યસ બેંકના ધબડકા સહિતની
યસ બેંકના ધબડકાએ અનેક રોકાણકારોને ખોટના ખાડામાં ઉતારી દીધા છતાં ય સેબીની ચૂપકીદી
યસ બેંક બે વર્ષથી મુશ્કેલીમાં મુકાઈ હોવા છતાં તંત્રએ માત્ર તેના પ્રમોટરની હકાલપટ્ટી કરી સંતોષ માન્યો... અંતે બેંકના ખાતેદારો અને રોકાણકારો જ મુશ્કેલીમાં મુકાઈ ગયા
હોળી અગાઉ દેશમાં આર્થિક સમસ્યાઓની હૈયાહોળીનું ધમાસાણ મચી ગયું છે.મ માર્ચના પહેલા અઠવાડિયામાં ભારત સહિત વિશ્વના મોટા ભાગના દેશોમાં આર્થિક સમસ્યાઓ તંગ બની છે. સપ્તાહનો છેલ્લો દિવસ શેરબજાર તથા યશ બેંકને લઈને બ્લેક ફ્રાય ડે પુરવાર થયો છે. અમેરિકાએ વ્યાજના દરોમાં અડધા ટકાનો ઘટાડો શંકાની નજરે ચડયો છે જેને લઈને અમેરિકાના શેરબજારોમાં વેચવાલીનું પ્રેશર આર્થિક પ્રવાહો ઉપર જોવા મળેલ છે. કોરોના વાઇરસ વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી વૈશ્વિક ગભરાટને કારણે અમેરિકા, યુરોપ, બ્રિટન સહિત મોટા ભાગના દેશોના બજારોમાં ભારે અફડાતફડીનો માહોલ છવાયો છે. જો કે સુરક્ષિત રોકાણ માટે આજકાલ સોનું સૌથી સલામત એસેટ પુરવાર થતા સોનાની માંગ વધતા સોનાના ભાવ ઉંચકાયા છે.
શેરબજાર ગયા અઠવાડિયે ભારે રેકોર્ડ બ્રેક ઘટાડા સાથે ઉંધા માથે પટકાતા રોકાણકાર વર્ગ ડઘાઈ ગયો છે. દેશની ખાનગી બેંકોમાં પાંચમા નંબરની સૌથી મોટી ગણાતી યશ બેંક એનપીએના કૌભાંડોના કારણે આર્થિક પાટા ઉપરથી ગબડી પડતાં યશ બેંકનો શેર ૮૫ ટકા તૂટીને પાંચ રૂપિયા આસપાસ નોંધપાત્ર ઘટાડા સાથે પટકાતા સમગ્ર બજાર તેમજ રોકાણકાર વર્ગ સ્તબ્ધ થઈ ગયા હતા.
નાણાંકીય મુશ્કેલીમાં મુકાયેલ યસ બેંકના બોર્ડને સુપરસિડ કરાયા બાદ નાણાંમંત્રી નિર્મલા સીતારામન, રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાન્તા દાસ અને અન્ય બેન્કિંગ દિગ્ગજો એવી હૈયાધારણ આપી રહ્યા છે કે બેંકમાં જેમની રકમ જમા છે એમણે ચિંતા કરવી નહીં, તેમની જમા રકમ સુરક્ષિત છે, ૩૦ દિવસનો સમયગાળો માત્ર સૂચિત છે અને એ પહેલાં પણ બેંકની સમસ્યાનું નિવારણ આવી જશે. જો કે, બેંક ડિપોઝીટર રકમ ભલે સુરક્ષિત હોય પણ દેશની પ્રજા જે જોખમમાં લઈ મૂડી આપે છે તે ઇક્વિટી શેરહોલ્ડરનું શું ? એમણે જોખમ ઉઠાવી મૂડી એકત્ર કરી બેંકને આપી અને તેના આધારે બેંક ૧૫ વર્ષથી કાર્યરત હતી તો તેમની મૂડી કેમ સુરક્ષિત નહિ ? બેંકના બોર્ડને સુપરસિડ કરાયા બાદ આ શેરમાં ૮૫ ટકાનું ગાબડું પડતા રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબી ગયા છે.
