માનવજાતનો મહાપ્રલયકારી આતંકવાદી


શોધો કોરોનાનો કીડો-એનો વાળી દો વિશ્વનાશી વીડો અને ઊંડી ભોંયમાં ભીડો કે ફરી તતડે ન એ તીડો

રાક્ષસો હંમેશા કંઈ વિશાળ કે વિકરાળ જ નથી હોતા, તેઓ ઝીણામાં ઝીણી જીવાતરૂપે અદ્દશ્ય પણ હોય છે

દુનિયામાં સહુથી મોટો આંતકવાદી કોણ છે, જાણો છો ? તે તમારા ઘરમાં, શયનવસ્ત્રોમાં, ગોદડાં ગોદડીમાં, તબેલામાં, પશુશાળામાં, પાળેલા પશુઓમાં ભરાઈ રહે છે. અને તક મળતાં જ ત્રાટકે છે. એક વખત ત્રાટકે છે પછી ઉપાય રહેતો નથી.

માનવજાતના સંહાર કરનાર જે બીજા આતંકવાદીઓ છે. તેમાં માખી, મચ્છર, વંદા, જૂ વગેરેનો સમાવેશ થાય છે. પણ ચાંચડનું નામ કાને પડતાં જ શરીર કંપકંપી ઉઠે છે.

ચાંચડ એટલી પ્રચંડ ટકાઉ જીવશક્તિ ધરાવે છે કે, કંઈક તીવ્ર સાબુઓ કે જંતુનાશકને પણ તે ગાંઠતાં નથી. સહેજ અવકાશ રહી જાય તો ફરીથી તેનો વિકાસ અને વસ્તીનો નિકાસ શરૂ થઈ જાય છે.

છ પગ ધરાવતાં ચાંચડ ભારે ચંચળ છે. તે જરાય ચેનથી બેસતાં નથી. આખો વખત સરસર ફરફર કર્યા કરે છે. તેના છ એ પગ ઉપર જાતજાતના વાળ હોય છે. એ રૂંવાટી તીખી અણીદાર હોય છે.

વારંવાર જ્યારે તે શરીર ખંખેરે છે, ત્યારે અતિ સૂક્ષ્મ કંઈક કિટાણુ વિષાણુઓ છોડે છે.

તેના કરડવાથી કંઈક રોગો થાય છે. પણ બ્યુબોનિક પ્લેગ તથા બ્લેક ડેથ મોટામાં મોટા રોગના પ્રકાર છે. ચાંચડ દ્વારા થતા લગભગ તમામ રોગો ચેપી છે. ચાંચડ અત્યંત ઝડપથી રોગ ફેલાવે છે. ચાંચડથી થયેલા પ્લેગમાં હજ્જારો માનવ- પશુઓના મૃત્યુનો આંક નોંધાયેલો છે.

થોડા વર્ષો પહેલાં સુરતમાં ચાંચડના પ્લેગે કાળો કેર વરતાવ્યો હતો.

ટપોટપ મૃત્યુ એટલે ચાંચડ. ચાંચડે આજ સુધીમાં કંઈ કેટલીય વસ્તીઓ ખાલી કરાવી નાખી છે. સંશોધક કહે છે કે એવી ખાલી વસ્તી ચાંચડનાં આતંકવાદનું પરિણામ છે.

ચાંચડનો મુખ્ય ખોરાક લોહી છે.

માણસનું કે પશુપંખીનું ગમે તેનું લોહી તેને ખપે છે. લોહી મેળવવા તે વાનર, શ્વાન, ભેંસ, ગાય, બકરાં, ઘેટાં, હરણ અને વાઘ સિંહની જટામાં પણ છુપાઈ જાય છે.

ઉંદર અને ખિસકોલી તેના પ્રિય જીવ છે. ઉંદર દ્વારા જ તે પોતાનો વિનાશ આતંક ફેલાવે છે. તરફડીને બહાર આવી મરતાં ઉંદર પ્લેગની શરૂઆત છે. ટપોટપ સંખ્યાબંધ ઉંદરો મરવા લાગે છે અને પ્લેગ પોતાનો કેર વરતાવે છે.

ચાંચડ જેનો સંહાર કરે છે, તેને મૃત્યુ બાદ પણ છોડતાં નથી. જેના દેહને તે વળગે છે, તેનું ખોખું બનાવીને જ છોડે છે.

ચાંચડ પોતાના પ્રિય ખોરાક લોહી વગર લાંબો સમય જીવી શકે છે. પણ એક વખત લોહી મળવા લાગે કે તેની ઝડપ ઘણી વધી જાય છે.

