ અને નિયંત્રણોને જવાબદાર માને છે. એવી દલીલ છે કે સ્પેકટ્રમ ફી અને એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યુ એ બેવડો કારભાર અસહ્ય છે. આ ફ્રેમવર્ક ૯૦ના દાયકાના અંત માટે તથા ૨૦૦૦ના શરૂઆતના વરસો માટે હતું. નહીં કે ૨૦૨૦ના યુગ માટે. મોબાઈલ કેનક્ટિવિટી હવે નાગરિકોના જીવનના કેન્દ્ર સ્થાને છે. બિઝનેસ અને સમગ્ર અર્થતંત્ર માટે પણ મોબાઈલ અન ેકલાઉડ અતિ મહત્ત્વના છે.
હકીકતમાં એજીઆરની બાબત અગાઉ થયેલા પ્રાઈસ વોરનું પરિણામ છે. સુપ્રીમે એજીઆરના મામલે ટેલીકોમ કંપનીઓની દલીલ માન્ય ન રાખી અને લાઈસન્સ ફીની ચૂકવણી કરવાનો આદેશ આપ્યો. પછી એણે પેમેન્ટ કરવાની મુદત વધારવાની પણ ના પાડી દીધી. ઉલટ એ તબક્કે કેન્દ્રના વલણનો સુપ્રીમે ઉધડો લીધો. ત્યારબાદ કેન્દ્ર સરકાર અવઢવમાં છે. હાલમાં કાર્યરત કંપનીઓમાંથી કોઈ કંપની નાદારી નોંધાવે તો બેન્કોએ અબજોની રકમ માંડવાળ કરવી પડે. અને બજારમાં રહીસહી કંપનીઓની ઈજારાશાહી વધી જાય. સુપ્રીમના આદેશ પછી ટેલીકોમ કંપનીઓએ આશરે ૧.૪૭ લાખ કરોડની ચૂકવણી કરવાની છે. તો હવે ટેલીકોમ કંપનીઓએ આ રકમની ગણતરી પોતાની પદ્ધતિ પ્રમાણે કરી કહ્યું છે કે રકમ હકીકતમાં નાની છે.
હાલમાં આ ક્ષેત્ર મુખ્યત્વે ત્રણ મોટા ખાનગી ખેલાડીઓ રીલાયન્સ જીઓ, આઈડીયા-વોડાફોન તથા એરટેલ રહ્યા છે. અલબત્ત સાથે સરકારી બીએસએનએલ તથા એમટીએનએલ પણ છે.જેની સ્થિતિ પણ કંઈ સારી નથી. ગ્રાહકો માટે આ ક્ષેત્રમાંથી સતત સારા સમાચાર મળતા રહે છે પણ તે સામે ટેલીકોમ કંપનીઓની હાલત કફોડી થતી જાય છે. કોઈ ટેલીકોમ કંપની ખરેખર પલાયન કરી જાય તો એની અસર ટાવર બિઝનેસ પર પણ પડશે. એજીઆરની રકમની ચૂકવણી કરવામાં કંપનીઓ સરકાર પાસે રાહતો માગી રહી છે પણ સરકારે હજુ ખાસ ઢીલ આપી નથી.
સુપ્રીમના આદેશનું ઉલ્લંઘન તો ન કરાય. પરંતુ આ આદેશને પગલે દેશમાં ટેલીકોમ ક્ષેત્રની હાલત કફોડી કરી નાંખી છે ે એટલી હદે કે કોઈ કંપની બંધ પડે તો ક્ષેત્રમાં ડયુઓપોલી બની જશે. નોન ટેલીકોમ પીએસયુની વાત ન કરીએ તો આ કટોકટીનું મૂળ ઓપરેટર દ્વારા નાણા ચૂકવવાની અક્ષમતામાં રહેલું છે. જંગી રકમની જેમણે ચૂકવણી કરવાની છે તે ટેલીકોમ કંપનીઓ અને એના પ્રમોટર જંગી પ્રમાણમાં આર્થિક સંશાધનો ઠાલવે તો જ આ પરિસ્થિતિમાંથી છુટકારો મળી શકે એમ છે. નવેસરથી ઈકિવટી ઠલવાય એવા સંજોગો હાલમાં તો દેખાતા નથી. જો ધીના ઠામમાં ધી પડયું રહે તો લોંગ ટર્મ બેેસિસ પર આ ક્ષેત્રના દિવસો સારા છે.
તાજેતરના વર્ષોમાં દેશમાં ટેલીકોમનો વ્યવસાય જંગી ખોટમાં છે. જેનું મુખ્ય કારણ પ્રાઈસ વોર છે. પ્રાઈસ વોરને કારણે ગ્રાહકોને ફાયદો પહોંચ્યો છે અને આ ક્ષેત્રનો વ્યાપ બહોળો બન્યો છે. પણ જંગી ખોટને કારણે કંપનીઓના હાથમાં નવા રોકાણ માટે નાણાં નથી. હવે જો વધુ એક ટેલીકોમ કંપની ફડચામાં જશે તો એની અસર દૂરગામી હશે. હજારો કર્મચારીઓ બેકાર બની જશે. નાણાંકીય દ્રષ્ટિકોણથી જોઈએ તો કંપની પર કુલ દેવું ૧.૨ ટ્રિલિયન રૂપિયા છે. કેન્દ્ર સરકાર ૯૦ હજાર કરોડની ટેક્સ રેવેન્યુ ગુમાવશે. બેન્કોની બેડ લોનનો આંકડો વધશે. દેશની નાણાંકીય ખાધનો આંકડો ૪૦ બેસિસ પોઈન્ટ વધશે. ડિજીટલ ઈન્ડિયા પહેલ માટે જરૂરી છે કે ટેલિકોમ ક્ષેત્ર સુદ્રઢ બને. કોમર્સ ટુ ઈકોનોમી, પ્રત્યેક ક્ષેત્ર માટે ટેલિકોમ ક્ષેત્રની તંદુરસ્તીઆવકાર્ય નહીં પણ અનિવાર્ય છે. હવે જો આ ક્ષેત્ર ડયુઓપોલી તરફ જશે તો ગ્રાહકો માટે માઠા સમાચાર હશે. નીતિના ઘડવૈયાઓને પણ કદાચ આ નહિં ગમે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xnOaKz
ConversionConversion EmoticonEmoticon