યસ બેંકમાં કોર્પોરેટ ગવર્નન્સ એટલે કે અધિકારીઓનો વહીવટ બરાબર નથી એવી ફરિયાદ ઉઠયાને એક વર્ષ જેટલો સમય થઈ ગયો હતો. રિઝર્વ બેંકે કરેલા ઓડિટમા બેન્કે પોતાના એનપીએ છુપાવીને રાખ્યા હોવાનું બહાર આવ્યું ત્યારથી યસ બેંક મુસીબતમાં આવી પડી હતી. આઇએલ એન્ડ એફએસ નબળી પડી અને એ પછી જે કટોકટી આવી એમાં જેટલી નબળી કંપનીઓ કે ઉદ્યોગગૃહ હતા તેમાં બેન્કે ધિરાણ કરેલ હોવાનું બહાર આવ્યું છે. આ નબળી કંપનીઓના લીધે બેંકના એનપીએ વધ્યા અને એ પછી બેંકની મૂડીની જરૂરિયાત પણ વધી એટલે યસ બેંકમાં અચાનક સમસ્યા ઉભી થઈ એવું નથી. છેલ્લા એક વર્ષમાં યસ બેંકનો સર્વાધિક શેરનો ભાવ તા. ૩ એપ્રિલ, ૨૦૧૯ના રોજ રૂા. ૨૮૫.૯૦ હતો અને એ સમયે બેંકનું બજારમૂલ્ય રૂા. ૬૬,૧૮૬ કરોડ હતું. આ ૧૧ મહિનામાં બેંકના શેરના ભાવ ૯૪ ટકા ઘટી ગયા છે. અને રોકાણકારોના રૂા. ૬૨,૦૫૫ કરોડનું ધોવાણ થઈ ગયું છે. આ ધોવાણ સતત ચાલુ રહ્યું હોવા છતાં રોકાણકારોના હિતોની રક્ષા કેમ થઈ નહીં એ પણ એક યક્ષ પ્રશ્ન છે.
જે રીતે બેન્કમાં સંપત્તિનું ધોવાણ થયું છે એ જોતા લાગી રહ્યું છે કે રોકાણકારોના હિતની રક્ષા માટે કોઈ વિચારણા થઈ રહી નથી. રિઝર્વ બેંક વર્ષ ૨૦૧૭થી યસ બેંક ઉપર નજર રાખી રહી હતી જ્યાં માત્ર કંપનીના ફાઉન્ડરને પાણીચું આપી દેવાયું તે સિવાય અન્ય કંઈ જ નહીં. કેન્દ્ર સરકાર માર્ચ ૨૦૧૯થી રિઝર્વ બેંકના દરેક પગલા અંગે વાકેફ રહેતી હતી. નવા સીઇઓને નિમવામાં આવ્યા હતા. બેંકની કામગીરી અને વહીવટ નબળા હતા, બેંકની ધિરાણ કરવાની નીતિ જોખમો અંગે વાકેફ હતી અને બેંક રિઝર્વ બેંકના નિયમો અને નીતિનું પાલન પણ કરી રહી નહોતી. આમ છતાં બેન્કના રોકાણકારોના હિતોનું રક્ષણ કરનાર માર્કેટ રેગ્યુલેટર સેબી ચૂપ રહી અને હજુ પણ ચૂપ છે તે ખરેખર ગંભીર ચિંતાનો વિષય છે.
આમ, આટલા લાંબા સમયમાં એનપીએના બોજાને લઈને ઉદ્ભવેલ પ્રતિકૂળતાઓ પ્રબળ બનતા રિઝર્વ બેંક દ્વારા યસ બેંકના બોર્ડને તાત્કાલીક અસરથી સુપરસિડ કરી દેવાયું હતું. જો કે, યસ બેન્કમાંથી નાણાં કઢાવવા પર રિઝર્વ બેંક દ્વારા લદાયેલા નિયંત્રણ અને મોરેટોરિયમ એક્રેડિટ નેગેટિવ હોવાનું મૂડી'સ ઇન્વેસ્ટરે જણાવ્યું હતું. સંકલિત પગલાનો અભાવ બેન્કમાં ઉકેલો લાવવામાં અનિશ્ચિતતા રહેલી હોવાના સંકેત મળે છે.
યસ બેંક પર રિઝર્વ બેંકનું મોરેટોરિમ ક્રેડિટ નેગેટિવ છે. કારણ કે આ પગલાથી બેન્કના ડિપોઝીટરો તથા ક્રેડિટરોને સમયસર નાણાં મળવા પર અસર થશે. એમ મૂડી'સના એક વિશ્લેષકે જણાવ્યું હતું. રિઝર્વ બેંકના નિયંત્રણને કારણે યસ બેંક કોઈ પણ લોન અથવા ધિરાણ રિન્યુ નહી કરી શકે, કોઈ ઇન્વેસ્ટમેન્ટ નહીં કરી શકે અથવા કોઈ લાયાબીલિટી પણ ઉભી નહી કરી શકે.
રિઝર્વ બેંક દ્વારા આ પગલું ભરાયું તેના આગલા દિવસે જ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રોકાણ કરવાને સરકારે મંજૂરી આપ્યાના અહેવાલો વચ્ચે યસ બેંકના શેરોમાં ૨૬ ટકાનો મોટો ઉછાળો આવ્યો હતો અને રોકાણકારો આકર્ષાયા હતા. આ સાથે ઉલ્લેખનીય છે કે, એસબીઆઇ કાર્ડસ એન્ડ પેમેન્ટસનો મેગા આઇપીઓનો છેલ્લો દિવસ હતો ત્યારે આ ઇશ્યુ ૨૬.૫ ગણા પ્રતિસાદે ભરાઈ ગયા બાદ સાંજે જ યશ બેંકના બોર્ડને સુપરસીડ કરવાનો નિર્ણય લેવાતા સરકારના આ યશ બેંક મામલે નિર્ણયના સમયને લોકો શંકાની નજરે જોઈ રહ્યા છે.