કહે છે કે, બરછટ, સુક્કા, ફિક્કા કર્કશ વાળ જેવી ત્વચા, તેની પ્રિય જગા છે. પણ વાળમાં તેલ નાખવાથી ય તેને કોઈ ફેર પડતો નથી. તે સુક્કા-લીલા બધાં પ્રદેશમાં છુપાઈને રહી શકે છે, વિકાસ સાધી શકે છે. તેની હરવા ફરવાની શક્તિ ઘણી તીવ્ર છે. તે પોતાની સૂક્ષ્મ કાયાના પ્રમાણમાં બસો ગણું ઊડી શકે છે. એક જગાએથી બીજી જગાએ કૂદકો મારતાં તેને વાર લાગતી નથી. એ પરિભ્રમણ તે પોતાના વિકાસ તથા વધુ લોહીની શોધ માટે ચાલુ રાખે છે. ચાંચડને માખી કે મચ્છર જેવી પાંખ હોતી નથી, પણ તેના કાંગારૂ કુદકા તેને પાંખથી વધુ જંપ આપે છે. આને જ કારણે ચિકિત્સા શાસ્ત્રમાં તેને જંમ્પીંગ ડેથ કહે છે. (કૂદતોકાળ)

માણસ જાતને માટે ચાંચડનો ઉપદ્રવ રાતના સમયે શરૂ થાય છે. છાણની બનાવેલી ભીંતો, ગંદી પથારી, જૂના પાથરણાં, પરસેવાનો ભેજ જેવી વાત એને આકર્ષે છે.

માણસને માટે જે ગંદકી છે, તે જ ચાંચડનું સ્વર્ગ છે. જો કે પશુઓ માટે તેને દિવસ રાતનો કોઈ ક્રમ નથી.

ચાંચડને નખ પર રાખી બીજા નખથી કચડીને મારવાનો રિવાજ છે. પણ એથી એકાદ ચાંચડ મરશે. ઉપરાંત એમાંથી ચાંચડનું જે લોહી ફેલાશે તેનાથી પાછો ચાંચડનો ઉપદ્રવ વધશે. એટલે ચાંચડોને સમૂહમાં જ ખતમ કરવા હિતાવહ છે. ચાંચડનો ઉપાય ચાંચડ થવા જ ન દેવા, એ જ છે. એક વખત થાય છે પછી એની વસ્તી રોકી શકાતી નથી. એ સ્વાસ્થ્ય અને સ્વચ્છતાને પડકારે છે.

જન્મે છે ત્યારે તેનું સૂક્ષ્મ રૂપ સાવ અદૃશ્ય જેવું હોય છે. પણ તેની કાતિલતા એવી જ દુષ્ટ હોય છે. તેને પરેશાન કરવામાં આવે તો હાથ પગ વગરના એ સૂક્ષ્મ જીવો એવા દબાઈ ચંપાઈને ફેલાય છે કે, રોકી શકાતાં નથી.

ભૂખે રહેવાની ચાંચડની આજન્મ શક્તિ અદ્ભુત છે, અને અકરાંતિયાની જેમ લોહી પીવાની તેની રાક્ષસી શક્તિ વળી એથી વધુ અદ્ભુત છે. ચાંચડને ગરમી પસંદ છે. ઉષ્ણ વાતાવરણ ઠીક ફાવે છે. પણ તે બીજા હર પ્રકારના વાતાવરણને અનુકુળ બની શકે છે. એને ઉષ્મા પશુ, પ્રાણી તથા માણસના શરીરમાંથી મેળવવાની છે, તે મળી જ રહે છે.

માનવ પશુઓને સામૂહિક રીતે ખતમ કરતા આ આતંકવાદ વિષે વધુ જાણવાની ઇચ્છા થાય છે. પ્લેગમુક્તિનો પરમાત્મા પુસ્તક વાંચશો. દુનિયામાંથી પ્લેગ મિટાવવાની પ્રતિજ્ઞાા કરનાર ડોક્ટર હાફકિનની એ અજબ ગજબની સંઘર્ષ કથા છે. મુંબઈમાં હાફકિન ઇન્સ્ટિટયૂટ જેવી તેની કાયમી કાર્યશાળા છે. આજે કોરોના વાયરસ વિશ્વને કોરી રહ્યો છે, ત્યારે પ્લેગની આ કથા જરૂર પ્રેરણારૂપ બની રહેશે. વખતે કોઈ કોરોનાનો મરણિયો શોધક હાફકીન મળી જાય !

એક ઉંદરડો બની મરણિયો માણસોને મારે

એક ઉંદરડો બની મરણિયો, માણસોને ડારે

એક સાથે એ કંઈક સેંકડો, માણસોને મારે

ચાંચડનો એ સાથ લઈને ચિતા અગ્નિ ચારે

પોતે જીવે કે મરે ભલેને, સામાઓને મારે

લઈ હાથમાં પ્લેગ બોમ્બ, એ ધાર્યા નિશાન પાડે

હડુડુડુ કરતાં ભાગે માનવી, ટોળે વળીને દોડે

કાલ સંતાતો પોતે અને ફરતો ધારે ધારે

આજ માનવી છૂપી છૂપીને, ભાગે ધારે ધારે

ડૂંડાળાનો વાહન વીફરી મોત આજે પોકારે

દેવા ગણેશ દેવાને આજે માનવજાત પોકારે

ઘણી ખમ્મા મૂષકજી મામા હવે સમજવું તારે

મરકીમાં શું કામ રે મરવું રે તારે કે મારે ?

સાફ થઈ ગયા કાદવ કિચડ, સફાઈ ક્યારે ક્યારે

કાન પકડિયા ગંદકી હવે કરશું નહિ રે ક્યારે

પહેલાં રૂઠિયા ઇંદર રાજા ધોઈ નાખિયા ધારે

હવે પ્લેગની પિસ્તોલ લઈને ઉંદરમામા મારે

ચાંચડનો એ સાથ લઈને ચિતા અગનિ ચારે : પોતે જીવે કે મરે ભલેને, સામાઓને મારે



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TOvtID
Previous
Next Post »