રિઝર્વ બેંકના આ પગલા બાદ યસ બેંકને પુનઃ ધમધમતી કરવા તમામ કવાયત હાથ ધરી દેવાઈ છે અને આપણે સૌ આશા રાખીએ કે યસ બેંકના ખાતેદારોને તેમની મૂડી પરત મળે. જો કે, યસ બેંકના આ ધબડકાના કારણે અનેક રોકાણકારો ઉઠી ગયા છે, ખોટના ખાડામા ઉતરી ગયા છે રોકાણકારોનો આ ખાડો પુરાશે કે કેમ તેની સામે તો પ્રશ્નાર્થ જ ઉભો છે...
૨૦૨૦: ટોપ ટુ બોટમ રોકાણકારોના ૧૬.૨૬ લાખ કરોડનું ધોવાણ
૨૦૨૦ના કેલેન્ડર વર્ષનો પ્રથમ ત્રિમાસિક ગાળો શેરબજાર માટે સંપૂર્ણપણે નેગેટિવ પુરવાર થયો છે. આ સમયગાળા દરમિયાન ૨૦ જાન્યુઆરીએ સેન્સેક્સ ૪૨૨૭૪ની ઐતિહાસિક ટોચે હતો ત્યાંથી તે ૬ માર્ચના રોજ ૩૭૦૧૧ના તળિયે પટકાયો હતો. આમ, સેન્સેક્સના આ બેે લેવલને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો, આ સમયગાળા દરમિયાન બીએસઇના માર્કેટ કેપમાં રૂા. ૧૬.૨૬ લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું છે.
યસ બેંક નાણાંકીય મોરચે મુશ્કેલીમાં છતાં ય રોકાણકારોમાં હોટ ફેવરિટ
ભૂતકાળમાં યસ બેંકનો આઇપીઓ આવ્યો ત્યારથી જ તેનો શેર રોકાણકારોમાં લોકપ્રિય હતો અને તે કારણથી જ યસ બેંક નાણાંકીય મુશ્કેલીમાં મુકાઈ હોવા છતાં તેના રિટેલ શેરહોલ્ડિંગમાં સતત વધારો જોવા મળ્યો હતો.
ગત તા. ૧૩ જુલાઈ ૨૦૧૮ના રોજ રેટિંગ એજન્સી દ્વારા તેના ઇન્ફ્રા બોન્ડ અને ટાયર ટુ બોન્ડનું રેટિંગ અપગ્રેડ કરાતા તેમજ સારા પરિણામો તેમજ બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં સૌથી ઓછા ગ્રોસ એનપીએ ધરાવતી હોવાના કારણે યસ બેંકનો શેર રૂા. ૩૮૫ની ઉંચી સપાટીએ હતો. છેલ્લા એક વર્ષની વાત કરીએ તો રૂા. ૨ની ફેસવેલ્યુ ધરાવતા યસ બેંકના શેરની બાવન સપ્તાહની ઉંચી સપાટી રૂા. ૨૮૬ની હતી. આમ, આ ઉંચી સપાટીથી આ શેર તૂટીને રૂા. ૫.૬૫ના તળિયે પટકાયો હતો. આમ, આ શેરના ભાવમાં ભારે ઉથલપાથલ વચ્ચે પણ રોકાણકારમાં આ શેર હોટફેવરિટ હોવાના કારણે છેલ્લા બે વર્ષથી બેંક મુશ્કેલીમાં મુકાઈ હોવા છતાં તેના રિટેલ શેરહોલ્ડિંગમાં વધારો થવા પામ્યો હતો. અંતે યસ બેંકના શેરમાં બોલેલા ધબડકાના પગલે રોકાણકારોની મૂડીમાં જંગી ધોવાણ થઈ જવા પામ્યુ હતું.
યસ બેંકમાં રિટેલ શેરહોલ્ડિંગ પર નજર
જૂન ૨૦૧૮ ૮.૮૩%
સપ્ટેમ્બર ૨૦૧૮ ૧૧.૧૯%
ડિસેમ્બર ૨૦૧૮ ૧૬.૨૭%
માર્ચ ૨૦૧૯ ૧૩.૯૬%
જૂન ૨૦૧૯ ૨૦.૪૬%
સપ્ટેમ્બર ૨૦૧૯ ૨૯.૯૪%
ડિસેમ્બર ૨૦૧૯ ૪૭.૯૬%
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IxNWmp
ConversionConversion EmoticonEmoticon